ગિરનારના સાનિધ્યમાં ફેલાયેલા જૂનાગઢમાં ખાવા-પીવાના ઠેકાણા/food optionsઓની કમી નથી. અહીં એમાંથી કેટલાક સ્થળોની વાત કરી છે
ગીતા લોજ
રેલવે સ્ટેશન સામે આવેલી ગીતા લોજ દાયકાઓથી ગુજરાતી થાળી પીરસતી આવી છે. અમદાવાદ સહિતના મહાનગરમાં ગુજરાતી થાળીના નામે પંદર-પચીસ-પચાસ આઈટેમનો ઢગલો કરી દેવામાં આવે છે. કોઈ ગુજરાતી પરિવાર પોતાના ઘરમાં એવી થાળી ખાતો નથી, એટલે એ ગુજરાતી થાળી પણ નથી. ગીતા લોજમાં મળતી થાળીમાં બે શાક, રોટલી, દાળ-ભાત-છાશ વગેરે પિરસાય છે. એ ભોજન સસ્તું છે અને એથી વધારે તો ટેસ્ટી છે. આ લોજ મુખ્ય રસ્તા પર આવેલી હોવાથી ત્યાં વાહન પાર્કિંગ એ સમસ્યા છે.
સરનામું- રેલવે સ્ટેશન સામે
પટેલ અને ધ ગ્રાન્ડ પટેલ રેસ્ટોરાં
જૂનાગઢમાં અચૂક જોવા જેવા સ્થળોમાં સક્કરબાગ ઝૂનો સમાવેશ થાય છે. ઝૂ જોયા પછી જમવા માટે દૂર જવાની જરૃર નથી, દરવાજા સામે જ પટેલ રેસ્ટોરાં આવેલી છે. પહેલી નજરે એ પટેલ રેસ્ટોરાં એક જ લાગે પણ હકીકતે બે છે. બન્ને અલગ અલગ છે, અને બન્ને વચ્ચે ગ્રાહકો ખેંચવાની સ્પર્ધા ચાલતી હોય છે. એકનું નામ પટેલ છે, બીજી ધ ગ્રાન્ડ પટેલ. ભુખ્યાજનો ગમે તે પટેલમાં પ્રવેશ કરે, તેમને વિવિધ વાનગી ધરાવતી થાળી મળી રહેશે. નીચેની પટેલમાં બાહુબલી થાળી નામે કદાવર થાળી મળે છે, જે ચાર-છ વ્યક્તિ ખાઈ શકે છે. ઉપરની પટેલમાં એવી કુંભકર્ણ થાળી મળે છે, જે પણ ચાર-છ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. ફૂડ ટેસ્ટી અને કાઠિયાવાડી પરંપરાનું હોવાથી વધુ મજા પડે એમ છે.
સરનામું- સક્કરબાગ સામે
મોર્ડનની પેટીસ-લચ્છી
કાળવા ચોકમાં મોર્ડનની લચ્છી અને પેટીસ પ્રખ્યાત છે. લચ્છીનો મોટો ગ્લાસ એક-બે રૃપિયાનો આવતો હતો ત્યારથી અમે એનો સ્વાદ માણતા આવ્યા છીએ. પેટીસ આમ તો તહેવાર વખતે વધુ ખવાય, પણ અહીંની પેટીસની ડિમાન્ડ બારેય માસ રહે છે. એક ટંકના ભોજનને બદલે લચ્છી અને પેટીસ ખાઈ લેવામાં આવે તો પેટ ફૂલ થઈ જાય. બાકી તો અહીં ઘણું મળ છે, પણ આ બે આઈટેમ ટ્રાય કરવી રહી. જગ્યા નાની છે, વળી અતિશય વ્યસ્ત વિસ્તારમાં છે એટલે અહીં પણ પાર્કિંગ-વાહનની ભીડની સમસ્યા રહે છે.
સરનામું- કાળવા ચોક
ચામુંડા લચ્છી
વર્ષો સુધી મોર્ડને જૂનાગઢમાં લચ્છીની બાબતે દબદબો ભોગવ્યો, પણ તેનું એક કારણ વિકલ્પનો અભાવ હતો. ચામુંડા લચ્છીના આગમન સાથે અનેક ગ્રાહકો મોર્ડનના ગ્રાહક પ્રત્યેના ઉપેક્ષિત વલણથી કંટાળીને ચામુંડા તરફ વળી ગયા. ચામુંડામાં પણ લચ્છીની અનેક વેરાઈટી છે અને નાસ્તા-પાણીની અન્ય ચીજો મળી ૨હે છે.
સરનામું- ૧. કાળવા ચોક, જવાહર રોડ
૨. બહાઉદ્દીન કોલેજ સામે, ભૂતનાથ મંદિર પાસે
3. સરદાર બાગ
ગિરનાર ખમણ
જૂનાગઢમાં જવાહર રોડ પાસે વિશાલ ટાવરમાં સાવ નાની એવી ગિરનાર ખમણની દુકાન છે. પણ ત્યાં હજુએ એવુ ખમણ મળે છે, જે હાથમાં લીધા પછી લોંદો નથી થઈ જતું.
સરનામું-કાળવાચોક
હરભોલે ભજીયા
ભજીયાની અહીં અડધો ડઝનથી વધારે વેરાઈટી મળે છે. ભજીયાનું કદ આકર્ષક છે. એનાથી વધુ રસપ્રદ વાત એ છે કે સાંજે પાંચ પછી ખુલતી આ લારી અને થોડે દૂર આવેલી દુકાન ગરમાગરમ ભજીયા બનાવીને જ આપે છે. જેટલાનો ઓર્ડર આપો એટલા ગરમાગરમ મળે. ભજીયાથી વધારે પ્રખ્યાત અહીંની ફ્રૂટ, ફૂદીના, મરી.. વગેરે મિક્સ થયેલી ચટણી છે. જે માત્ર ભજીયા બોળવા નહીં, પણ સાથે પીવા માટે અપાય છે. ભજીયા સાથે આખો જગ ભરીને ચટણી આપી દેવામાં આવે છે. અનેક લોકો સાંજનું ભોજન સ્કીપ કરીને ભજીયા ખાતા હોય છે.
સરનામું. ૧- ટાઉહોલ પાસે, જીમખાનાની બહાર (લારી), ૨. મનોરંજન ગેસ્ટહાઉસ સામે (દુકાન)
ગાર્ડન કાફે રેસ્ટોરાં
ગિરનાર જતા પ્રવાસીઓને ભવનાથ તરફ જતાં સાયન્સ મ્યુઝિયમનું બોર્ડ જોવા મળે છે, જેની સાથે આ ગાર્ડન રેસ્ટોરાં છે. આજે ગાર્ડન રેસ્ટોરાંની નવાઈ નથી, પણ જૂનાગઢમાં આ શરૃ થઈ ત્યારે નવીનવાઈની હતી. ગાર્ડન, ખુલ્લી જગ્યા હોવાથી બાળકો સાથેના પરિવારોમાં આ સ્થળ લોકપ્રિય છે.
સરનામું – દુબળી રોડ, ભવનાથ તરફ,
સ્વાતિ રેસ્ટોરાં
વ્યસ્ત જયશ્રી રોડ પર આવેલી આ રેસ્ટોરાં તેની પાંઉભાજી માટે પ્રખ્યાત છે. એ સિવાય વિવિધ વાનગી મળે જ છે, પણ અહીંની પાંઉભાજી ટ્રાય કરવી રહી.
સરનામું- કોટેચા કોમ્પલેક્સ, જયશ્રી રોડ
સંતૂર રેસ્ટોરાં
સ્વાતિ જેવી જ બીજી સંતૂર રેસ્ટોરાં છે, જે જૂનાગઢની જૂની પેઢી માટે મહત્વનો ફૂડ વિકલ્પ હતો. પંજાબી, સાઉથ ઈન્ડિયન, ચાઇનિઝ વગેરે વાનગી અહીં મળે છે.
સરનામું-સ્નેહલ ચેમ્બર, એમ.જી. (મહાત્મા ગાંધી) રોડ
પાંડેજી પાર્સલ પોઈન્ટ
નામ પ્રમાણે અહીં ફૂડ પાર્સલ ઉપલબ્ધ છે. પરંતુ વધુ રસપ્રદ અહીં મારેલું એક બોર્ડ છે, જેમાં લખ્યું છે કે કોઈ પણ ગ્રાહક અમારા રસોડામાં પ્રવેશી તપાસ કરી શકે છે. બાકી તો રસોડું જાણે ગરાસ હોય એમ મોટા ભાગની રેસ્ટોરાં એમાં પ્રવેશ આપતી નથી. અહીં પંજાબી, ચાઈનિઝ, ગુજરાતી ફૂડ વિકલ્પ ઉપલબ્ધ છે. ફૂડને ટેસ્ટી બનાવતો પણ આરોગ્ય માટે અતિ હાનિકારક આજીનો મોટો અહીં વપરાતો નથી, એવી પણ સૂચના લખી છે.
સરનામું- વણઝારી ચોક
સ્પીડ ફૂડ પાર્સલ
અહીં માત્ર પાર્સલ મળે છે. ટૂંકા સમયમાં સ્પીડ પાર્સલે લોકપ્રિયતા હાંસલ કરી છે. તેનો સ્વાદ જૂનાગઢવાસીઓને પસંગ પડી ગયો છે. પંજાબી, સાઉથ ઈન્ડિયન, ચાઈનિઝ, વગેરે અઢળક વિકલ્પો ઉપલબ્ધ છે.
સરનામું– જયશ્રી સિનેમા પાસે, જયશ્રી રોડ
રાજૂભાઈ ઢોસા-સાઉથ ઈન્ડિયન
તળાવ દરવાજા વિસ્તારમાં આ નાનકડી દુકાન આવેલી છે. એટલી નાની કે દુકાનદાર પણ બહાર ઉભા રહીને ઢોસા બનાવે છે. એટલે બેસનારાએ તો રસ્તા પર ઢાળેલા ટેબલ પર ગોઠવાવું રહે. પણ જૂનાગઢમાં અહીંના ઢોસા અને અન્ય સાઉથ ઈન્ડિયન વાનગી ખાસ્સી લોકપ્રિય છે.
સરનામુ- ૧.તળાવ દરવાજા
૨. દીવાનચોક
ઢોસા વેડ્સ ચટણી
ફેન્સી નામ ધરાવતી આ રેસ્ટોરાં દેખાવે પણ ફેન્સી છે. અહીં અઢળક સાઉથ ઈન્ડિયન વાનગીઓના વિકલ્પ છે. બેસવાની જગ્યા મોટી છે અને આકર્ષક પણ છે. રેસ્ટોરાંના દાવા પ્રમાણે અહીં ઢોસામાં આથા કે ચોખાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો કેવી રીતે બને એ સમજવા માટે ત્યાં ધક્કો ખાવો રહ્યો.
સરનામું- યમુના વાડી, ઝાંઝરડા રોડ પર
નાસ્તા-પાણી-ફાસ્ટફૂડ
૧. નારાયણ ભેળ, પાણીપુરી, ચટપટી વાનગીઓ માટે આ નામ જૂનાગઢમાં વર્ષોથી પ્રખ્યાત છે. આ જગ્યા ગાંધીચોકથી જયશ્રી જતા રોડ પર આવેલી છે.
૨. જનતા ભેળ કાળવા ચોકમાં મળે છે. એ પણ ટ્રાય કરવા જેવી છે.
૩. ઉત્તમભાઈના રગડો પેટિસ, સમોસા રગડો.. વગેરે ચટપટી વાનગી સર્કલચોકમાં આવેલી તેમની લારી પરથી મળે છે.
૪. ભુંગળા લસણિયા બટેટા, દાળ-પકવાન, પુરી શાક વગેરે વાનગી માટે પપ્પુભાઈની લારીની મુલાકાત લેવી.
૫. લિજ્જત પાંઉભાજી કાળવા ચોકમાં જયશ્રી રોડ પર આવેલી છે. પાંઉભાજીનો એ એક ઉત્તમ વિકલ્પ છે.
ગિરનારી કાવો
ભવનાથ વિસ્તારમાં પાર્કિંગ-મેળાના ગ્રાઉન્ડ પાસે બન્ને તરફ અનેક લારીમાં સાંજ પડ્યે કાવાનું વેચાણ થાય છે. તેના વિશે વિગતવાર વાત બીજી પોસ્ટમાં કરી છે. શિયાળાની સાંજે કાવો અચૂક ટ્રાય કરવો જોઈએ.
બોમ્બે ચા
ઘાટા દૂધની ચા પીવા માટે કાળવામાં આવેલી બોમ્બે ચાની મુલાકાત લેવી રહી.