જાપાન પ્રવાસ-14 : જગતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીનો અનુભવ!

ટોકિયો કદાવર શહેર છે. અનેક રેલવે સ્ટેશનો સતત તેને ધમધમતું રાખે છે. શિન્ઝુકુ રેલવે સ્ટેશનની ગણતરી જગતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાં થાય છે. થાય જ કેમ કે એ ટોકિયોનું અતી મહત્વનું સ્ટેશન છે અનેક વિભાગોમાં ફેલાયેલું છે. આખા જાપાનમાં ભીડ જોવા ન મળે પણ ટોકિયોમાં ભીડ દેખાતી હતી. સ્ટેશન પર લાઈન હતી, તો વળી મેટ્રોમાં પણ સફર ઉભા ઉભા કરવાનો અનુભવ લીધો.

ટોકિયો કદાવર શહેર છે. અનેક રેલવે સ્ટેશનો સતત તેને ધમધમતું રાખે છે. શિન્ઝુકુ રેલવે સ્ટેશનના નામે જગતના સૌથી વધુ વ્યસ્ત સ્ટેશનનો રેકોર્ડ છે. ગિનેસ બૂકે અહીં આવીને હિલચાલ નોંધી લીધી છે. અહીં તો ભીડ ન થાય તો જ નવાઈ, કેમ કે એ ટોકિયોનું અતી મહત્વનું સ્ટેશન છે અનેક વિભાગોમાં ફેલાયેલું છે. આખા જાપાનમાં ભીડ જોવા ન મળે પણ ટોકિયોમાં ભીડ દેખાતી હતી. સ્ટેશન પર લાઈન હતી, તો વળી મેટ્રોમાં પણ સફર ઉભા ઉભા કરવાનો અનુભવ લીધો.
અહીં ધક્કામુક્કીનો અનુભવ ટ્રેનમાં ચડતી વખતે તો નથી થતો પણ ચડ્યા પછી બેશક થાય છે. કેમ કે ડબ્બામાં જગ્યા હોતી નથી. તો પણ લોકો નવા મુસાફરો આવે એમને એમ નથી કહેતા કે પાછળ ખાલી જ આવે છે! પોતાનાથી થાય એટલી જગ્યા કરી દે છે. ટ્રેન આવે ત્યારે 2 મિનિટના રોકાણ દરમિયાન મુસાફરો ન ચડી શકે તો એમને ધક્કો મારવા માટે પુશર કહેવાતા માણસો પણ આ સ્ટેશને રાખવામાં આવ્યા છે. તેમનું સત્તાવાર કામ ધક્કો મારવાનું છે. મુસાફરોને પાછળથી ખાસ ઈજા ન થાય એ રીતે ધક્કા મારે જેથી એ ડબ્બામાં પ્રવેશી શકે. અમારા ભાગે જોકે એ અનુભવ ન આવ્યો કેમ કે અમને પ્રવેશવાની જગ્યા મળી ગઈ હતી.


રેલવે સ્ટેશન પર વિવિધ સૂચના હતી. એમાં એક સૂચના મને રસપ્રદ લાગી- ‘ચાલતી વખતે કે ટ્રેનમાં ચડતી વખતે મોબાઈલમાં ધ્યાન ન રાખો.’ ટૂંકમાં ધ્યાન સામે રાખો, બાકી અકસ્માત થશે. જાપાની નવી પેઢી પણ આખી દુનિયાની નવી પેઢીની માફક મોબાઈલ-રત રહે છે. એટલે આવી સૂચના જરૃરી છે. અલબત્ત, તો પણ શિસ્તમાં ખાસ આંચ આવતી નથી. પ્રજા સ્વંય શિસ્તમાં માને છે, સરકાર સૂચના આપે કે ન આપે.
સવારમાં નીકળીને પહોંચ્યા પહેલા તો એક કદાવર શોપિંગ મોલમમાં. દસેક માળનો એ મોલ ‘ગિન્ઝા-6’ નામે ઓળખાતો હતો. શોપિંગમાં મને ખાસ રસ ન હતો, ધારો કે રસ પડે તો પોસાય એમ પણ ન હતું. એ મોલમાં બે ચીજ રસપ્રદ હતી. એક બુક સ્ટોર અને બીજું તેની અગાસી.
પહેલા બુક સ્ટોરમાં ગયા, વિવિધ પ્રકારના હજારો પુસ્તકો ગોઠવાયેલા હતા. એ લઈને બેઠા બેઠા વાંચી શકાય. સાથે કોફી શોપ. એવો એક ખ્યાલ છે કે વાંચતા વાંચતા કોફી પીવાથી વિદ્વાન હોવાની છાપ ઉપસે છે. એટલે ઘણા લોકો ચા-કોફી સાથે અમુક પુસ્તકનો ફોટો પણ મુકતા હોય છે, ભલે પુસ્તકના પાનાં ન ફેરવ્યા હોય. મને એવા કોઈ કોમ્બિનેશનમાં રસ ન હતો, પુસ્તક ઘણા ઉપયોગી હતા. તેનો આસ્વાદ કર્યા પછી અગાસી પર પહોંચ્યા.

અગાસી પર ચડીને શહેરનો જે ભાગ દેખાય એ જૂઓ..


ફરતે કાચની ઊંચી દીવાલ કરીને અગાસી સુરક્ષીત બનાવાઈ હતી. જેથી પાળે બેસીને લોકો ટોકિયો શહેરની મજા લઈ શકે. વચ્ચે થોડાક નાના-મોટાં ફૂવારા હતા, જેમાં બાળકો મજા કરી રહ્યાં હતા. અહીંથી જ જાપાનની ઘણી જગવિખ્યાત કંપનીઓ જેવી કે સોની, હોન્ડા, વગેરેના હેડક્વાર્ટર દેખાતા હતા. એ બધુ જોઈને નીચે ઉતર્યાં. આગામી મુકામ ટોકિયોનું પ્રસિદ્ધ ‘સેન્સોજી ટેમ્પલ’ હતું.
મંદિરની બહાર બન્ને બાજુ દુકાનોની હારમાળા અને છેલ્લે મંદિર, એ દેખાવ ભારે આકર્ષક હતો. અહીં એક અતી કદાવર કહી શકાય એવું કાગળનું ફાનસ લટકતું હતું. મહિલાઓ દુકાનમાંથી કેટલીક ખરીદી કરી.  સેન્સો-જી મંદિરના આંગણામાં આંટો મારીને અમે આગળ વધ્યા.  ટોકિયોનું સૌથી પ્રાચીન મંદિર હોવાથી ભીડ ઘણી હતી. અહીં કેટલાક ગુજરાતીઓ પણ ફરતાં હતા, ચહેરા પરથી ઓળખાઈ આવે અને પછી અંદરોઅંદર વાત કરે ત્યારે કન્ફર્મ થઈ જાય.

સેન્સો-જી, ટોકિયોનું સૌથી જૂનું મંદિર


ત્યાં સુધીમાં બપોરા કરવાનો સમય થયો. અમે સંસાદા નામની એક જાપાની ‘ટેમ્પુરા’ રેસ્ટોરામાં પહોંચ્યા. ટેમ્પુરાએ રસપ્રદ જાપાની ખોરાક છે. રસપ્રદ છે અને સહેલો પણ છે. કેમ કે તેમાં શાકભાજીના ટૂકડા કરી તેને તળી નાખવામાં આવે છે. જાપાની પ્રજા તો સી-ફૂડનું પણ એ રીતે તળીને ટેમ્પુરા તરીકે આરોગણ કરે છે. અમારા માટે વેજિટેરિઅન ટેમ્પુરા તૈયાર કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત પાછી એ છે કે આજે જાપાની ફૂડ તરીકે પ્રસિદ્ધિ પામેલો આ ખોરાક મૂળ તો પોર્ટુગલનો છે.
હવે તો અમદાવાદની ઘણી રેસ્ટોરામાં પણ ટેમ્પુરા મળે છે. આપણને જોઈને એવું લાગે કે બટેટાની (અને અન્ય શાકભાજીની) વેફર તળીને આપી છે. પણ અન્ય જાપાની ફૂડ કરતાં તેનો સ્વાદ થોડો મજાનો લાગે, ભાવે એવો. મેનુંમાં આમ તો બધા નામ જાપાની ભાષામાં લખેલા હતા, પણ ઈતિહાસ વિશેનો એક અંગ્રેજી પેરેગ્રાફ હતો. એમાં લખ્યા પ્રમાણે આ રેસ્ટોરં છેક 1837થી એટલે કે પોણા બસ્સો વર્ષથી અસ્તિત્વ ધરાવતી હતી.

ટેમ્પુરા, જાપાનમાં આ વાનગી ખાવાની મજા આવી

ભોજન પછી ફરીથી ટોકિયોમાં રખડવા નીકળ્યા. કોઈ ચોક્કસ સ્થળે જવું એવુ આયોજન ન હતું. જેમાં રસ પડે ત્યાં. એટલે ચાલતાં ચાલતાં એક શો-રૃમના દરવાજે પહોંચ્યા. ત્યાં યજમાન અમારી રાહ જોઈને ઉભો હતો. અમારી એકલાની નહીં, ત્યાંથી પસાર થતા સૌ કોઈનું એ યજમાન સ્વાગત કરવાં તૈયાર હતો. કેમ કે એ એક રોબોટ હતો. રોબોટ સાથે અદ્ભૂત અનુભવ થયો.. તેની વાત પછીના ભાગમાં. 

waeaknzw

Gujarati Travel writer.

2 thoughts on “જાપાન પ્રવાસ-14 : જગતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીનો અનુભવ!

  1. ઉગતા સુર્ય નો દેશ એટ્લે જાપાન વિશે વધું જાણ્યું…
    સરસ માહીતી…
    આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *