Saputara ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ચોમાસામાં તેનું સૌંદર્ય ખીલી ઉઠે છે.
વિશ્વા જે. મોડાસિયા
Saputara : પ્રકૃતિપ્રેમી માટે ફરવા તથા વર્ષાઋતુનો આનંદ ઉઠાવવા માટે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખૂબ જ ઉત્તમ સ્થળ છે. ૧૦૦૦ મીટરની ઊંચાઈ પર આવેલ ડાંગ જિલ્લાના સહ્યાદ્રી પર્વતમાળાના જંગલ વિસ્તારમાંમાં વસેલું સાપુતારા કુદરતી નજારાનો ખજાનો છે. અહીંના જંગલ વિસ્તારોમાં સાપની અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે તેથી જ આ ‘સાપનું ઘર’ કહેવાય છે. એના પરથી સાપુતારા રાખવામાં આવ્યું હતું.
અહીંયા આવેલ સનસેટ અને સનરાઇઝ પોઇન્ટ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઉગતા તથા ડૂબતા સુરજના કેસરી, પીળા તથા લાલ રંગના કિરણોથી સાપુતારાના જંગલ તથા પર્વતમાળા દીપી ઉઠે છે. તે જોવાનો આનંદ અનેરો જ હોય છે. તે ઉપરાંત પર્યટકો અહીં આવેલ સાપુતારા જિલમાં બોટિંગની મજા માણી શકે છે. સાપુતારા વઘાઈ રોડ પર આવે ગીરાધોધ પણ પર્યટકો માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષાઋતુમાં ગીરાધોધ ની ખુબસુરતી ખીલી ઊઠે છે.
૨૫ કિ.મી.મા ફેલાયેલું વસંદા નેશનલ પાર્ક પર્યટકોનું પ્રિય સ્થળ છે. આ નેશનલ પાર્કમાં દીપડા, સાપ, અજગર, સ્પોટેડ કેટ તથા મોટા કદની ખિસકોલી વગેરે પ્રજાતિના જાનવરો જોવા મળે છે. તે ઉપરાંત સાપુતારાથી ૫ કિલોમીટર દૂર આવેલ હાટગઢ કિલ્લો ઇતિહાસના ચાહકો માટે મુલાકાત લેવા જેવું સ્થળ છે. મહારાજા શિવાજી રાવે બનાવેલો એ કિલ્લો પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનો છે.
સાપુતારા-નાસિક રોડ પર આર્ટિસ્ટ વિલેજ આવેલું છે, જ્યાં સ્થાનિક હુન્નરકળાના નમૂના જોવા મળે છે. અહીંના લોકોએ તૈયાર કરેલી પ્રોડક્ટ અહીંથી ખરીદી શકાય છે. અહીંના ભિલ, કુનબી, વારલી વગેરે સમુદાયના લોકો દ્વારા બનાવાતી વાંસની પ્રોડક્ટ, વિવિધ કળાકૃતિ, નાગલીની વાનગીઓ સહિત અનેક ચીજો વેચાતી હોય છે. આવી ચીજો કેમ બનતી હશે.. એવા સવાલનો જવાબ મેળવવા માટે કોઈને પૂછવા કરતાં અહીંના વર્કશોપમાં જઈને પોતાની રીતે કળાકૃતિ બનાવાનો અનુભવ લઈ શકાય છે.
સાપુતારા તળાવની સામે એક ટેકરીની ટોચ પર સ્થિત, સપતુરા ફોરેસ્ટ લોજ હટ લાકડાનું બનેલું મકાન છે. વનખાતાની પરવાનગી લઈ પ્રવાસીઓ અહીં રહી છે અને જંગલમાં રહેવાનો આનંદ માણી શકે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સૌથી ઉત્તમ સ્થળ છે.
સાપુતારાથી ૫૦ કિલોમીટર દૂર આવેલ ડોન નામનું નાનકડું ગામડું આવેલું છે. એ ગુજરાતનું સૌથી વધુ ઊંચાઈ પર આવેલું ગણાય છે. ઉંચાઇ પર સ્થિત આ ગામડાનુ વાતાવરણ ખૂબ જ ઠંડું તથા આહ્લાદક હોય છે. કુદરતી ખજાનાથી ભરેલું આ ગામ નાના નાના ફળિયામાં વહેંચાયેલું છે. અહીંયા રહેતા લોકો રાગીની ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામડામાં રહેવાની કોઈ સગવડ ન હોવાથી પર્યટકોને સાંજ સુધીમાં પાછું સાપુતારા આવવું પડે છે.