સેવાગ્રામ : દેશના કેન્દ્રમાં આવેલો ગાંધીજીનો આશ્રમ

ગાંધીજીએ આઝાદીની લડત દરમિયાન દેશમાં ઘણા આશ્રમો સ્થાપ્યા. તેમણે સ્થાપેલો છેલ્લો આશ્રમ મહારાષ્ટ્રમાં વર્ધા પાસે સેવાગ્રામમાં હતો. એ આશ્રમની શાબ્દિક અને તસવીરી સફર..

સેવાગ્રામ ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ બધેથી ભારતના કેન્દ્રમાં આવેલું સ્થળ કહી શકાય. આ આશ્રમમાં શક્ય એટલો જૂનવાણી દેખાવ જાળવી રખાયો છે. પ્રાંગણમાં ઉગેલા ઘટાદાર અને કદાવર વૃક્ષો શાંતિનિકેતનની યાદ અપાવે એવા છે.
1936માં સ્થપાયેલા આશ્રમમાં ગાંધીજી લગભગ 1948 સુધી રહ્યા હતા. અલબત્ત 1940 પછી અહીં રહેવાનું ઓછું થતું ગયું હતું કેમ કે આઝાદીની પ્રવૃત્તિ વધતી જતી હતી. વર્ધાથી આઠેક કિલોમીટર દૂર સેગાંવ નામના ગામે આ આશ્રમ સ્થાપ્યો અને સેવા મૂળ ઉદ્દેશ હોવાથી સેવાગ્રામ નામ આપ્યું હતું. વળી ગ્રામ્ય જીવન જીવવાનું હોવાથી ઈલેક્ટ્રિસિટી જેવી સુવિધાઓ ફીટ કરાઈ ન હતી. ગાંધીજીમાં રસ હોય કે ન હોય આઝાદી યુગની ઝાંખી મેળવવા માટે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

સાબરમતી આશ્રમ જેવી પ્રાર્થના ભૂમિ અહીં પણ છે. એ વિસ્તાર સુરક્ષિત કરી રખાયો છે, તોય મુલાકાતીઓ તેમાં બુટ-ચંપલ પહેરીને પ્રવેશી જતાં હોય છે. તેની ફરતી બાજુ વિવિધ મકાનો-ઝૂંપડીઓ આવેલી છે.
સામાન્ય દેખાતા તુલસીના છોડનો ઇતિહાસ રસપ્રદ છે. 1942ની હિન્દ છોડો ચળવળ વખતે બાપુ-બા વગેરેને પુનાના આગાખાન મહેલમાં નજરકેદ કરાયા હતા. ત્યાં કસ્તૂરબાએ તુલસીનો છોડ વાવ્યો હતો. થોડા સમય પછી ત્યાં જ કસ્તુરબાનું નીધન થયું. એ પછી મુક્ત થઈને બાપુ સેવાગ્રામ આવ્યા ત્યારે એ છોડ અને માટી પોતાની સાથે લેતા આવ્યા હતા. એ છોડ સેવાગ્રામમાં રોપાયો, આજેય પ્રવાસીઓ તેને જોઈ શકે છે.
1936માં લેવાયેલી આશ્રમની તસવીર, એ વખતે ગાંધીજી અને ત્યાં આવતા જવાહરલાલ, મૌલાના આઝાદ જેવા મુલાકાતીઓ..
આશ્રમમાં સફાઈકામ કરતા રાષ્ટ્રપિતા. 1936માં બાપુએ ત્યાં રોપેલો પીપળો…
બાપુ સાથે અબ્દુલ ગફાર ખાન, સંત તુકડોજી વગેરે અહીં રહેતા હતા. લીંપણ ધરાવતા ખોરડાં આજેય એટલાં જ આકર્ષક છે.
મલબારના એક યુગલના લગ્ન ગાંધીજીએ અહીં કરાવ્યા હતા.
ઘરઘંટી, ગાંધીજી પણ એનાં પડ ફેરવતા અને કોઈ મુલાકાતી આવે તો એમનેય દળવા બેસાડી દેતા.
આ કુટીરની બહાર પાગલ દોડ નામે પ્રકૃત્તિના સંરક્ષણનો સંદેશો લખ્યો છે. આપણે જે કોઈ સુખ-સંપત્તિ-વૈભવ પાછળ દોડીએ છીએ.. એમાંથી ખરેખર આપણી જરૃરિયાત કેટલી? આ કુટીરનું નામ આખરી નિવાસ છે. કેમ કે નોઆખલી માટે ગાંધીજી રવાના થયા એ પહેલા આ તેમનું અંતિમ રહેણાંક હતું.
આશ્રમને જળ પુરું પાડતો કુવો. હવે સલામતી માટે ઢાંકી દેવાયો છે. ઊંડો છે અને તેમાં પાણી પણ છે.
બાથરૃમ અને બાપુનું વજન કરવાનો કાંટો..કાંટો વળી આજે આસાનીથી જોવા ન મળે એવો જૂનવાણી પરંપરાનો છે.
ગાંધીજીની ઓફિસ.. સેવાગ્રામ આશ્રમ બનાવ્યો ત્યારે આસપાસ જંગલ હતું એટલે ગાંધીજી શબ્દશ વનવાસી થયા હતા. એમનું કામ અટકે નહીં એ માટે ઓફિસમાં વિવિધ સુવિધા ઉભી કરાઈ હતી.
જંગલમાં રહેતા ગાંધીજીનો વાઈસરોય સંપર્ક કરવા માંગે તો કઈ રીતે કરવો..એ જમાનામાં.. એટલે વાઈસરોયે ત્યાં સરકારી ટેલિફોન ગોઠવી આપ્યો હતો. એ ટેલિફોન હવે તાળાબંધ કેબિનમાં રખાયો છે. એ ટેલિફોન પર વાત કરતા બાપુની આ તસવીર પણ થોડી જાણીતી છે.
આશ્રમ જંગલમાં ઉભો કરાયો હતો. એટલે આવી બધી સાધન-સામગ્રી ત્યાં અનિવાર્ય હતી. સાપ પકડવાનો ચીપીયો, સાપ પકડ્યા પછી તેને સલામત રીતે જંગલમાં મુકી આવવાનું પાંજરું વગેરે..
રેમિંગ્ટનના ટાઈપરાઈટર, જેના પર એક સમયે સમગ્ર સરકારનો પત્રવ્યવહાર અને કાગળ-કામ ચાલતું હતું.
બા-બાપુના વસ્ત્રો અને અન્ય સામગ્રી.
સાદગીપૂર્ણ જીવન હોવા છતાં બાપુ પાસે કેટલીક એવી સુવિધાઓ હતી, જે આજે દુર્લભ ગણાય. ટોઈલેટ સાથે કબાટમાં વાંચન સામગ્રી પણ રાખવામાં આવતી હતી.
આશ્રમના પ્રાંગણમાં ઉભા થયેલા વિવિધ બાંધકામો
એ જમાનાન કદાવર વૃક્ષો
નઈ તાલીમ માટેની શાળા

જતાં પહેલા જાણી લો

  • સેવાગ્રામ આશ્રમ મહારાષ્ટ્રના નાગપુરથી 60 કિલોમીટર દૂર છે, વર્ધાથી આઠેક કિલોમીટર દૂર છે.
  • સવારથી રાત સુધી આશ્રમની મુલાકાત લઈ શકાય છે.
  • ત્યાં રાતવાસો કરવાની સગવડ છે, એ માટેની જાણકારી આશ્રમની સાઈટ https://www.gandhiashramsevagram.org/ પરથી મળી શકશે.
  • સંપર્ક  91-7152-284753,91-727 616 0260, 91-7152-284753

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *