ગઈ કાલની સફરે લઈ જતાં રેલવેના રજવાડી સલૂન

ગઈ કાલની સફરે લઈ જતાં રેલવેના રજવાડી સલૂન

દિલ્હીમાં નેશનલ રેલવે મ્યુઝિયમ આવેલું છે. સરકતી રેલવેનો ઈતિહાસ અહીં પાટા પર સ્થિર થઈને પડ્યો છે. એમાં રાજા-મહારાજાઓના સલૂન ખાસ જોવા જેવા છે.

 


લોખંડના પ્લેટફોર્મ પર લાકડાનું એનુ બાંધકામ, નીચે આઠ કદાવર પૈડાં, બન્ને તરફ ચડવા-ઉતરવાની સીડી, ડબ્બાના બેઉ છેડે થોડી ખુલ્લી જગ્યા, ત્યાં વળી કલાત્મક રેલિંગ પણ ખરી, બન્ને તરફ બારીઓની હારમાળા અને અંદરની સજાવટ તો વળી અનોખી. દિલ્હીના ‘નેશનલ રેલવે મ્યુઝિયમ’ના ૨૦૬ નંબરના શેડમાં રાખવામાં આવેલા એ રેલવે સલૂનની બાજુમાં બોર્ડમાં તેનું નામ પણ લખ્યું છે : ‘મૈસૂરના મહારાજાનું સલૂન’.

મૈસૂરના મહારાજા કૃષ્ણરાજ વાડિયારે ૧૮૯૯માં તેનું બાંધકામ કરાવ્યુ હતું. રજાવાડી કોચ હોવાથી તેમાં સ્વાભાવિક રીતે રાજા-રાણીને માફક આવે એવી સુવિધાઓ હતી અને બહારથી કલાત્મક દેખાય એવુ બાંધકામ હતું. મૈસૂર રાજ્યના જ બેંગલોર  સ્થિત કારખાનામાં તૈયાર થયેલા એ સલૂનની સૌથી મોટી વિશિષ્ટતા જોકે પહેલી નજરે દેખાતી નથી.

એ વિશિષ્ટતા હતી ‘હડસન એન્ડ નેલ્શન’ કંપનીએ તૈયાર કરેલી બોગી જેના પર સલૂન ગોઠવવામાં આવ્યુ હતું. એ વખતે ભારતમાં હજુ તો બ્રોડ ગેજ રેલવે ક્યાંક ક્યાંક સ્થપાઈ હતી. મોટા ભાગની રેલવે મિટર ગેજ હતી. નેરોગેજ પણ વિશાળ પ્રમાણમાં હતી. મૈસૂર સ્ટેટમાં મિટર ગેજ ચાલતી હતી પણ ક્યાંક ક્યાંક બ્રોડ ગેજ લાઈન પણ હતી.

બે પ્રકારની લાઈનોને કારણે લાંબો પ્રવાસ કરતી વખતે પછી તો મુશ્કેલી થયા વગર ન રહે. રાજવી પરિવારે સલૂનમાં લાંબી સફર કરવી હોય ત્યારે ટ્રેકનો ગેજ બદલે એ સાથે સલૂન પણ બદલવું પડે. અલબત્ત, આખા ભારતમાં સલૂન બદલવાની સ્થિતિ હતી ત્યારે મૈસૂરના રાજાને વિશિષ્ટ સુવિધા મળી હતી.

એ સુવિધા એટલે સલૂનની બોગી જે મિટર અને બ્રોડ બન્ને ગેજ પર ચાલી શકતી હતી! સંભવત: ભારતમાં એ પહેલું સલૂન હતું, જે ગેજ બદલાય ત્યારે પણ કોઈ જાતની અડચણ વગર ચાલી શકતું હતું. પરિણામે અંદર બેઠેલા રાજા-રાણીને ખબર પણ ન પડતી હતી કે નીચે ક્યારે પાટાનો પ્રકાર બદલી ગયો છે! બોગીની રચના એવી હતી કે પૈડા સાંકડા-પહોળા થઈ શકતા હતા.

મૈસૂર મહારાજાની એ ગાડી કુલ ૩ ડબ્બાની હતી. એક મહારાજાનું સલૂન જે હવે દિલ્હીના નેશનલ રેલવે મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યુ છે. બીજું મહારાણી સલૂન જે હવે મૈસૂરના રેલવે મ્યુઝિયમમાં રાખવામાં આવ્યુ છે. ત્રીજો ડબ્બો રસોડા સહિતની સુવિધાનો હતો. ખાસ સાજ-સજ્જા પામેલા એ સલૂન માટે મૈસૂર સ્ટેટે એ જમાનામાં ૩૦ હજાર રૃપિયા જેવી માતબર રકમ ખર્ચી હતી.

રજવાડી યુગ ક્યારનો પૂરો થઈ ગયો છે. પણ ભારતમાં રાષ્ટ્રપતિ જેવા કેટલાક હોદ્દા છે, જેમને રાજા-મહારાજા જેવી સુવિધા મળે છે.  ભારતના નવા રાષ્ટ્રપતિ નક્કી થાય એ પહેલા જ રેલવે વિભાગે જાહેરાત કરી છે કે રૃપિયા ૮ કરોડના ખર્ચે ખાસ સલૂન બનાવવું છે. રાષ્ટ્રપતિ તેમાં સફર કરશે. એ સલૂન માટેનો કોચ જર્મન બનાવટનો હશે, દીવાલો બૂલેટપ્રૂફ હશે, અંદર જીપીએસ, સંબોધન કરવા માટે એનાઉન્સમેન્ટ, ટીવી, ટેલિફોન એક્સચેન્જ સહિતની જોઈએ એવી સુવિધાઓ હશે. પ્રસ્તાવ મંજૂર થશે પછી સલૂનની કામગીરી શરૃ થશે.

દુનિયાભરમાં રેલવેમાં ખાસ પ્રકારના સલૂન એટલે કે સુવિધા સજ્જ ડબ્બા વપરાતા રહે છે. સલૂન એટલે રેલવેનો એવો કોચ જેમાં સામાન્ય ડબ્બામાં ન હોય એવી સુવિધાઓ ઉમેરવામાં આવી હોય. વળી એવો પણ ડબ્બો કે જેનો વપરાશ સામાન્ય આમ આદમીએ નહીં પણ ખાસ આદમીએ કરવાનો હોય છે.

બ્રિટિશ શાસન વખતે ભારતમાં અંગ્રેજો પધારે ત્યારે તેમના માટે ખાસ સલૂન તૈયાર કરવામાં આવતા હતા. ૧૮૭૬ના દિલ્હી દરબાર વખતે ‘પ્રિન્સ ઓફ વેલ્સ (એડવર્ડ સાતમા)’નું આગમન થયું ત્યારે તેમના માટે ખાસ કોચ તૈયાર કરવામાં આવ્યો હતો. સલૂનની બન્ને તરફ ચાલી શકાય એવી પરસાળ હતી, માથે છાજલી હતી જેથી પ્રિન્સને તડકો ન લાગે. અંગરક્ષકો ઉભી કે બેસી શકે એવી જગ્યા ચારેય ખૂણે રાખવામાં આવી હતી.

રાજપુતાના-માલવા રેલવે દ્વારા એ સલૂન આગ્રાના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યુ હતુ. ૧૮૭૫માં તૈયાર થયેલા એ સલૂનની બન્ને બાજુએ બ્રિટિશ રાજનો સિમ્બોલ કોતરેલો છે, જે હવે સમયની સાથે ઝાંખો થયો હોવા છતાં જોઈ શકાય એમ તો છે. દિલ્હીના રેલવે મ્યુઝિયમના શેડ નંબર ૨૦૪માં પાર્ક થયેલુ એ સલૂન ભારતના સૌથી જૂના સલૂનોમાં સ્થાન ધરાવે છે.

રાષ્ટ્રપતિ પહેલા વાઈસરોય હતા. એટલે તેમના માટે ‘ધ વાઈસ રિગલ કોચ’ નામના ખાસ સલૂન દોડતા હતા. ઈરાની જાજમ અને અત્યંત નરમ સોફાથી સજ્જ એ સલૂન ૧૯૨૭ સુધી કલકત્તામાં પડયુ રહ્યુ હતુ. એ પછી દિલ્હી પાટનગર બન્યું એટલે ત્યાં લવાયુ. ૧૯મી સદીમાં બનેલું એ સલૂન એર-કન્ડિશન્ડ તો ન હતુ, પણ તેની બારીઓ પર ખસની ચાદરો લટકતી રખાઈ હતી. કોચનું તાપમાન તેના કારણે અનૂકુળ રહેતુ હતુ.

વાઈસરોય સલૂન કુલ પાંચ ડબ્બાનું હતુ. તેમાં એક ડબ્બો રેસ્ટોરાં એટલે કે રસોઈ યાન પણ હતો. પાટ પર ફરતા એ ડાઈનિંગ ટેબલમાં ૧૮ વ્યક્તિ બેસી શકતી હતી. આઝાદી પછી એ સલૂનનો ઉપયોગ ૧૯૫૦માં ડો.રાજેન્દ્ર પ્રસાદે કર્યો હતો. એ પછીથી તેને નિવૃત્ત કરી દેવાયુ હતુ.

વડોદરા રાજ્ય રેલવેમાં ઘણુ પ્રગતિશિલ હતું. માટે ગાયકવાડ પાસે સલૂન ન હોય એવુ તો બને જ કેમ? મહારાજા મુંબઈ જવા માટે સલૂનનો ઉપયોગ કરતા હતા. એ સલૂનના પાર્કિંગ માટે પંડયા બ્રિજ પાસે સલૂનનો શેડ પણ હતો, જ્યાં સલૂન પડયુ રહેતુ હતું. સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ના સલૂનમાં કોન્ફરન્સ રૃમ, રસોડું, બેડરૃમ સહિતની સુવિધાઓ હતી.

બહારથી લીલા કલરના દેખાતા એ સલૂનની છત વળી સોનાના તારથી મઢેલી હતી. એ સલૂન જોકે વડોદરા પાસે નથી, દિલ્હીના મ્યુઝિમમાં જ તેને પણ સાચવી રખાયું છે. એ રીતે રાજા ઉપરાંતના પરિવાર માટે બીજુ એક સલૂન હતુ. ૧૯૫૦માં એ સલૂન વેસ્ટર્ન રેલવેને સોંપી દેવાયુ.

રેલવેએ તેમાં ફેરફાર કરીને તેને ઈન્સ્પેક્શન કોચમાં પરિવર્તિત કરી દીધુ હતું. વડોદરામાં આવેલા પ્રતાપનગર ખાતેના વર્કશોપમાં ૧૯૨૫માં એ સલૂન ૬૫ હજાર રૃપિયાના ખર્ચે બન્યુ હતુ. રેલવેએ ૨૦૦૩ સુધી તેનો વપરાશ કર્યો અને એ પછી હવે એ મ્યુઝિયમમાં કાયમ માટે સ્થિર થયું છે.

ભાવનગરના વર્કશોપમાં પણ એક સલૂન તૈયાર કરવામાં આવ્યુ હતુ. ૧૯૩૧માં બનેલુ સલૂન નેરોગેજ માટેનું હતું. ટીકવૂડના લાકડામાંથી બનેલુ એ સલૂન રાજવી પરિવાર પછી વેસ્ટર્ન રેલવે દ્વારા પણ વાપરવામાં આવતુ હતુ. જોકે બહારથી તેનો દેખાવ બહુ સાદો હતો. રેલવેના હાથમાં આવ્યા પછી એ સલૂનની અંદરની કેટલીક સામગ્રી પણ ચોરી થઈ હઈ હતી. એટલે અંદરથી પણ દેખાવ સાદો જ બની ગયો હતો.

આઝાદી પછી ભારતમાં રાષ્ટ્રપતિના સર્વોચ્ચ હોદ્દા માટે સલૂનની જરૃર જણાઈ. એ વખતે આજના જેવી પરિવહન સુવિધા હતી નહીં. માટે રાષ્ટ્રપતિએ પણ રેલવે પર જ આધારિત રહેવાનું હતું. એટલે ૧૯૫૬માં ‘પ્રેસિડેન્સિયલ સલૂન’ તૈયાર કરી દેવાયુ. માટુંગા ખાતે આવેલા રેલવે વર્કશોપે આ સલૂન બનાવવાની મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. સલૂનમાં બે કોચનો સમાવેશ થતો હતો. એ બન્ને કોચને અનુક્રમે ૯૦૦૦ અને ૯૦૦૧ નંબર આપવામાં આવ્યો હતો. જોકે જરૃર પ્રમાણે તેની સાથે વધુ ડબ્બા જોડી શકાય છે. કેમ કે રાષ્ટ્રપતિનો કાફલો ઘણો મોટો હોય છે.

નજીક કે પછી હવાઈ સગવડ ન હોય એવા દૂરના અંતરે જવા માટે એ સલૂનનો ઉપયોગ થતો હતો. રાજેન્દ્ર પ્રસાદ, ડો.રાધાકૃષ્ણન, નીલમ સંજીવ રેડ્ડી, ઝાકીર હુસૈન, વી.વી.ગીરી સહિતના રાષ્ટ્રપતિઓએ આ સલૂનનો નિયમિત અને વ્યાપક ઉપયોગ કર્યો હતો. એવી પ્રથા પણ હતી કે પ્રમુખ રાષ્ટ્રપતિ ભવન છોડી વિદાય થાય ત્યારે છેલ્લો પ્રવાસ આ સલૂનમાં કરતા હતા.

બે કોચના સલૂનમાં પ્રેસિડેન્ટની કેબિન, આલિશાન બેડ, કબાટ, કોન્ફરન્સ હોલ સહિતની સગવડ હતી. બે દાયકા સુધી એ સલૂન ચાલતા રહ્યા. ૧૯૭૭માં છેલ્લે તેનો ઉપયોગ નીલમ સંજીીવ રેડ્ડીએ કર્યો હતો. એ સલૂન પછી તો રેલવે શેડમાં પાર્ક કરી મુકી દેવાયુ. ૨૬ વર્ષ સુધી વણ-વપરાયેલા રહ્યા પછી અબ્દુલ કલામે 2003માં બિહારના હરનૌતથી પટના સુધીની ૬૦ કિલોમીટરની મુસાફરી એ સલૂનમાં કરી હતી. ૨૦૦૬માં રાષ્ટ્રપતિ ડો.કલામના મિલિટરી સેક્રેટરીએ સલામતીની દૃષ્ટિએ સલૂનને અનફીટ જાહેર કર્યું એટલે તેને સત્તાવાર રીતે નિવૃત્ત કરી દેવાયું. અલબત્ત, ડો.કલામે ત્યાં સુધીમાં જ્યારે તક મળી ત્યારે રેલવે સલૂનમાં સફર કરવાનુ પસંદ કર્યુ હતુ. એ સલૂન હવે દિલ્હીના રેલવે શેડમાં બંધ પડયુ છે.

રેલવે પાસે જોકે આવા વિશિષ્ટ અને સાધન સજ્જા સલૂનોનો પાર નથી. હાલ રેલવે પાસે કુલ મળીને ૬૨ એર-કન્ડીશન્ડ અને ૨૨૨ નોન એસી સલૂન છે. અલબત્ત, બધા સલૂનો રાષ્ટ્રપતિના સલૂન જેવા વૈભવી નથી હોતા. પરંતુ ટ્રેક પર દોડતું ઘર કે ઓફિસ કહી શકાય એટલી સુવિધા તો હોય જ છે.

કેમ કે આ સલૂનનો ઉપયોગ રેલવે મંત્રી અને રેલવેના ઊચ્ચ અધિકારીઓ પોતાની સફર માટે કરતા હોય છે.
દિલ્હીના રેલવે મ્યુઝિયમમાં અને દેશભરના અન્ય કેટલાક રેલવે સંગ્રહાલયોમાં પણ આવા સલૂન પાર્ક કરીને મૂકી રખાયા છે. કહેવા માટે તો આ બધા સલૂન સ્થિર પડયા છે, પણ તેને જોઈએ ત્યારે એ ભૂતકાળની સફરે લઈ જાય છે.

waeaknzw

Gujarati Travel writer.