તનોટ/Tanot Mata : બોલો એવુ મંદિર જોયુ છે, જ્યાં પાકિસ્તાની તોપ-ગોળા પણ રખાયા હોય?

૧૯૭૧ના શિયાળામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઉનાળા જેવી ગરમી આવી હતી, જે હવે ૭૧નાં યુદ્ધ તરીકે ઓળખાય છે. યુદ્ધ વખતે જેસલમેર પાસે આવેલા તનોટ મંદિર/Tanot Mata વિસ્તારમાં ફેંકાયેલા સેંકડો પાકિસ્તાની તોપ-ગોળાઓ ફૂટયા વગરના રહ્યા હતાં, જે હવે ત્યાંના મંદિરમાં પ્રદર્શિત કરી રખાયા છે. એ વિજયની યાદમા દર વર્ષે ૪ ડિસેમ્બર ‘લોંગેવાલા ડે’ તરીકે ઉજવાય છે.

ભક્તો માટે લાલ જાજમ બિછાવી રાખી છે… જય માતાજી..

નજર પડે ત્યાં સુધી થરપારકર નામે વધારે જાણીતું જગતનું નવમુ સૌથી મોટુ રણ પથરાયેલું છે. અનેક ઢૂવાઓ છે, રેતીની ડમરીઓ ઉડે છે, ગાંડા બાવળ જેવા છૂટા છવાયા વૃક્ષો શિવાય કોઈ લીલોતરી નથી, સૂસવાટા મારતો પવન ટાઢકને બદલે દાહકનો અનુભવ કરાવે છે, રસ્તા પર ડામર કરતાં વધારે મૃગજળ દેખાય છે અને આમ પણ રેતીના સંગમાં રહીને કાળો ડામર પણ અહીં પિળાશ ધારણ કરી ચૂક્યો છે.

થર જગતનું નવમા ક્રમનું સૌથી મોટું રણ છે. જેસલમેર જઈને ઢૂવા જોવાને બદલે તનોટ તરફ હંકારીએ તો રણના અસલ દર્શન થયા વગર રહે નહીં.

એ બધાની વચ્ચે નાનુ એવુ બાંધકામ છે. તનોટ માતાના મંદિરનું બાંધકામ. નાના બાંધકામ આગળ વિશાળ પ્રાંગળ, પ્રવાસીઓ માટે ઉતારાની સુવિધા, ફરફર થતી ધજાઓ, ઘંટારવનો અવાજ, શ્રદ્ધાળુઓનો હળવો કોલાહલ, લાંબી પરસાળ અને પરસાળના અંતે ગર્ભગૃહ સહિતનું મંદિર, ગર્ભગૃહ આગળ વળી ધીમો ધીમો સુવાસ ફેલાવતી ધૂણી અને ધૂણીમાં ખોડેલા અનેક ત્રિશુલ-ચિપિયા, ફરતી દિવાલોએ તસવીરો સ્વરૃપે હાજર દેવી-દેવતાઓ, દિવાલો પર સંસ્કૃતમાં શ્લોકો લખ્યા છે અને જમણી દિવાલે એક શો-કેસ રાખેલો છે. એ શો-કેસ જ આ મંદિરને દેશ-પરદેશના અનેક મંદિરોની સરખામણીમાં અનોખુ બનાવે છે!

મંદિરમાં તોપ-ગોળા…. અહીં ભગવાન ક્યાંક આકરા પાણીએ તો નથી ને!

શો-કેસમાં પાકિસ્તાની સેનાએ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ વખતે વરસાવેલા તોપગોળા રખાયા છે! બે ભાગમાં વહેંચાયેલા નવ ગોળાનો લીલો કલર જોઈને એ પાકિસ્તાની જ હશે એમ સ્વીકારી લેવામાં વધુ વાર લાગતી નથી. ગોળાઓ જોઈ શકાય એ માટે સતત ઉપર લાઈટ ચાલુ રહે છે અને શો-કેસના ગોળા સિવાયના ભાગમાં ફોટોગ્રાફ્સ, ઐતિહાસિક લખાણો, લશ્કરી જવાનોની તસવીરો, સરકારી અભિનંદનપત્ર.. વગેરે સામગ્રી ગોઠવાઈ છે.

પરંતુ ગોળા અહીં કેમ રાખ્યા છે? શસ્ત્રાગારમાં કે પછી લશ્કરી સંગ્રહાલયમાં હોવા જોઈએ એ બારૃદ ભરેલા વિસ્ફોટકો અહીં શું કરે છે? એ સવાલનો જવાબ છેક ૧૯૭૧ અને એથીય પહેલાં ૧૯૬૫ના યુદ્ધમાં શોધવો પડે એમ છે.
* * *

રણમાં ગૂંચવાાયેલી પાકિસ્તાની ટેન્કો આમ-તેમ ફરતી રહી અને પછી ત્યાં જ કેટલીક તો ભારતીય ગોળા-બારૃદનો ભોગ બની ગઈ. તેની આ આકાશી તસવીર છે.

૧૯૭૧ના યુદ્ધ વખતે પાકિસ્તાનના બે ફાડિયા કરવા માટે આમ તો પૂર્વ મોરચે જ મોટી લડત આપવાની હતી. પરંતુ પશ્ચિમે રાજસ્થાન-પંજાબ સરહદે પણ પાકિસ્તાન સાથે બાથ ભીડવાની થશે એવી સેનાની અપેક્ષા ન હતી. એટલા માટે તૈયારી પણ અપૂરતી હતી. રાજસ્થાનની સરહદે સ્થિતિ નબળી છે એ જાણતા પાકિસ્તાની મેજર જનરલ મુસ્તફાએ તો સૈનિકોને એવો પાનો ચડાવ્યો હતો, ‘લોંગેવાલા જીતી લીધા પછી રામગઢ પહોંચીને નાસ્તો કરવાનો છે અને વાળુટાણુ થશે ત્યાં તો જેસલમેર પહોંચી ગયા હોઈશું (સંદર્ભઃ યુદ્ધ ૭૧, લેખક-નગેન્દ્ર વિજય)’. સરહદ પાસેનું પહેલું થાણુ લોંગેવાલા પોસ્ટ હતું એટલે એ વટાવ્યા પછી જ આગળ વધવાનું થાય એ નક્કી હતું.

ત્રીજી ડિસેમ્બરે શરૃ થયેલા યુદ્ધમાં પાકિસ્તાની રણગાડીની પલટણે ચોથી તારીખે સવાર સુધીમાં લોંગેવાલા અને તેની સમાંતર ૫૦ કિલોમીટર ઉત્તરે આવેલા તનોટ સહિતના વિસ્તારમાં પાકિસ્તાનીઓએ ગોળીબારી શરૃ કરી દીધી હતી. લોંગેવાલા ખાતે ૬૩૮ નંબરની બોર્ડર પોસ્ટ હોવાથી મેજર કુલદીપસિંહ ચાંદપુરીની આગેવાનીમાં ૭૦ જવાનો ફરજ બજાવી રહ્યાં હતાં. પરંતુ રણમાં ઝિંકાયા પછી ધૂળની ડમરી ઉડાવતા દરેક ગોળાનો જવાબ એટલા જવાનો આપી શકે એમ ન હતાં.

સરહદી વિસ્તારમાં આમ તો અત્યંત પાંખી વસતી હતી (આજે પણ પાંખી જ છે). છૂટાછવાયા ગામ અને એમાં પણ છૂટાછવાયા મકાનો. ત્યાંના કેટલાક વિસ્તારોમાં તો આજે પણ વીજળી નથી પહોંચી, તો પછી ત્યારે તો ક્યાંથી લાઈટ હોય? પરંતુ રાતે સળગતા ચૂલા, પ્રગટતી મશાલો, ધીમે ધીમે જલતા બીડીના ટેરવાં.. પાકિસ્તાની દિશા નિર્દેશકોને હુમલો કરવાનું સ્થળ બતાવી આપતા હતાં. આમેય જેસલમેરથી શરૃ થયા પછી ઉત્તરે કિશનગઢ, વચ્ચે રામગઢ, સરહદ તરફે શાહગઢ, લોંગેવાલા અને જરાક આગળ તનોટ સિવાયના કોઈ ગામ-શહેરો હતાં નહીં. માટે આ બધા લક્ષ્યાંકો પર બોમ્બમારો કર્યા પછી જ પાકિસ્તાની સેનાની જેસલમેર સર કરવાની ઈચ્છા પુરી થાય એમ હતી. પાકિસ્તાની સેના પૂરતી તૈયારી સાથે આવી હતી. પાકિસ્તાની તોપ-રણગાડીઓના હુમલા વચ્ચે તનોટ ખાતે એક માનવામાં ન આવે એવી ઘટના આકાર પામી.

મંદિરનું સંચાલન સત્તાવાર રીતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના હાથમાં છે, એટલે અન્ય મંદિરોમાં હોય એવી કોઈ ગરબડ નથી કે ભક્તો પર સુરક્ષાના નામે ત્રાસ ગુજારવામાં આવતો.

તનોટ ખાતે તનોટરાય નામના માતાજીનું મંદિર હતું. અહીં કેટલાક ભક્તો ઉપરાંત ગણ્યાગાંઠયા ગામવાસીઓ અને બીએસએફના જવાનો હતાં. માન્યતા પ્રમાણે એ પૈકીના કોઈકને રાતે સપનું આવ્યુ કે જે લોકો મંદિરની હદ વળોટીને બહાર નહીં જાય તેમને પાકિસ્તાની પ્રહાર કશું નહીં કરી શકે. માટે ગામવાસીઓ મંદિરની લક્ષ્મણરેખાની અંદર પુરાઈ ગયા. સૈનિકો માટે પણ આશરો લેવા માટે એ સિવાયનું કોઈ સ્થળ ન હતું.
પાકિસ્તાન તરફથી સતત ગોળાબારી ચાલુ હતી..

કારણે ગમે તે હોય અને ગમે તે ચમત્કાર થયો હોય પરંતુ મંદિર પરિસરમાં ફેંકાયેલો એક પણ ગોળો ફૂટયો નહીં! એ વિષય શ્રદ્ધા (કે પછી અંધશ્રદ્ધા)નો હતો માટે તેના કારણોની તપાસ થઈ તો પણ કોઈ વ્યાજબી ખુલાસાઓ મળ્યા નહીં. ગોળા આખરે ફૂટયા કેમ નહીં?

મંદિરમાં લખ્યા પ્રમાણે તનોટ માતાએ પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ દેવીનું જ સ્વરૃપ છે.

પાકિસ્તાની ગોળાઓ હલકી ગુણવત્તાના હતાં? ગોળામાં રહેલા બારૃદ હવાઈ ગયો હતો? કે પછી મંદિરમાં માતાજીએ આપેલા અભયવચન પ્રમાણે ગોળાઓ નિષ્ફળ જઈ રહ્યાં હતાં?

અહીં બે-ચાર ગોળા ફેંકાઈને અટકી ગયા ન હતાં. મંદિરની પરસાળમાં લખાયેલા ઈતિહાસમાં ટાંકેલા આંકડા પ્રમાણે બન્ને યુદ્ધમાં મળીને ૩ હજારથી વધારે ગોળાઓની વર્ષા મંદિર તથા આસપાસના વિસ્તારમાં થઈ હતી. તેમાંથી કેટલાક ગોળાઓ તો ફૂટયા પણ હશે. પરંતુ મંદિરને નુકસાન થાય કે ત્યાં રહેલા કોઈને જરા સરખી પણ ઈજા થાય એ રીતે એક પણ ગોળો વિસ્ફોટિત થયો ન હતો. હા ફેંકાતો એક ગોળો પ્રાંગણમાં ઉભેલા ઊંટના પૂછંડા સાથે અથડાયો હતો, પંરતુ ફૂટયો ન હતો!

પાકિસ્તાને ઘણા ગોળા ફેંક્યા અને એક પણ ફૂટ્યો નહીં. હવે મંદિરમાં રખાયેલા ગોળા તો આમેય નિષ્ક્રિય કરેલા છે માટે ફૂટવાનો કોઈ સવાલ નથી.

એ વખતે દુશ્મનો દેશની સરહદની અંદર કેટલાય કિલોમીટરો સુધી પહોંચી ગયા હતાં. કેટલીક ચોકીઓ પર કબજો કરી લીધો હતો, કાચા રસ્તાઓ પર સુરંગો બીછાવી દીધી હતી અને અન્ય મોરચે લડતાં અનેક સૈનિકો શહિદ પણ થયા હતાં.

પરંતુ તનોટના પ્રાંગણમાં સ્થિત અલગ હતી. મંદિર હતું અને એમાં દુશ્મનો નિષ્ફળ રહ્યાં એટલે માતાજીનો ચમત્કાર એવી વાત ફેલાતા વાર ન લાગી. ૧૯૬૫ના યુદ્ધમાં પણ અહીં ગોળાઓ ફેંકાયા હતાં, પણ તેની માત્રા નજીવી હતી. પરંતુ ૧૯૭૧ના યુદ્ધમાં તો આક્રમક હુમલો થયો હતો. એ પછી પણ મંદિર અને ત્યાં આશરો લેનારા સૌ કોઈ અડિખમ રહ્યાં એટલે તનોટ મંદિર રાતોરાત પ્રસિદ્ધિ પામ્યુ. એટલું જ નહીં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ માતાજીને પોતાના માટે ‘રિઝર્વ’ કર્યાં. એટલે કે આખા દેશમાં ફરજ બજાવતા બીએસએફના જવાનોને કોઈક માનતા માનવી હોય તો એ તનોટરાય પર પસંદગી ઉતારતાં થયા. એટલે અહીં આવનારા પ્રાવાસીઓને ઓલિવ ગ્રીન પોશાકમાં સજ્જ લશ્કરી અધિકારીઓ ઉઘાડા પગે હાથમાં પુજાની થાળી લઈને આવતાં નજરે પડયા વગર રહેતા નથી.

હાથમાં ‘ઈન્સાસ’ અને ‘એ.કે.૪૭’ રાઈફલો લેવા ટેવાયેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અહીં સવાર-સાંજ ઝાંજ-પખવાજ લઈને આરતી ઉતારે છે. બુલંદ અવાજે આરતી ગાય પણ છે. ભક્તી માત્ર ભારતીય જવાનો કરે છે એવુ નથી. ૧૯૬૫ના યુદ્ધમાં મંદિરને કંઈ ન થયા પછી મંદિરની ચમત્કારીક શક્તિથી પાકિસ્તાની બ્રિગેડિયર શાહનવાઝ ખાન પણ પ્રભાવિત થયા હતાં અને ખાસ છત્ર ચડાવવા મંદિરે આવ્યા હતાં! ૬૫ના યુદ્ધ પહેલા તો મંદિર પણ સરકાર પાસે હતું, પરંતુ પછીથી સરહદની જરૃરિયાત ધ્યાનમાં રાખીને બીએસએફે જ મંદિરનું સંચાલન સંભાળ્યુ છે. અહીંના જવાનો માને છે કે આ અમારી શ્રદ્ધાનો વિષય છે, માટે તાર્કિક રીતે વિચારવાનું અમારા માટે કોઈ કારણ નથી.
* * *
તનોટમાતા એ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલા હિંગળાજ મતાજીનું સ્વરૃપ મનાય છે. પહેલાના સમયમાં મંદિર નાનુ હતું, જે હવે વિકસીને સંકુલમાં ફેરવાયુ છે. પણ અહીં ધોતિયાધારી પુજારીઓની ભરમાર નથી કે નથી ધાર્મિક સ્થાનોએ હોય એવી ગંદકી.. મંદિરોમાં હોય એવા ફાલતુ નિતિનિયમો તો જરા પણ નથી. આવનારા મુલાકાતીઓ ખરા અર્થમાં મુક્તિ અનુભવી શકે એવી તમામ સગવડો છે. બોર્ડર ફિલ્મમાં આ મંદિર દેખાયુ હોવાથી પ્રવાસીઓમાં શ્રદ્ધા ઉપરાંત મંદિરની ફિલ્મી લોકપ્રિયતા છે. મંદિરના પ્રાંગણમાં પીરબાબાની જગ્યા છે. અંદર માતાજી તો બહાર પીર એ રીતે પણ મંદિર અનોખુ છે.

જન્માષ્ટમી વખતે અમે પહોંચ્યા એે વખતો કનૈયાના જન્મની તૈયારી ચાલતી હતી. અમે પણ બીએસએફના જવાનોને મદદ કરવા લાગી પડ્યા.

મંદિરનો ધાર્મિક ઈતિહાસ તો છેક નવમી સદીથી શરૃ થાય છે. ભાટી રાજપુત તનુરાવે અહીં ૮૪૭માં રાજધાની સ્થાપી હતી. ત્યારે જ આ મંદિરની સ્થાપના પણ કરી હતી. તનુરાવના વારસદારોએ પણ મંદિરની જાળવણી કરવાની પરંપરા જાળવી એટલે મંદિર સારી હાલતમાં છે. પાછળથી રાજધાની તો જેસલમેર સ્થળાંતરીત થઈ પરંતુ મંદિર અહીં જ રહ્યું.

દેવીનું મંદિર હોવાથી ભારતીય પંચાગ પ્રમાણે અહીં વર્ષમાં બે વખત નવરાત્રી ઉજવાય છે. મંદિર ટ્રસ્ટ આસપાસના ગામોમાં મેડિકલ કેમ્પ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ વગેરે લાભદાયી પ્રવૃત્તિઓ કરે છે. કેમ કે અહીં એ પ્રકારના સેવાકિય કાર્યોની ખાસ જરૃર છે.

યુદ્ધની રમ્ય કથા રજૂં કરતું સ્મારક.

મંદિર પરિસરમાં ખાબકેલા ગોળાઓ પૈકી ૧૯૭૧ના યુદ્ધ વખતના ૯ ગોળા અહીં મંદિરમાં પ્રદર્શિત કરાયા છે, જે જોઈને પ્રવાસીઓ અહોભાવિત્ થયા વગર રહી શકતા નથી. બીએસએફના કહેવા પ્રમાણે બાકીના ગોળા તેમણે પાકિસ્તાનને પરત કરી દીધા હતાં. અહીં રહેલા ગોળા હવે ફૂટે એમ નથી કેમ કે તેમાંથી વિસ્ફોટક પદાર્થો કાઢી નાખવામાં આવ્યા છે.
* * *
સામાન્ય સંજોગોમાં પ્રવાસીઓને અહીંથી આગળ સરહદ તરફ જવા દેવામાં આવતા નથી. જોકે રામગઢ વટાવીને તાનોટ સુધીનું રણ ધરાઈને જોઈ લીધા પછી સરહદ સુધી જવાની જરૃર પણ રહેતી નથી. આસપાસનો વિસ્તાર આમ તો બંજર છે, પરંતુ અહીંના પેટાળમાં તેલ અને ગેસના ભંડારો છે. અલબત્ત, હાલ તો જમીનમાં દટાયેલી ઊર્જા કરતાં હવામાં વહેતી ઊર્જાનું અહીં દોહન થાય છે. ભારે પવન વહેતો હોવાથી અહીંયા અનેક પવનચક્કીઓ ફીટ થઈ છે.

જંગ વખતે આ વિસ્તારમાં સરહદની બન્ને તરફ અનેક જમીની સુરંગો બિછાવાઈ હતી. પાછળથી મોટા ભાગની સુરંગો તો કાઢી લેવામાં આવી હતી, પરંતુ કેટલીક સુરંગો રહી ગઈ હતી, જે આજેય જમીનમાં છે. એ સુરંગો પર પગ આવે એટલે અહીંના મવેશીઓ અને તેમના માલ-ઢોરને મોટુ નુકસાન થયાના અનેક કિસ્સા નોંધાયા છે.
અત્યારે પચાસેક ખોરડામાં ફેલાયેલા તનોટની વસતી ૫૦૦થી વધારે નથી. તનોટ સુધી પહોંચવાનો રસ્તો ભારે રસપ્રદ છે, વેરાન છે અને સતત ફૂંકાતો પવન ભલભલા વાહનોને ફગાવી દેવા કાફી છે. બાઈકિંગ શોખિનો માટે પણ આ રસ્તો ફેવરિટ છે, કેમ કે અત્યંત પાખી માનવ વસાહત અને સપાટ સીધા રસ્તાઓ હોવાથી ગાડીઓ સુસવાટા કરતી પંથ કાપી શકે છે. ભારતનું સૌથી મોટુ થારનું રણ જોવાનું પણ આ ઉત્તમ સ્થળ છે. અંતે તો એ શ્રધ્ધાનો વિષય છે..

જૂનાગઢમાં ખાવા જેવી જગ્યાઓ અને Food options

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *