આફ્રિકામાં જોવા મળતા બાઓબાબ (ગોરખ આંબલી)ના વૃક્ષો આપણે ત્યાં ઓછા જોવા મળે છે, એક જોવા જેવું 950 વર્ષ જૂનું તરુવર વડોદરા પાસે છે.
નિતુલ મોડાસિયા
દુનિયાના બધા વૃક્ષો કરતા બાઓબાબના વૃક્ષો અલગ છે, કેમ કે તેના મૂળ બહાર અને થડ જમીનમાં હોય એવો તેનો દેખાવ છે. માડાગાસ્કરમાં તો એવા વૃશ્રોની આખી કોલોની છે. આફ્રિકાના ઘણા દેશોમાં આ વૃક્ષો જોવા મળે છે. તેના 300થી વધારે ઉપયોગોને કારણે ટ્રી ઓફ લાઈફ તરીકે ઓળખાય છે.
આવા વૃક્ષો આપણે ત્યાં ગુજરાતમાં પણ છે. એક દીવમાં છે, એક સુરત પાસે છે, એક કચ્છમાં છે, ઉત્તર ગુજરાતમાં ક્યાંક છે અને એક વડોદરાના પાદરા પાસે આવેલું છે.
વડોદરા જિલ્લાના પાદરાથી 4 કીલોમીટર ના અંતરે ગણપતપૂરા ગામ આવેલું છે. આ ગામના બ્લૂ કલરના બોર્ડની સામેથી એક રસ્તો ખેતરમાં જાય છે. રસ્તો સીમેન્ટનો બનેલો છે અને ટ્રક પણ આરામથી જઇ શકે એવો છે.
રસ્તા પર અડધા કિલોમીટર આગળ જતાં આ ઝાડ અને તેની પાસે એક નાનકડું મંદિર જોવા મળશે. ઝાડ પાસે જંગલખાતા નું માહિતી માટેનું બોર્ડ લગાવેલું છે જેમાં આ વૃક્ષને “ઘેલું વૃક્ષ” અથવા “રુખડો” નામથી સંબોધવામાં આવ્યું છે.ઝાડ પાસેજ મંદિર હોવાથી ગામલોકો તેને વડલાની જેમ પૂજે છે અને ગામવાળા આ ઝાડને 1100 વર્ષ જૂનું ગણાવે છે. તો વળી જાણકારો તેને 950 વર્ષ જૂનું કહે છે. આવા વૃક્ષો હજારથી છ હજાર વર્ષ જૂના હોય છે.
આ ઝાડ લગભગ 10 મીટર ઊંચું અને 4.5 થી 5 મીટર પોહળુ છે. તેનું થડ અંદરથી પોલું હોય એટલે હજારો લીટર પાણી સમાવી શકાય છે. આફ્રિકામાં તો આદીવાસીઓ તેનો પાણીના ટાંકા તરીકે ઉપયોગ કરે છે. આફ્રિકાના લિમ્પોપો રાજ્યમાં તો એક વૃક્ષ એવડું મોટું છે કે અંદર નાનકડી રેસ્ટોરાં બનાવાઈ હતી.
ગણતપુરાના ઝાડ પર આછા પત્તા છે અને 10-15 લીમડાના ઝાડના થડ જેવડી વિશાળ શાખાઓ છે. આ વૃક્ષનો રંગ બીજા તમામ વૃક્ષ કરતા અલગ પડે છે. ફૂલ ઉગતાં હોય એવું આ દુનિયાનું સૌથી મોટું વૃક્ષ છે.
આ વૃક્ષ સુધી જવાના રસ્તામાં ખેતર વિસ્તાર આવે છે જેને ખુંદવાથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ, નીલગાય , રોઝ અને ક્યારેક જંગલી સુંવરના પણ દીદાર થાય છે. વડોદરાના પ્રખ્યાત વિસ્તાર ભાયલીથી આ વૃક્ષ 8 કીલોમીટરના અંતરે આવેલું છે.