તારક મહેતાનું પુસ્તક તારકનો ટપુડો 20 લેખોનો સંગ્રહ છે. પુસ્તકના નામમાં સ્પષ્ટતા છે એમ લેખો ટપુડા વિશેના છે. આ લેખો વિવિધ પુસ્તકોમાં સમાવેશ પામ્યા છે, પરંતું અહીં બધાને એકઠા કરીને મુકી દેવાયા છે. એ પુસ્તકનાં પાનાંઓમાંથી પસાર થઈએ..
‘સ્વ.વજુભાઈની લેખમાળાની પ્રેરણા, સ્વ.હરકિસનભાઈના સર્જનાત્મક સૂચનો અને મારી પોતાની નિષ્ઠાએ મને તેત્રીસ વર્ષથી ટપુ સાથે જિવાડ્યો છે.’ ટપુડો કેમ સર્જાયો તેની વાત પુસ્તકના નિવેદનમાં કરતાં તારક મહેતાએ આવુ લખ્યું છે. ટપુડો તેમને અતી પ્રિય હતો. એટલે એમ પણ લખ્યું છે – ‘જેમ ટારઝન ઘરડો થતો નથી અને ડેનિસ ધ મિનેસ યુવાન થતો નથી તેમ ટપુ પણ આવડોને આવડો જ રહેવાનો છે, મારા ગયા પછી પણ.’
પુસ્તકમાં કુલ 20 લેખ છે. એમાંથી 2ને બાદ કરતાં બધામાં ટપુના પરાક્રમો જ છે. એમાંથી કેટલીક બહુ રસપ્રદ લાગી એ લાઈનો અહીં રજૂ કરી છે.
- હું અને ગંજીફરાક-ધોતિયું ધારણ કરેલ જેઠાલાલ મારા બ્લોકમાંથી નીકળ્યા ત્યારે તો માળાની ચાલીમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.
- પલંગમાં પડેલા સાતડે સાતમાં સળવળાટ થયો. ડોસા આખા ધ્રુજવા માંડ્યા. પછી એક પ્રચંડ છીંક સાથે આખાને આખા અડધો ફૂટ એ હવામાં ઊછળ્યા. અને પછી ધડાધડ છીંકોના ગુબ્બારા ફૂટવા લાગ્યા. પૂજ્ય પિતાશ્રીનાં ઝલાઈ ગયેલાં અંગો છૂટાં તો થઈ ગયાં, પણ એવો ભય ઊભો થયો કે ક્યાંક એમના હાથ-પગ વછૂટીને આજુબાજુમાં વેરાઈ ના જાય.
- આ એ જ સ્થળ હતું જ્યાં ગયા વર્ષે ટપુ સુલતાન સામે હિંમતલાલ હારી ગયા હતા અને આ વર્ષે નવી વ્યુહરચના સાથે હાથમાં છીંકણીની ડબીનું હથિયાર ધારણ કરી તે પાછા પધાર્યા હતા.
- મારી છત્રી તો તમે જાણો છો ને! ખૂલે તો બંધ ન થાય અને બંધ થયા પછી સાલી ખૂલે નહીં.
- અમે ત્રણ મોરારજીભાઈનું રાજીનામું કેવી રીતે અપાવવું તેની વિચારણા કરતા નેતાઓની જેમ વિચારણા કરતા ઊભા રહ્યા.
- પણ એમનું મોં ખૂલે એ પહેલાં ઓટોમેટિક લિફ્ટનું બારણું ખૂલ્યું.
- એમ જ લાગતું હતું કે જાણે ટાલિયા મસ્તક ઉપર વેર વાળવા એમણે આખા ચહેરા ઉપર ખૂન્નસપૂર્વક ધોળા વાળના ગૂચ્છા ઉગાડ્યા હતા.
- સાંભળીને જેઠાલાલ એવા ચમક્યા કે એક પળ માટે ટુવાલે એમના શરીરનો ત્યાગ કરવાની ધમકી આપી.
- અંધારામાં પહેલાં તો મને એમ જ લાગ્યું કે બહાર મૂકેલી સીડી પાછી ઊંચી થઈને અમારી બાજુ ઉપર આવી રહી હતી પણ પછી ખ્યાલ આવ્યો કે એ સીડી ન હતી પણ સીડી જેવા આકારના પાતળા ઊંચા સુંદરલાલ હતા.
- પેલાં પાટિયાં ઊંચકનારે ચંપકલાલને કૂલે લાત મારી ઊભા કર્યા.
- આ ગચાગચીમાં બીડી કેવી રીતે પીએ! મારી બીડી કોકના મોંમાં જતી રહે.
- એમના પ્રશ્નથી મને મિડિયમ સાઈઝનો ધ્રાસકો પડ્યો.
- માઈકમાં એમણે મોટો ઓડકાર ખાધો. એમનું ‘ઓઈયા’ મોટી સિંહગર્જના જેવું સંભળાયું એટલે સૌ શાંત થઈ ગયા.
- એટલામાં, મારા કપાળ પર એના નહોર મારી એ ચીજ ભાગી ગઈ.
- મેટાડોરમાં જેટ વિમાનનું મશીન ફીટ કર્યું હોય તેવો અવાજ આવતો હતો. ગાડીનો અવાજ વધારે અને ઝડપ ઓછી હતી.
- મોંમાં પાઈપ વગરના ભીખાલાલ કાંટા વગરના ઘડિયાળ જેવા ખાલીખમ લાગતા હતા.
- રવિવારની રજાના દિવસે માખીઓનો ત્રાસ અસહ્ય બન્યો ત્યારે સામાજિક અન્યાય સામે માણસ બહારવટે ચડે એમ હું રવિવારની પૂર્તિવાળું ઘટ્ટ છાપું વાળી માખીઓ પર પરશુરામ બનીને ત્રાટક્યો.
- મેં જાતજાતના આકારના માણસ જોયા છે પરંતુ ત્ર્યંબકલાલના આકારનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે.
- દેખાવડી સ્ત્રીઓની હાજરીમાં કેમ વર્તવું એ મારા માટે કાયમ સમસ્યા છે.
- સરકારી કચેરીમાં તો કિંગકોંગ કરતાં કારકુનોનું જોર વધારે હોય છે.
- મોં પહોળું થઈ ગયું અને ગળામાંથી હૂઉઉઉફ… હૂઉઉઉફ… એવા અવાજ નીકળ્યા.
પુસ્તક વિશે માહિતી
નામ – તારકનો ટપુડો : ટપુડો વિશેષ
પ્રકાશન – ઈમેજ પબ્લિકેશન
સંપર્ક – 079 2200 2691
પ્રકરણ – 20
પાંનાની સંખ્યા – 214
કિંમત – 140
પ્રથમ આવૃત્તિ – એપ્રિલ 2001
ઓનલાઈન શોપિંગ લિન્ક – http://www.e-shabda.com/Tarakno-Tapudo-Tarak-Mehta-Collected-Works-Gujarati-9788179976302
નોંધ – તેમનું બીજું એક પુસ્તક ‘તારક મહેતાનો ટપુડો’ નામે છે. એ અને આ બન્ને અલગ અલગ પુસ્તક છે.