દીવ સહિતના દરિયાકાંઠે વિવિધ વોરટ-સ્પોર્ટ્સનો વિકાસ થયો છે, થવો પણ જોઈએ. પરંતુ તેની સાથે સલામતી-સુરક્ષાનો ક્યાંય વિકાસ નથી થયો. દીવમાં પ્રવાસે ગયેલા એક યુગલ સાથે દુર્ઘટના બની. પેરાસેઈલિંગ સમયે અચાનક દોરડુ તૂટી પડ્યું એટલે યુગલ દરિયાના પાણીમાં ખાબક્યું. સદભાગ્યે તેમને બહુ ઈજા ન થઈ.
જો પાણીને બદલે જમીન પર પડ્યા હોત તો..
જ્યાં પડ્યાં ત્યાં કોઈ બીજી હોડી હોત તો..
જ્યાં પડ્યાં ત્યાં દરિયાઈ ખડકો હોત તો..
આ ઘટના પામ એડવેન્ચર એન્ડ વોટર સ્પોર્ટ્સ કંપનીની બેદરકારીથી બની છે. માત્ર કંપનીની નહીં દીવ સરકાર, દીવનું સંચાલન કરતા અધિકારીઓ, નેતાઓ સૌ કોઈની બેદરકારી છે. કેમ કે પામના બોર્ડ પર લખ્યું છે કે દીવ ટુરિઝમ દ્વારા પ્રમાણિત.
પ્રવાસન સ્થળોએ ચાલતા રોપ-વે, સ્પોર્ટ્સ, ફન રાઈડ વગેરેમાં સલામતીમાં ખાસ કશું લઈ લેવાનું હોતું નથી. પ્રવાસીઓ વિકલ્પ ન હોય એટલે આવા સ્થળોએ જે મળે એ મનોરંજન પસંદ કરે છે. સલામતીની જાળવણીની ફરજ સરકાર અને તંત્રની છે, જેમની પાસેથી આશા રાખવી નકામી છે. જેમ કે સાપુતારામાં ચાલતા રોપવેની ટ્રોલી જોઈને એવુ લાગે કે પુરાતન યુગથી આ રોપ-વે ચાલતો હશે.
દીવની આ ઘટના પામ એડવેન્ચર એન્ડ વોટર સ્પોર્ટ્સ નામની કંપનીની બેદરકારીનું પરિણામ છે. સાથે સાથે પ્રવાસીઓ પણ એડવેન્ચર કંપની પાસે પુરતા લાઈસન્સ છે કે કેમ, સલામતીની તપાસ થાય છે કે કેમ વગેરે ચેક કરતા નથી. જોકે પ્રવાસીઓ ચેક કરે તો પણ ખાસ કંઈ વળે નહીં કેમ કે છેવટે તો સરકારી અધિકારીઓ ગમે તેને ગમે તેવુ લાઈસન્સ-સર્ટિફિકેટ આપી શકે છે. એટલે મરો છેવટે પ્રવાસીઓનો જ થાય.
અમદાવાદના કાંકરિયા તળાવમાં ચાલતી જોઈ રાઈડનું સ્ટ્રક્ચર ૨૦૧૯માં તૂટી પડ્યું હતું. દીવની ઘટનામાં ખાસ ઈજા નથી થઈ, પરંતુ કાંકરિયા દુર્ઘટનામાં ૩ મોત થયા હતા. એ પછીય ખાસ કોઈ કાર્યવાહી કે સલામતી વગર આવી રાઈડ્સ રાજ્યભરમાં ચાલતી રહે છે.
દક્ષિણ આફ્રિકાના પાટનગર કેપટાઉનમાં ટેબલ માઉન્ટેન નામનો પર્વત છે. ત્યાં ૧૯૨૯થી (૯૨ વરસ)થી સ્વિત્ઝરલેન્ડની એક કંપની રોપ-વે ચલાવે છે. નવ દાયકામાં એક પણ અકસ્માત થયો નથી, એટલે કંપનીની કામગીરી ચાલ્યા કરે છે. એ સલામતીના સર્વોચ્ચ ધારાધોરણોનો ઉત્તમ નમૂનો કહી શકાય.
દીવ હોય કે બીજું કોઈ પણ સ્થળ એડવેન્ચર એક્ટિવિટી પસંદ કરતી વખતે સાવધાની બહુ જરૃરી છે. રાઈડ્સ અને મનોરંજન કદાચ એ લોકો પુરું પાડે છે, પણ જિંદગી તો આપણી છે. એ વાત ધ્યાને રાખીને જ રાઈડ પસંદ કરવી.