
ભાગ-3
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલની કેટલીક આંતરીક વાતો, પડદાં પાછળની વાતો..

- સિરિયલમાં કેટલીક ભૂલો પણ થતી હોય છે. શરૃઆતમાં ઘણા વર્ષો સુધી જેઠાલાલનું રસોડુ એવુ હતુ કે બેડરૃમમાં થઈને ત્યાં જવાતુ હતું! પણ એમાં એક વખત ગરબડ થઈ હતી. એક એપિસોડમાં જેઠાલાલને ત્યાં મહેતા જમવા આવે અને દયા તેને જમાડવાની ના પાડે એ પછી જેઠાલાલ બીમાર પડી જાય છે. ત્યારે દયા ડો.હાથી માટે રસોડામાંથી સરબતનો ગ્લાસ લઈને આવે છે. રસોડાનો દરવાજો બેડરૃમમાં હોય તો દયાએ ત્યાંથી જ આવવુ જોઈએ એના બદલે દયા ડ્રોઈંગરૃમ તરફથી ગ્લાસ લઈને આવે છે. એ રીતે ત્યારે રસોડુ ઉલટી દિશામાં બતાવાય છે. જોકે પાવરફૂલ સ્ક્રીનપ્લે સામે આવી બાબતો પર દર્શકો ખાસ ધ્યાન આપતા હોતા નથી. હવે નવા રૃપ-રંગ આપ્યા પછી બધાના ઘરના લે-આઉટ બદલી ગયા છે.
- પતિ પોતાની પત્ની માટે કવિતા લખે.. એવો ઘટનાક્રમ સિરિયલમાં આવ્યો છે.. એક વખત નહીં બે વખત આવ્યો છે. હમણાં થોડા મહિનાઓ પહેલા વેલેન્ટાઈન વખતે અને અગાઉ સાવ શરૃઆતમાં એ સ્થિતિ આવી હતી.

- કેટલાક કિસ્સામાં સિરિયલના ઘણાખરા પાત્રોને ખબર નથી હોતી કે તેઓ શૂટિંગ કરી રહ્યાં છે એ એપિસોડ એક્ઝેટ ક્યારે આવશે. કલાકારોને માત્ર તેમના હિસ્સાની વાર્તા જ કહેવામાં આવે છે. એટલે એવુ બને છે કે કલાકારો પણ દર્શકોની જેમ ચેનલ પર સિરિયલ આવે ત્યારે જ જોઈ શકે કે પોતાનુ શૂટિંગ થયુ હતું એ દૃશ્ય સિરિયલમાં ક્યાં વપરાયુ છે. સેટ પર પહોંચ્યા પછી જ એક્ટરોને આજે શું શૂટિંગ કરવાનું છે અને કેવા ડાઈલોગ બોલવાના છે એ ખબર પડતી હોય છે.
- અબ્દુલની સોડા સોપ પર જમા થતી મંડળીના હાથમાં ગ્લાસ હોય એમાં અસલી સોડા જ હોય છે. ડિસેમ્બર ૨૦૧૦ના એક એપિસોડમાં એ સોડાનો ભાવ પણ ખબર પડે છે, સાત રૃપિયા. હવે મોંઘવારી પ્રમાણે વધ્યો પણ હશે!

- સિરિયલમાં તો જરૃર પ્રમાણે પાંચ-પંદર કલાકારો દેખાતા હોય છે, પણ એ શૂટિંગ કરવા માટે સેટ પર કુલ સભ્યો ૮૦-૯૦ જેટલા હોય છે. તો વળી ૨૦-૨૨ મિનિટમાં પતી જતી સિરિયલનુ શૂટિંગ સામાન્ય રીતે દોઢ દિવસ ચાલતુ હોય છે.
- ટપુ સેનાનો નેતા ભલે ટપુ હોય પણ ઊંમરમાં સૌથી મોટો પિન્કુ (અઝહર શેખ) છે. ઘણા વર્ષો સુધી પિન્કુને એકલો દેખાડ્યા પછી થોડા વખત પહેલા તેના માતા-પિતા આવ્યા હતા.

- ટપુ બદલી ચૂક્યો છે. અગાઉ ભવ્ય ગાંધી ટપુનો રોલ કરતો હતો. હવે રાજ અનડકટ ટપુ બન્યો છે. બન્ને સારા કલાકાર જ છે. અલબત્ત, ઉંમરમાં આખી ટપુસેના મોટી થઈ ચૂકી છે. તારક મહેતાના લખાણમાં ટપુને ક્યારેય મોટો થવા નથી દીધો. એ પાછળનો તર્ક આપતા તારક દાદા હંમેશા કહેતા કે હું જે તોફાન નથી કરી શક્યો એ ટપુ દ્વારા કરાવું છું. માટે એ ક્યારેય મોટો નહીં થાય. હું નહીં હોઉં ત્યારે પણ ટપુ તો હશે જ. હકીકતમાં પણ એવી જ સ્થિતિ છે ને!
- એકલવીર પોપટલાલ (શ્યામ પાઠક) પાંડે ‘સી’ વિંગના ફ્લેટ નંબર ૩૦૩માં રહે છે, એવુ ‘સી’ વિંગના પ્રવેશદ્વારે લખાયેલા ફ્લેટધારકોના લિસ્ટ પરથી ખબર પડે છે. શ્યામ પાઠક પોતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ગ્રેજ્યુએટ છે.

- ગોગી પુરો પંજાબી લાગે છે, પણ છે ગુજરાતી, સમય શાહ. તેના અસલ દેખાવ કરતાં સિરિયલનો તેનો લૂક તદ્દન સામા છેડાનો છે. ગોગી એટલે કે સમય સાત મહિનાનો હતો ત્યારથી પડદાં પર ચમકી રહ્યો છે. ત્યારે કોઈ જાહેરખબરમાં કામ કર્યુ હતું. તેને ઓળખ જોકે આ સિરિયલથી જ મળી છે.
- ભીડેની દીકરી બનતી જીલ મહેતાને દસમાની પરિક્ષા આપવાની હતી એટલે તેને બ્રેક લેવો ફરજિયાત હતો. વળી એ થોડી મોટી પણ દેખાતી હતી. ટપુસેના અધુરી ન રહે એટલે તેની જગ્યાએ નીધી ભાનુશાળીને લેવામાં આવી.

- સિરિયલમાં બધુ ગમે એવું તો નથી. દરેકનું કોઈ ફેવરિટ પાત્ર હોય, ફેવરિટ સિચ્યુએશન હોય. ઘણી વખત એવુ બને કે કોઈ સિચ્યુએશન બહુ લાંબી ચાલે અને તેનો અંત સાવ ટૂંકમાં પતાવી દેવામાં આવે. અલબત્ત, તો પણ સોશિયલ મીડિયા પર ઘણા દર્શકો એવી ફરિયાદ કરતાં જોવા મળે છે કે અમુક સિચ્યુએશન બહુ લાંબી ચાલે તો ન-છૂટકે ચેનલ બદલવી પડે છે. ઘણી વખત એવું થાય કે સિચ્યુએશનમાં આગળ શું થશે એ પણ ખબર પડી જાય. શરૃઆતથી સિરિયલ જોઈ હોય એટલે પ્રિડિક્શન સહેલું બની જાય.
- શરૃઆતમાં ગડા ઈલેક્ટ્રોનિક્સમાં પગ મુકતા જેઠાલાલ ઘણી વખત જમણી બાજુથી આવતા હતા. હવે ડાબી બાજુથી જ આવે છે, નિયમિત રીતે.

- શરૃઆતમાં રસિક અને ત્ર્યંબક મહારાજ બન્ને આવ્યા હતા. મહિલા મંડળીમાં રસિકની પત્ની પણ હતી. એ હવે ગુમ છે. ત્ર્યંબક મહારાજ પછી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત વિધિ-વિધાન માટે ડોકાતા રહ્યા છે, પણ તેમનું પાત્ર નિયમિત નથી. ત્ર્યંબક મહારાજ જ્યાં તુલસીનો છોડ ઉભો છે, તેની બાજુના ઘરમાં રહેતા અને ઘર બહાર તેના જ્યોતિષ-કર્મકાંડ પ્રોફેશનની જાણકારી આપતું બોર્ડ પણ હતું.

- અત્યારે ગોકુલધામમાં સોઢી અને ભીડે સિવાય કોઈ પાસે વાહન નથી. શરૃઆતમાં મહેતા પાસે સેન્ટ્રો હતી, જે કમ્પાઉન્ડમાં પાર્ક થયેલી જોવા મળતી. ઘણી વખત મહેતા સાહેબ એ લઈને પણ નીકળતા. એ રીતે જેઠાલાલ પાસે પણ ગાડી હતી, પરંતુ ક્યારેય જોવા મળી નથી. જેઠાલાલ બાપુજીને કહેતા હોય કે આજે દુકાને ગાડી લઈને જઈશ.. એના આધારે આપણને ખબર પડે કે ગાડી તો હતી.