૧૯૦૪માં વેલ્સે લખેલી આ ટૂંકી વાર્તા છે. એક ભાઈ એવા દેશમાં પહોંચી જાય છે, જ્યાં સર્વ અંધ રહે છે. એમની દુનિયા આગવી અને એમની જીવનશૈલી સાવ નોખી છે.
નન્ન નામનો એક પર્વતારોહી શીખર ચડવા ગયો. શીખર ઊંચુ હતુ, અગાઉ કોઈ ત્યાં પહોંચ્યુ ન હતું. એ શીખર પર તો પહોંચી ગયો, પણ પછી બીજી તરફ ગબડી પડ્યો. જ્યાં પડ્યો એ નવી દુનિયા હતી. દેખી ન શકતા હોવાથી એમણે રાત- દિવસના ઉષ્ણ-અનુષ્ણ એવા બે ભાગ પાડ્યા હતા. એ કથાની ઝલક મેળવીએ…
- એમણે ઊંટના ચામડાનાં લૂગડાં પહેર્યાં હતાં, ચામડાનાં જોડા પણ પગમાં હતાં, માથે કપડાંની કાનટોપીઓ પહેરેલી હતી, પણ કાન ઉઘાડા હતા.
- હું પહાડોની પેલી પારના મુલકમાંથી આવું છું, જ્યાં માણસોને આંખો હોય છે અને આંખો વડે તે દેખે છે. એક લાખ માણસની વસતીવાળી ભંભોટા નગરી પાસેના રાનમાં હું રહું છું.
- ચૌદ પેઢીથી આ લોકો અંધ હતા અને દેખતી દુનિયાની સાથેનો તેમનો તમામ સંબંધ કપાઈ ગયેલો હતો.
- પછી એ જ્ઞાની પુરુષે કહ્યું – રાત બહુ વીતી ગઈ છે (એ લોકો દિવસને રાત કહેતા હતા) અને હવે સૂવાનો વખત થયો છે. દીકરા ભંભોટા, તને ઊંઘતા આવડે છે.
- એ લોકોની જ્ઞાનેન્દ્રિયો માન્યામાં ન આવે એવી સૂક્ષ્મ હતી. બાર ડગલા જેટલે દૂર ઊભેલા માણસનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ હલનચલન પણ એ લોકો સાંભળી શકતા, ને સમજી શકતા.
- જવાબમાં જ્યારે નન્ને મક્કમતાથી કહ્યું કે પૃથ્વીને છેડોય નથી ને છાપરું ય નથી, ત્યારે એ લોકોએ જાહેર કર્યું કે ભંભોટાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.
- એ લોકોએ પૂછ્યું – દેખું છું દેખું છું એવી ભ્રમણા હજીયે તને ય છે ખરી?
- અંધસ્તાનમાં એ છોકરીનો કોઈ ભાવ પૂછતું નહોતું, કારણ કે એનો ચહેરો એવો હતો કે નારીજાતિના સૌંદર્ય વિશેના અંધસ્તાનના આદર્શ પ્રમાણે હાથ મૂકતા લપસી જાય એવી સુંવાળપનો તેમાં અભાવ હતો.
- કવિતા તો બહુ રૃડી છે. પણ એવી વાતો ડાહ્યા માણસોએ ન કરવી જોઈએ, પાપ લાગે.
- અંધસ્તાનમાં એ રાજા થવા ગયો હતો, પરંતુ ત્યાંથી જીવતો નાસી છૂટી શક્યો એટલાથી જ એને એવો સંતોષ થયો હતો કે એને અત્યારે હસવું આવતું હતું.