પ્રકરણ છેલ્લું: સફારી વિશે જાણવા જેવી, પણ ન જાણી હોય એવી 18 વાતો!
સફારી વિશે ઘણુ લખ્યા પછી 18 મુદ્દામાં આખી વાત પતાવીએ.. એક વખત સફારીમાં હેડિંગ હતું… ‘વિશ્વયુદ્ધનું પ્રકરણ છેલ્લું—નોર્મન્ડીથી નરેમ્બર્ગ સુધી..’ એમાંથી જ પ્રેરણા લઈને આ ભાગનું હેડિંગ આપ્યું છે.
સફારીના 35 વર્ષ – ભાગ 18 (17માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=573)
- સફારીનું વાંચન વધે એટલા માટે સફારીએ વિનામૂલ્યે પણ અંકો મોકલ્યા છે. અંક ૭૪ના તંત્રીના પત્રમાં આમંત્રણ હતું કે આગામી અંક ૭૫મો છે. એ અંક વિશેષ છે. તમને એમ લાગતું હોય કે કોક સગા-મિત્રોને વાંચવુ ગમશે તો તેનું સરનામુ અને પોસ્ટ પુરતી સાત રૃપિયાની ટપાલ ટિકિટ સફારીને મોકલી આપો. સફારીએ વાચકોને વિનામૂલ્યે અંક મોકલશે. સફારીને પોતાનો પ્રચાર કરવાની જરૃર નથી પડતી. પણ ક્યારેક વાચકો વાતની ગંભીરતા સમજે એટલા માટે અપીલ કરવી પડે છે. કેટલાક અંકોમા સફારીએ વાચકોને અપીલ કરી છે કે જો તમને આ અંકના અમૂક લેખો ગમ્યા હોય અને તમે સહમત થતાં હો તો તામારા મિત્રો-સગાઓને પણ એ વંચાવો. એ માટે પંદર રૃપિયાથી વધારે ખર્ચ કરવાનો નથી. જેમ કે અંક નંબર ૧૧૬માં જાપાનીઓએ આંદામાનમાં ગુજારેલા આતંકની કથા છે, પરમવીર ચક્રની રચનાની વાત છે… તેમાં ખુદ નગેન્દ્ર દાદાએ આ પ્રકારની અપીલ કરી છે (પાના નંબર ૧૪). અંક ૨૧૧નો સુપર સવાલ ડાયાબિટિસ અંગે હતો. તેની પૂર્ણાહૂતી પછી નોંધ હતી કે તમારા સગા-સબંધીઓને વંચાવો કેમ કે ડાયાબિટિસ અંને જનજાગૃત્તિ આવશ્યક છે. ખરેખર આવશ્યક છે, કેમ જ્યાં કોઈને ડાયાબિટિસ ન હોય એવુ ઘર શોધવું એ કર્ક નિહારિકાના કોઈ ગ્રહ પર રહેતાં બુદ્ધિશાળી સજીવોને શોધવા જેટલું જ મુશ્કેલ કામ છે!
- સફારીએ અંક નંબર ૧૩૧માં જાહેરાત કરી હતી કે ‘નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશન’ સ્થપાયુ હતું. હવે એ ચાલુ છે કે કેમ તેની કોઈ જાણકારી મળતી નથી. સંભવત બંધ છે, કેમ કે છેલ્લા ઘણા અંકોમાં તેના વિશે કશુંય વાંચવામાં આવ્યુ નથી. ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ ઘણી રસપ્રદ હતી. બીજા અંકમાં (૧૩૨)માં જોકે ફાઉન્ડેશન માટે ફાળો આપનારા દાતાઓની નામાવલી પણ હતી. ફાઊન્ડેશનની વેબસાઈટ પણ હતી, ‘એનવીએસએફઈન્ડિયા ડોટ ઓર્ગ’. સફારીના અંકનું ઓડિયો બૂક (શ્રાવ્ય રૃપાંતરી ઓડિયો ડિસ્ક) સ્વરૃપનું વિમોચન પણ સફારીએ એપ્રિલ ૨૦૦૫મા અમદાવાદના અંધજન મંડળ ખાતે કર્યુ હતું. સીડી અને વિમોચનની વિગતો અંક નંબર ૧૩૫ના સંપાદકના પત્રમાં હતી. એ જ અંકમાં સફારીની સીડી વિનામૂલ્યે મેળવવા શું કરવુ તેની નોંધ-જાહેરખબર હતી. સીડી નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ તૈયાર થઈ હતી. એ સીડીમાં એપ્રિલ ૨૦૦૫નો સફારી અંક હતો, જે અંધજનો માટેનો પહેલો અંક હતો. સાયન્સ ફાઉન્ડેશનનું પણ એ પહેલું સાહસ હતું. એ રીતે પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ સફારી તૈયાર થતુ હતું. હજુ પણ થાય છે કે કેમ એ ખબર નથી.
- સફારીના કમ્પ્યુટરોને વાઈરસની અસર થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૦૧માં આવેલા નિમડા વાઈરસે સફારીના કમ્પ્યુટરોમાં ઘૂસણખોરી કરી હતી. પરિણામે સફારીને મળેલા વાચકોના ઈ-મેઈલ ઊડી ગયા હતાં. એટલે પછીના અંકમાં સફારી વાચકોના ઈ-મેઈલ પ્રગટ કરી શક્યુ ન હતું. તેની સફારી એ સખેદ નોંધ લીધી હતી (અંક-૯૭).
- ૭૬ નંબરમાં એડોલ્ફ આઈકમાનની સત્યકથાનું અનુસંધાન પાનાં નંબર ૬૭ પર છે. પછી ફરી ત્યાંથી પણ અનુસંધાન પાના નંબર ૭૨ પર છે. અનુસંધાનનું પણ અનુસંધાન! એ માનવિય ભૂલ કરતાં પ્રિન્ટિંગ ટેકનોલોજી-પેજ સેટિંગની ગૂંચવણને આભારી છે, કદાચ!
- ૨૦૦૧માં આવેલા ધરતીકંપ વખતે સફારીનો ૮૯મો અંક ઘણોખરો તૈયાર થઈ ગયો હતો. પણ ભુકંપ વિશે માહિતી આપવા અંક ફરીથી તૈયાર કરાયો અને ભુકંપ અંગેની શક્ય એટલી માહિતી સમાવી લેવાઈ (સંપાદકનો પત્ર ૮૯). એવી સ્થિતિ ફરી હમણાં નેપાળમાં આવેલા ભુંકપ વખતે થઈ હતી. તૈયાર થઈ ગયેલા અંકમાં ફેરફાર કરીને ભુકંપની વાંચન સામગ્રી સમાવાઈ હતી. ૮૯માં અંકમાં કચ્છના ભુકંપમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. શોક પાળવા સફારીએ પહેલી વખત ૧૯૮૦થી ચાલ્યો આવતો ગેલ-ગમ્મત-ગપસપ વિભાગ પડતો મૂક્યો હતો. કેમ કે એક તરફ હજારો લાશો રખડતી હોય ત્યારે આપણે સફારી વાંચતા વાંચતા હસવાના ખિખિયાટા ન કરી શકીએ, ન જ કરી શકીએ.
- વાચકોના પત્રોને (૯૦) સફારીએ બિરદાવ્યા છે. સંપાદકના પત્રમાં લખ્યુ છે કે વાચકોના પત્રો સફારીના ટીમ મેમ્બર માટે વિટામીન જેવા છે. વળી કેટલાક વિષયો સુજાડવામાં પણ વાચકોનો મોટો ફાળો હોય છે.
- સામાન્ય રીતે સફારી સંદર્ભ ટાકતું નથી. દરેક વખતે જરૃર હોતી નથી, પણ ક્યારેક સંદર્ભ ઉપયોગી સાબિત થતાં હોય છે. પણ સફારીએ બહુદ્યા ન ટાંકવાની પરંપરા જાળવી છે. પરંતુ ૧૦૨ નંબરના અંકમાં નહેરુના છબરડાથી કઈ રીતે ભારતે કાશ્મીર ગુમાવ્યુ એ અંગેનો લેખ આપ્યો (હેડિંગઃ ૧૯૪૭નું ભારત-પાક યુદ્ધઃ પાકિસ્તાનને જ્યારે ભારતે ૩૫ ટકા કાશ્મીર સપ્રેમ ભેટ આપ્યું!) તેના અંતે સંદર્ભો અપાયા હતાં. સંદર્ભ નોંધમાં લખ્યુ હતું કે લેખ તૈયાર કરવા માટે સફારીના ડેટાબેઝ અને લેખકની બહોળી જાણકારી ઉપરાંત પણ કેટલાક સંદર્ભો વાપર્યા છે. એ પછી આઠેક સંદર્ભ સામગ્રીઓ ટાંકી છે (પાનાં ૫૪).
- સફારીનો દિવાળી અંક, વેકેશન અંક એવા વિશેષાંકો આવે છે. પણ ક્યારેક વિષય સ્પેશિયલ અંકો પણ આવ્યા છે. જેમ કે ૧૧૨ નંબર યુદ્ધ વિશેષાંક હતો! તો વળી કવર પર લખ્યુ ન હતું, તો પણ ૧૧૯મો અંક વિમાનવિદ્યા વિશેષાંક હતો.
- ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે નગેન્દ્ર વિજયનો નાગરિક સન્માન સમારોહ યોજાયો હતો. નગેન્દ્ર દાદાના ૬૦મા વર્ષના પ્રવેશના આગલા દિવસે ૧૪મી ડિસેમ્બર, ૨૦૦૪ના દિવસે અમદાવાદમાં કાર્યક્રમ થયો હોવાની જાણકારી આપણને અંક નંબર ૧૩૧માં છપાયેલા અહેવાલમાંથી મળે છે. સફારીના અંગત સલાહકાર રવજીભાઈ સાવલિયાએ એ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. રવજીભાઈ જોકે હવે હયાત નથી.
- ૧૮૪માં અવકાશી સંશોધનના પરિણામે પૃથ્વી પર ઉતરી આવેલી શોધોનો લેખ હતો. તેનો બીજો ભાગ પણ હતો. અગાઉ પણ જરૃર પડયે સફારીએ ક્રમશ નેક્સ્ટ અંક કર્યો છે, પણ એવા લેખો સિરિઝ ન હતાં. કેમ કે તે બે અને ક્યારેક ત્રણ ભાગમાં પતી જતાં હતાં. ‘આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ’, ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ’, ‘ભારત-ચીન યુદ્ધ’ વગેરે સિરિઝો સફારીએ આપી છે.
- મોટેભાગે તો સફારીમાં કોઈ પ્રકાશન કોઈને અર્પણ થતું નથી. પણ ‘યુદ્ધ ૭૧’ નગેન્દ્રદાદાએ વિજયગુપ્ત મૌર્યને અર્પણ કરી પિતૃતર્પણ કર્યું છે.
- પ્રકાશનોની અત્યંત ઓછી કિંમત માટે સફારીને કરીએ એટલી સલામુ ઓછી પડે. કેમ કે યુદ્ધ અંગેની (કે બીજી કોઈ પણ) આવી માહિતી આપતા અંગ્રેજી પુસ્તકોની કિંમત પાંચસોથી માંડીને પાંચ-પચ્ચા હજાર સુધીની હોય છે.
- 13.૧૯૨માં સફારીની સ્થાપના ઓગસ્ટ ૧૯૮૧ લખી છે. પણ પછી ૨૦૭ (ઓગસ્ટ ૨૦૧૧)માં સફારીના ૩૦ વર્ષ નિમિત્તે લખાયેલા સંપાદકના પત્રમાં સફારીની સ્થાપના તારીખ-તવારીખ ઓગસ્ટ ૧૯૮૦ લખાઈ છે. એ સિવાય પણ બહુદ્યા ૧૯૮૦ના વર્ષની જ નોંધ છે.
- સુપર સવાલમાં સામાન્ય રીતે નામ નથી હોતુ. પણ રેર કિસ્સા તરીકે ૨૦૧ નંબરના જવાબના અંતે લખ્યુ છે, – નગેન્દ્ર વિજય. એ સવાલ તેજસ વિમાનના સર્જન અંગેનો હતો. એવી રીતે ૨૦૭ નંબરના અંકમાં પણ હર્ષલ પુષ્કર્ણાનું નામ છે. એ સવાલ ભારતના સુપર ફાઈટર વિમાનોની ખરીદી અંગેનો હતો. ૨૦૮માં પણ ડાયેટિંગ અંગેના સવાલ પછી હર્ષલ પુષ્કર્ણાનું નામ હતું.
- સફારીનો શતાબ્દી અંક અનેક રીતે વિશિષ્ટ હતો. તેમાં પહેલી વખત વિગતવાર સફારીની સર્જનક્રિયા વર્ણવવામાં આવી હતી. પાનાંની સંખ્યાથી માંડીને લેખોના વિષયમાં ૧૦૦ના આંકડાને પકડી રાખવામાં આવ્યો હતો. ૧૦૦મા અંકમાં છેલ્લે ૭૫થી ૯૯મા અંક સુધીનો અનુક્રમ સફારીના કવર સાથે આપવામાં આવ્યો હતો. એ પહેલાં ૭૫મા અંકમાં સફારી નંબર ૧૧થી ૭૪ સુધીનો ક્રમ અપાયો હતો. ૧-૧૦નો ક્રમ ક્યાંય પ્રગટ નથી થયો. આ ચિત્રાત્મક ક્રમને કારણે સફારીના જુના અંકોમાંથી કોઈ લેખ શોધવો બહુ સરળ થઈ જાય છે. હવે એ ચિત્ર-ક્રમ આપવાનો ક્રમ અટકી પડ્યો છે.
- ભુલ થવા અંગેના મર્ફીના કાયદાનું આખા જગતમાં પાલન થતું હોય તો સફારીમાં કેમ નહીં? એવુ લખીને સફારીએ પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે ભૂલ થાય અને તેનો કોઈ ઉપાય નથી. અને વળી સ્વામી વિવેકાનંદનું વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘જે ભૂલો તમે કરી છે એ ન કરી હોત તો તમે જ્યાં છો ત્યાં હોત ખરાં?’ એટલે આપણે સફારીમાં ભુલશોધ અભિયાનમાં પડતાં નથી…
- સફારી જેવું સામયિક કલર પાનાંમાં આવે એવી વાચકોની વર્ષો જૂની ડિમાન્ડ આખરે જૂન-2017માં પૂરી કરી. એ વખતથી એટલે કે અંક નંબર 277થી કલર છપાવવું શરૃ થયુ. તેના સંપાદકિયમાં કલર પ્રિન્ટિંગ ટેકનોલોજી શું છે અને શા માટે સફારીને કલર થતાં પોણા ત્રણસો અંક સુધીની વાર લાગી તેનો પણ ખુલાસો આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી માત્ર શ્યામ-શ્વેત કલરમાં જોવા મળેલા ચાર્લ્સ ડાર્વિન, શ્માયાપ્રસાદ મુખર્જી, દૂરનું બ્રહ્માંડ.. વગેરે પહેલી વખત રંગીન સ્વરૃપે જોવા મળ્યાં હતા. કલર પ્રિન્ટિંગને કારણે એ અંકથી સફારીની છૂટક કિંમતમાં રૃપિયા 5નો મામુલી વધારો પણ કરવામાં આવ્યો હતો.
- સફારીમાં અંગ્રેજી શબ્દો છપાય છે અને વિશિષ્ટ રીતે છપાય છે. પહેલાં ગુજરાતી શબ્દ અને પછી ત્રાંસો લીટો કરી અંગ્રેજી શબ્દ. સફારી વિશેની બહુ લાંબી ચાલેલી અને 11,500થી વધુ શબ્દોમા ફેલાયેલી આ સિરિઝ અહીં પુરી થાય છે. ફરી કોઈ સમય આવશે ત્યારે સફારી અંગે બીજી વાતો પણ કરીશું.
જય વિજ્ઞાન