યશવંત મહેતાએ લખેલી વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ સિરિઝમાં એચ.જી.વેલ્સની જગવિખ્યાત વાર્તા ‘ધ ઇન્વિઝિબલ મેન’નો ‘અદૃશ્ય માનવી’ નામે રસાસ્વાદ કરાવ્યો છે
ધ ઇન્વિઝિબલ મેન-અદૃશ્ય માનવી
અનુવાદ-યશવંત મહેતા
પ્રકાશક- ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
કિંમત-13 (10 પુસ્તકોના સેટની 140) પાનાં-72
માણસને અદૃશ્ય રહેતાં આવડી જાય તો… તો મજા પડે, બીજી ગરબડો થાય, ગુનાખોરી પણ થઈ શકે, ચમત્કારો પણ થઈ શકે… માનવ અદૃશ્ય થઈ શકે એવી વાર્તા હર્બટ જ્યોર્જ વેલ્સે સવાસો વરસ પહેલા 1897માં લખી હતી. એ વાર્તાનો ટુંકો અનુવાદ અને વેલ્સનો પરિચય યશવંત મહેતાએ આપ્યો છે.
હર્બટનો જન્મ થયો ત્યારે માથું મોટું હતું. ઘરના સભ્યોને થયું કે આ મોટા માથામાં શું થશે.. પણ માથામાં મોટી અક્કલ હતી અને એટલે જ હર્બટનું નામ આજે મોટું છે. હર્બટે શરૃઆતમાં ભારે સંઘર્ષ કર્યો, પોતે કમાઈ શકે તો જ ભણી શકે એમ હતા એટલે એક દિવસમાં બે-બે નોકરી કરવી પડી હતી. પણ આગળ જતાં તેમને સ્કોલરશીપ મળી અને પછી પાછુવાળીને જોવાપણું હતું નહીં. એટલે જુલે વર્નના યુગમાં જગતને બીજા એક વિજ્ઞાનલેખક મળ્યાં..
એમની વાર્તા ઈન્વિઝિબલ મેનમાંથી કેટલાક અંશો..
- ફેબ્રુઆરીની સુસવાટા ભરી ઠંડી ઝીંકતી એ રાત હતી. માથે રૂંછાંટવાળી હેટ પહેરેલી એક ભેદી વ્યક્તિ એક ગામડાની વીશી આગળ આવીને ઊભી રહી. તેણે આખાય દેહ રહસ્યમય રીતે છૂપો રહે તેવી જાતનાં વસ્ત્રો પહેર્યા હતા.
- ભેદી વ્યક્તિ એનો પરિચય એક શોધ કરતા વિજ્ઞાની તરીકે આપ્યો હતો. પરંતુ ગામડિયાઓએ તો એને એક છુપાતા ફરતો ગુનેગાર જ માની લીધો હતો. કેટલાંક લોકો વળી એને ક્રાંતિકારી માનતાં હતાં. ગમે તેમ પણ લોકોની નજરમાં એ ભારે શંકાસ્પદ માણસ હતો, કેટલાક એને પાગલ પણ માનતા. કોઈ એને સારા માનવી તરીકે સ્વીકારતું ન હતું. બધા જ એના પ્રત્યે નફરત બતાવતા હતા.
- ટેબલના ખાનાં ખૂલતાં ને બંધ થતાં સાંભળતાં હતાં. પડદો, દરવાજા ખૂલતા અને બંધ થઈ જતા. પરંતુ, નજરે કોઈ જ દેખાતું નહોતું. પોતાની હયાતીમાં જ પોતાનું ધન ચોરાઈ ગયું, ને ખુલ્લી આંખે અને ખડેપગે તપાસ કરવા છતાંય ચોર નજરે પણ પડ્યો નથીં!
- ગઈ કાલે રાતે આપ ઓરડામાંથી ક્યારે અદ્રશ્ય થયા અને ક્યારે પાછા ફર્યા? મુખ્ય દરવાજામાંથી તો તમે આવ્યા નથી. આવવા-જવા માટે પ્રત્યેકે મોટા દરવાજાનો જ ઉપયોગ કરવાનો હોય છે એ અહીંનો નિયમ છે.
- લ્યો, કહીને તે આગળ વધ્યો. તેણે માલિકણના હાથમાં કંઈક મૂક્યું. ભયભીત માલિકણે પણ એને હાથમાં પકડી રાખ્યુ. પછી એકાએક મુઠ્ઠી ઉઘાડીને જોયું તો એના મોઢામાંથી ચીસ નીકળી પડી. તે વસ્તુ હાથમાંથી નીચે ગબડી પડી. તે ભેદી માનવનું ચમકતું નાક હતું. માટીના ઢેફાની જેમ એ જુદું પડી ગયું હતું.
- હવામાં સ્વર સંભળાઈ રહ્યો હતો, “હું માનવી જ છું એ તદ્દન સાચી વાત છે. હાથ, પગ, શરીર બધું જ મારે પણ છે. પરંતુ હું અદશ્ય છું. એ વાત ભયાનક હોવા છતાં સત્ય જ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે મને તમે પરેશાન કરો.”
- એવું કંઈ જ નથી.” ઇન્સપેકટરે જણાવ્યું. “ તારા અદશ્ય હોવા વિશે મને કંઈ જ વાંધો નથી, તારી ધરપકડ તો ચોરીના મામલા બાબતમાં કરવામાં આવી રહી છે.”
- ધારો કે કાચનો એક મોટો પારદર્શક ટુકડો તમે પાણીમાં નાખો. એ ટુકડો બહારથી તમને નહિ દેખાય, કારણ કે પાણીમાં થઈને બહાર પરાવર્તન પામતા કિરણનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેથી તમે જ વિચારો ને, કાચ પાણીમાં જ પડ્યો છે, તેમ છતાં એ આપણને તે અદશ્ય જ લાગે છે ને ! બસ, મેં પણ કંઈક આવો જ સિદ્ધાંત અપનાવી લીધો.”