ગોવા જવું પણ વાયા કોંકણ થઈને… જેથી જગવિખ્યાત કોંકણ રેલવેની કમાલ જોઈ શકાય અને કોંકણ પ્રદેશના સૌંદર્યનું પાન પણ થઈ શકે. એટલે ગોવા જવા માટે ટ્રેન સફર પસંદ કરી હતી. એટલે અમે ટ્રેન સમયે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા.
23 જુલાઈ, 2018
ગાંધીધામથી શરૃ થઈને દક્ષિણમા છેક તિરૃનેલવેલી પહોંચતી ટ્રેન અમે પસંદ કરી હતી. કેમ કે એ ટ્રેન હજુ જુલાઈમાં જ શરૃ થઈ હતી. ડિસેમ્બર 2016થી રેલવે તંત્રએ લાંબા અંતરની આખેઆખી થર્ડ એસી ટ્રેન શરૃ કરી છે. આ ગાડીને હમસફર એક્સપ્રેસ નામ આપવામાં આવ્યુ છે. એ સિરિઝમાં લેટેસ્ટ શરૃ થયેલી ટ્રેન ગાંધીધીમ-તિનરૃનેલવેલી હમસફર એક્સપ્રેસ (19423/19424) છે. કુલ મળીને 22 ટ્રેન વિવિધ સ્ટેશનો વચ્ચે ચાલે છે.
અમે (અમે એટલે ઈશાન, વિશાલ, તુષાર, મીના, ધ્યાની અને હું) પણ એ નવી ટ્રેન પસંદ કરી હતી. ગાંધીધામથી રવાના થયા પછી સાંજે 7-10 વાગ્યે એ ટ્રેન અમદાવાદ પહોંચવાની હતી. પરંતુ એકેય બોર્ડ પર એની સૂચના દેખાતી ન હતી. ટ્રેન ગાંધીધામથી રવાના થઈ ગઈ હતી, સમયસર હતી અને સીધી અમદાવાદ જ રોકાવાની હતી. પરંતુ અહીં ક્યા પ્લેટફોર્મ પર આવે એ ખબર ન પડે ત્યાં સુધી ગરબડ ચાલ્યા કરે.
સાત વાગ્યાં ત્યાં એનાઉન્સમેન્ટ સંભળાયુ.. ટ્રેન 5 નંબરના પ્લેટફોર્મ પર આવવાની હતી. હસમફર એક્સપ્રેસ તેના વિશિષ્ટ દૂધિયા અને આછા દૂધિયા કલરથી ઓળખાઈ જાય છે. એ ટ્રેન જ આવી રહી હતી અને સમય કરતાં પાંચ-સાત મિનિટ વહેલી હતી. ભારતમાં ટ્રેન મોડી હોઈ શકે, આ વહેલી હતી. અમને અચરજ થયું, આનંદ પણ થયો.
ટ્રેન નવી હતી એટલે પ્રોફેસર-વિશાલ વગેરે મિત્રો તેની સાથે પહેલા તો ફોટોસેશનમાં પડ્યા. બાકીના સામાન લઈને અંદર ગોઠવાયા. ટ્રેન સાવ નવી હતી. ભારતીય રેલવેમાં વર્ષોથી આઈસીએફ (ઈન્ટેગ્રલ કોચ ફેક્ટરી) કહેવાતા ડબ્બા વપરાય છે. આપણે મોટા ભાગની ટ્રેનમાં જોઈએ એ બ્લુ કલરના.. હવેની નવી ટ્રોનમાં સુરક્ષાની દૃષ્ટિએ વધુ મહત્વના એલએચબી (લિંક હોફમેન બુશ) કોચ વપરાતા થયા છે. દેખાવમાં જરા નાજુક, આકર્ષક અને વધુ મજબૂત. દરેક હમસફર આવા કોચની જ બનેલી હોય છે.
અમે પણ એક એલએચબીમાં ગોઠવાયા. ડબ્બાનું ઈન્ટિરિયર આકર્ષક હતું. દરેક સિટ-કમ્પાર્ટમેન્ટનો પોતાનો પડદો, આખી થર્ડ એસી એટલે બારી ખોલ-બંધનો કોઈ સવાલ નહીં. રેલવેના વેન્ડર સિવાય બીજું કોઈ ઘૂસે નહીં એટલે સલામતીનો પણ પ્રશ્ન ઘણે અંશે હલ થઈ જાય. મોટી બારીઓને કારણે બહારના દૃશ્ય સ્પષ્ટ દેખાય.
દરેક કોચના બન્ને છેડે એક એક એલઈડી સ્ક્રીન લગાડેલા હતા. એમાં ક્યારેક કોઈ સૂચના ચમકતી હતી કે હવેનું સ્ટેશન સુરત છે. આ ગાડી બધે ઉભતી નથી. ગાંધીધામથી શરૃ કરીને 2400 કિલોમીટર દૂર તિરૃનેલવેલી સુધીમાં 14 જગ્યાએ જ રોકાય છે. જોકે સ્ક્રીન પર બીજી ખાસ માહિતી આવતી ન હતી, મોટા ભાગના સમયે તો વેલકમ ટુ ઈન્ડિયન રેલવે એવું લખેલું ચમકતું હતુ. ડબ્બાના દરેક છેડે સીસીટીવી કેમેરા પણ હતાં.
પ્રોફેસરને અગાઉ એક ભંગાર ટ્રેન (અમદાવાદ જમ્મુતાવી) ભટકાઈ ગઈ હતી, જેમાં ચાર્જિંગ પોઈન્ટની અછત હતી. એટલે આ ટ્રેન વિશે તેઓ સાશંક હતા. પણ અંદર એવી બધી સગવડની કમી ન હતી, માટે ચાર્જિંગની જરૃર ન હતી, એ લોકો પણ પોતાના મોબાઈલ પ્લગ કરીને બેસી ગયા હતા.
ટ્રેનમાં પેન્ટ્રી કાર હતી, એટલે ખાવાની સામગ્રી પણ ઉપલબ્ધ હતી. જોકે દૂધ જેવી સામાન્ય જરૃરિયાતની ચીજ ઉપલબ્ધ ન હતી. ટ્રેનના ઘણા ડબ્બા એમ જ ખાલી હતા. અમે સાથે લીધેલું પાત્રાનું ભોજન આરોગી, થોડી વાર ગપાટા મારી નવી બનેલી આરામદાયક બર્થ પર લાંબો વાંસો કર્યો. કેમ કે વહેલી સવારથી કોંકણ પ્રદેશ શરૃ થાય એ સાથે સહાદ્રિના સોંદર્યના દર્શન પણ થવાના હતા.