હેનરિક હેરર નામના ઓસ્ટ્રિયન યુવાને બીજા વિશ્વયુદ્ધ વખતના ગાળામાં તિબેટમાં સાત વર્ષ પસાર કર્યા હતા. એ પછી તેમણે ‘સેવન યર્સ ઇન તિબેટ’ નામે પુસ્તક લખ્યું. તિબેટની અગાઉ ક્યારેય ન થઈ હોય એવી રજૂઆતએ પુસ્તકમાં છે. ગુજરાતી ભાષામાં સર્વોત્તમ કહી શકાય એવો તેનો અનુવાદ મહેન્દ્ર મેઘાણીએ કર્યો છે.
પ્રકાશક – લોકમિલાપ/સંસ્કાર સાહિત્ય મંદિર
કિંમત – 80
પાનાં – 120
દુનિયાનું છાપરું એવી તિબેટ માટે ભૂગોળમાં ઓળખ આવતી હતી. એ તિબેટ હવે સ્વતંત્ર રાષ્ટ્ર રહ્યું નથી. 1959માં ચીને એ હિમાલયન રાષ્ટ્ર પર કબજો જમાવી લીધો. એ પહેલાનાં સ્વતંત્ર તિબેટ વિશે દુનિયાને બહુ ઓછી જાણકારી હતી. એવા વખતે ત્યાં રહીને તિબેટની સંસ્કૃતિ, ભૂગોળ, રીત-રિવાજ, સંસ્કૃતિ.. વગેરેની જાણકારી ઓસ્ટ્રિયાના યુવાન સાહસિક હેનરિક હેરર એકઠી કરી હતી. આજે તિબેટ ચીનના કબજામાં છે, માટે ત્યાંનો પ્રવાસ કરવો આસાન નથી. પ્રવાસની મંજૂરી મળે તો પણ તિબેટના આંતરિક વિસ્તારમાં જવાનું શક્ય નથી. એટલે દુનિયા પાસે તિબેટને જાણવા માટે જે બહુ મર્યાદિત દસ્તાવેજો છે એ પૈકીનો એક દસ્તાવેજ હેરરે લખેલું પુસ્તક ‘સેવન યર્સ ઇન તિબેટ’ છે.
સમર્થ ગુજરાતી સાક્ષર મહેન્દ્ર મેઘાણીએ 1956માં તેનો અતી રસાળ ટૂંકો અનુવાદ કર્યો છે. મહેન્દ્રદાદાએ પુસ્તકની નસેનસમાંથી પસાર થઈને ગુજરાતી ભાષામાં નમૂનેદાર કહેવી પડે એવી રજૂઆત કરી છે. ઓસ્ટ્રિયામાં જન્મેલા અને આલ્પ્સની પહાડીમાં મોટા થયેલા હેનરિકને અગાઉ હિમાલયની સફર કરવાની તક મળી હતી. આમેય તેને પહાડોમાં વધારે રસ હતો.
હિમાલય સફર કરીને પરત યુરોપ જવા કરાંચીના કાંઠે બેઠા હતા એ વખતે જ 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૃ થયુ. બ્રિટિશ તાબાના ભારતમાંથી આ વિદેશીઓને પકડી લેવાયા, અહમદનગરની છાવણીમાં બંધ કરી દેવાયા. એ પછી દહેરાદૂનની યુદ્ધ છાવણીમાં કેદ કરાયા. ત્યાંથી હેરર કેટલાક સાથીદારો સાથે ભાગીને તિબેટ પહોંચ્યા. તિબેટ આરપાર નીકળવાનું સૌભાગ્ય હેરર અને પીટર ઓફશ્રાઇતરને મળ્યું. એ સાત વર્ષના અનુભવોમાંથી કેટલાક અંશો..
- એ રસ્તે હિમાલય ઉપર પહોંચાશે એ જ મારે મન તો મોટું આકર્ષણ હતું. છટકવાની યોજનામાં નાસીપાસ થવાય તો પણ એ ઊંચા પર્વતોની મુક્ત હવામાં થોડા શ્વાસ લઈ શકાશે એટલો સંતોષ મને હતો.
- તે જ વખતે ચાના બગીચાઓની પાછળથી ચંદ્રમાએ ડોકિયું કર્યું.
- પણ તે દરમિયાન તો જંગલ અમને ગળી ગયું.
- કોઈ પૂછતાછ કરે તો ગંગાજીની જાત્રાએ નીકળ્યા છીએ એવુ કહેવાનું અમે નક્કી કર્યું હતું.
- ભુટિયાઓના ડેરા પાસેથી નીકળવામાં જે એક બહુ મોટો ત્રાસ અમે અનુભવતા તે હતો એમનાં વિકરાળ પહાડી કૂતરાંનો.
- ફરી નાસી છૂટવાનાં મારા અવિચલ નિરધારને કારણે જ તે વેળાની નિરાશા હું સહન કરી શક્યો.
- છાવણીમાંના સાથીઓ પોતે જ પૈસાની તંગી અનુભવતા હતા તે છતાં મારો સરસામાન પ્રાપ્ત કરવામાં તેમણે ઉદાર દિલે ફાળો આપ્યો. (સરસામાન એટલે યુદ્ધ છાવણીમાંથી ભાગી છૂટવાની સામગ્રી)
- આખરે અમે સાતેય ભેગા મળ્યા અને નાસી છૂટવાનો સામૂહિક પ્રયાસ કરવાનું ઠરાવ્યું.
- આગલે વરસે વિધાતાએ મારી આશાઓના ત્યાં ટુકડા કરી નાખ્યા હતા.
- અમારી પાસે રહેલા છેવટના ચપટી લોટને પાણીમાં ડોઈને ઊની શિલાઓ ઉપર એના પુડલા અમે ચોડવ્યા.
- સહુથી મોટી વાત તો એ હતી કે અમે ભૂખમરાની અણી ઉપર હતા.
- પણ અહીં તો કોઈ જ પ્રકારની વનસ્પતી ઊગતી નહોતી, એટલે મહામહેનતે વીણેલાં છાણાં અમારે બાળવા પડ્યાં.
- અમને ત્યારે સાંભળવા મળેલો એકમાત્ર અવાજ રીડિયારમણ કકરતી એક ડોશીનો હતો.
- સરહદ પરનાં છ ઘરનું એ ઝૂમખું બાદ કરતાં સાધુઓના મઠવિહોણુ બીજું એક પણ ગામ તિબેટભરમાં ક્યાંય હતું નહિ.
- વરસોના અભ્યાસ પછી પોતે પ્રાપ્ત કરેલા તિબેટી ભાષાના જ્ઞાનનું પીટરે ઘણુંય વ્યર્થ પ્રદર્શન કર્યું.
- અમારા કાફલામાં શામેલ બનેલ ગદર્ભ-સભ્યો પ્રવાસના આનંદમાં કોઈ ખાસ વૃદ્ધિ કરી શક્યા નહિ.
- એક વધુ રાત અમે તિબેટમાં ગાળી અને કવિતામાં આલેખ્યાં હોય તેવાં જલદાડુનાં વૃક્ષોની નીચે સૂતાં.
- એકવાર એટલે આઘેથી પણ યાકનું દર્શન કરતાં જ અમારું ગઘેડું ભડક્યું અને એક ઝરાના પાણીમાં ખાબકતુંક, અમારો સામાન પછાડતું ભાગ્યું.
- વાકાં વળીને અમારે એમની કચેરીમાં પેસવું પડ્યું કારણ કે એને દરવાજો નહોતો, એક બાકોરું હતું ને તેની આડો ગંધાતો પડદો ટિંગાતો હતો.
- પોતાના ઉમરાવપદને અનુરૃપ છએક ઇંચ લાંબી કડી એમણે ડાબા કાનમાં લટકાવેલી હતી.
- લૂંટારાઓના મોટા અડ્ડા તરીકે પંકાયેલા એ તીર્થધામની આસપાસ કેટલાય શકમંદ શખ્સો અમારી નજરે ચડ્યા.
- ગામ શબ્દ પણ એનાથી લાજી મરે એટલું નાનું એ હતું. આખા ગ્યાનબાકમાં એક ધાર્મિક અધિકારી સિવાય બીજા કોઈનું ઘર નહોતું.
- અગ્નિ પેટાવવા અને પાણી ભરી આવવા માટે એક કામવાળી મળી હતી – ન રૃપાળી કે ન જુવાન.
- કોરોંગના જિલ્લા અધિકારી ઉપરના સરકારી પત્રનો બીડો કોઈ પુરાણ-પવિત્ર અવશેષની માફક હાથમાં ધરીને એક નોકર મોખરે ચાલતો હતો.
- એ પ્રદેશમાં નદીનાળાં પાર વગરનાં હતાં, અને પહેલા બે દિવસમાં જ કોસી નદી પરના બાર પુલ અમારે ઓળંગવા પડ્યા.
- અમારી પહેલા કોઈ યુરોપીઅને ત્યાં પગ મૂક્યો નહોતો, એટલે અમે પ્રવેશ કર્યો ત્યારે આખું ગામ અમને વિસ્મયભેર જોઈ રહ્યું.
- તિબેટના જીવનનાં જુદાં જુદાં અંગોના પ્રતીક રૃપ એ પાંચ રંગો દેશભરમાં જોવા મળે છે.
- માખણની ચા અમને કદી ભાવી નહિ. તમામ તિબેટીઓ એનું પ્રેમથી પાન કરે છે ને કેટલાક તો દિવસના સાઠ-સાઠ કપ પી નાખે છે.
- ગરમા પાણીના ઝરણાં જોતજોતામાં કોસી માતાના શીત પાલવ નીચે લપાઈ જતાં.
- પોતોના ધર્મ પ્રત્યે આટલી એકધારી નિષ્ઠા ધરાવનારી અને એના આદેશોનું રોજિંદા જીવનમાં આટલું ચુસ્ત પાલન કરનારી બીજી કોઈ પ્રજા પૃથ્વીના પટ ઉપર હશે ખરી?
- ગરમી પડવા માંડી તેમ તેમ મારા યાકની બીમારી વધવા લાગી. ગામના ચિકિત્સકે કહ્યું કે રીંછનું કાળજું ખવરાવશો તો એનો તાવ ઉતરી જશે.
- દુનિયાના ઘણાખરા દેશોની માફક અહીં પણ, કાયદામાંથી છટકબારી શોધવામાં લોકોને લિજ્જત આવે છે.
- પ્રથમ ઘેટાંનું એક ટોળું અમારી દિશામાં આવ્યું અને તેની પાછળ જાડાં જાડાં ગોદડામાં વિંટાયેલા ભરવાડો દેખાયા.
- માલની હેરફેર કરનારા મજૂરો ક્યારેક પોતાનાં ગધેડાંને કાંધે ઉઠાવીને આવા ઝૂલતા પુલ પાર કરતા હોય છે.
- પૃથ્વીના નકશામાં જે અજાણ્યા પ્રદેશના વિસ્તારને કોરાધબ રહેવા દેવાય છે, તેમાંના એકમાં અમે પ્રવેશી રહ્યા હતા.
- તિબેટમાં એકી સાથે બહુપતિ અને બહુપત્ની, બેય પ્રથાઓ ચાલે છે.
- અગ્નિ એ આ દરેક ભરવાડ-કૂબાઓનો પ્રાણ છે અને તેને એ કદી સમૂળગો ઠરી જવા દેતા નથી.
- એક જ ઘરની વસ્તીવાળા ગામે અમે પહોંચ્યા.
- અમારા યજમાને એ પ્રદેશમાં એટલાં બધાં વરસો વિતાવ્યાં હતાં કે ડાકુઓની વાતોનો મોટો ભંડાર એની પાસે ભેગો થયો હતો.
- અમારી જિંદગીમાં કદી નહિ જોયેલી તેવી વેરાન નિર્જનતાનો અનંત પટ પહાડની પેલે મેર પડેલો હતો.
- થીજીને લાકડાં જેવાં થઈ ગયેલા અમારા વાળદાઢી એ સ્નાનમાંથી નવો જન્મ ધારણ કરીને નીકળ્યાં.
- હિન્દી લશ્કરના બૂટના છેલ્લા અવશેષો પીટરના પગને વળગી રહ્યા હતા.
- કેશ-સજાવટની કલાને તિબેટીઓએ બહુ અટપટી બનાવી નથી, કાં તો એ લાંબો શિખા-ગુચ્છા રાખે છે, ને કાં તો સફાચટ મૂંડો.
- અમારા જેવા બે કંગાલ ભાગેડુઓને તિબેટ જેવો આવકાર આપ્યો તેવો કદાચ જગતના બીજા કોઈ દેશે દીધો ન હોત.
- કેટલા અક્ષરો હિંદુસ્તાનની પુરાતન લિપિઓમાંથી લીધેલા છે, એટલે તિબેટી લખાણ ચીનીને નહિ પણ હિન્દીને જ વધુ મળતું આવે છે.
- તિબેટમાં કાપડ વાપરથી નહિ પણ હાથ વડે માપીને લેવાનું હોય છે. મારા લાંબા બાવડાંને લીધે, એ રીતે, મને હંમેશા લાભ થતો.
- તિબેટ વિશ્વ-ટપાલ સંઘમાં જોડાયેલું નહોતું, તેથી તેનો પોતાનો આંતરરાષ્ટ્રીય ટપાલ-વ્યવહાર ઠીક ઠીક અટપટો હતો.
- એમના ભવ્ય નિવાસસ્થાનની સ્વચ્છતા જોઈને અમે આભા બની ગયા, એની ભોંયની લાદી ઉપર ભોજન પીરસ્યું હોય તો પણ વિનાસંકોચે જમી શકાય.
- એમની અલંકારી વાણીનો પ્રભાવ અમને આંજી રહ્યો હતો તે દરમિયાન વિરામચિહ્નોરૃપે તેઓ ગળુ ખોંખારતા જતા.
- પોતાની નાની મજાની શ્વેત દાઢીનું વાજબી અભિમાન એ ધરાવતા હતા, કારણ કે તિબેટમાં દાઢી જવલ્લે જ જોવા મળે છે.
- નમાલામાં નમાલી ચીજવસ્તુઓ પણ લ્હાસામાં તાળાંચાવીમાં જ રાખવામાં આવતી.
- એ દિવસો દરમિયાન પોતાની કાયમી પ્રણાલિકા વિરૃદ્ધ જઈને, લ્હાસા નગરી સ્વચ્છતા માટે વિખ્યાત બને છે.
- તિબેટી લોકો બાળક જેવાં હસમુખાં છે. હસવાની એક પણ તક તે એળે જવા દેતાં નથી. રસ્તા ઉપર કોઈ લપસી પડે તો પણ કલાકો સુધી પ્રેક્ષકો તેનો હાસ્યરસ માણી શકે છે.
- થોડી વારમાં જ દીપકોનું જબ્બર ઝુંડ ત્યાં આવી પહોંચ્યુ.
- પાંત્રીસ લાખની વસ્તી વચ્ચે તાલીમ પામેલા આખા બે જ તબીબ એ દેશમાં હતા.
- ત્રણ જ વાસાની એ સુવાવડી સ્ત્રીને નિશ્ચિંતપણે ખંડમાં આમથી તેમ ફરતી, મહેમાનોની આગતાસ્વાગતા કરતી જોઈ ને હું દિંગ થઈ ગયો.
- અને એક દિવસ ઉનાળાના આરંભની સત્તાવાર જાહેરાત થઈ, ને ગ્રીષ્મનાં વસ્ત્રો ધારણ કરવાનું ફરમાન પ્રજાને મળ્યું. શિયાળાની ટાઢમાં ચડાવેલાં ગોદડિયાં લૂગડાં મન ફાવે ત્યારે ઉતારી નાખવાની તિબેટીઓને છૂટ નહોતી.
- પોતાલા મહેલાત બહારથી તો ઘણી ભવ્ય દેખાય છે, પરંતુ તેના અંધારિયા ખંડો અંદર રહેનારને અકળાવી મૂકે તેવા છે.
- દેવતાઓને આજીજીઓ કરવાની, એમને પ્રસન્ન કરવાની અથવા તો એમનો પાડ માનવાની ક્રિયાઓ અવિરતપણે ચાલ્યા જ કરતી.
- આટલાં વરસો મેં તિબેટમાં ગાળ્યાં તે દરમિયાન બુદ્ધના આદેશો વિશે લેશમાત્ર શંકા વ્યક્ત કરનાર એક પણ માનવી મને ભેટ્યું નથી.
- ચાના કપમાં માખી પડે તે તો આભ તૂટી પડ્યા જેવો અકસ્માત ગણાય છે. પોતાના જ વડદાદીનો એ માખી નવો અવતાર નહી હોય તેની શી ખાતરી?
- વેલા-વનસ્પતિઓના વૈદકિય ગુણો વિશેનું તિબેટીઓનું જ્ઞાન ખરેખર અગાધ છે.
- ક્યારેક તો જે બાબત વિશે અમારું જ્ઞાન સાવ અલ્પ હોય તેને માટે પણ અમારી સલાહ માંગવામાં આવતી ત્યારે અમને પોતાને અકળામણ થતી.
- એટલે એણે તો દેવ-રાજાના અવસાનના સમાચાર દાબી રાખ્યા. પ્રથમ એણે એવી જાહેરાત કરી કે દલાઈ લામા બહુ જ બિમાર છે, ને પછી કહ્યું કે કોઈ દિવ્ય સાધના માટે એમણે એકાંતવાસ લીધો છે. પૂરાં દસ વર્ષ વરસ સુધી આ છલના ચાલુ રાખી રીજંટે મહેલાતનું ચણતરકામ પૂરું કર્યું.
- આખા તિબેટમાં એક જ હાથી હતો, અને તે નેપાળના મહારાજા તરફથી લામાને ભેટ મળેલો હતો.
- ચીની સેનાએ છ સ્થળેથી તિબેટની સરહદ ઓળંગી તેના સમાચાર પણ છેક દસ દિવસે રાજધાનીમાં પહોંચ્યા.
- ભારે હૈયે મેં સરહદ ઓળંગી. બરાબર સાત વર્ષ પૂર્વેના એ જ દિવસે હિન્દુસ્તાનમાંથી ભાગી છૂટીને મેં તિબેટમાં પ્રવેશ કરેલો ને રહસ્યભરી દુનિયાને સીમાડે પ્રાર્થના-પતાકાઓના ફફડાટ નિહાળેલા.