કૃષ્ણભૂમિ દ્વારકામાં જવાનું થાય તો મંદિર તો દર્શનિય છે જ, સાથે અન્ય સ્થળો પણ ચૂકવા જેવા નથી…
નિતુલ જે. મોડાસિયા
ભારતના મુખ્ય ચાર ધામ તીર્થમાં એક નામ ગુજરાતના પશ્ચિમી છેવાડે આવેલા દ્વારકાધીશ મંદિરનું છે. આ મંદિર હિન્દુ ધર્મ માટે આસ્થાનું પ્રતિક છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડી અહીં આવી વસેલા માટે આ ધર્મસ્થાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. હજાર વર્ષ જુનું મંદિર અને તેના ઇતિહાસ સાથે આ શહેરમાં ઘણું બધું જોવા લાયક છે.
દ્વારકામાં શહેરની મધ્યમાં ગોમતી નદીના કિનારે દ્વારકાધીશનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ આદિ શંકરાચાર્યએ ૧૮૬૧મા કરાવ્યું હતું. આ મંદિરને ખુબ સરસ અને ભવ્ય રીતે બનાવવામાં આવેલું છે. બ્રિટીશ રાજના અંત પછી ૧૯૬૦થી આ મંદિરની દેખરેખ ભારત સરકાર કરે છે. આ મંદિરની ભવ્યતા શહેરથી થોડા દૂર હોઈએ ત્યાંથી દેખાઈ આવે છે. આ મંદિર આજે પણ તે જ હાલતમાં સચવાયેલું છે જે હાલતમાં તેમ નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
ઈતિહાસકારોના પ્રમાણે મૂળ દ્વારકા હાલને દ્વારકાથી થોડે દૂર પર આવેલા બેટ દ્વારકાના નામના ટાપુ પર હતી. આ વાતની સાબિતી બેટ દ્વારકાના આસપાસના સમુદ્રમાંથી મળી આવેલા કોઈ શહેરના અવશેષો પરથી મળી રહે છે. દ્વારકા જતા પ્રવાસીઓમાં બેટ દ્વારકા જવું પણ મહત્વ ધરાવે છે. બેટ દ્વારકા જવા માટે પ્રવાસીઓએ ઓખાથી ફેરી બોટ દ્વારા જવું પડે છે. આ સવારીનો આનંદ લેવા લાયક છે. બેટ દ્વારકા નાનકડો ટાપુ છે જેની પર શ્રીકૃષ્ણનું જુનવાણી અને નાનકડું મંદિર આવેલું છે. મંદિરની આસપાસ સમુદ્રી છીપલા, શંખ અને તેમાંથી બનેલા ઘરેણાઓના શોપિંગ કરવાનો લ્હાવો લઈ શકાય છે.
https://twitter.com/GujaratTourism/status/1092398344951885824
દ્વારકાનો ઈતિહાસ અને વર્તમાન
DWARKA મંદિરની આજુબાજુ મૂળ દ્વારકા શહેર વસેલું છે. પણ મંદિરની પાસે આવેલો છે સુદામા સેતુ. હાલનું દ્વારકા મંદિર ગોમતી નદી જ્યાં સમુદ્રમાં મળે છે ત્યાં આવેલું છે. આ અદભુત નજારો માણવા માટે આ સેતુ બનાવવામાં આવેલો છે. દ્વારકાના સમુદ્રી બીચ પર જવા માટે ગોમતી નદી પર સેતુ બનાવવામાં આવેલો છે. આ સેતુ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૨૦૧૬માં ખુલ્લો મુકાયો હતો. દસ રૂપિયા જેવી નજીવી ફી ભરીને આ બ્રિજ પર થઈ બીચ પર જઈ શકાય છે.
આ બીચ દોઢ કિલોમીટર લાંબો છે. આ બીચ પરથી સૂર્યોદય-સૂર્યાસ્તનો નજારો ખુબ સરસ અને માણવાલાયક છે. સાંજના સમયે આ બીચ પર વિવિધ પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીનો પણ લાભ લઈ શકાય છે. આ બીચ પ્રમાણમાં ઓછી ભીડ વાળો અને શાંત હોવાથી ત્યાં ઘણીવાર સમુદ્રી જીવો પણ દેખાઈ આવે છે. સમુદ્ર, નદી અને ભક્તિ ધામ દ્વારકાનો અદભુત સંગમ આ જગ્યા પર જોવા મળે છે.
DWARKAમાં દ્વારકાધીશ મંદિર સિવાય બીજા ઘણા બધા મંદિરો આવેલા છે જેમકે ભડકેશ્વર મહાદેવ મંદિર, રુકમણી મંદિર વગેરે. દ્વારકા શહેરની ભૌગોલિક બનાવટ ખુબ સરસ અને જોવાલાયક છે. આ સમગ્ર શહેર દરિયા કિનારે વસેલું હોવાથી તેની સુંદરતા વધુ સરસ લાગે છે. મૂળ ભક્તિધામ હોવાથી ફરવાના શોખીન માટે આ શહેરમાં વધુ કશું નથી પણ સાંજના સમયે દ્વારકા બીચ પર એડવેન્ચર એક્ટિવિટી કરવા લાયક છે. ઇતિહાસ અને કલાકૃતિમાં રસ ધરાવનાર માટે દ્વારકાનું મંદિર રસનો વિષય બની રહે છે.
વડોદરા અમદાવાદ જવા મોટા અને ભીડભાડવાળા શહેરો જેવી દોડાદોડી અને શોર-બકોર આ શહેરમાં જોવા નથી મળતો. ઓખાથી બોટમાં બેસીને બેટ દ્વારકા સુધી જવાનો આનંદ પણ માણવાલાયક છે. બેટ દ્વારકા ની ચારેતરફ સમુદ્ર હોવાથી ઘણીવાર ત્યાં આજુબાજુ લટાર મારવાથી ઘણા સમુદ્રી જીવો ના દર્શન થઇ આવે છે. આ સમુદ્રી જીવો અને તેમના કુદરતી આવાસમાં જોવા નો લ્હાવો લીધા જેવો છે.
દ્વારકા જવા માટે આમ તો આખું વરસ ઉત્તમ સમય છે પણ ઘણીવાર ત્યાંનું ચોમાસુ વિસમ રૂપ ધારણ કરી લે છે માટે ચોમાસામાં જવું ટાળવું. દ્વારકા ગુજરાતના તમામ મોટા શહેરોથી બાય રોડ જોડાયેલું છે. તેમજ કોલકાતા , દિબ્રુગઢ અને સાઉથના ઘણા બધા શહેરોથી બાય રેલ જોડાયેલું છે. આ શહેરમાં ૫૦૦ થી લઈ ૫૦૦૦ સુધીની રહેવાની સગવડ મળી રહે છે.
જામનગર, નરારા ટાપુ અને દ્વારકાનો સહિયારો પ્રવાસ પણ યોજી શકાય. આમ તો દ્વારકામાં બે દિવસની અંદર બધું ફરી શકાય પણ જામનગર અને નરારા ટાપુ નો પણ પ્રવાસ કરવો હોય તો ચારથી પાંચ દિવસનો સમય જોઈએ. ગુજરાતના આ પંથકમાં ભોજન માટે ગુજરાતી ખાણા સિવાય કોઈ વિકલ્પ ન મળતો હોવાથી તેનો પ્રબંધ કરી રાખવો અનિવાર્ય છે.