દક્ષિણ ભારતમાં આવેલું Pondicherry પ્રવાસીઓમાં સદાબહાર આકર્ષણ ધરાવે છે. તેના વધુ કેટલાક જોવાં જેવાં સ્થળોની વાત અહીં કરી છે.
Pondicherryના આધુનિક ઈતિહાસની શરૃઆત 1674માં થઈ જ્યારે ‘ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની’એ અહીં થાણુ સ્થાપ્યું. કેટલાક વર્ષો સુધી શાંતિપૂર્ણ વેપાર ચાલતો રહ્યો. એ પછી ભારતમાં મથકો સ્થાપવા યુરોપમાંથી વેપારીના સ્વાંગમાં એક પછી એક દેશો આવવા લાગ્યા. પોતાની યુરોપિયન ભૂમિ પર બાખડતા બ્રિટિન અને ફ્રાન્સે અહીં ભારતની ધરા પર પણ લડાઈઓ કરી. એમાં પોંડિંચેરી 1761માં બ્રિટિશરોના હાથમાં ગયું. થોડા વરસ પછી સમજૂતી થતાં ફરી ફ્રાન્સે 1763માં પોંડિચેરી પર કબજો જમાવ્યો. બ્રિટન-ફ્રાન્સના ઝઘડાળુ સ્વભાવે પોંડિચેરીને લાંબો સમય શાંતિથી રહેવા દીધું નહીં. એટલે 1793માં વળી બ્રિટિશરો પાસે અને 1814માં ફ્રાન્સના તાબામાં આવ્યું. એ પછી છેક 1962 સુધી ફ્રાન્સે અહીં રાજ કર્યું.
બ્રિટિશરોના દબદબા વચ્ચે ફ્રાન્સને ભારતમાં જાજું કાઠું તો મળ્યું નહીં. એટલે ફ્રાન્સના નામે ભારતમાં કુલ ગણીને પાંચ કોલોની રહી જેમાં પોંડિચેરી સૌથી મોટી વસાહત હતી. કુલ મળીને પોણા ત્રણસો વર્ષ સુધી પોંડિચેરી ફ્રાન્સના તાબામાં રહ્યું તેની અસર આજે પણ ત્યાંથી ભુંસાઈ નથી. ઈન-ફેક્ટ આજે પોંડિચેરીનું એક મહત્ત્વનું આકર્ષણ ત્યાંની જીવનશૈલીમાં વણાયેલું ફ્રાન્સ છે.
પોંડિચેરીમાં પ્રવેશતા જ એ અહેસાસ થયા વગર રહેતો નથી. હરોળબંધ પણ વિવિધ કલર ધરાવતા, લગભગ સરખું બાંધકામ ધરાવતા બે માળના મકાનો, ઉપર જરા ત્રાંસ ધરાવતી છત, સીધી દીવાલ, નીચે બે અને ઉપર બે ફ્રેન્ચ વિન્ડો, વિન્ડો ઉપર નાનકડું છજું, તો વિન્ડોની નીચે ફૂલ-છોડ રાખવાનો ઝરૃખો (સ્ટોન બાસ્કેટ)… એ જોઈને પહેલો વિચાર એ જ આવે કે ફ્રાન્સના કોઈક વિસ્તારમાં લટાર મારી રહ્યાં છીએ. વધુ રસપ્રદ વાત એ છે કે આવા મકાનોની એક હારમાળા તો કેનાલના કાંઠે છે. એટલે પોંડિયેરીમાંથી સીધા જ યુરોપિયન નગર વેનિસમાં પહોંચી ગયાનો અહેસાસ થયા વગર રહે નહીં. કેનાલમાં પાર્ક કરેલી ઢગલાબંધ હોડી ભાડે કરીને પ્રવાસીઓ જળ-સફર માણી શકે છે.
1947માં બ્રિટિશરોએ ભારતમાંથી ઉચાળા ભર્યા, પરંતુ ફ્રાન્સે કબજો છોડ્યો ન હતો. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે છેક 1962 સુધી પોંડિચેરી પર ફ્રાન્સનો કબજો રહ્યો. એ પછી પોંડિચેરી ભારતમાં ભળ્યું ત્યારે તેને તમિલનાડુ રાજ્યનો ભાગ બનાવી દેવાને બદલે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવાયો. આજે પોંડિચેરી અમદાવાદ જેવડા વિસ્તારમાં ફેલાયેલું મધ્યમ વસતી ધરાવતું નગર છે. બ્રિટિશ સત્તાની ઝાંખી કરાવે એવા સ્થળો તો ભારતમાં અનેક છે, પરંતુ નેપોલિયનના ફ્રાન્સની અસર કેવી હતી એ સમજવા માટે બહુ ઓછા સ્થળો છે અને તેમાં પોંડિચેરી અગ્રેસર છે. અંગ્રેજો અને ફ્રાન્સિસીની પહેલા અહીં ડેન્માર્કે અને થોડો વખત પુરતો નેધરલેન્ડે પણ ડેરો જમાવ્યો હતો. ઈન ફેક્ટ 1674માં જ્યારે ફ્રાન્સના અધિકારી બેંલાગર દ ઈસ્પેસે અહીં કબજો જમાવ્યો ત્યારે તેઓ શરૃઆતમાં તો ડચ શાસકોએ બનાવેલા આવાસમાં જ રહ્યા હતા. સ્થાનિક સત્તાધિશોએ સમય સાથે નામ બદલીને પોંડિંચેરીનું પદ્દુચેરી કરી નાખ્યું છે. જોકે વ્યાપકપણે પોંડિચેરી નામ જ વપરાય છે. ત્યાં શું શું જોવા જેવું છે?
બોટાનિકલ ગાર્ડન
1826માં સ્થપાયેલો બોટાનિકલ ગાર્ડન ત્યારે તો કોલોનિયલ પાર્ક નામે ઓળખાતો હતો. અહીં દક્ષિણ ભારતની ભૂમિ પર જોવા મળતાં વિવિધ 1500 જાતાના દુર્લભ છોડ-વેલા-ફળ-જાડનો સંગ્રહ 22 એકરના પાર્કમાં કરાયો છે. બ્રિટિશરોએ ભેગા કરેલા પ્રાકૃતિક ખજાના ધરાવતા બોટાનિકલ ગાર્ડન ઘણા છે, પરંતુ આ ગાર્ડન મેડ ઈન ફ્રાન્સ છે. તેના બાંધકામમાં પણ ફ્રેન્ચ આર્કિટેક્ચરની અસર જોવા મળે છે. સવારના 9થી સાંજના 6 સુધી ખુલ્લાં રહેતા પાર્કમાં પ્રવેશની ફી ર0 રૃપિયા છે. અંદર મ્યુઝિકલ ફાઉન્ટેન, ટોય ટ્રેન, જાપાની રોક ગાર્ડન, એક્વેરિયમ વગેરે હોવાથી બાળકો સાથે અહીં સહેજે બે-અઢી કલાક પસાર થઈ શકે એમ છે.
ઓસ્ટેરી સરોવર
ગાર્ડનને બદલે વન-ભ્રમણ કરવું હોય તો શહેરના છેવાડે આવેલા ‘ઓસ્ટેરી વેટલેન્ડ એન્ડ નેશનલ પાર્ક’ની મુલાકાત લઈ શકાય. પ્રવાસી પંખીઓની સિઝનમાં અહીં સવાસોથી વધારે પરદેશી પાંખાળા મહેમાન જોવા મળે છે.
પાર્કમાં આવેલું સોએક વર્ષ જૂનું તળાવ કૃત્રિમ છે અને આસપાસનું વન કુદરતી છે. કુલ વિસ્તાર ચાર ચોરસ કિલોમીટથી વધારે નથી. પાર્કની ખરી મજા લેવા માટે અહીં બોટ સફર કરવી જોઈએ. સવારના નવથી સાંજના પાંચ સુધી અહીંની મુલાકાત લઈ શકાય છે. પાર્કમાં પ્રવેશની કોઈ ફી નથી, પરંતુ કેમેરા માટે હોડી સવારીની ટિકિટ લેવાની રહે છે.
વરદારાજા પરુમલ મંદિર
ભગવાન વિષ્ણુનું આ મંદિર લગભગ આઠ સદી જૂનું છે. દક્ષિણના મંદિરોનું હોય એવુ પરંપરાગત ગોપુરમ ધરાવતુ તેનું સાદગીપૂર્ણ બાંધકામ છે. તેમાં બાંધકામની દ્રવિડિયન શૈલીની જલક જોવા મળે છે. મંદિરનું મુખ્ય આકર્ષણ વિષ્ણુના અવતાર ગણાતા નરસિંહદેવની મૂર્તિ છે. મૂર્તિ તેના સોંદર્ય અને પ્રભાવશાળી દેખાવ માટે જાણીતી છે.
5 ફીટ ઊંચાઈ ધરાવતી મૂર્તિ જમીનમાંથી મળી આવી હતી. આખા શહેરમાં જોકે નાના-મોટા 32 મંદિર છે. પ્રવાસીઓ પોતાના રસ-શોખ પ્રમાણે એ મંદિરો ફરી શકે છે.
નોત્રે દેમ ચર્ચ
પેરિસનું નોત્રે દેમ ચર્ચ તેમાં લાગેલી આગથી વધારે વિખ્યાત થયું. ‘નોત્રે દેમ’ શબ્દનો અર્થ ‘અવર લેડી’ એવો થાય છે. એટલે પોંડિચેરીમાં આવેલું ‘અવર લેડી ઓફ એન્જલ ચર્ચ’ નોત્રે દેમ ચર્ચ તરીકે પણ ઓળખાય છે! સામાન્ય રીતે ચર્ચમાં હોય એવો વચ્ચે ઊંચો મિનાર અહીં નથી. તેના બદલે બન્ને બાજુ બે ચોરસ પિલ્લર જેવા ઊઁચા બાંધકામ છે. આછો ગુલાબી કલર બહારથી તેનો દેખાવ ભવ્ય બનાવે છે, તો આંતરીક રચના પણ અતી રસપ્રદ છે.
સ્ક્રેડ હાર્ટ ચર્ચ
રેલવે સ્ટેશન સામે આવેલું ‘સ્ક્રેડ હાર્ટ ચર્ચ’ ગોથિક બાંધકામ શૈલીનો આકર્ષક નમૂનો છે. 1907માં બંધાયેલું ચર્ચ બેઠા ઘાટનું છે. એટલે તેની ઊંચાઈ તો 18 મીટર જ છે, પણ પહોળાઈ 50 અને ઊંડાઈ 48 મીટર છે. ફરતે બંધાયેલા 24 થાંભલા બાંધકામને વિશિષ્ટ દેખાવ પૂરો પાડે છે. ચર્ચની બારીઓ પર લાગેલા કાચમાં વિવિધ 28 ખિસ્ત્રી ધર્મના સંતોના ચિત્રો દોરેલા છે. આ ચર્ચનું થોડું રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પણ તેના મૂળ ઢાંચામાં કોઈ ફેરફાર કરાયો નથી. ખિસ્ત્રી પ્રવાસીઓ માટે ધર્મસ્થાન છે, તો અન્ય પ્રવાસીઓ માટે બાંધકામ આકર્ષણનું કેન્દ્ર બને છે.
બહારથી સફેદ કલરનું અને તેમાં સોનેરી ભાત ધરાવતું ‘ઈમ્મેક્યુલેટ કોન્સેપ્શન કેથેડ્રલ’ પોંડિચેરીનું બીજું મોટું ચર્ચ છે. આ કેથેડ્રલ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે કેમ કે 17મી સદીમાં ફ્રાન્સિસીઓ અહીં આવ્યા ત્યારે પહેલું ધર્મસ્થાન અહીં બાંધ્યુ હતું. વિવિધ સંઘર્ષ દરમિયાન એ ચર્ચ ખંડિત થતાં રહ્યાં. મૂળ બાંધકામ 1791માં થયું હતું. છેલ્લે 1987માં તેમાં થોડો ફેરફાર કરાયા પછી દેખાવ યથાવત જાળવી રખાયો છે. પોંડિચેરીમાં આ સિવાય પણ 3 બીજા કેટલાંક આવેલા છે.
મ્યુઝિઅમ
પોંડિચેરીમાં 3 મ્યુઝિઅમ આવેલા છે, જેમાં પોંડિચેરી મ્યુઝિઅમ મુખ્ય છે. રોમનકાળથી શરૃ થતો પોંડિચેરીનો ઈતિહાસ સમજવો હોય તો પોંડિચેરી મ્યુઝિઅમની મુલાકાત લેવી રહી. અત્યારે પોંડિચેરીમાં પેદલ રીક્ષાનું ખાસ્સુ ચલણ છે. પરંતુ ડ્રાઈવર આગળને બદલે પાછળ બેઠો બેઠો પેદલ મારે એવી (પૂસ પૂસ તરીકે ઓળખાતી) રીક્ષાઓ કેવી હતી, તેના નમૂના આ સંગ્રહાલયમાં રખાયા છે. એ સિવાય તામ્ર યુગના અવશેષો, પુરાતત્ત્વિય કળાકૃતિઓ, ફ્રેન્ચ ફર્નિચર વગેરે સંગ્રહ મ્યુઝિઅમને સમૃદ્ધ બનાવે છે. સોમવાર અને સરકારી રજાના દિવસો સિવાય સવારના 10થી સાંજના 5 સુધી ખુલ્લું રહે છે.
બીજા બે મ્યુઝિઅમ છે, આનંદ રંગા પિલ્લાઈ અને ભારતીદાસન મ્યુઝિયમ. આનંદ રંગા ફ્રેન્ચ શાસન વખતે અનુવાદક હતા. તેમના નામે ઘણુ સાહિત્ય બોલે છે. ખાસ તો તેમણે લખેલી ડાયરીઓ ભારતનમાં ફ્રાન્સિસી શાસનનો ઈતિહાસ સમજવામાં ચાવીરૃપ સાબિત થઈ છે. તેમનું ઘર સંગ્રહાલયમાં ફેરવી દેવાયું છે. સવારે દસથી સાંજના પાંચ સુધી આ સંગ્રહાલય ખુલ્લું રહે છે. ભારતીદાસન પોંડિચેરીના કવિ-સાહિત્યકાર હતા. તમિલ સાહિત્યના ચાહકો તેમના મ્યુઝિઅમમાં ફેરવી દેવાયેલા ઘરની મુલાકાતે જતા હોય છે.
અરિકામેડુની સાઈટ
ઈતિહાસ-પુરાતત્વમાં રસ ધરાવનારાઓ નજીકમાં આવેલી અરિકામેડુની સાઈટની મુલાકાત લેવાનું પસંદ કરે છે. ઈસવીસન પૂર્વે 2જીથી 12મી સદી સુધીના બાંધકામના અવશેષો ત્યાંથી મળ્યા છે. પોંડિચેરીથી પાંચ-સાત કિલોમીટર દૂર આવેલી એ સાઈટ પર જતાં રસ્તામાં 800 વર્ષ જૂનું દ્રોપદીનું મંદિર પણ જોઈ શકાય છે.
પોંડિચેરીમાં ફ્રેન્ચ-ઈટાલિયન સ્વાદ સફર
ફ્રાન્સના શાસકો પોંડિચેરીમાં માત્ર પુરાતન બાંધકામ અને ગુલામીકાળનો ઈતિહાસ જ નથી મુકતા ગયા. સાથે સાથે ફ્રેન્ચ સ્વાદ-સોડમ પણ અહીં સચવાયા છે. અહીંની કેટલીક રેસ્ટોરાં તેના ફ્રેન્ચ ખાણા માટે તો કેટલીક ઈટાલિયન પિત્ઝા-પાસ્તા જેવા ફૂડ માટે પ્રખ્યાત થઈ છે. એક સમયે કસ્ટમ હાઉસ હતું એ સ્થળે હવે ‘લે કાફે’ છે, જ્યાં વિવિધ પ્રકારની કોફી, ચા ઉપરાંત પિત્ઝા, પાસ્તા જેવા નાસ્તાના વિકલ્પો મળે છે. સમુદ્રના કાંઠે જ હોવાથી અને ચોવીસેય કલાક ખુલ્લું રહેતું હોવાથી આ કાફે પ્રવાસીઓને જરા વધુ મનોરંજન આપે છે. એક જાણીતી ફ્રેન્ચ વેજિટેરિયન ડિશ ‘રેટેટુઈ (Ratatouille)’, જે હકીકત એક પ્રકારનું સલાડ છે. ફ્રેન્ચ સ્વાદ માણવા એ ટ્રાય કરવી જોઈએ. પિત્ઝા એ મૂળભૂત રીતે ઈટાલિના રોટલા છે. પ્રાચીન સમયમાં એ રોટલા ચૂલા પર શેકીને ખવાતા. હવેના ફેશનેબલ યુગમાં ‘ઓવન બેક્ડ (લાકડાના ચૂલે શેકેલા) પિત્ઝા’ની માંગ ફરી વધી રહી છે. એમ.જી.રોડ પર આવેલું ‘કાફે ટાસી (Cafe Xtasi)’ તેના આવા શેકેલા પિત્ઝા માટે પ્રખ્યાત છે.
પરદેશીને બદલે સાઉથ ઈન્ડિયન સ્વાદ માણવો હોય તો પછી ‘મિશન સ્ટ્રીટ’ પર આવેલી રેસ્ટોરાં ‘સુરગુર’ની મુલાકાત લેવી પડે. જેમને પરંપરાગત સાઉથ ઈન્ડિયન ટેસ્ટ માણવો હોય એમણે ‘એસ.વી.પટેલ સલાઈ (સલાઈ એટલે રોડ)’ અને ‘અન્ના સલાઈ’ વિસ્તારની મુલાકાત લેવી રહી.
Image courtesy
http://tourism.gov.in/puducherry
http://www.pondytourism.in
https://twitter.com/pondytourism