જાપાન પ્રવાસ – ભાગ 3
‘જૂઓ આ સીડીમાંથી અંદર ઉતરવાનું છે. થોડે આગળ ચાલ્યા પછી અંધકાર શરૃ થશે. મોબાઈલ કે બીજી કોઈ રીતે પ્રકાશ કરવાની છૂટ નથી. તમારો ડાબો હાથ દીવાલ સાથે અડાડતાં અડાડતાં ચાલવાનું. રસ્તામાં એક બારી આવશે એ બારી ખખડાવાની અને પછી ત્યાંથી આગળ વધી જવાનું…‘
જૂનાગઢમાં ઉપરકોટ નીચે કેટલાક ભોંયરા છે, આમ તો દરેક રજવાડી બાંધકામ સાથે એક ટનલ તો જોડાયેલી હોય જ જે વળી ક્યાંક દૂર નીકળતી હોય. ઝેન્કોજી મંદિરમાં આ વર્ણન સાંભળીને મને અશ્વિનીદાદા (ભટ્ટ)ની મહાનવલ ‘ઓથાર’માં આવતુ જાનોરના રાજમહેલનું ભોંયરું યાદ આવ્યું.
ઝેન્કોજી મંદિરમાં અંદર પ્રવેશ્યાં, પણ તેમાં કોઈ મૂર્તિ નથી. ઈશ્વર બેઠા છે એમ માનીને ચાલવાનું છે. જોકે મંદિરમાં એક તસવીર છે, પણ એ તસવીર જોવાની કોઈને (પૂજારીને પણ નહીં, સંચાલકોને પણ નહીં) છૂટ નથી. એટલે ઈસવીસન 654થી આજ સુધીની સાડા તેર સદી કરતા વધુ સમય થયે તેને કોઈએ જોઈ નથી. એ વાત જ રહસ્યમ છે અને મહત્વની પણ છે. એટલે જ્યાં મંદિર હતું તેની આસપાસ પછી શહેર વસવા લાગ્યુ જે આજે નગાનો નામે ઓળખાય છે. શહેર હતું એટલે મંદિર નથી બન્યું, મંદિર હતું એટલે શહેર વિકસ્યું છે.
મંદિરનો ઈતિહાસ જાણતા હતા એ એક બહેન મંદિરના પ્રાંગણમાંથી અમારી સાથે જોડાયા. મારી એ દૃઢ માન્યતા છે, કે દુનિયાના કોઈ મંદિર-દેવાલયમાં ઈશ્વર હોતો નથી. એ આપણી સાથે છે, આપણી વચ્ચે છે, આગળ છે અને પાછળ પણ છે. ટૂંકમાં બધે છે એટલે મંદિરે શોધવાની જરૃર નથી. તો પછી મંદિરે શા માટે જવું? મંદિરનો ઈતિહાસ રસપ્રદ હોય, મંદિરનું બાંધકામ રસપ્રદ હોય, મંદિરની કોઈક પરંપરા રસપ્રદ હોય.. અને અમને લખનારાઓને આવુ કંઈક નવુ મળે તો લખવાની મજા પડે. બસ એટલા માટે જ્યાં કહે ત્યાં જવું, મંદિરમાં પણ જવું.
આ મંદિરમાં મુલાકાતીઓને ખાસ પ્રકારનો અનુભવ કરાવાય છે. એ અનુભવ એટલે અંધકારભર્યા રસ્તેથી પસાર થઈ સામે છેડે નીકળવાનું જ્યાં ફરીથી દરવાજો આવે એટલે કે પ્રકાશના દર્શન થાય. લાકડાના જ બનેલા કદાવર મંદિરના ગર્ભની નીચે ભોંયરું તૈયાર કરવામાં આવ્યુ છે. એમાં સોએક ફીટનો આ રસ્તો છે. તેની પાછળની કથા એવી છે કે તેમાંથી પસાર થઈને નીકળો તો પુનર્જન્મ થયો હોય એવુ લાગે, પાપ ધોવાઈ જાય.. વગેરે..
હવે તો અમદાવાદમાં લાઈટ જવાના પ્રસંગો ઓછા બને છે. પણ હું નાના ગામમાં મોટો થયો છું, જ્યાં લાઈટ નિયમિત રીતે જતી. ચોમાસામાં તો ખાસ. રાતે અચાનક લાઈટ જાય તો અંધારે દીવો-ફાનસ દીવાલ કે પછી બીજી ચીજોના સહારે જ હર-ફર કરવી પડે. એટલે એવુ જ કંઈક વર્ષો પછી કરવાની તક આ મંદિરમાં મળી. કેપ્ટન જેક સ્પેરોના જહાજમાં હોય એવા ભંડકિયામાં અમે ઉતર્યાં.
શરૃઆતમાં તો પ્રકાશ આવતો હતો, ધીમે ધીમે અંધકાર શરૃ થયો. આગળ-પાછળના સાથી દેખાતા બંધ થયા. ધીમે ધીમે ભોંયરાનું બાંધકમ કેવુ છે, જમણી તરફ કેટલી જગ્યા છે એ પણ દેખાતુ બંધ થયુ. કાજળઘેરો અંધકાર એવો શબ્દ સફારીમાં તો વારંવાર વાંચ્યો છે, પણ એ અંધકાર કેવો હોય તેનો હવે અનુભવ શરૃ થયો. ધીમે ધીમે ડર પણ વધતો ગયો.
આગળ ક્યાંક ખાડો હશે તો, જમણી તરફ કેટલી જગ્યા હશે, ડાબો હાથ દીવાલને અડાડેલો જ હતો અને આડાડેલો જ રાખવાનો હતો પણ ત્યાં અચાનક ખાંચા-ખૂંચી આવશે તો, ઉપર ક્યાંક માથું ભટકાશે તો… વગેરે પ્રશ્નો પણ ઉભા થયા. કેમ કે એવો અંધકાર મેં અગાઉ ક્યારેય જોયો ન હતો. એ બોગદાની રચના એવી રીતે કરવામાં આવી હતી કે અંદર બાહ્ય પ્રકાશનું એક કિરણ પણ પ્રવેશી ન શકે. આગળ રહેલા સાથીદાર પાછળવાળાઓને શાબ્દીક સંકેત દ્વારા સંકેત આપતા રહેતા હતા કે સબ સલામત છે.
સાવ ધિરજ ખૂટે એ પહેલા ટનલ પૂરી થઈ. ફરી થોડા પગથિયા ચડી બહાર નીકળ્યાં. સામે અરીસો હતો. અહીં બધા અરીસામાં જૂએ તો પોતાનો ફરી જન્મ થયો હોય એવુ લાગે એવી માન્યતા છે. મને એવુ કંઈ લાગ્યુ નહીં, કેમ કે ટનલની સફાર મેં થ્રીલિંગ એક્સપિરિયન્સ લેવા કરી હતી અને એ અનુભવ મને અપેક્ષા કરતાં વધુ મળી ગયો હતો. એ અદ્ભૂત સફર હતી, જેને કદાચ શબ્દોમાં વર્ણવવી સંપૂર્ણરીતે શક્ય નથી. મૂળભૂત રીતે આ મંદિર જાપાનમાં શુદ્ધતાનું પ્રતીક છે. અહીં આવે એ વ્યક્તિ શુદ્ધ થાય, જે રીતે આપણે ગંગાજીમાં ડૂબકી મારીએ છીએ..
જાપાનમાં ઘણા-ખરા મંદિર લાકડાના બનેલા છે, અહીં કદાવર ઈમારતી લાકડા થાય છે, માટે તમામ પ્રકારના બાંધકામોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. મંદિર હોય કે ઘર લાકડાનો ભરપૂર ઉપયોગ જોવા મળે છે. આ મંદિર સદીઓ જૂનું છે, લાકડાનું હોવાથી અનેક વાર આગ લાગીને ભસ્મ થયું છે અને ફરી બેઠું કરાયું છે.
મંદિરની સફર કરીને અમે પરત હોટેલમાં ફર્યાં.
ખૂબ સરશ રીતે તમે તમારો જાપાન ના મંદિર મા થયેલો અનુભવ લખેલો છેઃ જે વાંચીને પણ મજા પડી ખૂબ સરશ