
જૂનાગઢમાંથી ગિરનારનો અગ્ર ભાગ દેખાય છે. પાછળનો ભાગ જોવા માટે એક જાણીતું સ્થળ રામનાથ છે.

સોરઠને શોભાવતા મહા-પર્વત ગિરનારમાં તો તેંત્રીસ કરોડ દેવતાનો વાસ મનાય છે. એટલા બધા દેવતાની તો મુલાકાત ન લઈ શકાય, પરંતુ ત્યાં કેટલાક નમૂનેદાર સ્થળો છે. એમાંનું એક સ્થળ જૂનાગઢથી જરા દૂર બિલખા પાસે આવેલું રામનાથ છે.

નામ પ્રમાણે શિવજીનું મંદિર છે. પરંતુ સામાન્ય મંદિર નથી. મંદિર પાસે નદી વહે છે, નદીમાં મગર રહે છે. મંદિરની બધી બાજુ નાના-મોટા ગિરનારના શિખરો આવેલા છે. એમાં પણ દક્ષિણ ભાગે તો શિખર ઊંચા અને ખાસ્સા નજીક છે, જે બીજા કોઈ સ્થળેથી જોવા મળવા મુશ્કેલ છે.

મંદિર પોતે ઊંચા ઢોળાવ પર છે, જ્યાં પગથિયા ચડીને જવું પડે. અહીં સામાનની હેરાફેરી કરવા માટે ખાસ પ્રકારની ટ્રોલી અને તેના ટ્રેકની સગવડ કરવામાં આવી છે. રેલવે જેવા પાટા બિછાવેલા છે, જેના પર સરકીને ટ્રોલી નીચે આવે, સામાન તેમાં ગોઠવાય, ફરી ઊંચે ચડે. એ પગથિયાંની સમાતંર હોવાથી પ્રવાસીઓને જોવાની મજા પડે છે.

આમ તો બારેમાસ અહીં પ્રવાસીઓ આવતા રહે છે, પણ મહત્ત્વ ચોમાસા વખતે ઊંચકાય છે. કેમ કે ત્યારે વન હરિયાળું થઈ ગયું હોય છે, નદી ખળખળ વહેતી હોય અને શાંતિથી સાંભળવામાં આવે તો જંગલનો નાદ પણ સાંભળવા મળે.

મંદિર સુધી જતી પહેલા એક છીછરા કૂંડમાંથી પસાર થવું પડે. મુલાકાતીઓ કદાચ પગ ધોવાનું ભૂલ્યાં હોય તો પણ આ કૂંડમાંથી પસાર થાય એટલે પગ આપોઆપ ધોવાઈ જાય. પાણીનું સ્તર માંડ ચાર-છ ઈંચ જેટલું જ હોય છે.

મંદિર અને જગ્યા તો રસપ્રદ છે, પણ ત્યાં સુધી લઈ જતો રસ્તો પણ રસપ્રદ છે. આ જંગલ મૂળભૂત રીતે ગિરનાર સેન્ચુરી વિસ્તારમાં છે, માટે તેની વાટ વનમાંથી પસાર થાય છે. મંદિર પાસે આવેલા જળાશયમાં મગર છે, તો રસ્તામાં ક્યાંક હરણ પણ જોવા મળી શકે. મંદિર પરિસરમાં પહોંચ્યા પછી કોઈ મનુષ્ય સ્વાગત કરે કે ન કરે, મનુષ્યના પૂર્વજો એટલે કે વાનરોનાં ટોળાં અચૂક જોવા મળે.

અહીં જંગલખાતાના નિયમો પણ લાગુ પડે છે. એટલે આડા-અવળું ન જવું, પ્લાસ્ટિક અને અન્ય પ્રદૂષણ ન ફેલાવું.. વગેરે સૂચના આપવામાં આવે છે.



જૂનાગઢની સફર વખતે અડધો દિવસનો સમય હોય તો રામનાથ આસાનીથી જઈ-આવી શકાય. પોતાનું વાહન હોય તો સરળ રહે, બાકી જૂનાગઢથી તો રીક્સા-ટેક્સી પણ મળી રહે. ગિરનારનું સૌંદર્ય સમજવા-માણવા-જાણવા માટે અહીં સુધી એકાદ વાર તો આવવું જ રહ્યું.