Similipal national park / એશિયાનું બીજા નંબરનું મોટું જંગલ પ્રવાસીઓ માટે ખુલ્યું : માત્ર અહીં જોવા મળે છે કાળા કલરના વાઘ!

Similipal

ઓડિશામાં આવેલો સિમલિપાલ બાયોસ્ફિયર રિઝર્વ એરિયા એશિયામાં બીજા ક્રમનો સૌથી મોટો બાયોસ્ફિયર છે. 1લી નવેમ્બરથી એ વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલી રહ્યો છે. ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આવેલા આ જંગલમાં સિમલિપાલ ટાઈગર રિઝર્વ, હદગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરી અને કુલીડીઢા સેન્ચુરી એમ 3 વન-વિસ્તારનો સમાવેશ થાય છે. 2750 ચોરસ કિલોમીટર (ગીર અભયારણ્ય કરતાં ડબલ) વિસ્તારમાં ફેલાયેલુ જંગલ ચોમાસાને કારણે પ્રવાસીઓ માટે બંધ હતું. એ ઉપરાંત કોરોનાને કારણે પણ વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિ રોકી દેવાઈ હતી. હવે ફરીથી પ્રવાસીઓ ત્યાં જઈ શકશે અને વાઘ સહિતના સજીવો જોઈ શકશે. આ ઉપરાંત બે મોટા ધોધ જોરાન્ડા (150 મીટર ઊંચાઈ) અને બારેહીપાની (400 મીટર ઊંચાઈ)અત્યારે વહી રહ્યા હોવાથી પ્રવાસીઓને એ અદભૂત દૃશ્યો જોવા મળશે.

  • પાર્કમાં પ્રવેશ માટે 100 રૃપિયા ફી છે. જોકે અંદર રહેવા માટે બૂકિંગ કરાવનારની ફી બૂકિંગ વખતે ઉમેરાઈ જાય છે.
  • સવારના 6થી રાતના 9 સુધી જંગલમાં પ્રવેશ મળી શકશે.
  • નવેમ્બરથી માર્ચ મુલાકાતનો ઉત્તમ સમય છે.
  • જાશીપુર અને પીઠાબાલા એ બે સ્થળે પાર્કના પ્રવેશદ્વારો છે, ત્યાંથી પ્રવાસીઓ જંગલમાં જઈ શકશે.
  • જાશીપુર ખાતેથી 35 ફોર વ્હિલર વાહનો અને પીઠાબાલા ખાતે રોજના 25 ફોર વ્હિલરને પ્રવેશ અપાશે.
  • આ જંગલમાં 1 હજારથી વધુ પ્રકારના સજીવો અને વૃક્ષ-વેલા જોવા મળે છે. કેટલાક તો આયુર્વેદિક દૃષ્ટિએ અત્યંત મહત્વના છોડ અહીં ઉગે છે.
  • વાઘ, હાથી, ગૌર, ચૌશિંગા, કદાવર જંગલી ખિસકોલી, પહાડી મેના, મગર વગેરે અહીંના મુખ્ય સજીવો છે.
  • અહીં થતા સિમુલ નામના વૃશ્રો પરથી આ જંગલે સિમલિપાલ નામ અપાયું છે. સિમુલ એટલે એક પ્રકારનું સિલ્ક.
  • જંગલમાંથી 12 નદી પસાર થાય છે. ઘણી નદીઓના કાંઠે પ્રવાસીઓ રહી શકે એવી સુવિધા છે. એ માટે www.ecotourodisha.com પરથી બૂકિંગ કરાવી શકાય.
  • સિમલિપાલ ભુવનેશ્વર 192 કિલોમીટર દૂર છે. બારીપાડા સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. ત્યાંથી અહીં સુધીની બસો પણ ચાલતી રહે છે.

આ જંગલના વિવિધ આકર્ષણોમાં 2018માં નવું આકર્ષણ ઉમેરાયું જ્યારે 3 કાળા વાઘ જોવા મળ્યાં. અલબત્ત, કાળા એટલે સાવ કાળા નહીં પરંતુ સોનેરી કલરની ચામડી પર કાળાશ છવાઈ હતી. એ કાળા કલર પાછળ ડીએનએ એટલે કે જનીનની ખામી જવાબદાર હતી. પરંતુ આવા વાઘ માત્ર આ જંગલમાં જ પેદા થાય છે, તેવુ વિજ્ઞાનીઓ શોધી શક્યા છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *