સુંદરવનની સફર-3: અહીંથી આગળ જાવ તો અમારી જવાબદારી નહિ

કલકતાથી સુંદરવન સુધી પહોંચવાના રસ્તામાં અમે જાતજાતના અનુભવો મેળવ્યા. એ વિગતો બીજા ભાગમાં હતી. હવે ચાલો જંગલ તરફ..

ડંકી ફેરી ઘાટથી સામેની તરફ સુંદરવન સુધીનો નદીનો પટ આશરે પોણો કિલોમીટરનો છે. નદીની સામેની તરફ સાંજે પાંચ વાગ્યા પછી પ્રવેશ નિષેધ છે. માટે અમારી બોટ એ કિનારે હંકારી અમે સૌએ સુંદરવનનું વન કેવું છે તેની આંશિક માહિતી મેળવી. સાથે ગંગા નદી પર ડૂબતા સૂરજને જોવાનો લાહવો પણ અવિસ્મરણીય અનુભવ હતો. સુંદરવનના કાંઠે જ્યારે અમારી બોટ ચાલી રહી હતી ત્યાં બે ખાસ વસ્તુ તરફ મારી નજર પડી. પેહલી એ કે ત્યાંના વન વિભાગે રીતસરનો ડેન્જર ઝોન હોવાનો બોર્ડ નદીની વચ્ચોવચ મારેલુ, જેમાં તેનાથી આગળ જાવ તો અમારી જવાબદારી નહિ તેવી વણલખાયેલી સૂચના વર્તાતી હતી. સાથે જ એ તરફનો આખો કાંઠો વન વિભાગ દ્વારા ફેન્સ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કાંઠે ઉતરીને વન તરફ ચાલ્યો ન જાય.

સૂર્યાસ્તનો નજારો માણ્યા બાદ અમે પાછા ફર્યા ત્યાં જાણવા મળ્યું કે હોટલ સોનાર બાંગ્લામાં રોકાયેલા મહેમાનો માટે રિસોર્ટ સ્ટાફે ત્યાંના સ્થાનિક લોકનૃત્યનો કાર્યક્રમ ગોઠવ્યો છે. લોકનૃત્ય એટલે કોઈ પણ જગ્યાની સાંસ્કૃતિક ઓળખ. જેને માણવાની મજા પડે, ઉપરાંત બંગાળી ભાષાના ઘણા શબ્દો હિન્દી અને ગુજરાતી ભાષા સાથે સમાનતા ધરાવે છે. જેના કારણે અમને લોકનૃત્ય સાથે સંગીત માણવાની પણ એટલી જ મજા પડી. બીજા દિવસે સવારે અમારે જંગલમાં જવાનું હતું. જ્યાં આખો દિવસ મળી રહે માટે સોનાર બાંગ્લા રિસોર્ટનો સ્ટાફ આમારા બપોરના જમવાની વ્યવસ્થા બોટ પર જ કરી આપવાનો હતો. સામાન્ય રીતે જંગલમાં સફારી માટે જતા પ્રવાસીઓ જમવા માટે બપોરે પાછા ફરતા હોય છે.

સુંદરવનમાં અમારી બીજા દિવસની સવારે અમારા સૌના ચેહરા પર ઉત્સુકતા વર્તાતી હતી. જગતના સૌથી ખૂંખાર વાઘ ધરાવતા સુંદરવન ટાઈગર રિઝર્વની મુલાકાતે જવા માટે અમે સૌ સમયસર તૈયાર થઈ ગયા હતા. સવારે સાડા નવ વાગે અમારી સુંદરવનની યાત્રા શરૂ થઈ. સુંદરવનમાં પ્રવેશ મેળવવા માટે સજનેખાલી ચેકપોસ્ટ પર જવું પડે છે. જ્યાંથી પ્રવાસીઓને પરવાનગી મળે એટલે બોટને મુખ્ય જંગલ તરફ હંકારી શકાય. સજનેખાલી ચેકપોસ્ટ પર પશ્ચિમ બંગાળ વન વિભાગે કેટલીક સુવિધા ઊભી કરી છે. જેમાં એક વોચ ટાવર, પ્રવાસીઓ માટે રોકવાની સગવડ, સોવેનીયર શોપ વગેરે સામેલ છે. ઉપરાંત જંગલને સરખી રીતે સમજી શકાય તે માટે અહી ગાઈડની સુવિધા પણ છે.

સજનેખાલી ચેકપોસ્ટ પર અમને સુંદરવનનો નકશો દેખાડવામાં આવ્યો હતો. જેના મુજબ સુંદરવન ત્રણ મુખ્ય ભાગમાં વેચાયેલું છે. એક છે બફર ઝોન, બીજો છે ગ્રામ્ય વિસ્તાર અને ત્રીજો કોર એરિયા. અમારી સાથે રહેલા ગાઈડે અમને જણાવ્યું કે, બફર ઝોનમાં પ્રવાસીઓને બોટ દ્વારા હરવા ફરવાની છૂટ છે. ગ્રામ્ય વિસ્તાર વાળા લોકોને પણ બફર ઝોનમાં ફરવાની પરવાનગી આપવામાં આવી છે. જે ઉપરાંત સુંદરવનનો સૌથી મોટો હિસ્સો કોર એરિયા છે જેમાં કોઈ પણ વ્યક્તિને જવાની પરવાનગી નથી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સિવાય એ વિસ્તારમાં સૌ કોઈને પ્રવેશ નિષેધ છે. તેમ છતા અહીંના કેટલાક ગામલોકો એ વિસ્તારમાં ઘુસપેઠ કરે છે અને વાઘનો શિકાર બને છે.

સજનેખાલીથી થોડા આગળ પોહચ્યા ત્યાં સુધીમાં ગાઈડે અમને સુંદરવન વિશેની કેટલીક સાચી ઘટના વર્ણાવી. જે સાંભળીને આમરા રૂંવાટા ઉભા થઈ ગયા. સુંદરવનના વાઘ તેની ભવ્યતા માટે વખણાય છે. પણ અહીંના સ્થાનિક લોકો માટે વાઘ શૈતાન સમાન છે. વર્ષે અહીંના વાઘ ઓછામાં ઓછા 70-75 લોકોને પોતાનો શિકાર બનાવે છે. જેમાં વન વિભાગના અધિકારી પણ સામેલ છે. સુંદરવનમાં વસતા લોકોને બોનોબિબી નામક દેવી પર અપાર શ્રદ્ધા છે. તે લોકો માને છે કે જો વનમાં જતા પેહલા બોનોબિબીની પૂજા કરવામાં આવે તો દેવી માં વાઘથી તેમનું રક્ષણ કરે.

ડોબાંકી : લાલ કરચલાનું ઘર

સુંદરવનમાં પ્રવાસીઓ માટે સજનેખાલી ચેકપોસ્ટ પછી ડોબાંકી ચેકપોસ્ટ પર થોડી સુવિધા ઊભી કરવામાં આવી છે. ડોબાંકી ચેકપોસ્ટ પાસે વન વિભાગે એક વિશાળ કેનોપી પ્રકારનો બ્રિજ તૈયાર કર્યો છે. જે વનમાંથી પસાર થાય છે. આ પુલ પર ચાલીને વિવિધ પ્રાણી પક્ષી જોઈ શકાય છે. સાથે જ આ પુલના અંત પર એક વોચ ટાવર આવેલો છે જેની બરાબર સામે મીઠા પાણીનું તળાવ આવેલું છે. સુંદરવન નદીના મુખત્રિકોણ વિસ્તારમાં વસેલું હોવાથી અહીંના જાનવરોને પીવાલાયક પાણી શોધવું પડે છે. જેની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવે છે જેથી ક્યારેક તળાવ નજીકના વોચ ટાવર પરથી વાઘ, હરણ, ડુક્કર જેવા પ્રાણી નજરે પડે. ડોબાંકીના કેનોપી પુલ પર. ચાલતી વખતે અમને સૌથી વધુ કોઈ જીવ નજરે પડ્યું હોય તો એ કાદવમાં થતાં એક હાથ વાળા લાલ રંગના કરચલા હતા. આ કરચલા સુંદરવનમાં દરેક જગ્યાએ જોવા મળે છે, પરંતુ ડોબાંકી પુલ પાસે તેમનું સંખ્યાબળ ઘણું વધુ હતું. આ કરચલાનો આકાર નાનો હોવાથી તેને ખોરાકમાં ન લઈ શકાય. પણ કાદવમાં એક સાથે સંખ્યાબંધ લાલ કરચલા જોવાની મજા ઘણી પડે.

સજનેખાલીથી ડોબાંકી સુધીનો રસ્તો દત્તા નદીમાંથી થઈને નીકળે છે. આ નદીની બંને બાજુ મેન્ગ્રોવ્સનું જંગલ આવેલું છે. આ રસ્તે પસાર થનારા પ્રવાસીઓને નદીના કિનારે ઘણી વાર જાનવરો નજરે પડી જાય છે. ડોબાંકી સુધી પહોંચવામાં કુલ ત્રણ કલાકનો સમય લાગે છે જે દરમિયાન વાઘ, હરણ, ડુક્કર, મગર તેમજ સંખ્યાબંધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ નજરે પડે છે. આ પક્ષીઓમાં કેટલીક પ્રજાતિ એવી પણ છે જે માત્ર અને માત્ર સુંદરવનમાં જ જોવા મળે છે. તે સિવાય આ વનમાં સરીસૃપ પ્રાણીની પણ ભરમાર છે.

સજનેખાલીથી અમે નીકળ્યા બાદ થોડી વાર સુધી ગાઈડ સાથે વાત કરવામાં મજા પડી. તેણે અમને સુંદરવનના વાઘ અને તેની પ્રકૃતિ વિશે ઘણી બધી માહિતી આપી. તેણે જણાવ્યું કે સુંદરવનના વાઘથી અહીંનું જંગલખાતું પણ ખૂબ ડરે છે. અહીંના વન વિભાગના અધિકારીઓને જ્યારે પણ કામાર્થે જંગલમાં જવાનું થાય ત્યારે તેઓ બોનોબિબીની પૂજા કરી માતાજી પાસે વાઘનો ભેટો ન થાય તેવી પ્રાથના અચૂક કરે છે. દર મહિને સુંદરવનના વાઘ 8-9 માણસોને ભરખી જાય છે જેમાં ઘણીવાર વન વિભાગના અધિકારીઓનો પણ વારો આવે છે. મોટાભાગે જંગલી જીવ માણસોથી દુરી બનાવી રાખવામાં માનતા હોય છે. પરંતુ સુંદરવનના વાઘ માટે અહીંના વનમાં શિકારની કમી છે જેથી તે માણસોને પોતાનો શિકાર બનાવે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *