જગતની સૌથી લાંબી ટ્રેનમાં સફર કરવી હોય તો ક્યાં ક્યાંથી ટ્રેન પકડવી, ક્યાંથી ટ્રેન બદલવી અને ક્યાં ઉતરવું?
જગતની સૌથી લાંબી ટ્રેન સફર કરવી હોય તો હવે એશિયાઈ દેશ સિંગાપોરથી યુરોપના દેશ પોર્ટુગલના લાગોસ બંદર સુધી કરી શકાય એમ છે. આ ટ્રેન સફર જગતની સૌથી લાંબી ટ્રેન સફર છે. 21 દિવસમાં સફર પુરી થઈ શકે છે અને એ દરમિયાન 18755 કિલોમીટરની સફર કરવાની થશે. સામાન્ય રીતે એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી જતી સળંગ ટ્રેન હોય છે. પણ આ ટ્રેન નવી શરૃ નથી થઈ. ઈન ફેક્ટ આ ટ્રેન શરૃ થઈ નથી, પરંતુ થાઈલેન્ડમાં વચ્ચે જેટલો ભાગ ખૂટતો હતો ત્યાં ટ્રેન શરૃ થઈ છે. એટલે હવે આ સળંગ ટ્રેન જર્ની પોસિબલ બની છે. મુસાફરો હવે સિંગાપોરથી શરૃ કરીને એક પછી એક સ્ટેશને ટ્રેન બદલતા બદલતા 21મા દિવસે પોર્ટુગલના શહેર લાગોસ સુધી પહોંચી શકશે. વળી જગતમાં ઘણા પ્રવાસ શોખીનો છે, જે લાંબી લાંબી ટ્રેનમાં ફરવાનું પસંદ કરતા હોય છે. માટે આવી સફર કરવા માટે પ્રવાસીઓ ઉમટશે એમાં પણ કોઈ શંકા નથી.
ટુર પ્લાન
ધારો કે લાગોસથી શરૃ કરીને ક્યાં ક્યાં ટ્રેન બદલવાની થાય એ જોઈ લો
- લાગોસથી લિસ્બન (પોર્ટુગલ) -187 માઈલ
- લિસ્બનથી હેન્ડાઈ (ફ્રાન્સ) – 499
- હેન્ડાઈથી પેરીસ (ફ્રાન્સ) – 428
- પેરીસથી મોસ્કો (રશિયા) – 2164
- મોસ્કોથી બિજીંગ (ચીન) – 4735
- બિજીંગથી કુમિંગ (ચીન) – 1710
- કુમિંગથી બોટેન (લાઓસ) – 274
- બોટનથી વિએન્ટાઈન (લાઓસ) – 257
- વિએન્ટાઈનથી બેંગકોક (થાઈલેન્ડ) – 403
- બેંગકોકથી પડાંગ બેસર (મલેશિયા) – 490
- પેડાંગ બેસરથી પેનાંગ (મલેશિયા) – 86
- પેનાંગથી કુઆલા લુમ્પુર (મલેશિયા) – 205
- કુઆલા લુમ્પુરથી સિંગાપોર – 216
આ રીતે પ્રવાસ કરવો હોય તો અહીં આપ્યા એમ એક પછી એક સ્ટેશને ટ્રેન ટિકિટની ગોઠવણી કરવી પડે. જોકે seat61.com વેબસાઈટ આ પ્રકારની ટ્રેન જર્ની માટે જરૃરી વિગતો આપે છે. આખા જગતમાં લાંબી ટ્રેન સફર કરવી હોય તો રૃટના વિકલ્પ પણ દર્શાવે છે. આ પહેલાની સૌથી લાંબી સફર લાગોસથી શરૃ કરી વિએટનામમાં પુરી થતી હતી. તેની લંબાઈ 16900 કિલોમીટર જેટલી હતી.
21 દિવસમાં સફર તો પુરી થાય જો ઉપર દર્શાવ્યુ એ પ્રમાણે એક પછી એક સ્ટેશને ટ્રેન બદલવામાં આવે. કોઈ સ્થળે વધારાનું રોકાણ થાય તો પછી પ્રવાસનો ફાઈનલ સમય વધી જાય. આમ તો રશિયામાં ચાલતી ટ્રાન્સ સાઈબિરિયન રેલવે સૌથી લાંબી સિંગલ ટ્રેન છે જ. પેરીસથી મોસ્કો અને મોસ્કોથી ચીનના બિજીંગ વચ્ચે ચાલે છે. એકાદ લાખ જેવી ટિકિટ ધરાવતી એ ટ્રેન કોરોનાના કારણે અત્યારે તો બંધ છે.