
ગુજરાતી સાહિત્યમાં નવલકથાને વેંત ઊંચી મુકવાનું કામ ૧૯૧૬માં પ્રગટ થયેલી કથા ‘પાટણની પ્રભુતા’એ કર્યું છે. સો વરસ પછી પણ આજેય વંચાતી એ વાર્તા હજાર વર્ષ પહેલાનાં ગુજરાતની સફર કરાવે છે. શું છે એ વાર્તામાં અને શા માટે મહત્ત્વની છે પ્રભુતા?

‘રાણી પાસેથી આનંદસૂરિ છૂટ પડયો ત્યારે તેના મગજની સ્થિતિ ઘણા જ વિચિત્ર પ્રકારની હતી. તેને એક જ વસ્તુ નજર સામે દેખાતી હતી, શ્રાવકોનો ઉદય. પહેલા તો તેને તે વસ્તુ ઘણી પાસે આવતી દેખાઈ. જૈન રાણી, જૈન દંડનાયક, પોતે સલાહકાર, ચંદ્રાવતીનું લુશ્કર. હવે ગુજરાતમાં જૈનને માટે બાકી શું રહ્યું? જ્યાં બધુ સ્થિર-સ્થાવર થાય, કે જૈન મતનો ડંકો આખા ભારતખંડમાં, જૈન મંદિરો દશે દિશામાં!’
(‘જતિ કે જમદૂત?’ – નામના પ્રકરણનો પહેલો પેરેગ્રાફ)
‘સદ્ઉપયોગમાં એટલું જ કે બનશે તેટા શ્રાવકોને છૂંદી નાખીશું. મારું બધું એ પાપીઓએ લૂંટયું છે. અને વધારે લૂંટાઈશ, તેની મને પરવા નથી.’
‘જતિ! મંડલેશ્વર યાચતો નથી, અને કોઈ પાસે યાચશે પણ નહિ. જેમ પૈસાના તોરમાં શ્રાવકો ફાટયા છે, તેમ અમારા બાહુબળના જોરે અમે પણ મસ્તાન છીએ.’
(‘ભવિષ્યવાણી’ પ્રકરણમાં દેવપ્રસાદના સંવાદ)
***
‘પાટણની પ્રભુતા’માં શું છે? એ સમજવા માટે તો સવા બસ્સો પાનાં ફેલાયેલી નાની, પણ ઐતિહાસિક રીતે અત્યંત મોટી નવલકથા વાંચવી પડે. પણ આ બન્ને પેરેગ્રાફ વાર્તાના બે સામસામા છેડા રજૂ કરે છે. તેના આધારે વાર્તાનો સાર પણ થોડો ઘણો કદાચ સમજાઈ શકે એમ છે. પાટણની પ્રભુતા ગુજરાતી નવલકથાના ઈતિહાસનો અત્યંત મહત્ત્વનો પડાવ છે, તેની કોઈ ના કહી શકે એમ નથી. તેની મહત્તા ગાતાં પહેલા જરા વાર્તા શું છે એ સમજી લઈએ..
***
વાત સ્વાભાવિક રીતે જ પાટણની છે. એ વખતના પાટણની જ્યારે એ ગુજરાતનું પાટનગર હતું અને દશે દિશામાં તેનો ડંકો વાગતો હતો. પાટણના પ્રભાવી રાજા કર્ણદેવનું મૃત્યુ થયા પછી શું? ત્યાંથી વાર્તા શરૃ થાય છે. કર્ણદેવ પાછળ તેમના યુવાન રાણી મીનળદેવી છે. ચારે તરફ જેની આણ ફેલાયેલી છે એવા મહામંત્રી મુંજાલ મહેતા છે. ખરી રીતે તો મુંજાલ જ રાજના કર્તાધર્તા છે. કર્ણદેવના કુંવર જયદેવ પણ છે, જેનો હવે રાજ્યાભિષેક થવાનો છે. પણ રાજનીતિ એમ સાવ સહેલી નથી.
પાટણ અત્યારે તો રાજ-ખટપટનું કેન્દ્ર બન્યુ છે. એક તરફ પટ્ટણીઓ (પાટણના રહેવાસીઓ) અને કર્ણદેવના પ્રભાવતળે રહેલા મંડલેશ્વરો એવું ઈચ્છે છે કે પાટણમાં રાજપૂત રાજ યથાવત રહે. બીજી તરફ રાણી તો છેક દૂરના ચંદ્રાવતીરથી આવ્યા છે. એ જૈન છે. તેમની સાથે મુંજાલ મહેતા પણ ત્યાંથી જ આવ્યા છે અને રાજનો કારભાર સંભાળ્યો છે. પણ રાજ્યમાં મુંજાલની એટલી બધી લોકપ્રિયતા છે કે તેમના માટે કોઈને કોઈ ફરિયાદ નથી. કોઈ તેમને પરદેશી માનતા નથી. પટ્ટણીઓના મતે મુંજાલ મહેતા પાટણના હિતેચ્છુ જ છે.

ચંદ્રાવતીથી આવેલા જતિ આનંદસૂરિ કહેવા માટે તો સંત છે, પણ તેમનું દિમાગ પાક્કા રાજ-સત્તાધિશની ઝડપે કામ કરે છે. એમની ઈચ્છા એવી છે કે હવે રેઢું પડેલું પાટણ જૈનોના હાથમાં આવે. તેના પર ચંદ્રપુરની સત્તા હોય. સૂરિ પોતે દંડનાયક બને, રાણી મિનળદેવીનું જ રાજ્ય ચાલે, પણ એ રાજપૂતોને બદલે જૈનોને જ બધી મુખ્ય સત્તાઓ સોંપી દે. શરૃઆતમાં આપેલો પેરેગ્રાફ એ હકીકતે આનંદસૂરિના મનમાં ચાલતા ખ્યાલો રજૂ કરે છે.
રાજપૂતો પાટણને જાળવતા આવ્યા છે, લોકોની પણ ઈચ્છા એમ જ છે અને એટલા માટે પાટણથી બહાર રહેતો કર્ણદેવનો ભત્રીજો દેવપ્રસાદ હવે સક્રિય થયો છે. રેઢું પડેલું પાટણ રાજપૂત રાજ્યને બદલે ધાર્મિક રાજ્ય ન બની જાય એ માટે તેની મહેનત ચાલુ છે. પાટણના તાબામાં આવતા તમામ મંડલેશ્વરો દેવપ્રસાદના એક ઈશારે કોઈનું માથું વાઢવા કે પછી પોતાનું માથું ઉતારી દેવા તૈયાર છે. દેવપ્રસાદ સાથે તેમનો જુવાન થઈ રહેલો પુત્ર ત્રિભુવનપાળ પણ છે.
ટૂંકમાં આખી વાત આમ છેઃ કર્ણદેવના મૃત્યુ પછી આનંદસૂરી પાટણ જૈન મતનું રાજ્ય બને એ માટે રાજકીય ખટપટ આદરે છે. અને એક તબક્કે રાણીના ખાસ મુંજાલ મહેતાને પાટણ બહાર કરાવી દઈ પોતાનું ધાર્યુ કરવામાં સફળ પણ થાય છે. બરાબર એ વખતે જ રાણી જરા વાર માટે પાટણ બહાર જાય ત્યારે પટ્ટણીઓ ત્રિભુવનપાળને પોતાના સત્તાધિશ બનાવી દે છે. એટલે કે પાટણની પ્રજા નથી ઈચ્છતી કે પાટણ પરાક્રમી રાજ્ય મટીને જતિનું ધર્મસ્થાન બને. મૂળ તો રાજપૂત રાજ્ય અને જૈન શાસન વચ્ચેનો સંઘર્ષ ચાલે છે અને છેવટે..
છેવટે શું થાય એ જાણવા માટે ગુજરાતની આ અત્યંત પ્રભાવશાળી નવલકથા વાંચવી રહી.
***
કનૈયાલાલ મુનશીએ ૧૯૧૬માં ‘ગુજરાતી’ નામના સામયિકમાં હપ્તાવાર આ વાર્તા લખી હતી. એ વખતે તેઓ ઘનશ્યામ વ્યાસના ઉપનામે લખતા હતા. વાર્તા લખાયા પછી પુસ્તક સ્વરૃપે પ્રગટ થઈ ત્યારે શરૃઆતી આવૃત્તિઓમાં તો લેખક તરીકે નામ ઘનશ્યામ જ હતું. પાટણની પ્રભુતા હકીકતે તો ત્રણ ભાગમાં ફેલાયેલી ત્રિકથાનો પહેલો મણકો છે. પ્રભુતા પછીની વાત કહેતી કથા ‘ગુજરાતનો નાથ’ અને એ પછીની વાત કહેતી નવલકથા ‘રાજાધિરાજ’ એમ સળંગ નવલત્રયી મુનશીએ આલેખી છે.

ગુજરાતી સાહિત્યનો એક આખો યુગ મુનશી-મેઘાણીયુગ તરીકે ઓળખાય છે. આજે પણ એ યુગની તુલના થઈ શકતી નથી. પણ શા માટે? એ પાટણની પ્રભુતા વાંચીએ એટલે સમજી શકાય એમ છે. આખી વાર્તા કર્ણદેવના મૃત્યુથી જયદેવકુમાર (આગળ જતાં જેઓ સિદ્ધરાજ જયસિંહના વધુ જાણીતા નામે ઓળખાયા)નો રાજ્યાભિષેક થાય એ વચ્ચે કુલ સવા મહિનાનો સમય પસાર થાય છે. એટલે કે વાર્તા સવા મહિનાના ફલકમાં ફેલાયેલી છે.
નવલકથા ઐતિહાસિક છે. એટલે કે બનેલા ઈતિહાસ પરથી લખાયેલી છે. પણ અંતે તો આ નવલકથા છે, એટલે એમાં ઈતિહાસ જેમનો તેમ રજૂ કરવામાં આવ્યો નથી. જો ઈતિહાસ જ લખવાનો હોય તો મુનશી નવલકથા શા માટે લખે? અલબત્ત, દરેક વાતે ભુલો શોધવાને જ સાહિત્યની સેવા માનતા વિવેચકોએ ‘મુનશીએ તો ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કર્યો છે’, એવા આક્ષેપો કર્યાં હતાં. જે સ્વાભાવિક રીતે અતાર્કિક છે, કેમ કે નવલકથા નવલકથા છે અને ઈતિહાસ ઈતિહાસ છે.
એ વર્ષે ગુજરાતીમાં ૩૨ નવલકથા લખાઈ હોવાનું ધિરેન્દ્ર મહેતાએ નોંધ્યુ છે. પણ યાદ રહી એક જ તે આ.
***
મુનશીએ પહેલી નવલકથા ૧૯૧૩માં લખી હતી, ‘વેરની વસૂલાત’. એ પછી ત્રીજા વર્ષે તેમણે પ્રભુતા આપી. પ્રભુતા પહેલા તેમણે કુલ પાંચ નવલકથાઓ લખી નાખી હતી. પ્રભુતા પાંચમી કથા હતી. પણ પ્રભુતાએ જ મુનશીને ઓળખ અપાવી. એટલું જ નહીં, ગુજરાતી ભાષામાં નવલકથા કેવી હોઈ શકે તેનો એક ટ્રેન્ડ પણ સેટ કરી આપ્યો. મુનશીએ પ્રભુતા લખી તેના બરાબર ૫૦ વર્ષ પહેલાં ૧૮૬૬માં નંદશંકર મહેતાએ ‘રા કરણઘેલો’ નામની ગુજરાતી ભાષાની પહેલી નવલકથા આપી હતી. એ કથા પણ ઐતિહાસિક હતી અને પાટણ આસપાસ જ વિંટળાયેલી હતી. પણ તેની ભાષા આજે આપણને નવલકથા જેની નહીં લાગે. કેમ કે નંદશંકરે ત્યારના સમાજ એ વખતના ગુજરાતી પ્રમાણે વાર્તા લખી હતી (એટલે નંદશંકરને લખતા નહોતું આવડતું એમ હરગીઝ ન કહી શકાય). નંદશંકરે શરૃ કરેલા નવલકથા પ્રવાહને મુનશીએ રસપ્રદ વળાંક આપ્યો એટલે પછી એ પછી નવલકથા લખનારા મોટા ભાગના લેખકોએ નવલકથાની રજૂઆત-શૈલી એ પ્રકારે જ રાખી.
***
ભાષાની ભવ્યતા અને વાક્યોનો વૈભવ.. નવલકથામાં હોવું જોઈએ એવાં આકર્ષક જ છે, છતાં મૂળ વાર્તા અત્યંત સરળતાથી અને સપાટાબંધ રીતે આગળ ચાલતી જાય છે. ૨૦૧૬માં પણ વાર્તમાં ભાગ્યે જ કોઈ એવા શબ્દો આવે છે, જે આજની ગુજરાતી જાણનારી પેઢીને ન સમજાય. મુનશીની અને તેમની આ નવલકથાઓના ચીરંજિવીતાનું રહસ્ય પણ તેમાં જ છૂપાયેલું છે.

અલબત્ત, કેટલાક શબ્દો જરૃર એવા છે, જે આજે જરા અલગ રીતે લખાય છે. જેમ કે ‘રસ્તો કાઢ’ને બદલે ‘રસ્તો કહાડ’, ‘મજા’ને બદલે ‘મજાદ’ જેવા સો વરસ પહેલા લખાતા-બોલાતા શબ્દો પ્રયોજ્યા છે. તો વળી વાર્તાના રસને વેગ આપતાં પાણીપંથો ઘોડો, ચોપદાર, હૃદયેશ્વરી, ચગોવગો, શિરસાવંધ, નગરદ્રોહી, સોબતઘેલી, માનખંડન જેવા શબ્દપ્રયોગો પણ મજા કરાવી જાય છે.
વાર્તા ઈતિહાસ આધારિત હોવાથી શરૃઆતમાં થોડું બેકગ્રાઉન્ડ અને એકથી વધુ વખત પાટણના રાજવીઓની વંશાવળી આપીને મુનશીએ વાતને સરળ પણ કરી આપી છે.
***
નલલકથાનો નવલકથાની રીતે આનંદ માણવાને બદલે એ વખતે મુનશીના હરિફોએ વાર્તામાંથી ત્રુટીઓ શોધવાની શરૃ કરી હતી. જેમ કે મુંજાલ અને મીનળ વચ્ચેના સબંધોને કારણે રોષે ભરાયેલા નારાયણ વિસનજી ઠક્કરે ‘મહારાણી મયણલ્લા’ નામની નવલકથા લખી નાખી હતી. જેમાં મીનળને પવિત્રતાની મૂર્તિ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

મુનશી પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડૂમાનો પ્રચંડ પ્રભાવ હતો. મુનશીએ પણ એ વાત સ્વીકારી હતી. અલબત્ત, મુનશીની ટીકા કરનારાઓએ એવો પ્રચાર કર્યો હતો કે મુનશીની કથાઓ તો ડુમાની વાર્તાઓની ઉઠાંતરી છે! પણ ડૂમા અને તેમણે લખેલા ફ્રેન્ચ રાજતંત્રમાં પાટણ, મંડલેશ્વર, મીનળ ક્યાં હતાં તેનો ખુલાસો ટીકાકારો પાસે ન હતો. મૂળ તો મુનશીને નીચા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. કેવો પ્રયાસ તેનું સરસ ઉદાહરણ દીપક મહેતાએ ‘મુનશીની નવલત્રયી’માં આપ્યુ છે. તેમણે લખ્યું છેઃ ‘ડૂમા અને મુનશીની નવલકથાનાં કોઈ બે પાત્રોની ઉમ્મર સરખી હોયો, કે ડૂમાનું પાત્ર સંવાદમાં મેડમ! મેડમ! એમ બે વખત બોલે અને મુનશીનું પાત્ર પણ સંવાદમાં મીનળદેવી! મીનળદેવી! એમ બોલે તો પણ મુનશીએ ડૂમામાંથી તફડાવ્યું એવા હાસ્યાસ્પદ આક્ષેપો પણ મુનશી પર મુકાયા.’ સારું કહેવાય કે આક્ષેપકારોએ એમ ન કહ્યું કે ડૂમાની નવલકથામાં પણ પૂર્ણવિરામ આવે છે અને મુનશીમાં પણ!
૧૯૫૦ની આસપાસ તો મુનશીની નવલકથાઓની ટીકા કરવાની અને ‘હું મુુનશીને વાંચુ છું’, એમ કહેનારને દયનિય રીતે જોવાની ફેશન પડી ગઈ હતી.
વિશ્વનાથ ભટ્ટ નામના વિવેચકે તો મુનશીને ‘ચોરશિરોમણી’ કહીને નવાજ્યા હતા. એવો પ્રચાર કરવામા નારયણ ઠક્કુર, રામચન્દ્ર શુક્લ, વિજયરાય વૈદ્ય વગેરેનો પણ માતબર ફાળો હતો. સ્વાભાવિક રીતે જ સદી પછી મુનશી લોકોને યાદ છે અને વંચાય પણ છે. તેની સામે આક્ષેપો કરનારા કોઈ ટકી શક્યા નથી. એટલે મુનશીનું સાહિત્ય ચીરંજીવીકાળ ધરાવે છે, મુનશીને નવલકથા લખતા આવડતી હતી એવું સર્ટિફિકેટ કોઈએ આપવુ પડે એવા સંજોગો રહ્યા નથી.
***
પાટણની પ્રભુતા કે પછી પ્રસિદ્ધિના શિખરે બીરાજતી મુનશીની બીજી નવલકથાઓમાં એકથી એક ચડિયાતા પાત્રો, અત્યંત પ્રભાવક અને મહત્ત્વ ધરાવતા સ્ત્રી પાત્રો, મર્દાનગી આંટો લઈ ગઈ હોય એવા વીરપુરુષો, નાયગરા ધોધની ગતીએ વહેતો વાર્તાપ્રવાહ, સરળ છતાં સોંસરવા ઉતરે એવા શબ્દો અને નવલકથામાં હોવા જોઈએ એવા બધા જ તત્ત્વોનો સમન્વય એ બધું જ જોવા મળે છે.
અને એટલે જ જ્યારે ગુજરાતી બેસ્ટ સેલર, ઓલ-ટાઈમે બેસ્ટ સેલરની વાત આવે ત્યારે મુનશીનો ઉલ્લેખ અનિવાર્યપણે કરવો પડે છે.

વાર્તાના કેટલાક મસ્ત સંવાદ
– ચંદ્રાવતી બીજી રીતે ગમે તેવી હોય, પણ પાટણના મંત્રી સમાન ત્યાં કોઈ નર નથી.
– શ્રાવકોને પકડી બાંધી મારવાની યોજના બધાને પસંદ પડી.
– શાંતિથી, હૃદયભેદક ભાવહીનતાથી મુંજાલે કહ્યું: રાજ્ય કેમ ચલાવવું, તે હવે આજકાલના ગમે તે આવે તેની પાસેથી મારે શીખવાનું નથી રહ્યું.
– ઉદાને ભવિષ્યવેત્તાઓનાં વચન યાદ આવ્યાં. જો આ પ્રસંગનો લાભ તે લે તો જરૃર નગરશેઠનો પણ શેઠ થાય. જેટલી વાર ચિંતાતુર, વિશ્વાસુ પ્રસન્ન વાત કરતી હતી, તેટલી વાર તેનું મગજ કામ કરતું હતું.
– આખા પાટણમાં તેના સિવાય કોઈને ખબર નહોતી, કે મીનળદેવી પાટણ છોડી ચાલી ગઈ છે. એનો ઉપયોગ શો કરવો, જેથી ધાર્યું સરે?
– બાયલાઓ! ચૂડીઓ પહેરીને બેસી રહો. તમારા ઘરબાર લૂંટાવા રાખ્યા છે, કેમ?
– આ ગંભીર હૃદયભેદક ગર્જના એક મહાશક્તિના બે સ્વરૃપો જ કરી શકે. એક સાગર અને બીજો સમાજ.
– સામળે બે વખત પાટણને બચાવ્યું હતું, ભીમની પડખે લડતાં પોતાના બાહુબળથી, તેના પ્રપૌત્રની પાસે રહી પોતાના શબ્દબળથી.
– સ્ત્રીજાતિમાં ગમે તે ઉંમરે માતા-પણાના અંશો રહેલા હોય છે, તે અંશો જ તેનામાં સહિષ્ણુતા, ક્ષમા અને સ્નેહ પ્રેરે છે, દુઃખ ઓછું કરવાની શક્તિ આમે છે, અને તેના વડે તેનો દિગ્વિજય આટલો સહેલો થઈ પડે છે.
– ત્યાં રાજકુટુંબના કેટલાંક બૈરાંઓ, કર્ણદેવની જૂની બે રાણીઓ કે જેઓનો ધંધો નિરાંતે ખાઈપી રાજખટપટની મજાહ જોવાનો હતો.