એકાદ સદી પહેલા મુંબઈના 6 મિત્રો સાઈકલ લઈને ધરતીની સફર કરવા નીકળી પડ્યા હતા. એ અનોખી સફરની રોમાંચક કથા..
લેખક: મહેન્દ્ર દેસાઈ
પ્રકાશક: પ્રવીણ પ્રકાશન , રાજકોટ
પાના: ૩૨૦
કિંમત: ૨૭૦
નિતુલ મોડાસિયા
સમય છે 1923નો , ભારત આઝાદી માટે બ્રિટિશરો સામે બાંયો ચડાવી ઊભું છે, પેહલા વિશ્વયુદ્ધના ભણકારા હજી દુનિયાભરના કાનમાં વાગી રહ્યા છે. તેવા સમયે ભારતમાતાના ત્રણ સપૂતોને એક એવું અનોખું પરાક્રમ કરી બતાવ્યું જેણે ભારતને ઇતિહાસમાં અમર કરી દીધું. આ પરાક્રમ શું હતું , કોણે કર્યું, કેવી રીતે કર્યું તેનું વર્ણન મહેન્દ્ર દેસાઇ દ્વારા પોતાના પુસ્તક ‘પેડલ પર પૃથ્વીની પ્રદક્ષિણા’માં કરવામાં આવ્યું છે.
બોમ્બે , આજે ભારતનું સૌથી મોડર્ન શહેર બનેલું મુંબઈ તે જમાનામાં હજી આધુનિકતાની સીડી ચડી રહ્યું હતું. બોમ્બેમાં રૂસ્તમ નામનો એક સોહામણો પારસી યુવક રહે. બોમ્બે વેઇટ લીફ્ટિંગ ક્લબનો મેમ્બર એવો રૂસ્તમ શરીરે મજબૂત બાંધાનો. રૂસ્તમ સાથે બીજા પણ ઘણા યુવાનો બોમ્બે વેટ લીફ્ટિંગ ક્લબના મેમ્બર હતા. આ સૌ પણ શરીરે ખડતલ અને મગજથી મનમોજીલા. આવા યુવકોને એક વાર વિચાર આવ્યો કે દુનિયા ફરવી છે પણ અનોખી રીતે, એવી રીતે કે જગત જોતું રહી જાય. ભારતમાં ત્યારે સૌને પોસાય તેવું એકમાત્ર વાહન સાઇકલ ઉપલબ્ધ હતું માટે આ ટુકડીએ સાઇકલ પર પૃથ્વી ફરવાનું નક્કી કર્યું.
સાહસમાં જોડાયા રૂસ્તમ ભાગથરા, જાલ બસપોલા, આદિ હકીમ, કેકી પોચખાનવાલા, ગુસ્તાદ હથીરામ અને નરીમાન કાપડિયા. બધા જુવાનિયા વળગી ગયા કામે, કોઈએ સ્પોન્સર શોધવાનું કામ સંભાળ્યું તો કોઈ સાઇકલ માટે સ્પેર પાર્ટ જમાં કરવા મંડી પાડ્યું.
સૌ ભેગા મળી માર્ગ નક્કી કરે છે…. બોમ્બેથી ઇન્દોર, ગ્વાલિયર,દિલ્હી, મુલતાન, ક્વોટા, બલુચિસ્તાન,ઈરાન,ઈરાક, મેસોમેટોપિયાનું રણ, કેરો,દમાસ્કસ,ઈટલી , યુરોપના અન્ય દેશ થઈ ત્યાંથી અમેરિકા,જાપાન,ચીન, મંચૂરિયા, ઇન્ડોચાઇના, બ્રહ્મદેશ થઈને પાછા ઘરે. છએ જુવાનિયા સારા પણ મધ્યમ વર્ગીય પરિવારના હતા, માં બાપના સહારા સમાન હતા માટે પરિવારને શું કેહવું તે સૌથી મોટી મૂંઝવણ હતી. સૌ નક્કી કરે છે કે હાલ ઘરેથી જૂઠું બોલી નીકળી પડવું અને પછી ભારતની બહાર પોહચ્યાં બાદ તાર કરી ઘરે જણાવી દેવું.
તારીખ 15 ઓક્ટોબર 1923 ના બોમ્બે વેટ લીફ્ટિંગ ક્લબની સામેથી શરૂ થઈ આ ઐતિહાસિક વિશ્વયાત્રા. નક્કી કરેલા માર્ગ પ્રમાણે ઉત્સાહ ભેર ચાલતી આ ટુકડી સામે પેહલા પ્રશ્ન રાત રોકવાનો ઊભો થયો. અંગ્રેજો જેવા પોશકે તેમની આ મુસીબતમાં મદદ કરી અને તે જમાનામાં ઠેર ઠેર બાંધેલી અંગ્રજોની પોસ્ટ પર તેવોની રાતવાસો કરવાની વ્યવસ્થા થઈ જતી. સાહસવિરોની આ ટુકડી 5 નવેમ્બરના આગ્રા પાર કરી દિલ્લી તરફ દોટ મૂકી , રસ્તામાં નડ્યા વાંદરા. માણસોની વચ્ચે રહી માણસોને હેરાન કરવા માટે ઉત્તર ભારતના વાંદરા ખૂબ વખણાય છે, આ વાંદરા સાયકલસવારોની પ્રથમ મુસીબત બની જેને બુદ્ધિપૂર્વક દૂર કરી ટુકડી આગળ વધી.
રાજધાની દિલ્હી વટાવ્યા પછી પાક્કો રસ્તો ગાયબ થઈ ગયો. ખાડા ટેકરા વાળા રસ્તા પર સાઇકલ ચાલવા માટે તાકાત જોઈએ તેવામાં સાથે લાવેલો ખોરાક પણ ખૂટી પડ્યો. રોજના શેર દૂધ અને ડઝન ઈંડા ખાનારા યુવાનો પાસે ખાવા માટે માત્ર કાંદા અને બ્રેડ વધ્યા. ફિરોઝપુર વટાવ્યું ત્યાં ખિસ્સા પણ ખાલી થયા અને શરૂ થયું બલુચિસ્તાન.
જડ બુદ્ધિ અને ખૂંખાર પ્રકૃતિ ધરાવતા બલૂચ લોકો માટે અંગ્રેજો બાપ માર્યા વેરી સમાન હતા. ભારતમાં રાત રોકવાની સુવિધા કરી આપનાર અંગ્રેજી પરિધાન અહી જીવનું જોખમ બન્યો. આખા કબિલામાં અમુક સમજદાર લોકો મળી આવ્યા જેમની મદદથી આ પ્રાંત પાર પાડી ટુકડી ક્વોટા પોહચી. ક્વોટામાં રેહતા પારસીઓએ ભેગા મળી થોડા પૈસા જમાં કરી આપ્યા જેથી સૌના જીવ માં જીવ આવ્યો.
હવે ભારતને અલવિદા કરવાનો સમય હતો, બ્રિટિશ ભારતનું છેલ્લું સ્ટેશન હતું વારેછાહ. આ ગામ પાર કરી સાયકલસવાર ટુકડી ઈરાનમાં પ્રવેશી. પોતાના પૂર્વજોની પૂજનીય ધરતી પર પગ મૂકતાં સૌમાં અનોખી ઊર્જા પેદા થઈ. પણ આ ઊર્જા વધુ ટકી નહિ, આરબોના આંતકને લીધે ઈરાન પડી ભાંગ્યું હતું. રણમાં ઉભેલા ખંડેર અને નાના ગામડાઓ જોતા સવારી આગળ ચાલી. હવે શરૂ થયું રણ જેના પાર કરતા નાકે દમ આવી ગયો. સફર આગળ વધી અને સૌ તેહરાન પોહચ્યા.
તેહરાનથી નરીમાન કાપડિયા છુટ્ટા પડ્યા. તેણે પાછા જવાની જીદ કરી અને તે તેહરાનથી મુંબઈ પાછા ફર્યા. હવે આવ્યું ઈરાક. આવનારા ભવિષ્યમાં આખા વિશ્વને પેટ્રોલ પૂરું દેશમાં મેસ્પોટનું રણ આ ટુકડી માટે ભારે પડી ગયું. અફાટ રણ, દૂર દૂર સુધી જીવની નિશાની મળે નહિ તેવી ધરતી અને ખૂંખાર બિદોઈન ડાકુ સૌનો સામનો કરી ટુકડી સિરિયા પહોંચી.
આ દરમ્યાન યુવાનોએ અજાણતા 23 દિવસમાં 549 માઈલનું મેસ્પોટનું રણ પાર કરવાનો પ્રથમ વિક્રમ નોંધાવ્યો. સિરિયામાં ફ્રેન્ચ સૈનિકો આડા પડ્યા પણ તેમનાથી પણ માંડ પીછો છોડાવી સૌ દમાસ્કસ પહોંચ્યા. દમાસ્કસથી 5 જણની ટુકડી બે ભાગમાં વહેંચાઇ ગઇ. જાલ અને રૂસ્તમ એક ટુકડીમાં અને કેકી, હકીમ અને ગુસ્તાદ બીજી ટુકડીમાં. ત્યાર બાદ બંને ટુકડી પોતપોતાની રીતે નીકળી પડી યુરોપિયન દેશ પાર કરવા.
ઈટલી, રોમ, જર્મની અને ફ્રાન્સ જેવા દેશ જેને જેની જાહોજલાલીના વખાણ સાંભળી મોટા થયેલા યુવાનોએ જ્યારે પોતાની આંખે આ દેશ જોયા ત્યારે તેમને ખૂબ અચંબિત થયાં. ભારતને અસભ્ય કહેનાર યુરોપિયન જનતાનો વ્યહવાર અને જીવનશૈલી જોઈ સૌ યુવાનોને ભારત પર ગર્વ થઈ આવ્યો.
સફર આગળ વધી અને બંને ટુકડી લંડન થઈ આયર્લેન્ડ પોહચી જ્યાંથી અમેરિકા જવા માટે બોટ પકડવાની હતી.હકીમ અને બીજા બે સાથી અમેરિકા પોહચ્યા ત્યારે ગુસ્તાદ તેમનાથી છુટ્ટો પડી ગયો. પોતાની બાકીની જિંદગી અમેરિકામાં વિતાવાના સપના ધરાવતો ગુસ્તાદ અમેરિકામાં રહી ગયા. કેકીને પણ આગળ વધવાનું મન ન હતું માટે આગળ વધ્યા એકલા હકીમ. બીજી ટુકડીમાં રૂસ્તમ અને જાલ આવી પોહચ્યા અમેરિકા. ત્યાં કેકીને મળી આખી વાત જાણી . કેકીને પણ અમેરિકાથી પાછા મુંબઈ રવાના કરી જાલ અને રૂસ્તમ આગળ વધ્યા.
માંડ માંડ અમેરિકા પાર કરી સૌ પોહચ્યા જાપાન. આજે ટેકનોલોજીના મોટા માથા સમાન જાપાન ત્યારે તાનાશાહી અને અંધશ્રદ્ધા હેઠળ દબાયેલું હતું. જાપાનમાં ભાષાની તકલીફ થઈ પડી જેના લીધે સૌ સાયકલસવારને રશિયન જાસૂસ સમજવામાં આવ્યા. જાપાનીઓથી માંડ પીછો છોડાવી સૌ પોહચ્યા ચીન. સામ્યવાદી ચીનમાં પણ એવીજ હાલત. જાલ અને રૂસ્તમ શાંઘાઇ પોહચ્યા ત્યાં હકીમ પણ આવી પોહચ્યા. ત્રણેય મિત્રોએ સફર આગળ વધારી અને પોહચ્યા બ્રહ્મદેશ. ફ્રેંચના તાબા હેઠળ આવેલા બ્રહ્મદેશમાં તો સફર નો અંત આવીજ ગયો હોત પણ ગમે તેમ કરી સાહસવિરો ત્યાંથી પણ બચી નીકળ્યા અને વાયા મિઝોરમ ,નાગાલેન્ડ થઈ ટુકડી પહોંચી કલકતા.
માત્ર દુનિયા ફરવાના ઇરાદાથી નીકળેલી આ ટુકડીને કલકત્તા પોહચી ખબર પડી કે તેવો કેટલું મહાન કામ કરી નાખ્યું છે. કલકત્તામાં આ ટુકડીનું રાજાની જેમ સન્માન કરવામાં આવ્યું. આ ઘટના પછી ત્રણેય જુવાનિયાઓમાં વધુ જોશ ચડ્યું અને પટના, ઇન્દોર થઈ મુંબઈ જવા કરતાં તેવો મદ્રાસ, સિલોન, કોચીન, મદુરાઇ થઈને મુંબઈ પોહચ્યા ત્યારે તારીખ હતી 18 માર્ચ 1928. ચાર વર્ષથી વધુ સમય વિતી ગયો હતો.
મહેન્દ્ર દેસાઇ દ્વારા પુસ્તક ‘પેડલ પર પૃથ્વીની પ્રદક્ષિણા’માં આ કથાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. સાથે જ આ પુસ્તકમાં તે જમાનાના મહત્વના ભૌગોલિક વિસ્તાર, માણસોના સ્વભાવ અને વ્યક્તિત્વનું પણ સરસ વર્ણન કર્યું છે. આ પુસ્તકમાં ઉપરોક્ત આપેલી માહિતી સિવાય પણ ઘણું બધું વર્ણન આપેલું છે જેને સમજવા માટે આ પુસ્તક અચૂક પણે વાંચવા જેવું છે. આ પુસ્તકના અંતમાં લેખકની આ સાહસવિરો સાથેની મુલાકાત આપેલી છે જે વાચકોમાં અનોખો રોમાંચ પેદા કરે છે.
ભારત પછાત છે આ માન્યતાને દૂર કરનાર આ ત્રણેય સાઇકલસવારોને શ્રદ્ધાંજલિ આપતું આ પુસ્તક દરેક ભારતીય નાગરિકને એક વાર અચૂક પણે વાંચવું જોઈએ.