ગુજરાતમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્કની સફર (ભાગ 1)

ગુજરાત પાસે ભલે ગાઢ જંગલો નથી, તો પણ એવા જંગલો તો ઘણાય છે, જેમાં પ્રવાસીઓને આનંદ મળી શકે એમ છે. એક દિવસથી લઈને અઠવાડિયું ફરી શકાય એવુ વનવૈવિધ્ય ગુજરાત પાસે છે. જરા નજર દોડાવાય ત્યાં પહોંચી શકાય એવા કેટલાક વન્ય સ્થળોની વાત..

સપદર્શન અને સમજ માટે હિંગોળગઢ ઉત્તમ વિકલ્પ છે.

હિંગોળગઢ (રાજકોટ)

જસદણ એક સમયે રજવાડુ હતું. તેની ભાગોળે જ હિંગોળગઢ આવેલું છે. હિંગોળગઢનું જંગલ તો માત્ર સાડા છ ચોરસ કિલોમીટરનું જ છે, પણ તેમાં સજીવોનું ભારે વૈવિધ્ય છે. એકાદ ટેકરી પરથી ઉછળ-કૂદ કરતાં હરણ સરળતાથી જોઈ શકાય એમ છે, તો વળી સાપ-અજગર અહીંના વિશેષ ગૃહોમાં રાખવામાં આવ્યા છે. જંગલ નાનું છે, એ મુદ્દો તેનો પ્લસ પોઈન્ટ બની શકે એમ છે, કેમ કે નાનુ છે, એટલે જ સરળતાથી આખુ ફરી શકાય એમ છે.
શિવાજીના કિલ્લાની યાદ અપાવે એવો ગઢ જંગલની પાસેની ટેકરી પર બંધાયેલો છે. ૧૮૦૧માં જસદણના વજાસૂર ખાચરે એ મહેલ બંધાવ્યો હતો. તેની ઊંચાઈ ૧૧૦૦ ફીટ છે, એટલે ત્યાં પહોંચ્યા પછી આસપાસનો વિસ્તાર જોવાની પણ મજા પડે એમ છે. કિલ્લામાં રાજાશાહી વખતનો ઈતિહાસ સચવાયેલો છે.
વહેલી સવારે પહોંચી, મોડી સાંજ સુધી અહીં રખડીને એક દિવસનો સરસ પ્રવાસ કરી શકાય એમ છે.

અહીં ક્યા સજીવો જોવા મળશે?
વિવિધ જાતના પક્ષીઓ
સાપ-અજગર
હરણ
નિલગાય
શાહૂડી
કઈ રીતે પહોંચવુ?
હિંગોળગઢ અમદાવાદથી ૧૮૦ કિલોમીટર અને રાજકોટથી ૬૫ કિલોમીટર જ દૂર છે. જસદણ હાઈવે પર હોવાથી ત્યાં જવાના વાહનો મેળવવા કે વાહન લઈને જવું જરા પણ મુશ્કેલ નથી.
સંપર્ક
રેન્જ ફોરેસ્ટ ઓફિસર (હિંગોળગઢ) – ૯૮૨૫૨૨૬૪૦૩
ગીર ફાઉન્ડેશન (ગાંધીનગર) – ૦૭૯-૨૩૨૨૧૩૮૫
* * * * *

નારાયણ સરોવર (કચ્છ)

નારાયણ સરોવર તેના ધાર્મિક પ્રવાસન માટે જાણીતું છે જ. પરંતુ સરોવરના કાંઠે અને આસપાસમાં વિવિધ પંદરેક એવા સજીવો વસે છે, જે બીજે ક્યાંય સરળતાથી જોવા મળી શકે એમ નથી. નારાયણ સરોવર પાસે ચિંકારા હરણ જોવા મળે છે, જેમાં નર ઉપરાંત માદાના માથા પર પણ શિંગડા ઉગેલા જોવા મળે છે. બીજે ક્યાંય આવા હરણનો વસવાટ નથી. અહીં હની બેજર નામનું સજીવ જોવા મળે છે, જે ગિનેસ બૂક ઓફ રેકોર્ડ પ્રમાણે જગતનું સૌથી નિર્ભિક પ્રાણી છે. હની બેઝરનું કામ નામ પ્રમાણે મધપૂડા પર આક્રમણ કરીને મધ આરોગવાનું છે. ભારતમાં હવે તો ચીતા જોવા મળતાં નથી, પણ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાના અંદાજ પ્રમાણે ભારતમાંથી ચિત્તા નષ્ટ થયાં પહેલા તેનો છેલ્લો કુદરતી આવાસ નારાયણ સરોવર આસપાસ હતો.

સજીવો
ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ
ચિંકારા
મધિયો (હની બેઝર)
કિડીખાઉં
જંગલી બીલાડી (ક્રેકલ)
કાળા તેતર

કઈ રીતે પહોંચવુ?
નારાયણ સરોવર છેક પાકિસ્તાન સરહદ પાસે આવેલું છે, એટલે ત્યાં સુધીનો પ્રવાસ પણ મજેદાર બની શકે એમ છે. ભુજથી સરોવર ૧૫૦ કિલોમીટર દૂર છે. અહીંથી સરકારી કે ખાનગી વાહન દ્વારા જઈ શકાય એમ છે. ભુજ ગયા વગર ત્યાં પહોંચી ન શકાય.

સંપર્ક
આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ભુજ) ૦૨૮૩૨ ૨૩૦૭૬૬
* * * * *

ડાઈનાસોર અને વન્યપ્રાણી બન્નેનો સંગમ

ઈન્દ્રોડા પાર્ક

ગાંધીનગર જનારા અનેક લોકો ઈન્દ્રોડા પાર્કના દરવાજેથી પસાર થતાં હશે. માટે અહીં પહેલી નજરે કશુંય નવીન લાગે નહીં. છતાં પણ ઈન્દ્રોડા જગતનો એક માત્ર પાર્ક છે, જે મુલાકાતીઓને સાડા છ કરોડ વર્ષ પહેલાનાં વિશ્વમાં લઈ જઈ શકે છે. અહીં ડાઈનાસોરના ઈંડા અને અવશેષો રાખવામાં આવ્યા છે. દુનિયામાં ઈન્દ્રોડાની માફક સરળતાથી ડાયનાસોરના ઈંડા-અવશેષોને જોઈ-સ્પર્શી શકાય એવી સગવડ બીજે ક્યાંય નથી. વાઘ-દીપડા સહિતના સજીવો અહીંના પ્રાણી સંગ્રહાલયમાં છે, પણ વધારે આકર્ષક તો વ્હેલ માછલીનું સોએક ફીટ લાંબુ અસ્થિમાળખું છે. વ્હેલ ખરેખર કેવડી હોય તેનો અંદાજ એ હાડપિંજર જોયા શિવાય આવી ન શકે. કહેવા માટે ઈન્દ્રોડા કૃત્રિમ જંગલ છે, પણ છતાંય માણવાલાયક તો છે જ.

સજીવો
– પ્રાણી સંગ્રહાલય હોવાથી અનેક પ્રકારના સજીવો છે.
– બોટાનિકલ ગાર્ડન છે.
– વ્હેલ માછલીનું હાડપિંઝર
– ડાયનાસોરના અવશેષો

કઈ રીતે જઈ શકાય?
ઈન્દ્રોડા ગાંધીનગર અને અમદાવાદથી જવા માટે અનેક પ્રકારના ખાનગી-સરકારી વાહનો મળી રહે છે. પાર્કનો સમય સવારના ૮થી સાંજના ૬ સુધીનો છે. દર સોમવારે પાર્ક બંધ રહે છે.

સંપર્ક
ઈન્દ્રોડા પાર્ક – ૦૭૯-૨૩૨૨૦૫૬૦
* * * * *

રતનમહાલ (દાહોદ)

પ્રાથમિક શાળામાં ભણાવાયેલી કવિતા, રીંછ એકલું ફરવા ચાલ્યુ.. અહીં નજરોનજર જોઈ શકાય એમ છે. ગુજરાતમાં રીંછની સારી એવી સંખ્યા છે, પરંતુ લો-પ્રોફાઈલ સજીવ હોવાથી એ સરળતાથી દેખાતુ નથી. જોકે છેલ્લા એકાદ દાયકાથી રીંછ જંગલ બહાર નીકળી હુમલો કરી બેસતા હોય એવા થોડા બનાવો નોંધાયા છે. રીંછના દર્શન કરવા હોય તો રતનમહાલના જંગલોની મુલાકાત લેવી રહી. મહુડાના વૃક્ષોની બહુમતી ધરાવતો આ વન વિસ્તાર આમ તો ૫૫ ચોરસ કિલોમીટરનો જ છે, પણ સૌથી વધુ રીંછ અહીં જ છે.

સજીવો
– રીંછ
– શિયાળ
– દીપડા
– ઉડતી ખિસકોલી
– ઝરખ

કઈ રીતે પહોંચવુ?
અહીં જવાનો આદર્શ સમય ઓક્ટોબરથી મે મહિના સુધીનો છે. વડોદરાથી રતનમહાલનું જંગલ ૧૭૦ કિલોમીટર દૂર છે. દાહોદ ૭૦ અને ગોધરા અહીંથી ૮૫ કિલોમીટર દૂર છે. બારિયા ૩૦ કિલોમીટર અને ખેડા ૪૫ કિલોમીટર દૂર છે.

સંપર્ક
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (બારિયા) – ૦૨૬૭૮૨૨૦૪૨૫
* * * * *

વેળાવદર (ભાવનગર)

 

કાળિયાર માટે જાણીતા વેળાવદર વિશે જાણવા જેવી હકીકત એ પણ છે, કે એ વિશ્વનો સૌથી મોટો કાળિયાર પાર્ક છે! કાળિયારના ટોળાંને ટોળાં જોવા અહીં મુશ્કેલ નથી. જરૃર પડયે ૮૦ કિલોમીટરની ઝડપે દોડી શકતા કાળિયાર ભારત અને પાકિસ્તાનમાં વધારે જોવા મળે છે. એમાનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ વેળાવદર છે. એક સમયે ભાવનગરના રાજવીઓ અહીં ચિત્તાઓ સાથે હરણોનો શિકાર કરવા આવતા હતાં.

સજીવો
કાળિયાર
નીલગાય
ઝરખ
લીખ નામનું પક્ષી

કઈ રીતે પહોંચવુ?
અમદાવાદથી ભાવનગર જતી વખતે જ રસ્તામાં વેળાવદરનો માર્ગ ફંટાય છે. વલભીપુર અહીંથી ૩૨ કિલોમીટર છે, ભાવનગર ૭૫ કિલોમીટર છે અને અમદાવાદ ૧૫૦ કિલોમીટર છે. પાર્કમાં જ વન વિભાગના ગેસ્ટહાઉસ સહિતની સગવડ છે, જે અંગે અગાઉથી સંપર્ક કરીને જાણકારી મેળવી શકાય છે.

સંપર્ક
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વેળાવદર) – ૦૨૭૮ ૨૪૨૮૬૪૪
બહુમાળી ભવન (ભાવનગર) – ૦૨૭૮-૨૪૨૬૪૨૫

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *