
TAJ/તાજ હોટેલ દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. એવી જ તાજ હવે અમદાવાદમાં ખુલ્લી મુકાઈ છે અને એ ગુજરાતની સૌથી મોટી હોટેલ છે. મુંબઈ આતંકી હુમલામાંથી શીખ લઈને આ હોટેલમાં વિસ્ફોટ સામે રક્ષણ આપે એવા કાચ ફીટ કરાયા છે.

ગુજરાતમાં છેલ્લા વર્ષોથી પ્રવાસીઓ વધી રહ્યા છે. બીજી તરફ બિઝનેસ પ્રકારની મીટિંગો પણ વધવા લાગી છે. એટલે વધુ હોટેલ્સ જોઈએ એ સ્વાભાવિક છે. હયાત, મેરિયોટ, રેડિસન બ્લૂ.. વગેરે પછી હવે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (આઈએચસીએલ) ગ્રુપની તાજ પણ ગુજરાતમાં ‘તાજ સ્કાયલાઈન’ નામે શરૃ થઈ ચૂકી છે.

એસ.જી.હાઈવે પર સિંધુભવન રોડ પર શરૃ થયેલી તાજ અત્યારે ગુજરાતની સૌથી મોટી હોટેલ છે. દેખાવે પંદર-સત્તર માળ ઊંચી તાજ સ્કાયલાઈનમાં ૩૧૫ રૃમ છે. તો વળી અંદર શામિયાના રેસ્ટોરાં છે, જેના ચુલા ચોવીસેય કલાક ચાલુ રહે છે.


આધુનિક હોટેલ્સમાં હોય એવા વિવિધ પ્રકારના રૃમ, જીમ, સ્પા, લગ્ન-સમાહોર માટેની સુવિધાઓ.. જેવી સુવિધાઓ સ્વાભાવિક છે.

આઈએચસીએલની આ ગુજરાતમાં ૧૨મી હોટેલ છે, તેરમી બની રહી છે. વળી તાજને હવે કોઈ ઓળખાણની જરૃર નથી. દેશ-દુનિયા માટે એક સદી જૂનું આ નામ જ કાફી છે.


આ હોટેલની સૌથી મોટી વિશેષતા તેની સુરક્ષા છે. ૨૦૦૮માં મુંબઈના આતંકી હુમલા વખતે તાજ હોટેલને નિશાની બનાવાઈ હતી. એ વાતમાંથી સમજણ લઈને આ તાજના કાચ પ્રચંડ વિસ્ફોટમાં પણ અણનમ રહે એવા ફીટ કરાયા છે. એ સિવાયની નાની-મોટી સુરક્ષાવ્યવસ્થા તો ખરી જ.


અત્યારે તાજની વેબસાઈટ પર આ હોટેલનું ભાડું રૃપિયા ૬ હજારથી શરૃ થતું દર્શાવ્યું છે. તાજ ઈન્ડિયન બ્રાન્ડ છે એટલે તેની રચનામાં કેટલીક ભારતીયતા જોવા મળે. પશ્ચિમી દેશની ઘણી હોટેલ્સ અમદાવાદમાં છે, પણ તેમાં ભારતીયો માટે જરૃરી અમુક સુવિધાનો અભાવ જોવા મળે છે.
