મસુરીમાં રહેતા રસ્કિન બોન્ડની કથાઓ ભારતમાં લોકપ્રિય છે. બાળકોને કેન્દ્રમાં રાખીને તેમણે એકથી એક ચડિયાતી વાર્તાઓ આપી છે. રસ્ટીના પરાક્રમોમાં બે નાની-નાની વાર્તાઓ છે, જેમાં સાહસ અને હાસ્યનો સંગમ છે.
રસ્ટીના પરાક્રમો – રસ્કિન બોન્ડ
અનુવાદ –મમતા પંડ્યા
ચિત્રો –શુદ્ધસત્વ બસુ
પ્રકાશક – નેશનલ બૂક ટ્રસ્ટ
પાનાં – 101
કિંમત – 45
નેશનલ બૂક ટ્રસ્ટે પ્રગટ કરેલા અનુવાદમાં માત્ર વાર્તાને બદલે આખા પાનાં ભરીને ઠેર ઠેર ચિત્રો મુક્યા છે. નાનાકડાં પુસ્તકમાં બે વાર્તાઓ છે. એક વાર્તામાં રસ્ટીના નંગ જેવા કેન કાકાનું પાત્રાલેખન અને પરાક્રમો છે. બીજી વાર્તા રસ્ટી અને તેનો મિત્ર દલજિત બોર્ડિંગ સ્કૂલથી કંટાળીને ભાગી નીકળે છે.. એ પછી તેમનો સામનો વાઘથી લઈને ડાકુ સુધીની મુશ્કેલીઓ સાથે થાય છે. વાર્તામાં સ્પષ્ટતા નથી પણ રસ્ટી એટલે રસ્કિન પોતે જ એ સમજી શકાય એમ છે.
- તે ઘર ખૂબ જ ભાગ્યશાળી જેની દીવાલો પર વિશાળ વૃક્ષનો મીઠો છાંયડો પડે.
- આપણે ત્યાં ચક્રમ કૂતરું છે. કેન કાકા પણ ચક્રમ છે.
- ચૂપ ચાખીને મોઢું બગાડ્યું પછી બીજી વાર માગ્યો.
- મને થયું, કાકાઓ આવા જ હોતા હશે… બાળકબુદ્ધિ!
- દાદીએ એમનો જૂનો પોથો કાઢ્યો અને ટાલ અટકાવવા માટેની એમના દાદાની એક રેસીપી શોધી. એ પ્રમાણે કાકડીને બ્રાન્ડીમાં પલાળીને તેનો રસ માથે લગાડવાનો.
- કેન કાકાએ દાંત પડાવ્યો ત્યારે અમને એમ કે સીટી બંધ થશે. પણ આ પછી તો સીટી વધારે મોટી અને કર્કશ થઈ.
- ડબલ્સમાં પાર્ટનર બનવાને બદલે કેન કાકા મહારાજાની સામે રમવા લાગ્યા. મહારાજાની સામે જ્યાં સુધી હારતા ત્યાં સુધી કેન કાકાની નોકરી સલામત હતી.
- મિસ કેલનર પોતાના ઘરમાંથી ફરવા નીકળતાં હતાં. કાકાને ગાડી ચલાવતાં જોયા. પાછા ઘરમાં ચાલ્યાં ગયાં.
- કાકા બે કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યા (બપોરનું જમવાનું અને સાંજની ચાની વચ્ચે).
- સ્કૂલેથી ભાગી જવા પહેલાંની આ અમારી અંતિમ મિટિંગ હતી.
- ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓમાં આવતી એવી તેવી તો અમારી સ્કૂલ ન હતી, પણ બહુ સારી પણ નોતી. પ્રિન્સિપાલ એ સ્કૂલ કરતાં ધંધાની જેમ વધારે ચલાવતા. ઓછું આપો, વધુ લો, એ એમનું સૂત્ર હતું.
- આ દેશ ખૂબ જ મોટો છે. અહીં ખોવાઈ જવું સહેલું છે.
- પકડાઈ જાય તો કહેજે કે મને ઊઁઘમાં ચાલતાં જોયો અને તું મારી પાછળ પાછળ આવ્યો હતો, મારી ઉપર નજર રાખવા.
- દરેક વ્યક્તિને જીવનમાં કોઈવાર, તો કંઈક વસ્તુથી ભાગી જવાની ઈચ્છા થાય જ.
- કોઈપણ પરાક્રમની શરૃઆત સૌથી અઘરી હોતી હશે.
- જંગલની સફર પછી મને નથી લાગતું કે આપણે ફર્સ્ટ ક્લાસ જેવા દેખાતા હોઈએ.
- વરસાદ જામવા લાગ્યો અને રસ્તો ખાલી થવા લાગ્યો. જાણે કે પાણીમાં માણસોની ભીડ ઓગળી ન ગઈ હોય.
- આટલી વારમાં પ્રભાતનો પ્રકાશ વધ્યો હતો. અમે જોયું કે અમારી મુસાફરીની સાથીદાર એક તંદુરસ્ત પંજાબી ભેંસ હતી.
- અરે આપણે સાધુ હોવાનો ઢોંગ કરીશું. સાધુ નહીં તો સાધુના ચેલા. આજકાલ તો ફેશન છે. સારામાં સારા સાધુ વસ્ત્રો વગરના હોય છે.
- ઘોડું તો બિચારું એવું કે ક્યાંય જવાની ઈચ્છા તેને લાગતી ન હતી.