
જાપાન પ્રવાસ – ભાગ 4

પહેલા દિવસે ઝેન્કોજી સિવાય કશું ખાસ જોવાનું હતું. મંદિરની બહાર નીકળતી વખતે તેના તોરણ પર ધ્યાન પડ્યું. જાપાનમાં તોરણ ખરાં, પણ જરા અલગ પ્રકારના. સફેદ કપડાંમાં કાળું ચિત્ર દોરેલું હતું. એ ચિત્ર સામે ઘણા પશ્ચિમી ખાસ તો યુરોપિયન પ્રવાસીઓને વાંધો પડતો હતો. ચિત્ર સાથિયાનું હતું, પણ ઊંધો સાથિયો. એ જાણીતી વાત છે કે હિટલરની નાઝિ સેનાનું ચિહ્ન સાથિયો (આપણા સાથિયા જેવો જ સીધો) હતું. હવે જર્મનીમાં નાઝિવાદનો ન પણ બોલવાની છૂટ નથી. નાઝિ સાથિયો જાહેરમાં પ્રદર્શિત કરી શકાતો નથી. એટલે આ મંદિરનું ચિહ્ન હોવાથી ઘણાને તેમાં નાઝિવાદની ગંધ આવે છે. પણ એને નાઝિવાદ સાથે કંઈ લેવાદેવા નથી. બીજી વાત જાપાની સાથીયો આપણા કરતાં ઊંધો હતો.
હકીકત તો એ છે કે ભારતમાં જેમ સાથિયો પરા-પૂર્વથી ચાલ્યો આવે છે, એમ ભારતથી જાપાન પહોંચેલા બોદ્ધ ધર્મમાં પણ સાથિયો અઢી હજાર વર્ષથી રાજ કરે છે. પરંતુ અલગ પડે એટલા માટે તેના પાંખિયાની દિશા ઉલટી કરી દેવાઈ છે. આપણે જોઈએ તો એ સાથિયો ઊંધો લાગે, ઉંધો લાગે એટલે જ અલગ પડે અને અલગ પડે એટલે જ એ બીજા ધર્મનો સિમ્બોલ બને છે.

નાઝિ-બોદ્ધ જ્ઞાન મેળવીને હોટેલ પરત ફર્યાં ત્યાં સુધીમાં સાંજના 6 વાગી ગયા હતા. સાડા સાતેક વાગ્યે જમવા માટે ભેગા થવાનું હતું. એ દિવસે જરા તરા વરસાદ હતો. જાપાની પ્રજાના માથે એક છાંટો પણ પડે તે એમને પસંદ નથી. માટે દરેક લોકો છત્રી સાથે લઈને જ બહાર નીકળે. દુકાન, મંદિર, સાર્વજનીક સ્થળ, હોટેલ.. વગેરે જગ્યાએ છત્રી રાખવાના સ્ટેન્ડ પણ ખરાં. એટલે તમે છત્રી લઈને ક્યાંય પહોંચો તો સાચવવાની ઝફા રહેતી નથી. બહાર રહેલા સ્ટેન્ડમાં ગોઠવી દેવાની.
સવારે હોટેલથી મંદિર તરફ રવાના થયા ત્યારે મારા સિવાય બધા પાસે છત્રી હતી. હોટેલમાં ઘણી છત્રી હતી જ. એમાંથી એક મને આપવામાં આવી. આખો દિવસ પત્રકાર પોપટલાલની માફક છત્રી સાથે લઈને ફર્યા, પણ ખાસ વરસાદ આવ્યો ન હતો. વળી જરા-તરા આવે તો પલળવાનો પણ આનંદ આવે. પરંતુ જાપાની પ્રજાને હું પલળું તેની નવાઈ લાગતી હતી. એ લોકો તો એક ટીપૂં પડ્યું નથી કે છત્રી ખોલી નથી.

જાપાની પ્રજાની નમ્રતાનો કોઈ પાર નથી. આપણે હાથ લાંબા કરીને રામરામ કરીએ એ લોકો તો ઝૂકીને અભિવાદન કરે. એ વાત જોકે ખાસ અજાણી નથી. કોઈ વ્યક્તિ કારણ વગર કશું બોલે નહીં, બોલે તો પણ ધીમે અને નમ્રતા સાથે. પૂછીએ તો બરાબર જવાબ આપે. જોકે ઘણા ખરા જાપાની લોકો અંગ્રેજી જાણતા નથી. જાપાનનું બધુ કામ જાપાની ભાષામાં જ ચાલે છે. એમને અંગ્રેજી ન આવડવાનો કોઈ રંજ નથી.
દિલ્હીથી જાપાન જવા રવાના થતા હતા ત્યારે બોર્ડિંગ સમયે જ એક દૃશ્ય જોવા મળ્યું હતુ. એરહોસ્ટેસના હાથમાં પૂઠું હતું, જેમાં જાપાનીઝ ભાષામાં સૂચના લખેલી હતી અને સંકેત દોરેલા પણ હતા. એટલે મુસાફરોને ભાષા ન સમજાય તો જોઈને પણ ખબર પડે કે હવે પહેલી દસ લાઈનના મુસાફરોએ અંદર પ્રવેશ કરવાનો છે.. વગેરે. ટૂંકમાં અંગ્રેજીનો ઓછો ઉપયોગ થાય છે, એટલે સંકેતોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. તો પણ અંગ્રેજી જાણનારા મોટા શહેરોમાં તો મળી આવે, અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યા હોય તો તકલીફ થાય.

અમારી સાથે હતા એ ઈકુકો અંગ્રેજી સહિત બીજી કેટલીક ભાષા પણ જાણતા હતા. એમનું તો એ કામ હતું, પરદેશી પ્રવાસીઓને સાચવવાનું. આખા દેશમાં ફ્રી વાઈ-ફાઈ ઉપલબ્ધ છે, એટલે નેટવર્કનો ખાસ પ્રશ્ન નથી થતો. ભારતમાં જેનું ખાસ નેટવર્ક ચાલ્યુ નથી એ ડોકોમો (જાપાની ભાષાના શબ્દનો મતલબ થાય –સર્વત્ર) જાપાનની સૌથી મોટી નેટવર્ક પ્રોવાઈડર કંપની છે. તેના બોર્ડ ક્યાંક ક્યાંક નજરે પડતાં હતા.
સાંજે ભોજન પતાવી ફુકુશિમા સાથે હું આસપાસમાં ચાલવા નીકળ્યો. ચાલીને રખડીએ તો થોડી વધુ જાણકારી મળે. આમેય જાપાની પ્રજા ઘણુ ચાલે છે. નજીક જ છે, એમ કહીને 2-3 કિલોમીટર ચાલી નાખે અને આપણને પણ ચલાવે. અમારા પ્રવાસમાં જે કોઈ સ્થળો શામેલ હતા, એ બધા જાપાનના મધ્યભાગમાં હતા. એટલે અમે સેન્ટ્રલ જાપાનની સફર કરીને જાપાનને જાણવાનો પ્રયાસ કરી રહ્યાં હતા એમ કહી શકાય.

સવારે અમારે વર્લ્ડ હેરિટેજ સ્ટેસ પામેલા ગામ ‘શિરાકાવા-ગો’ની મુલાકાતે જવાનું હતુ.