રેલવે સ્ટેશન પર અમુક કલાક રાહ જોવાની હોય ત્યારે ઘણી મુશ્કેલી થાય. લાંબી રાહ જોવાની હોય તો પછી એમ થાય કે હોટેલમાં જઈને આરામ કરીએ. પરંતુ એ માટે સ્ટેશન બહાર નીકળવું પડે. હોટેલ તુરંત મળી જાય તો પણ તેનું ભાડું 24 કલાકના હીસાબે ચૂકવવુ પડે. એ સ્થિતિ ટાળવા માટે રેલવે સ્ટેશન પર જ આરામકક્ષની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આવી વ્યવસ્થા બહુ ઉપયોગી થતી નથી કેમ કે રિટાયરિંગ રૃમમાં ઘણી ભીડ હોય છે. આરામ કરવો હોય તો શાંતિ જોઈએ. શાંતિ માટે એકાંત જોઈએ. એવુ એકાંત પુરુ પાડવાની શરૃઆત મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનેથી થઈ છે.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પોડ અથવા કેપ્સ્યુલ રિટાયરિંગની સુવિધા શરૃ કરી છે. આ માટે આઈઆરસીટીસીએ અર્બન પોડ નામની કંપની સાથે જોડાણ કર્યું છે. ભારતમાં આ સેવા પ્રથમવાર જ શરૃ થઈ છે. મુંબઈ સેન્ટ્રલમાં જો સફળતા મળશે તો બીજા સ્ટેશનો પર તેનો અમલ થશે. પોડ એ હીકકતે એક લાંબુ બોક્સ છે. તેમાં અંદર પથારી સહિતની સગવડ હોય છે, જે આરામ આપે છે. નાના બાળકો માળિયામાં ઘૂસતા હોય એવો કંઈક અનુભવ પોડ પ્રવેશ વખતે થઈ શકે.
- પોડમાં રોકાવાનું ભાડું 12 કલાક માટે 999 જ્યારે 24 કલાક માટે 1999 છે. આ ચાર્જ ક્લાસિક પોડ માટે છે. પ્રાઈવેટ પોડમાં આ રકમ અનુક્રમે 1249 અને 2449 છે. એમાં જીએસટી ઉમેરવાનો.
- પોડ ઉપરાંત ભાડામાં ફ્રી વાઈફાઈ, લગેજ રૃમ, ટોઈલેટ-બાથરુમ, વોશરૃમ.. વગેરેની સગવડ છે.
- પોડમાં ટીવી, નાનું લોકર, એસી, અરીસો, લાઈટ, મોબાઈલ ચાર્જિંગ.. વગેરે સગવડો છે.
- કુલ 48 પોડથી શરૃઆત કરવામાં આવી છે.
- એકલા ફરતાં કે નિયમિત અપ-ડાઉન કરતા લોકો માટે પણ આ ઉપયોગી સુવિધા છે.
- આખો પોડ વિસ્તાર મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પહેલા માળે 3000 ચોરસ ફૂટમાં પથરાયેલો છે.
પોડના પ્રકાર
- ક્લાસિક પોડ, લેડીઝ પોડ અને પ્રાઈવેટ પોડ એમ 3 પ્રકાર છે.
- 30 જેટલા ક્લાસિક પોડ, 7 લેડિઝ ઓન્લી, 10 પ્રાઈવેટ પોડ અને 1 દિવ્યાંગ વ્યક્તિ માટે પોડ છે.
- પ્રાઈવેટ અને દિવ્યાંગ પોડમાં તો ઘણી મોટી સગવડ છે. માત્ર નાનકડું પોડ નથી, નાનો એવો રૃમ છે. જેમાં વ્હીલચેર આમ-તેમ ફરી શકે છે.
પોડ હોટેલ કન્સેપ્ટ જાપાનનો છે. જાપાનમાં કેટલાક વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. હવે જાપાનમાં તો રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય સ્થળોએ પણ પોડ હોટેલ છે. હોટેલનું ભાડું પોસાય એમ ન હોય એવા લોકો પોડ પસંદ કરે છે.