
રોજબરોજની કંટાળાજનક રુટીન લાઇફમાંથી છુટકારો મેળવવા તેમજ સ્ટ્રેસને દૂર કરીને જીવનમાં નવી તાજગી ભરવા માટે લોકો ફરવા જતા હોય છે. જો કે વર્તમાન સમયે પર્યટનના સ્થળો પર ભીડ અને પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં ફરવા જવાનો મૂળ હેતુ સિદ્ધ થતો નથી. તમે માત્ર એક શહેરમાંથી બીજા શહેરમાં આવ્યા હોય તેવું લાગે, બાકી શાંતિ તો ત્યાં પણ નથી મળતી. ત્યારે આજે તમને દેશમાં આવેલી એવી કેટલીક Hotels વિશે જાણીએ જ્યાં ભીડ, પ્રદૂષણ, સ્ટ્રેસ, વગેરે તમામ વસ્તુથી છુટકારો મળશે. સાથે જ કુદરતના સાનિધ્યમાં રહેવાનો આનંદ પણ માણી શકશો. જ્યાં તમે પવનની શાંત ગતિ અને જંગલના મૌનનો અનુભવ કરી શકશો. કુદરતના અસીમ વૈભવ વચ્ચે મળતા એકાંતનો અમુલ્ય અનુભવ કરાવતી હોટેલોની યાદી આ રહી….
1. એલિફન્ટ વેલી ઇકો ફાર્મ (kodaikanal, Tamil Nadu)

તામિલનાડુના ડિંડિગુલ જિલ્લામાં આવેલા કોડાઇકેનલનો સમાવેશ દક્ષિણ ભારતના મુખ્ય હિલ સ્ટેશનમાં થાય છે. આ વિસ્તાર શાંત વાતાવરણ અને કુદરતી સુંદરતા માટે જાણીતો છે. કોડાયકેનલથી 20 કિમીના અંતરે એલિફન્ટ વેલી નામનું ઇકો ફાર્મ આવેલું છે. શહેરની ભીડથી દૂર જઇને એકાંત માણવા ઇચ્છતા લોકો માટે આ જગ્યા શ્રેષ્ઠ છે. એક સમયે હાથીઓના સ્થળાંતર માટેની આ જગ્યા અપાર જૈવ વૈવિધ્યથી ભરેલી છે. અહીં 20 ઇકોફ્રેન્ડલી બંગલો આવેલા છે. આ બંગલામાં સોલાર પાવરનો વપરાશ થાય છે, તો સાંજના સમયે તમે ફાયરવૂડનો આનંદ લઇ શકો છો. વર્ષ દરમિયાન દેશ વિદેશના સેંકડો લોકો હીં આવે છે અને દિવસો સુધી એકલતાનો આનંદ માણે છે.
2. ધ તમારા કૂર્ગ Hotel (Yevakapadi, Karnataka)

અપાર કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધિ ધરાવતા પશ્ચિમી ઘાટ (વેસ્ટર્ન ઘાટ) વચ્ચે આવેલી આ હોટેલમાં તમે આનંદમયી એકલતાનો અનુભવ કરી શકો છો. કર્ણાટકના કોડગુ જિલ્લમાં આવેલી ધ તમારા કૂર્ગ હોટેલના વૈભવી કોટેજમાંથી કબિનાક્કડ એસ્ટેટને જોઇ શકાય છે. કોફી અને એલચીના ખેતરો વચ્ચે આવેલી આ જગ્યા પ્રકૃતિના ખોળે આરામ કરવાના અને કુદરત સાથે તાદાત્મ્ય સાધવાના અમૂલ્ય અવસર આપે છે. રુદ્રાક્ષના વૃક્ષો વચ્ચે થઇને નિકળતી કેડીઓ, વિવિધ પક્ષીઓ અને આપણી કાયાકલ્પ કરી નાંખે તેવા કુદરતી દ્રશ્યો. આ બધુ જોયા પછી કશું બાકી રહેતું નથી.
3. હિડન વેલી રિટ્રીટ Hotel (Wayanad, Kerala)

કેરળના વાયનાડમાં જંગલ વચ્ચે આવેલી આ જગ્યાને જંગલ રીટ્રીટ તરીક પણ ઓળખવામાં આવે છે. પોતાના નામની માફક હિડન વેલી રીટ્રીટમાં શાંતિ અને એકલતાનો અદ્બુત સમન્વય થાય છે. સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે અહીંની સાદગી. અહીં કોઇ ભવ્ય હોટેલ કે લક્ઝરી કોટેજ નથી. એકદમ સાદગીભર્યુ જીવન રાત્રે ચોમેર અંધારુ અને જંગલમાંથી આવતા પશુ અને પક્ષીઓના વિવિધ અવાજો. અહીં આવીને ખરા અર્થમાં તમે બાકીની દુનિયાથી વિખુટા પડી જશો. કેરળની પ્રાકૃતિક સુંદરતાને માણવા માટેનું આ શ્રેષ્ઠ સ્થળ છે.
4. લિટલ ડ્રીમ – ધ મોર્નિંગ સરપ્રાઇઝ Hotel (Manali, Himachal Pradesh)

શહરની ભાગદોડથી દૂર જઇને એકલતાનો આનંદ લેવા માંગતા લોકો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. પ્રસિદ્ધ પર્યટન સ્થળ મનાલીથી માત્ર 15 મિનિટના અંતરે નાસોગી નામનું ગામ આવેલું છે. જ્યાં નાના નાના હોમ સ્ટે આવેલા છે. જ્યાંથી તમે હિમાલયના પર્વતોને જોઇ શકશો. મનાલીની ભીડ અને ચહલપહલથી એકદમ વિપરીત અહીં શાંતિનો અનુભવ થશે. ગામથી માત્ર 300 મીરના અંતરે એક સુંદર અને અદ્ભુત ઝરણુ આવેલું છે. જેનો નજારો જોયા પછી તમને જે માનસિક શાંતિ મળશે તેને ક્યારેય નહીં ભૂલી શકો. જો તમે પાકની લણણીના સમયે જશો તો સફરજનથી લદાયેલા વૃક્ષો પણ જોવા મળશે.
5. હોમ ઓફ ગૈયા – યોગિક નિવાસ Hotel (Manali, Himachal Pradesh)

સફરજનના બગીચાની આસપાસ જો તમે થોડોક સમય વીતાવવા માંગો છો તો આ જગ્યા તેના માટે શ્રેષ્ઠ છે. મનાલી શહેરની સામે એક ટેકરી પર સફરજનના બગીચા વચ્ચે આ હોમ સ્ટે આવેલો છે. મનાલીથી આ જગ્યા દૂર નથી, પરંતુ અહીં મનાલીથી એકદમ વિપરીત નિરવ શાંતિ અને એકાંત છે. ખાસ કરીને ક્રિએટીવ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો જેવા કે લેખક, ચિત્રકાર, સંગીતકાર, સાધક વગેરે માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. અહીં પહોંચવામાં થોડી તકલીફ થઇ શકે છે, કારણ કે મુખ્ય રસ્તા પરથી 20 મિનિટના અંતરે પહાડો વચ્ચે આવેલી આ જગ્યા રસ્તા પરથી દેખાતી નથી. ઘણા ઓછા લોકો છે કે જેઓ આ જગ્યા વિશે જાણે છે. જો તમે આત્મચિંતન કરવા માંગ છો કે પછી મેડિટેશન તમારા જીવનનો ભાગ છે તો આ હોમ સ્ટે તમારા માટે જ છે.
6. ટીપરેરી કોલોનિકલ બંગલો Hotel (Yercaud, Tamil Nadu)

જો તમે ચાર્લ્સ ડાર્વિનની નવલકથાઓ વાંચી હશે, તો અહીં ગયા બાદ તમને એવું લાગશે કે આ પહેલા પણ તમે અહીં આવ્યા છો. અહીં જે બંગલો આવેલા છે તે બ્રિટીશ આર્કિટેક્ચરમાં બન્યા છે. તામિલનાડૂના સેલમ જિલ્લાના યરકોઉડ શહેરથી થોડે દૂર આવેલા આ બંગલાઓ સુંદર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. અહીં આવેલા તમામ બંગલાની અંદરના રુમ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. આ જગ્યા પર રહેવાથી તમને બ્રિટીશકાલીન ભારતનો અનુભવ મળી શકશે. આ જગ્યા પરથી સેલમ શહેરનો સુંદર નજારો જોઇ શકાય છે. કર્ણાટકની રાજધાની બેંગલોરથી આ જગ્યા ઘણી નજીક આવેલી છે.
7. કાર્ડમમ હાઉસ Hotel (Dindigul, Tamil Nadu)

તામિલનાડૂના ડીંડીગુલ જિલ્લામાં આવેલી આ જગ્યા પ્રવાસીઓ માટે કોઇ કાલ્પનિક વિશ્વ સમાન છે. દુનિયાની ભીડ અને ઘોંઘાટથી દૂર રહેવા માંગતા લોકો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. કાર્ડમમ હાઉસ બ્રિટીશ કાળમાં ડો. ક્રિસ લ્યુકસનું ફેમિલિ હાઉસ હતું. ડીંડીગુલ જિલ્લામાં આવેલા અધૂર નામના નાનકડા ગામની બહાર બનેલું આ કાર્ડમમ હાઉસ ચોમાસાની સુંદરતાને નિહાળવા માટે ભારતની શ્રેષ્ઠ જગ્યામાંની એક છે. ચોમાસા કાર્ડમમ હાઉસથી નજીક આવેલું કામારઝાર તળાવ જોઇ શકાય છે. કાર્ડમમ હાઉસની છત પરથી આ તળાવને સૂર્યોદય સમયે નિહાળવું એ જીવનનો લ્હાવો છે.
8. ટ્રી હાઉસ હાઇડઅવે Hotel (Badhavgarh, Madhya Pradesh)

મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વના 21 એકર જંગલો વચ્ચે આ ખજાનો અથવા તો અદ્ભુત સપનુ છુપાયેલું છે. જંગલ અને જંગલી પ્રાણીઓને જોવા માટેની આ સૌથી શ્રેષ્ઠ જગ્યાઓમાંની એક છે. ઉલ્લેખનીય છે કે બાંધવગઢ નેશનલ પાર્કમાં દેશના સૌથી વધારે વાઘ રહે છે. ત્યારે ટ્રી હાઉસની બાલકનીમાંથી તમને આ વાઘ અને જંગલનો નજારો દેખાશે. પારંપરિક રીતે જંગલમાં રહેવાનો અનુભવ તમને અહીં મળશે.
9. ટ્રેંક્વિલ, સુલ્તાન બેટરી Hotel (Mangalore, Karnataka)
જો તમારે એક ટ્રી હાઉસથી બીજા ટ્રી હાઉસમાં જવું હોય તો નીચે ઉતરવાની જરુર નથી. તમે નીચે ઉતર્યા વગર સીધા જ જઇ શકો છો. તેના માટે તમારે મેંગલોરથી ચાર કિમી દૂર આવેલા સુલ્તાન બેટરી ટ્રી હાઉસમાં જવું પડશે. આ ટ્રી હાઉસને ટીપુ સુલતાને વોચ ટાવર માટે બનાવ્યા હતા. આ જગ્યા કેરળ અને મેંગલોરની સરહદ પર આવે છે. અંગ્રેજોએ આ જગ્યાનું નામ સુલ્તાન બેટરી વોચ ટાવર રાખ્યું હતું. આ વિસ્તારમાં કોફી અને વેનિલાની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. અહીં બનેલા ટ્રી હાઉસ સુંદર અને વૈભવી પણ છે. જો દક્ષિણ ભારતમાં ફરવા જવાનો વિચાર હોય તો આ જગ્યા ખોટી નથી.
10. સેરેનિટી Hotel (Vazhoor, Kerala)

કેરળના કોટ્ટાયમ જિલ્લાના વજહૂર શહેરમાં કનમ એસ્ટેટની અંદર આ હોટેલ આવેલી છે. આ હોટેલ એક નાનકડા હિલટોપ એટલે કે પર્વતની ચોટી પર બની છે. વિવિધ મસાલાની ખુશ્બૂને તેના પ્રાકૃતિક સ્વરુપે માણવા માટે આવી જગ્યા આખા ભારતમાં બીજે ક્યાંય નહીં મળે. આ હોટેલની બીજી એક ખાસિયત છે તેનું વિન્ટેજ આર્કિટેક્ચર જે બ્રિટીશ કાળના ભારતની યાદ અપાવે છે. લોકોની સરખામણીમાં હાથીઓ સાથે વધારે સમય વિતાવવા માંગતા લોકો માટે આ જગ્યા શ્રેષ્ઠ છે.
11. ધ ઔલી રિઝોર્ટ Hotel (Joshimath, Uttarakhand)

દેવભૂમિ ઉત્તરાખંડના ઔલીમાં ઓવેલો ઔલી રિઝોર્ટ પણ એવા લોકો માટે સ્વર્ગ સમાન છે કે જેઓ શહેર અને સભ્યતાથી દૂર થોડા દિવસો એકાંત અને પ્રકૃતિના ખોળે વિતાવવા માંગે છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય છે. હિમાલયના ખોળામાં આવેલા આ બંગલો બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા હોય છે. જેના કારણે અહીંથી જે દ્રશ્યો દેખાય છે તે અદ્ભૂત હોય છે.