

‘ડેથ હોલ…’ એવી સૂચના લખેલું બોર્ડ હતું. ઉપર છતમાં એક ચોરસ કાણું હતું. અમે તો કંઈ અસ્ત્ર-શસ્ત્રના નિષ્ણાત ન હતા એટલે પહેલી નજરે ખબર ન પડી. મનમાં વિચાર આવ્યો કે કહેના ક્યા ચાહતે હો, આસાન ભાષામેં કહો..
અહીં કોઈ ગાઈડ-બાઈડ ઉપલ્બધ ન હતા. બોર્ડની નીચે સૂચના લખી હતી એ વાંચી તો સમજાયુ કે કોઈ ઘૂસણખોર દરવાજેથી ઘૂસે તો તેના માથેથી આફત વરસે એ માટ હોલ બનાવાયો હતો. ઉપરના માળે ચોકીદાર-સૈનિક હાજર હોય જે ઘૂસણખોર પર હુમલો કરે, ગરમાગરમ તેલ રેડે. દુશ્મન ઘૂસણખોરી કરે ત્યારે માનવાધિકારની ચિંતા કરવા બેસે તો ગઢ સાચવી ન શકાય. એટલે તેલ પણ રેડી દેવું પડે.

કિલ્લેદારો પાસે એ જમાનામાં દૂરની દૃષ્ટિ હતી, આજની જેમ આડેધડ બાંધકામ થતા ન હતા. કિલ્લામાં પ્રવેશતા જ આવી જાણકારીથી અમને આનંદ થયો. અમે આગળ વધ્યા. બાજુમાં એક કેદખાનું હતુ, જેમાં શસ્ત્રો અને જરૃર પડ્યે ગુનેગારોને પુરી દેવામાં આવતા હતા.
ઉપરના માળે એક વિશાળ ખંડ હતો. તેની બન્ને દીવાલોએ પોસ્ટર, ફોટા લગાવેલા હતા. કિલ્લાની માહિતી, ગોવાનો ઈતિહાસ તેમાં રજૂ થતો હતો. ગોવાનો રસ્તો કોણે શોધ્યો, કોણ ગવર્નર હતા, કોણ ત્રાસ વર્તાવતું હતુ, કોણે ગોવાના મુક્તિસંગ્રામમાં શહાદત વહોરી વગેરે..

એક રસપ્રદ માહિતી પર તુષારે ધ્યાન દોર્યું – ગોવામાં જ્યારે સૈનિકોની જરૃર પડી ત્યારે પોર્ટુગિઝ ગવર્નરોએ આફ્રિકાના દેશોમાંથી લોકોને આયાત કર્યા, કેમ કે આફ્રિકાના ઘણા દેશો પણ પોર્ટુગિઝોની કોલોની હતા. પરંતુ ત્યાંથી આવનારા લોકોને એમ કહેવામાં આવતુ હતું કે ગોવા તો ખુબ મોટો દેશ છે અને તેની બાજુમાં ઈન્ડિયા નામનો નાનકડો દેશ છે. એ માટે તેને મોટું ગોવા, નાનું ઈન્ડિયા એવો નકશો પણ બતાવવામાં આવતો હતો. જેથી ત્યાંથી સૈનિક તરીકે આવેલા આદિવાસીઓને એમ લાગે કે આપણે કોઈક મોટા દેશ માટો લોહી રેડી રહ્યાં છીએ.

ઊંચા-નીંચા ઢાળ, બે-પાંચ બાંધકામ અને થોડીક તોપ સિવાય આ કિલ્લામાં બીજું કશું નથી. કશું નહીં એટલે પીવાનું પાણી પણ નથી. અમે પૂછ્યુ તો કહ્યું કે નીચે વેચાતું મળે છે, બાકી પીવા-બીવાનું પાણી નથી, બીજું કંઈક પીવા જોઈએ તો મળશે.. એ વખતે યાદ આવે કે
કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન
થાજે મારો મેમાન, તને શરગ ભુલાવું શામળા
સોરઠના કોઈ ગામે પાણીનું પૂછો તો હજુય જમવા રોકી દે, અહીં ગોવામાં પૂછો તોય પાણી મળતું ન હતું, ખરીદવું જ પડે. પરદેશમાં પણ એવી વ્યવસ્થા છે. એ ફરક સંસ્કૃતિનો હતો.

કિલ્લો જોઈને બહાર આવ્યા ત્યાં સુધીમાં પાંચ વાગી ગયા હતા. હવે અગોડા ફોર્ટ બંધ થઈ ગયો હોય. અમે એ કિલ્લો પડતો મુક્યો. નજીકમાં આવેલા રોકી બીચ પર પહોંચ્યા. રોકી એટલે કે રોક એટલે કે ખડકની અહીં મોટી સંખ્યામાં હાજરી છે. એ નવું આકર્ષણ છે. કાંઠો, રેતી અને પછી નાળેયિરી-તાડની હારમાળા એવા બીચ તો ઘણા છે, પણ આ બીચ પર એવું બધુ નથી, તેને બદલે નાના-મોટા રતુંમડા, કાળા કરના ખડકોનો ખડકલો છે.

એ બીચ પર ઘડીક ડાફોળિયા માર્યા પછી પરત ફર્યા, ત્યાં વળી રસ્તામાં વરસાદ શરૃ થયો. એક સ્થળે ચા પીવા અને વરસાદથી બચવા ઉભા રહ્યાં. એ હોટેલ સંચાલકે કહ્યું કે ગોવામાં તમે અમારે ત્યાં ચા પીધા પછી બીજી વખત શોધતા આવશો. ચા આવી, પીધી પછી ખબર પડી કે એમની વાત સાચી છે. ગોવામં બધે સારી ચા મળી શકતી નથી, પણ અહીં મળે છે. એ જગ્યાનું નામ નેરૃલ ઈટ સ્ટ્રીટ (NERUL EAT STREET) છે. ત્યાં બાકી તો ઘણુ-બધુ મળે છે, પરંતુ એ અમારા માટે કામનું ન હતું, ચા બેસ્ટ હતી એમાં ના નહીં.

વધુ એક બીચ પર રખડીને સાંજ પડ્યે કૈલાસ પર્બતમાં ભોજન લઈ હોટેલ પહોંચ્યા.