અમારો Dubai/દુબઈનો શૂટિંગ-સફર અનુભવ

થોડા વખત પહેલા એક એડ કેમ્પેઇનના શૂટિંગ માટે Dubai જવાનું થયું. એક ગુજરાતી ડિરેક્ટર તરીકે દુનિયાના વિવિધ ખૂણેથી આવેલી ટીમ સાથે શૂટિંગનો અનુભવ કેવો રહ્યો, એ રજૂ કરવા અહીં પ્રયાસ કર્યો છે.

– હારિતઋષિ પુરોહિત

કટ ટૂ દુબઇ

મને શૂટિંગની નવાઈ ન હતી. દુબઇ પણ મારા માટે નવું ન હતું. પણ દુબઈમાં શૂટિંગ એ પણ વિપરીત સંજોગોમાં કે એટલે કે કોરોનાકાળમાં કરવું એ પડકારજનક હતું. જેમનો પ્રોજેક્ટ હતોકંપનીના ટેક્નોસેવી પ્રોજેક્ટ હેડ કંદર્પભાઇ સાથે Concept  અને Scriptની ચર્ચા ફોનથી જ થઇ. અગાઉ દુબઇ ગયેલો ત્યારે ચાય પે ચર્ચા કરેલી અને ક્યારેક ફેસબુક પર કોમેન્ટની જુગલબંદી થઇ રહેતી. એટલે એમના ટાર્ગેટ ગ્રૂપને એચિવ કરવા અમારી ફ્રિક્વન્સી મેચ એકદમ ફટાફટ મેચ થઈ ગઈ. જોકે અમારી ફ્રિક્વન્સી મેચનું કારણ ચા કરતાંય “અંદાઝ અપના અપના ” નો અમારો અમર પ્રેમ વધુ જવાબદાર છે.

શૂટિંગ અને સફરનો સંગમ રજૂ કરતો નાનકડો વીડિયો આ લિન્ક પર..

પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ ડો.શૈલેષ ઉપાધ્યાય કે જે ડૉક્ટર તરીકે જેટલા વ્યસ્ત છે તેટલા જ દુબઈમાં Drama અને ફિલ્મોમાં વ્યસ્ત રહે છે. તેમની સાથે ઓનલાઇન મીટિંગમાં જ પરિચય થયો અને તેમનો બહોળો અનુભવ અમને બહુ જ કામ લાગ્યો. પ્રોડકશન ટીમની પસંદગી કરી. પણ હવે ઓનલાઇનથી ચાલે એમ નહોતું. ઓફલાઈન એટલે કે એ દુબઇ જઈને જ શૂટિંગ શિડ્યુલ થાય એમ હતું કારણ કે કંપનીની ટાઈમ-લાઈન મુજબ એક મહિનામાં જ કેમ્પેઇન તૈયાર કરવાની  હતી. હનુમાન ચાલીસા ગણગણતા, પીપીઈ કીટ પહેરીને અમદાવાદ – દુબઈની ફ્લાઇટ એ મારી અત્યાર સુધીની સૌથી કંટાળાજનક સફર હતી. દુબઇ એરપોર્ટ પર હવે શું થશે? વિચારમગ્ન  હાલતમાં ક્યુમાં ઉભો હતો અને ત્યાંજ બૂમ પડી! જોયું તો મારો વારો આવી ગયો હતો ફરીથી કોરોના ટેસ્ટ કરીને બહાર નીકળવાનો.

દુબઈમાં શૂટિંગના નિયમો

અચ્છા, ભારતમાં શૂટિંગ કરવા માટે તમે જાહેર જગ્યાએ શૂટ કરતા હો તો જ પરમિશન લેવી પડે પણ દુબઈમાં યે મુમકીન નહિ. પહેલા તો તમારે તમે સ્ક્રિપ્ટને અરબી ભાષામાં ટ્રાન્સલેટ કરી એપ્રુવ કરાવવાની, લોકેશન ક્યાં ઝોનમાં આવે છે (કોરોના કેટલા પ્રમાણમાં છે એ મુજબ) એ પરમિશન લેવાની. એ પરમિશન લોકેશન પસંદ કરો તેને દેખાડવાની અને હા જો તે કોઈ પ્રાઇવેટ સોસાયટી હોય (કે જેને ત્યાં કોમ્યુનિટી કહે) તેની પરમિશન લેવાની અને આ બધા હા પાડે તો જ શૂટ કરવાની છૂટ.

કેવા પ્રકારની એડ હોઈ શકે તેની ઝલક આપતો વીડિયો આ લિન્કમાં છે..

બાય ઘી વે, દુબઈમાં લોકેશન ભારતના લોકેશન કરતા ત્રણથી  ચાર ગણા મોંઘા છે.  નોર્મલ ટાઈમમાં પણ આ બધી પ્રોસેસમાં દસ-પંદર દિવસો થાય પણ અમે તો એક વીકમાં જ શૂટ કરવાનું નક્કી કર્યું હતું. તારીખ ફિક્સ કરીને પછી કાસ્ટિંગ, કોસ્ચ્યુમ નક્કી કરવાનું કર્યું. પ્રોડકશન ટીમના કે.સી. ચૌધરી અને શ્વેતલાના એ કડી મહેનતથી ફક્ત બે જ દિવસમાં પરમિશન લાવી આપી. બોલો, એને કહેવાય તારીખનું માન રાખ્યું. હવે, પરમિશન તો મળી જાય પણ ત્યાં કરવાનું શું?

દુબઈમાં જોઈએ એવા કલાકારો મળી રહેશે?

ઘણા લોકોના દિમાગમાં એવું હોય છે કે ડિરેક્ટરને તો બધા જ એક્ટરો ઓળખતા હોય અથવા તો મને ચાન્સ આપોને હું હમણાં સુપર ફાસ્ટ એકટિંગ કરીને દેખાડું… પણ કેમેરો ચાલુ થાય એટલે પોતાનું નામ પણ ભૂલી જતા હોય છે તો કેરેક્ટર તો કેમ પ્લે કરે? સ્ક્રિપ્ટની ડિમાન્ડ મુજબ કોઈ એક્ટર એ રોલને ન્યાય આપી શકશે કે નહિ તેની મૂંઝવણ પણ દરેક ડિરેક્ટરને હોય છે એટલે જ સારી કાસ્ટિંગ એજન્સીની કે કાસ્ટિંગ ડિરેક્ટર મહત્વના પુરવાર થાય છે.

અમે પણ દુબઇ સ્થિત કાસ્ટિંગ એજન્સી સાથે ગોઠવણ કરી હતી. કારણકે મારા Concept મુજબ અમારે ફક્ત એક્ટર જ નહિ પણ સ્કિલ બેઝ એક્ટર જોઈતા હતા. જેમ કે ક્રિકેટ રમતા એક્ટરને ક્રિકેટનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. અમુક જૂના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા મ્યુઝિશિયન અમારે જોઈતા હતા. જેના માટે અમે કાસ્ટિંગ કોલ આપેલો. લગભગ 200 જેટલા આર્ટિસ્ટમાંથી સ્ક્રિપ્ટ મુજબ પરફોર્મ કરી શકે તેવા આર્ટિસ્ટની પસંદગી કરવી થોડી મુશ્કેલ હતી. એમાંયે કોઈ આરબ કે બ્રિટિશ કે ચાઇનીઝ લૂક તો જોઈએ જ સાથે-સાથે Concept મુજબની સ્કિલ પણ જોઈએ. પણ અમને એ બધા મળ્યા કારણ કે દુબઇ-ગ્લોબલ સીટી છે તે કાસ્ટિંગમાં મળેલા અનેક વિકલ્પથી જ ખબર પડી ગઈ. બીજું એ પણ કે અમારે ફક્ત દુબઈમાં હોય તેવા જ આર્ટિસ્ટ પસંદ કરવાના હતા. કારણ કે અબુધાબીથી દુબઇ આવે તેમના માટે માટે કોરોના ટેસ્ટ અનિવાર્ય હતો. ત્યાંથી શૂટિંગ માટે આવનારો કોરોના પોઝિટિવ નીકળે તો અમારા બેન્ડ-વાજાનું શું થાય? ફિલ્મ એ સૌથી ખર્ચાળ આર્ટ છે અને કોઈ એક વ્યક્તિ મોડો પડે તો તેની અસર બીજા 100 લોકોને થઇ શકે, તેથી જ કાસ્ટિંગ એજન્સી દરેક વાતની તકેદારી રાખીને કાસ્ટિંગ કરતી હોય છે. ખેર, કાસ્ટિંગ તો થઇ ગયું? હવે, કોસ્ચ્યુમનું શું? 

યે કોસ્ચ્યુમ – કોસ્ચ્યુમ ક્યા હૈ?

સામાન્યતઃ કેરેક્ટરના ગેટ-અપ માટે નવા કોસ્ચ્યુમ ડિઝાઇન થતા હોય છે અથવા તો નવા ખરીદાતા હોય છે. ક્યાં કોસ્ચ્યુમ ફિટ થશે તે સ્ક્રિપ્ટ મુજબ બરોબર લાગશે કે નહિ તે માટે ઢગલાબંધ કોસ્ચ્યુમ ટ્રાય આઉટ્સ થતા હોય છે. અમારી કોસ્ચ્યુમ ડિઝાઈનર લોરનાને (કે જે કોરિયાથી હતી) એ તો ખબર હતી કે કોને શું ફિટ થશે કે સારુ લાગશે પણ કોરોનાકાળમાં સ્ટોર્સ ટ્રાયલ પર કંટ્રોલ રાખી રહ્યા હતા. અને દુબઈમાં તો કોઈ રિસ્ક જ ન લે તો કરવું શું? અમે ફરીથી તાજનો એક મોટો રૂમ બુક કર્યો અને પસંદ કરેલા આર્ટિસ્ટને ફીટીંગ્સ માટે બોલાવ્યા. ફક્ત 48 કલાકમાં શૂટ હતું.

આર્ટિસ્ટના કપડાં, શૂઝ, એસેસરીઝ અને હા અમુકના એકદમ ટિપિકલ ડ્રેસ જેમ કે અરબના કંદુરા કે ક્રિકેટ પ્લયેરના કોસ્ચ્યુમ. એ બધાને તેણે હાઈજેક કરી લીધા. કદાચ લોરના અને તેની આસિસ્ટન્ટ 48 કલાક સુતા જ નહિ હોય. કપડાંનું ફિટિંગ, ક્યાંક સ્ટિચિંગ, પોલિશિંગ અને આર્યનીંગ કરાવવાના આ બધું તો ખરું જ સાથે-સાથે તેને ડિસઇન્ફેકટેડ પણ રાખવાના , છે ને કોસ્ચ્યુમ ડીપાર્ટમેન્ટ એક અલગ જ કામઠાણ. એમાં પણ બ્રાન્ડના કલરને મેચ થાય તેવું ટી-શર્ટ શોધવાનું કે અને  શૂટ વખતે ફાટી જાય તો બીજો ઓપ્શન રેડી રાખવાનો. આ બધું જ કરવાની સમય મર્યાદા ફક્ત 48 કલાક!

ફિલ્મની પોતાની ભાષા

અચ્છા, જેમને ફિલ્મ મેકિંગ વિશે બહુ ખબર ન હોય તેમને અત્યાર સુધીમાં એમ જ થયું હશે કે એક્ટર્સ, કોસ્ચ્યુમ, લોકેશન બધું જ તો તૈયાર હોય પછી દિગ્દર્શકને શું કરવાનું હોય ? જો ઉપમા આપવી હોય તો એ બધું પ્રિ-પ્રોડકશન ફક્ત નેટ પ્રેક્ટિસ જ ગણાય. કારણકે ગ્રાઉન્ડ ઝીરો પર આ બધા જ લોકો એક સાથે હોય અને તે બધાને સાથે રાખીને કામ કરાવવાનું. બીજું, શૂટિંગના કલાકો બહુ જ મહત્વના હોય છે. મુંબઈમાં 10 કલાકની શિફ્ટ હોય, ગુજરાતમાં 12 કલાક શૂટિંગ કરી શકો પણ દુબઈમાં? 6થી 8 કલાક. હા, એ પછી પણ કરી શકો પણ એનું એક્સ્ટ્રા બિલ બને. સમયસર શૂટિંગ આગળ ચાલે એ દિગ્દર્શક અર્થાત ડિરેક્ટરની આવડત પર નિર્ધારિત છે. અમે લોકોએ શૂટિંગ ટાઈમના બે કલાક પહેલા પહોંચીને જ સેટ અપ શરુ કરવાનું નક્કી કર્યું. મુહૂર્તના દિવસે બધાએ સમયસર પહોંચીને વિશ્વ વિક્રમ કર્યો પણ ખરી ચેલેન્જ હવે હતી. અમારી ક્રૂમાં બ્રિટિશ, અરબ, ચાઈનીઝ, લેબનીઝ, ઇન્ડિયન બધા જ હતા અને દરેકનું અંગ્રેજી ઉચ્ચારણ અલગ. 

પણ, ભાષાના સીમાડા જ્યાં પૂરા થાય ત્યાંથી ફિલ્મની ભાષા શરુ થતી હોય છે. અને અમે એ આદર્શને ચરિતાર્થ કર્યો, અમે લોકોએ જે લોકેશન નક્કી કર્યા એ પણ એકદમ ખર્ચાળ. જેમકે  તાજની અગાસી કે દુબઈનું રણ.. વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વિ. નિયમો પાળવાના. ડેઝર્ટમાં તો 45-50 ડિગ્રીની વચ્ચે કામ કરવાનું. તાજમાં ‘ચેન્નાઇ સુપર કિંગ્સ’ની ટીમ રોકાઈ હતી એટલે સુપર સિક્યોરિટીની વચ્ચે કામ કરવાનું. એક પણ નિયમ ચુકો એટલે 2-3 મિનિટમાં ‘હબીબી’ હાજર.

કોરોનાથી શૂટિંગ દરમિયાન થતી ધમાલ – મસ્તી થોડી ઝાંખી પડી છે પણ ફિલ્મ મેકીંગનો કીડો જેને પણ લાગ્યો છે એ ગમે તેવી પણ પરિસ્થિતિમાં પણ કામ કરીને જ રહેશે. ક્લાયન્ટ, આર્ટિસ્ટ, આર્ટ, કોસ્ચ્યુમ, લાઇટ્સ,કેમેરામેન, હેર – મેકઅપ દરેક ટિમ જો એક જ પેજ પર રહીને કામ કરે તો ડિરેક્ટરની દરેક ફ્રેમ સારી બનતી હોય છે. અમારી ટીમે પણ ફિલ્મ જ પરમો ધર્મ માનીને કામ કર્યું અને અમારી એ મહેનત ઇન્ટરનેશનલ એડ કેમ્પેઇનમાં આગવો રંગ બનશે તેવી મને ખાતરી છે. જે ટૂંક સમયમાં ડિજિટલ મીડિયામાં પ્રસારીત થશે અને સૌ કોઈ જોઈ શકશે.

waeaknzw

Gujarati Travel writer.

6 thoughts on “અમારો Dubai/દુબઈનો શૂટિંગ-સફર અનુભવ

  1. વાહ…હરિતભાઇ…અભિનંદન..
    ઘણા સમયથી આવું બધું જાણવાની ઉત્સુકતા હતી.
    ખરેખર સરસ વર્ણન કર્યુ છે…
    હું પણ Team member હોય તેવો એહસાસ થયો…

  2. તમે અને તમારી મહેનત ને આપણા બધાનું ટીમવર્ક હતું જેને આ અઘરો લાગતો ટાસ્ક ફિક્સ ટાઇમફ્રેમમાં easily પાર પાડ્યો. આપણી આટલા મહિનાઓ ની મહેનત અને international કોલના ચાર્જીસ એ રંગ રાખ્યો છે અને આગળ જ આમ આપણે કામ કરતા રહેશું. અંતે તમે મને વિલન તો બનાવીને જ રહ્યા, as project haed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *