સુંદરવન સુધી પહોંચવા માટે અમે સૌથી પહેલા કલકતા પહોંચ્યા અને ત્યાં શાકાહારી ભોજન શોધવા સંઘર્ષ કર્યો. એ વિગતો પહેલા ભાગમાં જોઈ. હવે આગળની સફર…
બીજા દિવસની સવારે સાડા નવ વાગ્યાની આસપાસ અમારી સુંદરવન જવાની સફર શરૂ થઈ. સુંદરવન જવા માટે ગોડખાલી ફેરી ઘાટથી બોટ પકડવી પડે છે. કલકત્તાથી ગોડખાલીનું અંતર 104 કિમીનું છે. કલકત્તાથી ત્યાં જવા માટે પ્રાઇવેટ ટેક્ષી અથવા વેસ્ટ બેંગાલ ટુરિઝમ કોર્પોરેશનની બસ મળી રહે છે. જે ઉપરાંત ગોડખાલી પાસે આવેલા કેનિંગ ગામ સુધી તો રેલ સેવા પણ ઉપલબ્ધ છે. ગોડખાલી બંદરની સામે કાંઠે ગોસાબા આવેલું છે. જે ત્યાંનું જિલ્લા મથક અને સુંદરવનનો પ્રવેશદ્વાર છે. સુંદરવન જતા પ્રવાસીઓ માટે ગોસાબામાં ઘણા જ પ્રાઇવેટ રિસોર્ટ-હોટેલ્સ આવેલી છે. ત્યાંથી આગળ સંરક્ષિત વિસ્તાર શરૂ થઈ જાય છે.
કલકત્તાથી ગોડખાલીનું અંતર કાપવામાં ત્રણ કલાકનો સમય ઓછામાં ઓછો થાય તેવો છે. કારણ કે ત્યાં સુધીનો આખો રસ્તો સિંગલ ટ્રેક અને ટ્રાફિક વાળો છે. ગોડખાલી અને ગોસબા વચ્ચે પુલ બાંધવાની પણ હવે વિચારણા ચાલી રહી છે. પરંતુ હાલ તો ગોડખાલીથી ગોસાબા જવા માટે હોડી જ એકમાત્ર વિકલ્પ છે. અહી પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સંચાલિત હોડીમાં એક વ્યક્તિને ગોસાબા સુધી લઈ જવાનો દર આંઠ રૂપિયા છે. જોકે સગવડ હોય તો પ્રાઇવેટ બોટ પણ બુક કરી શકાય.
ગોસાબા : ગેટવે ઑફ સુંદરવન !
ગોસાબા ઉતર્યા બાદ ત્યાંથી બુક કરેલી રિસોર્ટ સુધી પહોંચવા માટે ટુક ટુક નામની ઇલેક્ટ્રિક રિક્ષા સુવિધાજનક વિકલ્પ છે. આ રિક્ષામાં એક સાથે પાંચ લોકો સમાય છે અને તેમાં સમાન રાખવા માટેની પણ જગ્યા હોય છે. ગોસાબા ફેરી ઘાટથી આમારી રિસોર્ટ વિસેક મિનિટના અંતરે હતો. જ્યાં સુધી પહોંચવા માટે સિમેન્ટના બનેલા સાંકળા રસ્તા પરથી અમારી રિક્ષા પસાર થઈ રહી હતી. ગોસાબા ટાપુ પર ચોખાની ખેતી અને માછીમારી મુખ્ય વ્યવસાય છે. જે ઉપરાંત અહી વસતા લોકોના રોજિંદા ખોરાકમાં પણ આ બંને વસ્તુ મુખ્ય છે. જે માટે અહીંના ગામડાઓમાં દરેક ઘરની આગળ નાનકડું તળાવ જોવા મળે છે. આ તળાવમાં પેદા થતી માછલી ઘરમાલિકનું પેટ ભરવા માટે પૂરતી હોય છે. સાથે જ એ તળાવનું પાણી ચોખાની ખેતી અને નાહવા માટે વપરાશમાં લેવામાં આવે છે. તેની સાથે ત્યાંના લોકો તળાવની કિનારીએ શાકભાજી પણ ઉગાડે છે. જેથી કરીને જીવન જરૂરિયાત પૂરતું ભોજન ત્યાંનું ત્યાં જ મળી રહે.
ગોસાબા ટાપુ જિલ્લા મથક હોવાથી દર શનિવારે સવારમાં ત્યાં હાટ યોજવામાં આવે છે. જેમાં આસપાસના ગામમાંથી ચોખા, શાકભાજી, માછલી, કરચલા, મધ, પાલતુ પ્રાણીઓ વગેરેની આપ લે કરવામાં આવે છે. જેમની પાસે વિશાળ જમીન હોય તેમના ખેતરમાં ઉગતા ચોખા પણ તેઓ અહી વેચી શકે છે.
નારિયળ તોડવાનો ક્રેશ કોર્સ !
અમે કલકત્તાથી નીકળ્યા પછી રસ્તામાં એક જગ્યાએ ચા નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. ત્યાં બધાને ચા પીવી ન હતી. તેવામાં કેટલાક જણાની બાજુની દુકાને બહાર મૂકેલા નારિયળ પર નજર પડી. બપોરનો સમય હતો અને ગરમીનું પ્રમાણ પણ વધુ હતું એટલે અમે નક્કી કર્યું કે જેને ચા પીવામાં રસ ન હોય તે જઈને નારિયળ પીવે. સુંદરવનમાં ઉગતા નારિયળ આપણે ત્યાં જોવા મળતા નારિયળ કરતા આકારમાં ઘણા મોટા હોય છે. અમે ઉત્સાહ પૂર્વક નારિયળ વાળાને ત્યાં પોહચ્યા ત્યાં ખબર પડી કે દુકાન વાળા બેનને હિન્દી બોલતા નથી ફાવતું. એટલે અમે અમારી સાથે રહેલા એક ભાઈને બોલાવ્યા, જે મલ્ટી લેન્ગવેજ ક્ષેત્રમાં કાર્યરત હોવાથી તેમને બંગાળી ભાષા આવડતી હતી. તેમણે પેલા બેનને બંગાળીમાં કહ્યું કે નારિયળ પાણી પીવું છે, બદલામાં પેલા બેને જવાબ આપ્યો કે નારિયળ તો આ રહ્યા પણ તેને તોડી આપવા વાળુ કોઈ હાજર નથી. તમને ફાવે તો જાતે નારિયળ તોડી પાણી પી લ્યો.
અમે રિસોર્ટ પોહચ્યા ત્યાં સુધીમાં બપોર થઈ ચૂકી હતી. સાંજે અમારે બોટ રાઇડ અને સૂર્યાસ્તની મજા લેવા નદીમાં જવાનું હતું. બપોરનું ભોજન લઇ અમે બધાએ થોડી વાર આરામ કર્યો. ભારતમાં પૂર્વ છેડે આવેલું હોવાથી સુંદરવનમાં સાંજ વેહલી પડી જાય છે. આપણે ત્યાં ગુજરાતમાં શિયાળા દરમિયાન 6 વાગા પછી અંધારું ઘેરાવાનું શરૂ થાય છે જ્યારે સુંદરવનમાં સાંજ પાંચ વાગે પડે છે. અહી સાડા પાંચ વાગ્યા સુધીમાં તો રાત જેવું અંધારું થઈ જાય છે. માટે અમને સૂચના આપવામાં આવી હતી કે ચાર વાગે સૌ કોઈ જેટ્ટી પર આવી જજો બાકી સૂર્યાસ્તની સુંદરતાનો નજારો ચૂકી જશો ! અમારી રિસોર્ટની બહાર નીકળતા પાસે જ ડંકી ફેરી ઘાટ આવેલો હતો. જ્યાંથી અમારે સામેની તરફ એટલે કે સુંદરવનની સરહદ નજીક આંટો મારવા જવાનું હતું.