સફારી 10 : અન્ય પ્રકાશનોઃ સફારી સિવાયનું સફારી વિશ્વ

સફારીમાં આવતા વિવિધ લેખો પછીથી પુસ્તક સ્વરૃપે પ્રગટ થાય તેનીય વાચકો એટલી જ તલ્લીનતાથી રાહ જોતાં હોય છે. સફારીના વિવિધ પ્રકાશનો ૨૦ રૃપિયાથી માંડીને ૨૦૦ રૃપિયામાં મળી જાય છે.

સફારીના 35 વર્ષ – ભાગ 10  (નવમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=408)

 

ફેક્ટફાઈન્ડરમાં પ્રગટ થયેલા સવાલો પછીથી ચાર અંકોમાં પ્રગટ થયા હતાં. એમાં વળી દરેક અંકમાં છેલ્લે શબ્દાનુસાર ક્રમ પણ છે, જેથી કોઈ ચોક્કસ વિષય અંગે સવાલ-જવાબ શોધવા હોય તો સરળતાથી મળી શકે. લેખોના સંગ્રહનું એક પ્રકાશન હતું ‘સમયસર’. તેનો બીજો ભાગ જોકે હજુએ નથી આવ્યો (પહેલા ભાગના કવર પર લખ્યુ છે, ભાગ-૧: ઈતિહાસ, મતલબ કે બીજા કોઈ વિષયનો બીજો ભાગ આવવાનું આયોજન હશે..) તેની પ્રસ્તાવનામાં નગેન્દ્ર દાદાએ કરેલી નોંધ પ્રમાણે એ સંકલન ૧૯૯૦ના દસકા દરમ્યાન ‘અભિયાન’ સાપ્તાહિકમાં તથા ગુજરાતના એક દૈનિક અખબારમાં (એટલે સંદેશ) સમયસર નામની કોલમ માટે લખેલા અને ખૂબ લોકપ્રિય નીવડેલા લેખોનું છે. એ લેખો આજેય એટલા જ લોકપ્રિય છે, જેમણે સમયસર વાંચ્યુ હશે એમને એ ખબર હશે.

જેના નામ માત્રથી વાચકોની આંખમાં ચમક આવે એવુ પ્રકાશન છે, ‘જિંદગી જિંદગી’. ગુજરાતી ભાષામાં ઘણા પુસ્તકો બેસ્ટ સેલર હોવાનો દાવો થાય છે. પણ પ્રકાશન ઉદ્યોગના જાણકારોના કહેવા પ્રમાણે જિંદગી જિંદગીની જેટલી નકલો વેચાઈ છે, એટલી બીજા કોઈ ગુજરાતી પુસ્તકની વેચાઈ નથી, વેચાય એવી શક્યતા પણ નથી. સુર્યની સપાટી પર ઉદ્ભવતા સૌર તોફાનો જે રીતે ચૂંબકીય બળને કારણે મરોડ અનુભવે છે એમ જિંદગી જિંદગીના પાંને પાંને વાચકોની લાગણી વળાંકો અનુભવે છે.

એક વખત તો સફારીએ ‘વાઈલ્ડ લાઈફ પોસ્ટર’ પણ પ્રગટ કર્યુ હતું. વર્ષ ૨૦૦૫ માટેના પોસ્ટરની જાહેરાત જાન્યુઆરી ૨૦૦૫ના (૧૩૧) અંકમાં હતી. હર્ષલ પુષ્કર્ણાએ લીધેલી તસવીરો વડે જ એ પોસ્ટર બનાવાયુ હતું. પછી જોકે એવું કોઈ પોસ્ટર આવ્યુ હોવાનું જાણમાં નથી.

આ સિવાય સફારીના આટલા પ્રકાશનો મારા ધ્યાનમાં છે. કોઈ નામ રહી જતું હોય તો કહેજો..

  • કોસ્મોસ
  • મેથેમેજીક
  • હાઈડ્રોપોનિક્સ
  • પ્રકૃતિ અને પ્રાણીજગત
  • એક વખત એવું બન્યું…
  • આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ
  • કમ્પ્યુટરઃ પ્રથમ પરિચય
  • સફારી જોક્સ (ભાગ ૧-૩)
  • પાસટાઈમ પઝલ્સ (ભાગ ૧-૨)
  • વિશ્વયુદ્ધની યાદગાર કથાઓ (ભાગ ૧-૨-૩)
  • મોસાદના જાસૂસી મિશનો
  • યુદ્ધ ૭૧
  • શેરખાન
  • હાથીના ટોળામાં
  • કપિના પરાક્રમો
  • વિસ્મયકારક વિજ્ઞાન (ભાગ-૧,૨)
  • સુપર ક્વિઝ
  • આસાન અંગ્રેજી
  • વીસમી સદીની યાદગાર ૫૦ ઘટનાઓ
  • આ છે સિઆચેન
  • પરમવીર ચક્ર
  • એરોમોડેલિંગ (ન્યુઝિલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કિવી જેમ જોવા મળવું દુર્લભ છે, એમ એરોમોડેલિંગ હવે દુર્લભ છે. કોઈ જુના વાચકો પાસે હોય તો હોય…)

આ દરેક વાંચન સામગ્રી જોકે એક જ પ્રકાશનના નેજા હેઠળ નથી પ્રગટ થઈ. જરૃર પ્રમાણે સફારી ગ્રૂપના પ્રકાશનો પણ અલગ અલગ રહ્યાં છે. જેમ કે..

  • શિવસાગર પબ્લિકેશન્સ (સીટી લાઈફ)
  • મૌર્ય મિડિયા
  • યુરેનસ બુક્સ
  • હર્ષલ પબ્લિકેશન્સ

waeaknzw

Gujarati Travel writer.