
સિંહ જોઈ લીધા પછી કે પહેલા ગીરના પ્રવાસ વખતે ઉમેરી શકાય એવા કેટલાક સ્થળોની વિગત અહીં આપી છે.
તુલસીશ્યામ
તુલસીના છોડનું વન એક સમયે જ્યાં હતુ એ સ્થળ હવે તુલસીશ્યામ નામે જગવિખ્યાત છે. મંદિર ઉપરાંત ત્યાં આવેલા ગરમ પાણીના કુંડ પ્રવાસીઓને આકર્ષે છે. ઉનાથી ધારી જતા પ્રવાસી વચ્ચે આવતા તુલસીશ્યામમાં થોડો-ઘણો પગથોભ કરી શકે છે. પરંતુ સાસણથી તુલસીશ્યામ જવુ ખાસ્સુ લાંબુ પડી જાય કેમ કે સાસણ ગીરનો પશ્ચિમ છેડો છે તો તુલસીશ્યામ ગીરનો પૂર્વ છેડો છે.

અહીં કૃષ્ણનું મંદિર તો છે જ સાથે સાથે નજીકના ડુંગર ઉપર કૃષ્ણથી રીસાઈને જતા રહેલા રૃકમણી દેવીનું મંદિર પણ છે. ત્યાં સુધી જવાના પગથિયાં છે, માટે ધાર્મિક હેતુથી નહીં તો જંગલનું વિહંગાવલોકન કરવા લોકો ત્યાં જવાનું પસંદ કરે છે. પોતાનું વાહન ન હોય તો અહીં પહોંચવુ ઘણું અઘરું છે. જંગલમાં મંગલની ઈચ્છા હોય તો અહીં રાતવાસો કરવાની છૂટ છે. એ માટે જોકે પહેલેથી 02875-290046 નંબર પર તપાસ કરી લેવી હિતાવહ છે. મંદિરની વેબસાઈટ પણ છે.
સતાધાર
પશ્ચિમે તુલસીશ્યામ છે તો પૂર્વ છેડે આપા ગીગાનું સતાધાર આવેલું છે. તુલસીશ્યામ જંગલની અંદર છે, સતાધાર જંગલની સરહદ પર છે. જૂનાગઢથી વિસાવદર થઈને ત્યાં જઈ શકાય છે. ધાર્મિક સ્થળ હોવાથી મંદિર મુખ્ય આકર્ષણ છે, સાથે સાથે અહીં પાડાપીર કહેવાતી પાડાની મૂર્તિ પણ છે. તેની સાથે ચમત્કારીક કથા જોડાયેલી છે. મંદિરની પાછળ નદી વહે છે, તો વળી મંદિર પ્રાંગણમાં જરા દૂર અનોખા પ્રકારનું ડરામણું સરપ્રાઈઝ પણ છે. એ સરપ્રાઈઝ એટલે ભૂત વડલો.

અહીં વડલાનું ઘેઘૂર વૃક્ષ છે, જેમાં ભૂતબાપાનો વાસ હોવાની માન્યતા છે. માત્ર માન્યતા નથી સવાર-સાંજ આરતી વખતે વડલાનો વિસ્તાર બંધ કરી દેવામાં આવે છે કેમ કે ત્યારે ભૂતબાપા ત્યાં આવતા હોવાનું મનાય છે. એ સિવાયના સમયે લોકો માનતા ઉતારવા આવે છે અને પ્રેતાત્માના ચરણોમાં અર્ધ્ય ધરે છે. અહીં રહેવા-ખાવા-પીવાની બધી જ સગવડો છે. ખાવા-પીવાની સગવડ તો સોરઠની ઓળખ પ્રમાણે વિનામૂલ્યે જ છે. આ મંદિરની પણ વેબસાઈટ છે, જેના પરથી વિગત મળી રહેશે.
બાણેજ-કનકાઈ
ધારીથી જામવાળા જતો રસ્તો ગીરના જંગલને વચ્ચેથી બે ભાગમાં વહેંચી દે છે. એ રસ્તા પર કનકાઈ અને બાણેજ નામના પ્રખ્યાત તીર્થસ્થાન આવેલા છે. ધારીથી અથવા તો ગીરના દક્ષિણ ભાગે હોઈએ તો જામવાળા-તાલાલાથી ત્યાં આવ-જા કરી શકાય છે. જંગલની વચ્ચે રસ્તાના બે ફાંટા પડે, એક રસ્તો કનકાઈ તરફ, બીજો રસ્તો બાણેજ તરફ જાય છે. બાણેજમાં બાણગંગેશ્વર મહાદેવનું મંદિર છે, કનકાઈમાં કનકેશ્વરી દેવી બિરાજે છે. અહીં રાતવાસાની છૂટ નથી, સાંજ પડ્યે અને એ પણ જંગલના દ્વાર બંધ થાય એ પહેલા પરત આવતું રહેવું પડે.

આખો દિવસનો સમય ન હોય તો આ સ્થળોએ જઈ ન શકાય. બન્ને મંદિર સુધી પહોંચવા માટે બે વખત વન-ખાતાની પરવાનગીમાંથી પસાર થવું પડે છે. રસ્તો સાવ રફ, ઉબડ-ખાબડ છે, માટે ગમે તેવું વાહન હશે તો પણ પંદર કિલોમીટરની સરેરાશથી વધુ ઝડપે ચાલી નહીં શકે. સાથે સાથે જંગલની ધૂળ ઉડશે તેની પણ તૈયારી રાખવી પડશે. એ બધી દડમજલ કર્યા પછી કનકાઈ અથવા બાણેજ પહોંચી શકાય છે અને ગીરનું જંગલ કેવું છે, તેનો અનુભવ લઈ શકાય છે. પરંતુ ગીરને ઓળખવા માંગતા હોય તો આ રસ્તેથી અચૂક પસાર થવું જોઈએ.
ખોડિયાર ડેમ
જે લોકો આંબરડી સફારી પાર્ક જાય એ તુરંત નજીકમાં આવેલા ખોડિયાર ડેમ અચૂક જવાના. કેમ કે ધારીથી ખોડિયાર ડેમ જવાના રસ્તે જ આંબરડી પાર્ક બન્યો છે. ચોમાસા વખતે ડેમ ભરાયેલો હોય અને એ પછીના થોડા મહિના સુધી પણ હેઠવાસમાં પાણી ધોધસ્વરૃપે વહેતું રહે છે.

એ જોવા પ્રવાસીઓની અહીં ભીડ જામે છે. ખોડિયાર મંદિર છે, એટલે ભક્તોનો પ્રવાહ અવિરત વહેતો રહે છે. ધારીથી અડધા દિવસનો સમય હોય એટલે આંબરડી પાર્ક અને ખોડિયાર ડેમ બન્નેની વિજિટ એક જ ધક્કામાં થઈ શકે.
જમઝિર ધોધ
સાસણથી 40 કિલોમીટર દૂર જામવાળા આવેલું છે. જામવાળા ગામ બહુદ્યા ત્યાં આવેલા જમઝિર ધોધ માટે સાહસપ્રેમી પ્રવાસીઓમાં લોકપ્રિય છે. માન્યતા પ્રમાણે તો પરશુરામના પિતા જમદગ્નિ ઋષિએ અહીં તપ કર્યું હતુ. માટે તેમના નામે આ સ્થળ ઓળખાય છે. કોઈએ કદાચ માપ કર્યું નથી પણ સો ફીટ જેટલી ઊંચાઈએથી પડતો એ સોરઠનો સૌથી ઊંચો ધોધ હશે. ભલે નાયગ્રા જેવો પ્રચંડ ન હોય તો પણ આ ધોધને પોતાનો એક ઘોષ છે અને એ જરા દૂર હોઈએ, પાણી હજુ દેખાતું ન હોય ત્યાં જ સંભળાવા લાગે છે.

આ ધોધ ચોમાસા પુરતો જ સક્રિય હોય છે, અને ગીરમાંથી નીકળતી શિંગોડા નદી અહીં જાણે સપાટ ભૂમિ પરથી નીચે કુદકો મારે છે. નદી જ્યાંથી નીચે ખાબકે છે ત્યાં અણીદાર શિલાની હારમાળા છે. માટે તેનાથી દૂર રહેવાની સ્પષ્ટ સૂચના ત્યાં લખેલી છે. અલબત્ત, એ સૂચનાને અવગણીને આગળ જતા પ્રવાસીઓ પૈકી અમુક જીવ ગુમાવે છે.