
‘અ ફ્લોટિંગ સિટી’ નામે જૂલે વર્ને સ્ટીમર પ્રવાસની કથા લખી હતી. યુરોપથી વર્ન અમેરિકા ગયા તેનો પ્રવાસ અનુભવ અને થોડી કલ્પના ભેગી કરીને આ કથા તેમણે લખી છે.
લેખક – જૂલે વર્ન
અનુવાદ – દોલતભાઈ બી.નાયક
પ્રકાશક – આર.આર.શેઠ પ્રકાશન
ઓનલાઈન શોપિંગ માટે – અરિંહત બૂક્સ (૮૭૩૪૯૮૨૩૨૪)
(આ નંબર પર વોટ્સઅપ કરી મંગાવી શકાશે)
કિંમત – ૧૫૦
પાનાં – ૧૫૨
આખા જગતનું ભૌગોલિક વર્ણન પોતાની કથાઓમાં કરી વાચકોને ઘેલા કરનારા લેખક જૂલે વર્ને હકીકતમાં તો બહુ ઓછા પ્રવાસો કર્યા હતા. એક પ્રવાસ અમેરિકાનો કર્યો હતો. એ એ જમાનામાં સ્ટીમર સિવાય તો ક્યુ વાહન હોઈ શકે? સ્ટીમરમાં સવાર થઈ અમેરિકા પહોંચ્યા.. એ સફરમાં જૂલે વર્ને પોતાની કલ્પના ઉમેરી કથા લખી નાખી A floating city. તેનો અનુવાદ તરતું મહાનગર નામે થયો છે.
એ જમાનામાં સ્ટીમરની સફર પણ નવી નવાઈની હતી. આ સ્ટીમર પર વિવિધ જાતના મુસાફરો હતા અને વર્નની કથામાં હોય એવા કોમેડી સર્જનારા નંગ જેવા પાત્રો પણ હતા. તેના કારણે નાની વાર્તા રસપ્રદ બને છે.

ટાઈટેનિક ૧૯૧૨માં ડૂબ્યું, પણ એ પહેલા રજૂ થયેલી આ કથામાં ટાઈટેનિકને મળતો આવે એવો કેટલોક ઘટનાક્રમ આકાર પામ્યો છે. આવી કથામાં ચિત્રો અનિવાર્ય ગણી શકાય, પણ ગુજરાતી અનુવાદમાં તેનો અભાવ જોવા મળે છે. અંગ્રેજીમાં તો ખાસ ચિત્રાત્મક આવૃત્તિઓ પ્રગટ થતી રહે છે. કેમ કે ચિત્રો હોય તો જૂલે વર્નના કલ્પનાવિશ્વમાં વિહરવાની મજા કંઈક ઓર જ છે.
અમેરિકા પહોંચ્યા પછી જૂલે વર્ને નાયગરા ધોધની મુલાકાત લીધી હતી. તેનું પણ વર્ણન છે. આખી કથામાં નાયકનું નામ ક્યાંય આવતું નથી, કેમ કે એ જૂલે વર્ન પોતે જ છે.
એ કથાના કેટલાક અંશો અહીં રજૂ કર્યા છે.
- દિવસ હતો ૧૮૬૭ના માર્ચ માસની અઢારમી તારીખનો. લીવરપુલ બંદરેથી ૨૦મી માર્ચે અમેરિકા જનારી ‘ગ્રેટ ઇસ્ટર્ન સ્ટીમર’માં એક અલગારી યાત્રી તરીકે મુસાફરી કરવાનું મેં નક્કી કર્યું હતું.
- મર્સીના પાણી સીધા દરિયામાં ઠલવાતાં હતાં, એટલા કારણે જ એ નદી કહેવાઈ હશે. એ સિવાય નદી તરીકેનું બીજું એક પણ લક્ષણ મેં એનામાં જોયું ન હતું. સાવ ઠીંગણી જાડી સ્ત્રી જેવો એનો દેખાવ હતો. એના મૂળ અને મુખ વચ્ચે ઝાઝું અંતર ન હતું
- એક હજાર મુસાફરો તથા સેંકડો કર્મચારીઓ સમૂહને દિવસો સુધી ચાલે તેટલો પુરવઠો જહાજમાં ઠલવાવા માંડ્યો.
- યાત્રા શરૂ કરતા પહેલાંની છેલ્લી છતાં ખૂબ જ અગત્યની વિધિ બાકી હતી. સંબંધિત રાષ્ટ્રોના રાષ્ટ્રધ્વજને એ માટે ખાસ ઊભા કરાયેલા ધ્વજસ્તંભો ઉપર વિધિવત ચઢાવવાના હતા. બ્રિટિશ કંપની આ જહાજની માલિક હતી. ફ્રેન્ચ કંપનીએ જહાજ ભાડે લીધું હતું અને તે અમેરિકા જવાનું હતું. આ ત્રણે દેશોના રાષ્ટ્રધ્વજને પૂરા સન્માન સાથે સ્તંભો ઉપર ચઢાવવામાં આવ્યા. ખુલ્લા સાગર્ તરફથી આવતા હૂંફાળા અને હળવા પવનમાં રાષ્ટ્રધ્વજો ગૌરવ સાથે ફરકવા લાગ્યા.
- આજ સુધી હું એવા ભ્રમમાં હતો કે મશીનો માણસની સેવા માટે બનાવાય છે. અહીં એનાથી વિપરીત સ્થિતિ છે. મશીનની સેવામાં માનવશક્તિને જોતરવામાં આવી.
- યંત્રબળ ઉપર સંપૂર્ણ આધાર રાખવાની શરૂઆત હજી થઈ ન હતી. સ્ટીમ એન્જિનના ચાલકબળ સાથે હજી પણ સઢનો ઉપયોગ ચાલુ હતો. ‘ગ્રેટ ઇસ્ટર્ન’ એમાં અપવાદરૂપ હતું. શરૂઆતથી જ મોટાં જહાજ તરીકેનો કીર્તિમાન એણે પ્રાપ્ત કર્યો હતો. વિશાળ કદને કારણે એમાં સઢની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. વધુમાં ઇજનેરોએ પણ એને કેવળ યંત્ર આધારીત અદ્વિતીય જહાજ બનાવવા કમર કસી હતી. વિશાળ કદ અને એનાં એન્જિનોની અશ્વશક્તિને કારણે સામાન્ય તોફાનોની તો એના ઉપર કોઈ અસર થાય તેમ ન હતું, પરંતુ આજના તોફાનની રૂખ જુદી જ હતી.

- તમે જે બોલો છો તે સમજી વિચારીને બોલો છો ને?’ તમારી પાસે જહાજ સંબંધમાં બધી માહિતી હતી, તો પછી શા માટે એમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું?
‘આ જહાજ ઉપર જે વીતવાનું છે, તેના પ્રત્યક્ષ દર્શન માટે જ તો. - જહાજ મહાકાય અને મજબૂત ભલે હોય, પરંતુ ગંભીર હોનારતમાંથી એ બચી શકવાનું નથી. આ આગાહી સાચી પડવાની જ છે. તેનો પ્રત્યક્ષ સાક્ષી બનવા હું ઉત્સુક છું.’ રહસ્યપૂર્ણ નજરે જોતાં ડૉક્ટર બોલ્યા.
- ‘આ જહાજ માટે એવી તો અનેક વાયકાઓ કહેવાતી આવી છે. મેં સાંભળ્યું છે કે જહાજના વિશાળ ભંડકિયામાં કુતૂહલવશ ઊતરેલો એક મુસાફર ફરીથી દેખાયો જ ન હતો. ગુમ થઈ ગયો હતો.’
- સારું હતું કે તમામ મુસાફરો પોતપોતાની કૅબિનમાં બંધ હતા. રાસડા લઈ રહેલા આ મોતના માહોલ સામે સૌ અસહાય હતા. ભંડકિયાના તબેલાનો દરવાજો જોરથી ફેંકાયેલા એક ધાતુના ટુકડાથી તૂટી પડ્યો. એમાં રાખવામાં આવેલી એક ગાય એની બાજુમાં આવેલા મહિલાઓ માટેના વિરામકક્ષ સુધી ફેંકાઈ ગઈ.’
- જહાજ સંબંધિત સંભવિત દુર્ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી બનવા દરેક સફરમાં એ સામેલ થયો હતો, એવી એની રજૂઆત ખરેખર સાચી વાત હશે? ચસકેલ ભેજાંનો આવો ધૂની માણસ, કહેવાય છે કે તે જ્યારે એક અંગ્રેજ હોય ત્યારે બધું જ શક્ય છે.
- નવનિર્માણ પામેલી ગ્રેટ ઇસ્ટર્નની આ પ્રથમ સફરની જોરદાર જાહેરાતોથી આકર્ષાઈને તેઓ આ સફરમાં સામેલ થયા હતા. સલામત સફર સાથે દરિયાઈ માંદગીની સંપૂર્ણ ગેરહાજરીવાળી જાહેરાતને સૌ યાદ કરવા લાગ્યા.
- અમેરિકનો માટે કહેવાતું હતું કે કોઈ પણ અનિશ્ચિત બાબત જુગારમાં દાવ લગાવવા તેમને માટે બહાનું બની શકતી. ત્રણ માઈલ દૂર તરતા કાળા પદાર્થની ઓળખ બાબત પણ જુગારના દાવ શરૂ થયા. દાવ લગાડનારામાં એક ઊંચો, પડછંદ અને હૃષ્ટપુષ્ટ શરીરવાળો ઋક્ષ દેખાતો માણસ સૌથી વધુ ઉત્સાહી જણાતો હતો. એના ચહેરા ઉપર કોઈ વિચિત્રતા વાંચી શકાતી હતી. થોડા જ સમય અગાઉ તોફાનથી ત્રાસેલા મુસાફરોને તૂતક ઉપર ટોળે વળવાનું બહાનું મળી ગયું. વિચિત્ર દેખાતો પેલો પડછંદ માણસ સૌથી છેવાડે હતો, પરંતુ આગળ ઊભેલાઓને હડસેલા મારતો પોતાના ટેકેદારો સાથે આગળ વધી બુકીની સામે આવી ગયો
- સુખદ અને શાંતિની પળોનું એક અપલક્ષણ હોય છે, એ ઝડપથી પસાર થઈ જાય છે. એના પછી આવતાં દુઃખ કે તકલીફોને એવી કોઈ જ ઉતાવળ હોતી નથી, એ તો નિરાંતે જ જાય, છતાં જાય એ પણ નિશ્ચિત.
- આવા બે નમૂનાઓને એક રૂમમાં એકાદ કલાક માટે પૂરી રાખો અને જુઓ કે શું થાય છે? જ્યારે તેઓ બહાર આવશે ત્યારે બંને જણા એકબીજા પાસેથી દસ ડૉલર જીત્યાનો દાવો કરશે.
- રોચેસ્ટર નગરનો એ કોકબર્ન છે. એ એક આંકડાશાસ્ત્રી છે. એની નજરમાં આવેલી કોઈપણ વસ્તુનું એ ઝડપથી આકલન કરી શકે છે. એના પરિચયમાં આવેલા ઘણાને લાગે છે કે એની ડાગળી ચસકી ગયેલી છે. એવા અભિપ્રાયની પરવા કર્યા વિના એ પોતાનામાં જ મસ્ત રહે છે. પચાસ વર્ષની ઉંમર સુધીમાં એક માણસે કેટલી બ્રેડ ખાધી હશે કે કેટલા ઘનફૂટ હવા તેણે શ્વાસમાં લીધી હશે તેનો જવાબ ક્ષણાર્ધમાં જ તે આપી શકે છે. લંડનબ્રિજ ઉપરથી દર કલાકે કેટલી વિધવા સ્ત્રીઓ પસાર થતી હશે, તે પણ ખચકાટ વિના કહી શકે છે.’
- એ લોકો પેરુ દેશનાં વતની છે. એક વર્ષ ઉ૫૨ જ એમનાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ સુખદ હિનમૂનની શોધમાં તેઓ પાંચે ખંડની ધરતીને ખૂંદી વળ્યાં છે. જાપાનમાં એકબીજા માટે પ્રેમની લાગણી વ્યક્ત કરી. એની અભિવ્યક્તિ માટે પરસ્પર ભેટસોગાદો આપી. ઑસ્ટ્રેલિયામાં પ્રેમમાં થોડાં આગળ વધ્યાં, હિન્દુસ્તાનમાં બંને એકબીજાથી કંટાળવા લાગ્યાં. ફ્રાન્સમાં અબોલા લીધા. ઇંગ્લેન્ડમાં રીતસરના ઝઘડા શરૂ થયા. હવે વિચ્છેદ માટે અમેરિકા જઈ રહ્યાં

- જહાજ બાબતમાં મારે હજી ઘણું બધું કહેવાનું છે. તમે માનશો નહીં, મિસ્ટર કોર્સીકન! પરંતુ આ એક સત્ય હકીકત છે કે આ જહાજ ઉપર રાત્રિના અંધારાના ઓળા ઊતરવાની શરૂઆત થાય, તેની સાથે જ નિશાચર તત્ત્વોનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે.’ ગંભીર બનીને ડૉક્ટરે જણાવ્યું.
- હતી.વરસાદી ઘમસાણમાં અન્ય જહાજ સાથેની સીધી અથડામણનું એક જોખમ તો ટળ્યું. પરંતુ હવે પછીનો માર્ગ તો એનાથી પણ વધુ જોખમી હતો. કૅનેડાની પૂર્વમાં આટલાન્ટિકમાં લંબાયેલો ન્યૂ ફાઉન્ડલૅન્ડનો આ વિસ્તાર પાણીમાં તરતા હિમખંડો માટે નામચીન ગણાય છે.
- એ જ અરસામાં ભોજન કક્ષમાંથી ભોજન માટેનો ઘંટ વાગતાં એમની વચ્ચેનો ગરમાગરમ વિવાદ ઠંડો પડી ગયો.
- જહાજ ઉપરની મહિલા મુસાફરોએ એનો સખત વિરોધ કર્યો હતો. એમના પતિદેવો બહુપત્ની પ્રથાના પુરસ્કર્તા મોર્મન ગુરુનો પ્રચાર સાંભળે તે એમને માન્ય ન હતું.
- આવી સ્થિરગતિને કારણે કેટલાક અનુભવી અને ઉત્સાહી મુસાફરોને ઘોડાદોડની સ્પર્ધા સાંભરી. ખરેખરા ઘોડા દોડાવવાનું તો અહીં શક્ય ન હતું. પરંતુ ઘોડા જેવા માણસોને સ્પર્ધામાં ઉતારવાનો વિકલ્પ સ્વીકારવામાં આવ્યો.
- મધદરિયે મળતાં જહાજો વચ્ચે શિષ્ટાચારની આપ-લેની વિધિ મુસાફરો માટે રોમાંચક ઘટના બનતી હોય છે. રાષ્ટ્રીયતા જુદી હોય કે રાષ્ટ્રો વચ્ચે દુશ્મનાવટ હોય, તો પણ દરિયાઈ મુસાફરીનાં જોખમો સૌ માટે સરખાં જ હોય છે. આવી આકસ્મિક મુલાકાતના સમયે દરેક એકબીજાની અદબ જાળવી પોતપોતાની ઓળખ સ્પષ્ટ કરતા હોય છે.

- જવાબ સાવ સરળ અને સીધો છે. સમજો તમે, કે હું સાઠ વર્ષનો થઈશ ત્યારે આ પૃથ્વી ઉ૫૨ મેં કુલ ૨૧,૯૦૦ દિવસનો મુકામ કર્યો એમ કહેવાશે. એટલા દિવસના ૫,૨૫,૬૦૦ કલાકો થયા. કહો કે ૩,૧૫,૩૬,૦૦૦ મિનિટો અથવા ઝીણું કાંતી શકું તો ૧,૮૯,૨૧,૬૦,૦૦૦ સેકંડો થઈ ગણાશે. એ દરમિયાન કુલ ૨,૦૦,૦૦ માણસોએ પોતાના અનુગામીઓ માટે જગ્યા ખાલી કરી હશે. જો મારું સ્થાન લેનાર કોઈ જીવ જન્મી ચૂક્યો હશે તો હું પણ અહીં ભીડ કરતો બની જઈશ.
- એક નાની બોટ જહાજની નજીક આવીને ઊભી રહી. એમાંથી સ્વાસ્થ્ય ચિકિત્સક જહાજ ઉપર આવ્યો. વિદેશોમાંથી આવતા વસાહતીઓ પોતાની સાથે કોઈ પ્રકારનો રોગ લાવ્યા હોય કે સ્વાસ્થ્ય સંબંધી વાંધાજનક વસ્તુઓ હોય તો તેની ચકાસણી કરવાની એની ફરજ હતી.
- ધોધથી થોડા દૂરના અંતરે વસેલા એ ગામનું નામ ધોધ ઉપરથી પડ્યું કે ગામના નામ ઉપરથી ધોધનું નામ પડ્યું તે માટે મગજ કરવાનો અમારી પાસે સમય ન હતો.
- ડૉક્ટર પીટર્જની આગાહી ખોટી પડી. ગ્રેટ ઇસ્ટર્ન જેવા મહાકાય અને શક્તિશાળી જહાજની ભીષણ હોનારત નજરોનજર જોવાની એમની ઇચ્છા ફળી નહીં. એને શ્રદ્ધા હતી કે ભવિષ્યમાં આ નહીં તો બીજું કોઈ જહાજ જળસમાધિ લેવાનું જ હતું. અને તેઓ એવી દુર્ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી બનવાના હતા.