
વડા-પાંઉ, પાંઉ-ભાજી જેવી મરાઠી વાનગીઓ આપણે અજાણ નથી. Madhavrao/માધવરાવમાં જોકે બીજી અનેક અવનવી મરાઠી વાનગીઓનો વિકલ્પ મળે છે.

આજે મહારાષ્ટ્ર, ગુજરાત અલગ અલગ રાજ્ય છે, પણ ૧૯૬૦ પહેલા ન હતા. સમગ્ર પ્રાંત એક હતો એટલે ભોજન સામગ્રીમાં પણ ઘણુ સામ્ય હતું. સમય જતાં વિવિધ પ્રાંત મુજબ વિવિધ વાનગી બનવા લાગી. મરાઠી વાનગીઓની અલગ ઓળખ છ, ગુજરાતી ખાણાની અલગ ઓળખ છે.

માધવરાવ અમદાવાદમાં મરાઠી અને ગોવાની વેજિટેરિયન વાનગીઓનો દમદાર વિકલ્પ છે. સામાન્ય રીતે નામ સાંભળ્યા હોય એવી ઘણી વાનગીઓ, જેમ કેમ કોથિમ્બિર વડી, થાલિપિટ, ગોવન શિઆટી ભાખરી, ઝુન્કા ભાખરી.. વગેરે અહીં મળે છે. એ બધી આઈટમો ટેસ્ટ કરવા જેવી છે. મહારાષ્ટ્ર-ગોવા ઉપરાંત ગુજરાતી, દાલબાટી જેવી રાજસ્થાની વાનગીઓ પણ ખરી.

અહીં નાનકડી લાયબ્રેરી જેમાં વાનગી, ઈતિહાસના ગ્રંથો રાખવામાં આવ્યા છે. રેસ્ટોરેન્ટના સ્વાદ ઉપરાંત તેનો દેખાવ પણ રજવાડી છે. અંગ્રેજ યુગનો ટેલિફોન, લાકડાના મોટા ટેબલ, પોલિશ કરેલી ખુરશીઓ, દીવાલ ટિંગાતા ફોટા-ચિત્રો.. વગેરે વગેરે.. પરંપરાગત ભોજન લાગે એટલા માટે થાળી-વાટકા કાંસાના વપરાય છે.

રેસ્ટોરાંની ઓળખમાં તેની વેબસાઈટ પર લખ્યું છે, કે અમે સિમ્પલ અને ઓથેન્ટિક ફૂડ પિરસીએ છીએ. ભોજન ટેબલ પર આવે અને પછી પેટમાં ઉતરે ત્યારે એ વાત સાચી લાગે. બિન જરૃરી મસાલા વપરાતા નથી, તો વળી માણખ પણ ફેક્ટરી મેડને બદલે હોમ મેડ વપરાય છે. ભાખરી જૂવારમાંથી બને છે. તેની સામે અહીંનો ભાવ જરા વધારે લાગે એવો છે.

અહીં એક રસપ્રદ સૂચના લખેલી છે- ધ ઓનર ઓલ્સો ઈટ્સ હિયર (રેસ્ટોરાંના માલિક પણ અહીં જ જમે છે).

Parshwanath Business Park, Prahladnagar Road (Ahmedabad)
+91-9825251918/079-48902134
રોજ સવારના ૧૧થી રાતના ૧૧