સફારી 14 : કોઈ કહી શકશે ‘સફારી’મા તંત્રીનો ફોટો કેટલી વખત છપાયો છે?
હવે તો સફારીના તંત્રી અને સંપાદકનો જન-સંપર્ક વધ્યો છે, માટે વાચકોની ઉત્સુકતાનું થોડું શમન થયું છે. તો પણ ઘણા વાચકો માટે તંત્રી-સંપાદકના દર્શનનું ઘણુ મહત્ત્વ છે.
સફારીના 35 વર્ષ – ભાગ 14 (13માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=512)
સફારીના તંત્રી-સંપાદક-લેખકોને મળવા-જોવાની ઘણા ખરા વાચકોને ઈચ્છા હોય જ. કેમ કે સફારીમાં થતી શાબ્દીક ક્રાંતિના સર્જકો કોણ છે, કેવા લાગે છે, કેવડાં છે..? વગેરે માનવ સહજ કૂતુહલતા પ્રગટ થયા વગર રહે નહીં. એટલે કેટલાય વાચકો સફારીના તંત્રી-સંપાદકને મળવા પહેલેથી સમય લઈને સફારીના કાર્યાલયે પહોંચી જતાં હોય છે. પણ બધા વાચકો માટે એ શક્ય નથી. એ વાચકોને સફારીમાં છપાયેલા તંત્રીના ફોટાથી સંતોષ માનવો રહ્યો.. પણ ફોટો છપાશે ક્યારે? અલબત્ત, સદ્ભાગ્યે અત્યાર સુધીમા કેટલાક અંકોમાં તંત્રી નગેન્દ્રદાદાનો ફોટા આપણને જોવા મળ્યો છે.
અંક નંબર ૪૮માં સંભવત પહેલી વખત નગેન્દ્રદાદાનો ફોટો છપાયો હતો. ‘વેકેશન ૯૬’ નામના અમદાવાદમાં ભરાયેલા બાળમેળામાં સફારીનો સ્ટોલ હતો. તેની અને સફારીના સ્ટોલ પર બાળમિત્રોની ઉત્સુકતાની વિગતો પાના નંબર ૩૧ પર હતી, સફારીના તંત્રીનો ફોટો એમાં છપાયો હતો.૧૩૧માં અંકમાં તંત્રીનો ફોટો હતો. પાંચમા પાને નગેન્દ્ર વિજયના નાગરિક સન્માન સમારંભની વિગત હતી, જેમાં નગેન્દ્રદાદાનો ફોટો હતો. એ પછી ૨૦૦મુ સિમાચિહ્ન પાર કર્યું ત્યારેય દાદાની ઉપસ્થિતિ હતી. સંપાદકની નોંધ હતી, પણ સંપાદક સંપૂર્ણપણે અલિપ્ત રહી કામગીરી કરવામાં માને છે, માટે પોતાનો ફોટો છાપ્યો ન હતો. સંપાદક હર્ષલ પુષ્કર્ણાએ પોતાના બ્લોગ કે ફેસબૂક એકાઉન્ટમાં પણ પોતાનો ચહેરો દેખાય એવો ફોટો મૂક્યો નથી. કેમ કે તેઓ માને છે, કે મારો ફોટો નહીં, મારું કામ મહત્વનું છે.
‘સ્કોપ’ અંક નંબર ૩૬માં એક લેખ હતો બ્રહ્માંડ અંગેનો. નગેન્દ્રદાદાએ તેનું હેડિંગ કર્યુ હતું –‘ખોવાયુ છે ૯૭ ટકા બ્રહ્માંડઃ શોધી આપનારને નવા વર્ષનું એક નોબેલ ઈનામ!’ સંપાદકના ન છપાતા એટલે કે ખોવાયેલા ફોટા સંદર્ભે આપણે એવુ કહી શકીએ –‘ખોવાયો છેઃ સફારીના સંપાદકનો ફોટો, પાડી આપનારને આવતા વર્ષનું સફારી લવાજમ!’ અલબત્ત, આપણે ફોટાની જરૃર નથી. સફારી ધ્યાનપૂર્વક વાંચીએ તો પણ ઘણુય.
૨૨૨મા અંકમાં પતિયાલાના મહારાજાની મોનો રેલ અંગેનો લેખ હતો. એ લેખ સાથે ફોટામાં નગેન્દ્ર દાદા રેલવે એન્જીનમાં ઉભા હોય એવો ફોટો છે. દિલ્હી સ્થિત રેલવે મ્યુઝિમમાં એવા અનેક એન્જીનો રખાયા છે. દાદા સાથે સફારીના પરામર્શક રવજીભાઈ સાવલિયા પણ હતાં (પાનાં નંબર-૬૬). એમ વિવિધ પ્રસંગોએ તંત્રીનો ફોટો છપાયો છે. પણ કોઈ કહી શકશે એક્ઝેટ કેટલીવાર છપાયો છે?