ગોવામાં ગરબડ -9 – ‘માંડોવી એક્સપ્રેસ’ વગર ગોવા પ્રવાસ અધુરો ગણવો જોઈએ?

ગોવા રખડપટ્ટી પાછળ અમારો ઈરાદો માત્ર ગોવાના દરિયાકાંઠા-ચર્ચ-કિલ્લા જોવાનો ન હતો. એ ઉપરાંત કોંકણ પ્રદેશ પણ અમારે પગતળે કરવો હતો. એટલા માટે આવતાં-જતાં રેલવે સફર પસંદ કરી હતી. મુંબઈ-ગોવા વચ્ચે ઘણી ટ્રેન ચાલે છે, પણ એમાં માંડોવી એક્સપ્રેસ, નેત્રાવતી, કોંકણ કન્યા, દાદર-મડગાંવ પેસેન્જર.. વગેરે ટ્રેનો પ્રખ્યાત છે અને મુસાફરોમાં લોકપ્રિય પણ છે.

સવારે નવેક વાગ્યે કરમાલી પહોંચ્યા ત્યારે થોડા મુસાફરો ટ્રેનની રાહ જોતા હતા. થોડી વારે માંડોવી એક્સપ્રેસ આવી, અમે અમારા ડબ્બામાં ચડ્યાં. ટ્રેન સમયસર હતી, સાફ હતી, સુંદર હતી એટલે પ્રવાસની શરૃઆત જ આનંદદાયક રીતે થઈ. પણ અમને ખબર ન હતી કે આગળ વધશે એમ આનંદનું પ્રમાણ પણ ઊંચુ જશે!

થોડી વાર થઈ ત્યાં ચા-કોફી-પાણી વગેરે વેચનારા ટ્રેનના જ સ્ટાફરો આવવા લાગ્યા. આ ટ્રેન સવારના નવથી સાંજના નવ સુધી એટલે કે 12-13 કલાક ચાલે છે. એ દરમિયાન મુસાફરોની સગવડતા સચવાઈ રહે એટલે એક ભાઈ ઓશિકા લઈને ડબ્બા ફરી વળ્યા. દસ રૃપિયા આપીને આખો દિવસ ઓશિકું ભાડે મળતું હતું. અમે બધાએ જોકે ઓશિકામાં રસ ન દાખવ્યો. આપણે શું કરવા એમ માનીને..

પેન્ટ્રી પછી જ અમારો ડબ્બો હતો, જાતભાતની સુગંધ પ્રસરી રહી હતી. પ્રોફેસર અને તુષાર જેવા રસોઈકળાના જાણકારો સુગંધ શેની હોઈ શકે તેનો અંદાજ લગાવી રહ્યા હતા. અંદાજની આગેકૂચ ચાલે એ પહેલા જ ફેરિયાભાઈ કંઈક લઈને વેચવા આવી પડ્યા. એ પ્રખ્યાત વડા-પાંઉ હતા. નાસ્તો બાકી હતો એટલે બધાએ પોતાની જરૃર પ્રમાણે વડા-પાંવ સેવન શરૃ કર્યું.

વિશાલ નવા શરૃ કરેલા પોતાના મેડિકલ-મેડિસિન બિઝનેસની વાતો કરતો હતો. કઈ રીતે દવા બને, કઈ દવા પ્રતિબંધિત હોય, શા માટે હોય, દવા કંપનીઓની સ્પર્ધા કેવી હોય.. વગેરે અંદરૃની જાણકારી ઠાલવતો હતો. જતી વખતની ટ્રેન એસી હતી, આવતી વખતની એસી ન હતી, એટલે બહારના દૃશ્યો જોવા સાથે વાતાવરણનો અનુભવ પણ થતો હતો. પ્રોફેસર એ બધું જોઈને મારિયો મિરાન્ડા હોય તો કેવાં ચિત્રો બનાવે તેની કલ્પના કરતાં હતા.

થોડી વાર થઈ ત્યાં બફ-વડા અને સેન્ડવિચ જેવી સામગ્રી વેચવા આવી. અમે એ પણ થોડું થોડું ટેસ્ટ કર્યું. પ્રવાસમાં એક સાથે પેટભર ખાવા કરતાં થોડા-થોડા સમયે થોડું થોડું ખાધા કરવું વધારે લાભદાયી સાબિત થતું હોય છે. અમને તો એ પ્રથા માફક આવતી હતી.

જતી વખતે આવી હતી એવી જ અનેક ટનલો આ વખતે પણ આવતી હતી. કોંકણ રેલવેના સર્વત્ર વખાણ થાય છે, તેની ના નથી. સફારીએ પણ એકથી વધુ વખત કોંકણના અદભૂત એન્જિનયિરિંગ અને બાહ્ય સૌંદર્ય વિશે લેખ પ્રગટ કર્યા છે. પરંતુ આ રીતે વખાણ કરવામાં ઘણી વખત કેટલીક પ્રેક્ટિકલ અને પ્રાથમિક વિગતો ચૂકાઈ જતી હોય છે.

આમેય અંગ્રેજી પ્રવાસ વર્ણનોમાં તો જે-તે સ્થળ જાણે સ્વર્ગની બહાર જ છે, એવુ ભવ્ય વર્ણન કર્યું હોય. એમાં ઘણી વખત ઉપયોગી માહિતી ચૂકાઈ જતી હોય છે અથવા એવી માહિતી આપવી એ લખનારાઓને જરૃરી નથી લાગતી હોતી. જેમ કે ટ્રેન ટનલમાંથી પસાર થાય અને લાંબી ટનલ હોય તો ઘૂમાડાનો પ્રશ્ન ઉભો થાય.

ટ્રેનનું એન્જીન ધૂમાડા કાઢતું હોય એ ધૂમાડો ટનલમાંથી ક્યાં જાય? ટ્રેન આગળ વધે એમ ધૂમાડો પાછળ આવે અને પ્રવાસીઓના ડબ્બામાં ઘૂસી જાય. જતી વખતે પેક ડબ્બો હતો, એમાં ઘૂમાડો આવતો ન હતો. આ વખતે આવતો હતો, જેની વિગત કોઈ કોંકણ વર્ણનમાં લખેલી ન હતી. ટનલ લાંબી હોય ત્યારે ધૂમાડો મુશ્કેલી સર્જતો હતો. એ શ્વાસમાં જાય, માથુ દુઃખે, અકળામણ થાય વગેરે જેવી તકલીફની તૈયારી અમારી ન હતી, પણ તોય સામનો કરવો પડ્યો.

એટલે કોંકણનું સૌંદર્ય દર્શન કરવું હોય તો શક્ય હોય ત્યાં સુધી એસી ડબ્બો પસંદ કરવો, બાકી થોડો-ઘણો ઘૂમાડો ખાવાની તૈયારી રાખવી. ઘૂમાડો ખાઈ લીધો ત્યાં વળી વધુ કેટલીક વાનગીઓ બનીને આવવા લાગી. પછી તો વેન્ડર પણ સમજી ગયા હતા કે આ લોકો ખાઉધરા છે. માટે દરેક વખતે અમારી પાસે આવીને ઉભા રહેતા, પ્રોફેસરને તો ચાખવા પણ આપતા હતા. એ પછી તેમને પાંચ-સાત પ્લેટનો જથ્થાબંધ ઓર્ડર પણ મળતો હતો.

દરેક વાનગી એકદમ ટેસ્ટી હતી. પ્રોફેસર અને વિશાલ તપાસમાં નીકળ્યા. પેન્ટ્રીમાં ગયા તો ખબર પડી કે અહુજા કેટરિંગ સર્વિસને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. એ બધી વાનગી અતી ઉત્તમ રીતે બનાવી જાણે છે. એનાથી પણ વધુ સારી રીતે વેચી જાણે છે. કટલસે આવી અને એ તો એટલી બધી ભાવી કે વિશાલ-પ્રોફસરે કટલેસ પોતાના ઘર માટે લઈ જવા જથ્થામાં ઓર્ડર આપવા ફરીથી પેન્ટ્રીની મુલાકાત લીધી. પાછળથી તપાસ કરી તો ખબર પડી કે આ રેલવે Mandovi Express (10103/10104) કોંકણ પંથકની ફૂડ કિંગ કે ક્વિન ગણાય છે. એ એમ જ નથી ગણાતી, ખરેખર ફૂડ તો અદ્ભૂત જ છે. 

સાંજ પડ્યે મુંબઈ પહોંચ્યા ત્યાં સુધી અમે અડધો ડઝન પ્રકારની વિવિધ વાનગી ખાઈ ચૂક્યા હતા અને દરેક મજેદારા હતી. માટે સ્વાદ શોખીનો આ ટ્રેનમાં સફર કરે એવી ખાસ ભલામણ છે. મુંબઈ પહોંચ્યા પછી ટ્રેન બદલીને અમદાવાદ તરફ રવાના થયા. એ સાથે ગોવા પ્રવાસ પૂરો થયો.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “ગોવામાં ગરબડ -9 – ‘માંડોવી એક્સપ્રેસ’ વગર ગોવા પ્રવાસ અધુરો ગણવો જોઈએ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *