સુરત પાસે આવેલું સુંવાળી ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કેમ કે 1608માં બ્રિટિશરોનું જહાજ ભારત આવ્યું ત્યારે સૌથી પહેલાં સુંવાળીના કાંઠે ઉભું રહ્યું હતુ. એ વાત વિગતવાર સમયાંતર (13 જાન્યુઆરી, 2019)માં કરી. આ રહી તેની લિન્ક..
અહીં એ સમયાંતરની સર્જનકથાની કેટલીક તસવીરો રજૂ કરી છે.
સુંવાળી આજે અલગ ગામ તરીકે પ્રસ્થાપિત થયેલું છે. ગામ તો એ જમાનામાં પણ હતુ, પરંતુ સુરતના દરિયાકાંઠા તરીકે તેની વિશિષ્ટ ઓળખ હતી. આજે તો સુરત પાસે એકથી વધુ બીચ છે, એમાનો એક સુંવાળીનો કાંઠો પણ છે.
સુરતમાં રહેતા મારા કઝિન દિલીપ સોંડાગર વાંચવા-લખવાના શોખીન છે. સુંવાળીની સફરમાં એ મારી સાથે જોડાયા. યોગાનુયોગે તેમના પડોશમાં જ સુંવાળીના એક ભાઈ રહેતા હતા, જેમણે અમારું કામ વધારે સરળ કરી આપ્યું. સાથે આવવા માટે તો જોકે મિત્ર પ્રતીક જોશીએ પણ તૈયારી દર્શાવી હતી, પણ તેની જરૃર ન પડી.
ચાલુ ગાડીએ આ વટેમાર્ગુને પૂછી ન શકાયું કે શું ભાઈ તું કોલેજ કે પછી નોકરીના સ્થળે જઈ રહ્યો છે? પણ સુરતીઓને કંઈ લાલા એમ જ કહેતા હશે…
રમણભાઈ પટેલ 80 વર્ષના છે, પણ લાગતા નથી. ગામની શૈક્ષણિક સંસ્થાના એ ટ્રસ્ટી છે. ગામ વિશે લખવા માટે ફરવું પડે એવા બધા સ્થળોએ એમણે અમને ફેરવ્યા.
આ આખો ખાડી વિસ્તાર છે, હવે ઉદ્યોગો પણ સ્થપાઈ ગયા છે. પરંતુ અહીંની ભૂમિ વિશિષ્ટ છે, દરિયો હોવા છતાં ત્યાંથી મીઠા પાણીના ફૂવારા નીકળતા હતા. સાથે ગામના શિક્ષક રમેશભાઈ પટેલ છે.
વીકએન્ડમાં સુંવાળીના કાંઠે સ્થાનિક પ્રવાસીઓ ઉમટી પડે છે. માટે કાંઠે હોય એવી મનોરંજન સુવિધા અહીં પણ છે. બીચ જોકે ઘણો સાફ છે. ગુજરાતના શ્રેષ્ઠ દરિયાકાંઠામાં શામેલ થઈ શકે એવો.
ભારતમાં મોટા ભાગની જાહેર સૂચના અવગણના કરવા માટે જ હોય એવું લોકોનું વર્તન હોય છે. આ બોર્ડ સાથે પણ એવું જ વર્તન થાય છે. માટે વરસે-બે વરસે તણાઈ જવાની દૂર્ઘટના બનતી રહે છે.
સુંવાળીના કાંઠાની રેતી બ્લેક સેન્ડ કહેવાતી રેતી છે. આ રેતી લસરણકી હોય છે, એટલે પગ નીચેથી ક્યારે સરકી જાય એ ખબર ન પડે. આવા કાંઠે પાણીમાં ઊંડા ઉતરવામાં જોખમ રહેલું જ હોય છે. સામાન્ય રીતે લાવારસ વહ્યો હોય ત્યાં આવી કાળી રેતી સર્જાતી હોય છે. અહીં જોકે કુદરતે કાળી રેતી માટે જ્વાળામુખીનો સહારો લીધો નથી.
બાકી કાંઠો તો બહુ સુંદર છે, ફરવાની મજા પડે એવો.
પ્રવાસીઓ આવે અને પગવાળીને બેસવું હોય તો આ રહી ખાલી જગ્યા..
ગામમાં આવા કેટલાક જૂનવાણી કુવા છે, જે ઉનાળામાં પાણીનો પ્રવાહ અટકવા દેતા નથી. જેમ કે આ કુવો આખા ઉનાળામાં ઘણા ઘરોને સતત મીઠું પાણી પુરૂં પાડતો રહે છે.
પારસીઓની વસતી ઘણી હતી, માટે તેમની અગિયારી છે. સુવિધાસજ્જ દવાખાનું અને બીજા આકર્ષક બાંધકામો પણ છે. અગિયારીમાં જોકે પારસી સિવાયના લોકોને જવાની છૂટ નથી.
સુંવાળીના ઘરના પરંપરાગત દરવાજા. આ ઘર રમણભાઈનું છે, દરવાજા જેટલું જ આકર્ષક ઘરનું બાંધકામ છે. દક્ષિણ ગુજરાતમાં મકાનોની બાંધણી થોડી વિશિષ્ટ હોય છે, પણ એ ગ્રામ્ય વિસ્તારમાં જ જોવા મળે.
Nice
Great
Very nice
Nice