ભાગ-3 (બીજા ભાગની લિન્ક)
ગોવા જનારા સૌ કોઈને ત્યાંના દરિયાકાંઠા, બિયર-ડ્રિંક્સ, પાર્ટી-શાર્ટી યાદ રહ્યા હોય કે ન હોય.. પણ ટેક્સી ચાલક (જો ભાડું પોતે ચૂકવ્યું હોય તો) અચૂક યાદ રહી ગયા હશે. ગોવાના વખાણ કરતાં ન થાકતાં લોકો ટેક્સીની ગરબડ વિશે ચેતવણી આપવાનું ભૂલી જાય છે!
શેક્સપિયરના જગવિખ્યાત નાટક ‘ધ મર્ચન્ટ ઓફ વેનિસ’માં વેપારી શયલોકની લાલચ હદ વટાવે છે. પોતાના પૈસા પરત ન મળે ત્યારે એ સામેવાળાના શરીરનું માંસ કાપવા તૈયાર થાય છે. છેવટે જોકે ન્યાય થયો અને શયલોકનો લૂંટ-ફાંટ મચાવવાનો ઈરાદો બર ન આવ્યો.
શયલોક તો એક પાત્ર હતું અને આજે પણ એવા અતી લાલચી શયલોક આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમને એવા શયલોકના દર્શન ગોવાના મડગાંવ રેલવે સ્ટેશન બહાર થયા, નામ એનું ‘ગોવા ટેક્સી ચાલકો’!
ગોવામાં જનારા સૌ કોઈને અનુભવ હશે કે કુલ બજેટમાંથી અડધો-અડધ તો ટેક્સીભાડાં પાછળ જ ખર્ચાઈ જાય! દુનિયાના કોઈ રાજ્યમાં ભાગ્યે જ ટેક્સીના આવા અસાધારણ ઊંચા અને નફાખોરીની તમામ હદ વટાવે એટલા ભાડા હશે. ભલે બધા ટેક્સીચાલકો અસાધારણ દર નથી વસૂલતા તો પણ મોટા ભાગના તો એ વિષચક્રમાં શામેલ છે જ. ગોવામાં બે જિલ્લા છે, (ઘણાખરા પ્રવાસી ગોવાને શહેર માની લે છે, ગોવા રાજ્ય છે, પણ સાવ નાનું અને ગામ પાસપાસે કે એક ગામ પુરું થઈ ક્યારે બીજું શરૃ થયું તેનો તફાવત પાડવો અઘરો પડે), ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા.
બન્નેના ટેક્સી એસોસિએશન છે ને તેના આકરા (ખાસ તો પ્રવાસીઓને ભારે પડી જાય એવા આકરા) નિયમો છે. જેમ કે ઉત્તર ગોવાનો ટેક્સી ચાલક દક્ષિણ ગોવાથી મુસાફર લઈ ન શકે, ડ્રોપ કરવા આવી શકે. એવી રીતે દક્ષિણમાં પણ નિયમ લાગુ પડે. પ્રવાસી કોઈ હોટેલમાં ઉતરે તો એ હોટેલ માટે નક્કી થયેલી ટેક્સી જ તેણે કરવી પડે. સ્વાભાવિક રીતે નક્કી થયેલો અસાધારણ ભાવ ચૂકવવો પડે. ત્યાં અમને એક ગુજરાતી ટુર ઓપરેટર મળ્યાં અને તેમણે આ વાત સમજાવતાં કહ્યુ કે ખુદ આપણા ભાઈની ટેક્સી ગોવામાં ચાલતી હોય અને એ નોર્થમાં હોય તો એ પણ આપણને લેવા સાઉથમાં આવી ન શકે.
મોટી હોટેલોને પોતાની ટેક્સી છે અને આમેય ફાઈવ સ્ટાર હોટેલ્સમાં રહેતા પ્રવાસીઓને ટેક્સી ભાડાની પરવાં પણ ક્યાં હોય? એ બધી માથાકૂટ તો મિડલ ક્લાસ માટે છે. ટેક્સી એસોસિએશનની દાદાગીરીને કારણે ત્યાં ઓલા-ઉબેર ચાલતી નથી. બીજી ઓનલાઈન ટેક્સી બૂક થાય એમાં પણ એવો જવાબ મળે કે તમે અહીં (અમારા વિસ્તારમાં) હો તો અમે તમને ડ્રોપ કરી શકીએ, લેવા ન આવી શકીએ. તમારે ત્યાંથી અહીં સુધી કે ક્યાંય પણ સુધી હોટેલ સાથે સાંઠગાંઠ ધરાવતી ટેક્સી જ કરવી પડે.
અમે ઉતર્યાં મડગાંવ સ્ટેશન ત્યાંથી હોટેલ 8-9 કિલોમીટર દૂર હતી. ગુજરાતમાં ઈનોવા જેવી મોટી ગાડી હોય તો કિલોમીટર દીઠ 15 અને વધુ હોય તો 20 રૃપિયા વસુલ કરવામાં આવે છે. ગુજરાતનો આ ભાવ ભારતના બીજા ઘણા રાજ્યો કરતાં ઊંચો છે, છતાં વાજબી છે. એ હિસાબે 9 કિલોમીટરના 180 રૃપિયા થાય. ટેક્સી ચાલકને વધુ નફો મળે એટલા માટે એ ડબલ રકમ વસુલે તો પણ 360 રૃપિયા થાય. પરંતુ ગોવામાં નક્કી થયેલો ટેક્સી ભાવ 500 રૃપિયા છે.
ટેક્સી ચાલકોની અને ખાસ તો એસોસિએશનની એ નફાખોરી છે, નફો નથી. વધારે દેશી શબ્દોમાં કહીએ તો લૂંટ-મારની પ્રવૃત્તિ છે. ગોવામાં ગુનાખોરીનો દર બહુ ઓછો છે, કેમ કે તેની જરૃર નથી. ટેક્સીના ભાડા જ એ કામ પૂરું કરી આપે છે.
બેશક સૌ કોઈએ બે પૈસા કમાવવા માટે જ ધંધો હાથમાં લીધો હોય, પણ ગોવાના ટેક્સી ચાલકો બે પૈસાને બદલે બસ્સો, બે હજાર પૈસા મળે એવો ભાવ વસુલ કરે છે. ગોવામાં એમ તો પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, પરંતુ તેના સ્ટેશન સુધી પહોંચવા માટે ટેક્સી જ પકડવી પડે. સમગ્ર પ્રવાસન પ્રવૃત્તિ ટેક્સી આસપાસ જ વિંટળાયેલી છે.
એવુ નથી કે દરેક વ્યક્તિને ગોવાનો આ આકરો ભાવ નડે છે. જે લોકો પેકેજ ટૂરમાં જાય એમને આટલો ઊંચો દર ચૂકવવો નથી પડતો કેમ કે પહેલેથી ગોઠવાયેલું હોય. બાકી સોલો પ્રવાસી કે ગ્રૂપમાં રખડનારાને તો 500થી લઈને 5000 સુધીનો ટેક્સી દર ચૂકવવાનો રહે જ.
બીજી સમસ્યા ટેક્સી ચાલકોની અણ-આવડત (નોન પ્રોફેશનાલિઝમ)ની છે. વર્ષોથી ટેક્સી ચલાવતા હોય એવા કાકા ડ્રાઈવરોને સરનામાં ખબર હોતી નથી. જીપીએસ એમની પાસે હોય નહીં, એ આપણા મોબાઈલમાં ચાલુ કરાવી રસ્તો પૂછ્યા કરે. વળી કંઈ પૂછીએ તો જવાબ આપવો હોય એટલો અને આપવો હોય એવો આપે. સ્વભાવના અતડાં અને ઘણા ડ્રાઈવર તો હિન્દી પણ ન સમજે. અમારી સાથે તો ઠીક અંગ્રેજી જાણનારા પ્રોફેસર ઈશાન અને વિવિધ ભાષા જાણનારા તુષાર જેવા મિત્રો હતા. બાકી મુશ્કેલી થઈ શકે.. તમે કંઈક કહો અને એ કંઈક સમજે.
સામાન્ય રીતે જે સ્થળનો બિઝનેસ પ્રવાસન પર ચાલતો હોય ત્યાંના હોટેલિયર, ટેક્સી ચાલકો વગેરે પ્રવાસીઓને સંતોષ થાય એવી રીતે નમ્રતા સાથે વર્તન કરવાનું પસંદ કરતા હોય છે. ગોવાના ટેક્સી ચાલકો એવું કશું કરતાં નથી. એ ગાડી ઉપાડે પછી ઉતરવાનું આવે ત્યાં સુધીમાં ભાગ્યે જ કંઈ બોલે. હા, તમે બિઝનેસનું પૂછો તો તુરંત ભાવ-પત્રક પકડાવી દે જેમાં લખ્યું હોય કે ફલાણે-ઢીંકણે જવાનો ચાર્જ આટલો છે.
ગોવાના ટેક્સી ચાલકો હળતાં-ભળતાં-મળતાવળાં નથી કેમ કે એમને ખબર છે કે પ્રવાસીઓને અમારી જરૃર છે, અમારે પ્રવાસીઓની નહીં. અમે ગોવામાં સાડા ત્રણ દિવસ ફર્યા અને એ દરમિયાન અડધો ડઝન અલગ અલગ ટેક્સીમાં મુસાફરી કરી. એ દરમિયાન અવલોકનમાંથી આટલી વાત સામે આવી.
ગોવા જતાં પહેલા ઈન્ટરનેટ પર ઘણુ વાંચ્યુ હતુ. પરંતું બ્લોગ-વેબમાં પ્રવાસ વર્ણનો લખતા લોકો ટેક્સીની આ ગરબડ વિશે લખતા નથી અથવા તો બહુ ઓછું લખે છે. એટલે ત્યાં જનારા પ્રવાસીઓને શું જોવુ, ક્યાં ફરવું એ બધી માહિતી હોય તો પણ ટેક્સીની ગરબડની જાણકારી નથી હોતી. અમને અગાઉ જનારા મિત્રોએ ટેક્સી-તાંડવ અંગે ચેતવણી આપી હતી, પરંતુ ત્યાં જનારા લોકોને ટેક્સી વગર ચાલતું નથી. માટે ચેતવણી-બેતવણી કામ લાગતી નથી.
પ્રવાસીઓને ટેક્સીથી બીજું કોઈ નુકસાન નથી, કોઈ ભય નથી, પરંતુ તેમના ભાવ જ ભયભીત કરી દે એવા છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર બહુ ભણેલા છે અને વહિવટી રીતે સક્ષમ છે. હશે, પણ તેમનાથી વર્ષોથી ચાલ્યો આવતો આ ટેક્સી આતંક કાબુમાં આવી શક્યો નથી. રાજકારણીઓમાં એ ત્રેવડ પણ નથી.
આખા દેશમાં સરેરાશ ટેક્સીનો ભાવ હોય તેનાથી ડબલ-ત્રણગણો અને અમુક કિસ્સામાં પાંચગણો ભાવ અહીં લેવાય છે. અમે તો પહેલી વખત ગોવા ગયા અને આ જાણકારી મળી. પરંતુ તપાસ કરી તો ખબર પડી કે ગોવાની આ ગરબડ મુદ્દે અનેક દેશી-પરદેશી પ્રવાસીઓએ નારાજગી-ફરિયાદ વ્યક્ત કરી છે. સરકારે એમાં ખાસ ધ્યાન આપ્યું નથી, આપી શકે એમ નથી.
બધા ટેક્સી ચાલકોને આ ઊઘાડી લૂંટ પસંદ નથી. કેટલાકનો અંતરઆત્મા હજુય સાબુત છે. એ વિરોધ કરવા જાય કે પોતાની રીતે ઓછું ભાડુ લે તો તેમની ધોલાઈ થાય, ટેક્સી સાથે તોડફોડ થાય એવા ગોવામાં અમે ટેક્સીમાંથી ઉતરીને હોટેલ પર પહોંચ્યા. ટેક્સીની ગરબડને બાજુ પર રાખી અમે ગોવાને માણવામાં ધ્યાન આપ્યું. કેમ કે માણવા જેવુંય ઘણુ છે.
એની વાત નેક્સ્ટ એપિસોડમાં.. આ રહી તેની લિન્ક