દીવ-દમણ-ગોવામાં આવેલા પુરાતન બાંધકામો પોર્ટુગલ શાસન વખતે થયેલા છે. એટલે યુરોપમાં નાનકડો દેશ હોવા છતાં ગુજરાતી પ્રવાસીઓ માટે એ ખાસ અજાણ્યો નથી. શાંતિની ચાહના હોય એવા પ્રવાસીઓ અહીં ધામા નાખે છે.
યુરોપના દક્ષિણ-પશ્ચિમ છેડે આવેલો આ નાનકડો દેશ સ્પેનમાંથી કાપીને અલગ કર્યો હોય એ રીતે ખૂણામાં પથરાયેલો છે. દેશની લંબાઈ-પહોળાઈ અમુક સો કિલોમીટર કરતાં વધારે નથી, તો ક્ષેત્રફળ માંડ 93 હજાર ચોરસ કિલોમીટર (ગુજરાત કરતાં અડધું) છે. દેશ નાનો છે, પરંતુ દુનિયા પર તેનો પ્રચંડ પ્રભાવ છે. કેમ કે બ્રિટિશરોની જેમ દુનિયાભરમાં હાક હતી એમ પોર્ટુગલે પણ ઘણો પ્રદેશ કબજે કર્યો હતો. માટે પોર્ટુગલ ઉપરાંત દુનિયાના બીજા આઠ દેશોની સત્તાવાર ભાષા પોર્ટુગિઝ છે.
પોર્ટુગલ પ્રવાસની દૃષ્ટિએ સાત પ્રાંત કે ભાગમાં ફેલાયેલો દેશ છે. 1. પોર્ટો એન્ડ નોર્થ. 2. સેન્ટર ઓફ પોર્ટુગલ. 3. અલન્તેઝો. 4. અલ્ગાર્વે. 5. અઝોરિસ. 6. મેડ્રિઆ અને 7. લિસ્બન રિજિયન. દરેક પ્રાંત પોતાની રીતે વિશિષ્ટ છે, પરંતુ આખા દેશની કોઈ કોમન ઓળખ હોય તો એ તેનો સમુદ્ર કિનારો છે. આખા જગતમાં સર્ફિંગ માટે સર્વોત્તમ દરિયો પોર્ટુગલનો ગણાય છે. વર્ષના 365માંથી અહીં 365 દિવસ સમુદ્ર એવો અનુકૂળ હોય કે સર્ફિંગ કરી શકાય છે.
પોર્ટુગલ જવાનું થાય તો શું જોવા જેવું છે?
લિસ્બન
- લિસ્બન પોર્ટુગલનું પાટનગર છે અને આસપાસનો સમગ્ર પ્રાંત પ્રવાસીઓમાં લોકપ્રિય છે. યુરોપ અને જગતના પ્રાચીન શહેરોના નામ લેવાના થાય ત્યારે એમાં એક નામ રોમનું પણ હોય છે. પરંતુ રોમ કરતાં પણ જૂનું શહેર લિસ્બન છે. આધુનિક લિસ્બન છેક 1147માં એટલે પોણા નવસો વર્ષ પહેલા સ્થપાયું હતું. પુરાતન ઈતિહાસ 3 હજાર વર્ષ જૂનો છે. શહેરનો પુરાતન ભાગ હજુ પણ એવો જ જૂનવાણી છે. મ્યુઝિયમ, સ્થાપત્યો, સમુદ્રકાંઠે ઓશેનરિયમ, બિચ, નેશનલ પાર્ક, કળાત્મક બાંધકામો… વગેરે જોવા જેવું છે.
- તાગસ નદી પર વાસ્કો દ ગામા બ્રિજ છે, જે 12.3 કિલોમીટર લાંબો છે. એ યુરોપનો બીજા નંબરનો સૌથી લાંબો પુલ છે. સિક્સ લેન પહોળો પુલ વચ્ચેના ભાગે તો સમુદ્ર સપાટીથી પોણા પાંચસો ફીટ ઊંચો છે.
- લિસ્બનમાં બેર્ટ્રેન્ડ બૂકસ્ટોર આવેલો છે, જેની સ્થાપના 1732માં થઈ હતી. આજે પણ હયાત હોય એવો એ જગતનો સૌથી જૂનો બૂક સ્ટોર છે.
- શહેરમાં હજુ પુરાતન ગણાતી ઈકો-ફ્રેન્ડલી સફર ટ્રામ પણ ચાલે છે.
વર્લ્ડ હેરિટેજ સાઈટ
પ્રાચીન દેશ પોર્ટુગલમાં કુલ મળીને 13 વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, જે ઇતિહાસ રસિયાઓને મધ્યયુગથી માંડીને પ્રાચીન યુરોપની સફરે લઈ જાય છે. જેમાં છેક પંદરમી સદીથી વાઈન પેદા કરતો વિસ્તાર, લોરેલના ગાઢ જંગલો, પથ્થર પર કોતરાયેલા ચિત્રો વગરેનો સમાવેશ થાય છે.
પેનેડા નેશનલ પાર્ક
ઉત્તર છેડે સ્પેનની સરહદે આવેલો આ નેશનલ પાર્ક પ્રાણીઓ ઉપરાંત ત્યાં છેક 12મી સદીમાં વસેલા ગામના અવશેષો માટે જાણીતો છે. એ ગ્રામ્ય વિસ્તારો આજે પણ એમ જ રખાયા છે. યુરોપના ખૂંખાર શિકારી વરૃ આ પાર્કનું મુખ્ય આકર્ષણ છે. એ ઉપરાંત જંગલી ઘોડા, હની બેજર, ઓટર.. વગેરે જોવા મળે છે.
હેરિ પોટરનો બુક સ્ટોર
પોર્ટો શહેરમાં આવેલો Livraria Lello નામનો બુક સ્ટોર પણ પ્રવાસન સ્થળમાં સ્થાન પામે છે. બુક સ્ટોરમાં શું જોવુ એવુ થતું હોય એમણે આ સ્થળની ખાસ મુલાકાત લેવી જોઈએ. બુક સ્ટોરનું પુરાતન બાંધકામ, લાકડાના ખાના, કળાત્મક દરવાજા,.. વગેરેને કારણે તેને જગતા સર્વોત્તમ બુક સ્ટોરમાં સ્થાન મળતું રહે છે. હેરી પોટરના લેખીકા જે.કે.રોલિંગ 1991થી 1993 વચ્ચે આ શહેરમાં રહ્યા હતા અને નિયમિત રીતે બુક સ્ટોરમાં આવતા હતા. તેમને લખવાની પ્રેરણા પુરી પાડવાનું કામ આ ગ્રંથગારે કર્યું છે. રોજના 4-5 હજાર પ્રવાસીઓ એ સ્ટોરની મુલાકાતે આવે છે.
દુરો રિવર ક્રૂઝ
બન્ને તરફ હરિયાળા ઢોળાવ, ડુંગરમાળ, વળાંકો, લિલોતરીને કારણે આ નદીની ક્રૂઝ સફર કરવા ઘણા પ્રવાસી આવે છે. આ નદીનો ખીણ ભાગ પણ વર્લ્ડ હેરિટેજ જાહેર થયેલો છે. આ સફર લાંબી એટલે કે 6 દિવસથી 15 દિવસ સુધી ચાલે છે. એ દરમિયાન માત્ર નદીની સફર નહીં બન્ને તરફ આવેલા પ્રદેશો, પોર્ટુગલનો ઇતિહાસ, નદીના કાંઠે વિકસેલી સંસ્કૃતિ, વાઈન મેકિંગ વગેરેની સફર થઈ જાય છે. એકથી વધારે કંપનીઓ ક્રૂઝ સફરના વિકલ્પ આપે છે.
કોસ્ટા નોવા
કોસ્ટા નોવા નામનો આ દરિયાકાંઠો સુંદર સમુદ્ર, રેતી ઉપરાંત કાંઠે લાઈનબંધ રીતે ગોઠવાયેલી લાકડાની રંગીન કેબિનો માટે જાણીતો છે. કેબિનો જોકે અહીંના મકાનો છે, જેમાં પ્રવાસીઓ રહી શકે છે.
પોર્ટો
લિસ્બનની માફક પોર્ટો શહેર પણ લોકપ્રિય છે અને નાઈટ લાઈફ માટે જાણીતું છે. પોર્ટુગલનું બીજા ક્રમનું મોટુ શહેર છે, જ્યાં ટ્રામની સફર કરવી જોઈએ. વર્લ્ડ હેરિટેજ જાહેર થયેલો નદી કાંઠાનો રાઈબેરિયા વિસ્તાર, કમાન ઉપર ઉભેલો લુઈસ બ્રિજ, 14મી સદીમાં બંધાયેલુ અદભૂત ઈન્ટિરિયર રચના ધરાવતું ચર્ચ, વગેરે જોવા જેવું છે.
બેનાગિલ કેવ્સ
પેટાળમાં રહેલી ગુફાઓ અંધકાર ભરી હોય પણ પોર્ટુગલની આ ગુફા સમુદ્ર કાંઠે છે. હકીકતે સમુદ્ર કાંઠાના ખડકોમાં પડેલા કદાવર ખાંચા છે, જે હવે ગુફા તરીકે લોકપ્રિય છે. ઉપરથી પ્રકાશ આવે, નીચેથી સમુદ્રનું પાણી આવે એવા દ્વાર હોવાથી આ ગુફાઓની મુલાકાત લેવી રહી. હોડીમાં બેસીને આ ગુફાઓ સારી રીતે જોઈ શકાય છે.
સમુદ્રી લહેર
નાઝારે શહેરના કાંઠે સમુદ્રી લહેરો જોવા જેવી છે. દરિયો તો બધે દરિયા જેવો જ હોય, પણ અહીં મોઝાં ઉછળીને પચાસ-સો ફીટ ઊંચે ચડે છે, પાણીમાં જાણી શીખર ઉભું થયું હોય એવુ દૃશ્ય રચે, ક્યારે સમુદ્રમાં પાણીની દીવાલ બનાવે, ક્યારેક કમાન ઉભી કરે.. એ જોઈને પ્રવાસીઓ ચીચીયારી પાડી ઉઠે. સર્ફિંગના સાહસિકો આ 30 મિટરથી વધારે ઊંચા મોજાં પર સર્ફિંગ કરીને નવા નવા વિક્રમો સર્જતા રહે છે.
કાર્નિવલ
પોર્ટુગલમાં જાત-જાતના કાર્નિવલ એટલે આપણી ભાષામાં કહીએ તો શોભાયાત્રા જેવા મેળાવડા યોજાતા રહે છે. મુખ્ય માર્ગો પરથી રંગબેરંગી વસ્ત્રો, વેશભૂષા સજ્જ કલાકારો નીકળે, લોકો જૂએ અને આનંદ માણે. મોટે ભાગે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન વિવિધ શહેરોમાં કાર્નિવલ યોજાતા હોય છે.
રોડ ટ્રીપ
પોર્ટુગલના વિવિધ શહેરો વચ્ચેની રોડ ટ્રીપ ખાસ્સી લોકપ્રિય છે. ખાસ તો સમુદ્ર કાંઠે આવેલો રસ્તો, એક તરફ પહાડો, બીજી તરફ સમુદ્ર.. વચ્ચે સડસડાટ ચાલતા વાહનો.. રોડ ટ્રીપના વિકલ્પોનો કોઈ પાર નથી. એ રીતે કાર, બસ, બાઈક કે સાઈકલ દ્વારા નાનકડી ટ્રીપ પણ કરી શકાય છે. એમાં પણ એન-222 નામનો રોડ તો થોડા વર્ષો પહેલા રોડ ટ્રીપ માટે જગતનો નંબર વન રસ્તો જાહેર થયો હતો.
પ્રવેશ માટે વિઝા
દરેક દેશની માફક પોર્ટુગલ પણ વિવિધ પ્રકારના વિઝા આપે છે, એમાંથી પ્રવાસી તરીકે જનારે ટુરિસ્ટ વિઝાની જરૃર પડે.
ભારતના નાગરિકો માટે વિઝા ફી 6303 રૃપિયા, જ્યારે 6થી 12 વર્ષના બાળકો માટે 3151 રૃપિયા ફી છે.
ભારતમાં વિઝા માટે બે કેન્દ્રો છે, દિલ્હી અને ગોવા. ગોવા કેન્દ્ર જરા અલગ છે, કેમ કે ગોવા પર પોર્ટુગલનો કબજો હતો. અહીંના અનેક નાગરિકો પાસે પોર્ટુગલનો પાસપોર્ટ છે, માટે તેમની વિઝા કાર્યવાહી સરળ છે. આપણા જેવા પ્રવાસીઓ માટે એ ઓફિસ ખાસ ઉપયોગી નથી.
વિઝા માટે પોર્ટુગલની રિટર્ન ટિકિટ, ત્યાં રહેવાનું હોટેલ કે અન્ય બૂકિંગ, નિર્ધારિત રકમનો વિમો, જરૃરી દસ્તાવેજો.. વગેરેની જરૃર પડે છે. મોટે ભાગે વિઝા માટે રૃબરૃ જવુ પડતું નથી, વીએફએસ સેન્ટર દ્વારા અરજી કરી શકાય છે. પરંતુ પોર્ટુગિઝ અધિકારીઓને જરૃરી લાગે તો એ બોલાવે પણ ખરા..
વિઝા ફોર્મ પ્રમાણમાં સરળ છે, 6 પાનાનું જ છે.
વિઝાની તમામ વિગત https://pt.vfsglobal.co.in/Tourist.html આ સાઈટ પર આપેલી છે.