ભારતમાં યુદ્ધના સ્મારક તો ઘણા છે, પરંતુ એ બધા જ સ્મારક મોટે ભાગે સૈન્યની વિવિધ પાંખો દ્વારા તૈયાર કરાયેલા છે. કેન્દ્ર સરકારે તૈયાર કર્યું હોય એવુ પહેલું સ્મારક દેશને આઝાદીના દાયકાઓ પછી 2019માં મળ્યું. એ સ્મારક દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે આવેલું નેશનલ વોર મેમોરિયલ છે. ત્યાં જવું એ દરેક ભારતીયની ફરજ છે…
નેશનલ વોર મેમોરિયલ
સરનામું – ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી
સમય – સવારના 9થી સાંજના 8 (5 વાગ્યા સુધીમાં પહોંચી જવુ હિતાવહ છે)
એન્ટ્રી ફી – નિશૂલ્ક, મુલાકાતીઓએ શહીદોને સન્માન આપવા સિવાય કશું ચૂકવવાનું નથી.
મુલાકાત માટે જરૃરી સયમ – સામાન્ય રીતે પોણી કલાકમાં સ્મારક ફરી શકાય છે.
વિસ્તાર – 40 એકર
સંપર્ક – 9319911998
વેબસાઈટ – https://nationalwarmemorial.gov.in
સ્મારક મુખ્ય બે ભાગમાં ફેલાયેલું છે. એક ભાગ પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે, જ્યારે બીજો ભાગ વિવિધ યુદ્ધમાં શહીદ થયેલા જવાંમર્દોને અંજલિ આપે છે.
25મી ફેબ્રુઆરી, 2019ના દિવસે અહીં જ્યોત શરૃ થયા પછી હવે એ અખંડ રહેશે. રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે, સ્મારકની વાર્ષિક તિથિ વગેરે દિવસે સૈન્યની ત્રણેય પાંખના વડા અને અન્ય અધિકારીઓ અહીં સલામ આપવા આવે છે. સૈન્ય જવાનો અહીં ચોવીસેય કલાક સાવધાનની ભૂમિકામાં ઉભા રહે છે.
સામાન્ય મુલાકાતીઓને ડિફેન્સના રીત-રિવાજ ખબર નથી હોતી, એમાં તેમનો વાંક નથી. પરંતુ અહીં વાંચી લીધા પછી દરેક મુલાકાતીએ સન્માનજનક વર્તન કરવું જોઈએ.
40 એકરમાં ફેલાયેલા કદાવર સ્મારકમાં ક્યાં શું જોઈ શકાય તેનો નકશો અહીં અપાયો છે. આખુ સ્મારક ચક્રાકાર ડિઝાઈને બનેલું છે. સૌથી કેન્દ્રમાં ઉભેલું સ્મારક અમર ચક્ર છે, તેની આસપાસ વીરતા ચક્ર છે, તેના પછી ત્યાગ ચક્ર છે અને સૌથી બહાર રક્ષા ચક્ર છે.
સ્મારકનું સ્થાપત્ય, ડિઝાઈન અને બાંધકામ આકર્ષક છે. છેક 1960માં ભારતીય આર્મડ ફોર્સે સરકાર સમક્ષ રાષ્ટ્રીય સ્મારકની રજૂઆત કરી હતી. એ પૂરી થતાં થતાં 2019નું વર્ષ આવી ગયું. સ્મારકનો રતાશ પડતો કલર રાજસ્થાનથી આવેલા પથ્થરોને આભારી છે.
ભારતના રાષ્ટ્રધ્વજ સાથે ત્રણેય સેનાના ધ્વજ અહીં ફરકતા રહે છે. જેની ઉપર ધ્વજ ફરકે છે એ ચક્રનું નામ વીરતા ચક્ર છે, જ્યાં ભારતના વિવિધ જંગના મ્યુરલ (ભીંત શિલ્પો) કોતરાયેલા છે અને યુદ્ધ વિશે ટૂંકી માહિતી છે. એટલી માહિતી વાંચ્યા પછી સૈન્ય પ્રત્યેનું ગૌરવ વધ્યા વગર રહે નહીં.
પ્રવેશ વખતે પ્રાથમિક માહિતી અહીં આપવામાં આવી છે. સંધ્યા સમયે જવાનું થાય તો અહીં યોજાતી રિટ્રિટ સેરેમની જોવાની તક ચૂકવા જેવી નથી.
એક તરફ સ્મારક, બીજી તરફ ઈન્ડિયા ગેટની અંગ્રેજો વખતની બનેલી છત્રીઓ અને અન્ય બાંધકામ.
વીરતા ચક્રમાં ગોઠવાયેલી યુદ્ધકથાઓ..બેટલ ઓફ ગંગાસાગર.. 1971ના યુદ્ધ વખતે બંગાળ મોરચે ખેલાયેલા એ અજાણ્યા યુદ્ધની ગૌરવગાથા વાંચતા વાંચતા જોવાની
દરેક મહત્ત્વના યુદ્ધની ટૂંકમાં પણ રસપ્રદ અને શેર લોહી ચઢાવે એવી માહિતી
1962ના ચીન યુદ્ધ વખતે ખેલાયેલું અસાધારણ યુદ્ધ બેટલ ઓફ રેઝાંગ લા..
સિઆચેન શીખરને પાકિસ્તાનના હાથમાં જતું અટકાવવા માટે ખેલાયેલો દુનિયાનો સૌથી ઊંચો જંગ.. ઓપરેશન મેઘદૂત
દરેક નામ એ શહીદનું છે, જેણે આઝાદી પછી આજ સુધી દેશ માટે લડતાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે 25,942 નામ અહીં લખાયા છે. વધુ નામો લખી શકાય એ માટે અનેક તકતીઓ ખાલી રખાઈ છે. અલબત્ત, સૌ કોઈ ઈચ્છે છે કે ખાલી રહેલી તકતીઓ ક્યારેય ન ભરાય
સામાન્ય દેખાતા નામ તેમના પરિવારજનો માટે અહીં સ્થિર થયેલો સમય છે, સંસ્મરણો છે અને બહાદુરીની ગાથા પણ છે. સ્મારક જોવા આવનારા મુલાકાતીઓ નામ આગળ રહેલી ખાલી જગ્યાને ઓટલો સમજી બેસી ન જાય એ માટે હાજર રહેલા જવાનોએ વારંવાર સૂચના આપતી રહેવી પડે છે.
વિવિધ યુદ્ધ પ્રમાણે નામ વહેંચી દેવાયા છે, જેથી તેમના પરિવારજનોને નામ શોધવા સરળ પડે.
કબુતર કે અન્ય સજીવો આ સ્થળને ગંદુ કરી ન મુકે એટલા માટે ઉપર અણિયાણી ડિઝાઈન કરાઈ છે.
બીજો ભાગ પરમ યોદ્ધા સ્થળ છે, જેમાં 21 પરમવીર ચક્ર વિજેતાઓને સ્થાન અપાયું છે. પરમવીર ચક્ર એ ભારતનું સર્વોચ્ચ સૈન્ય સન્માન છે અને અત્યાર સુધી 21 મહારથીઓ જ એ હાંસલ કરી શક્યા છે. ઘણા ખરાએ એ માટે પોતાનો જીવ રણમેદાનમાં ગુમાવવો પડ્યો હતો.
વર્તૂળાકારે દરેક યોદ્ધાનું પૂતળું અને સાથે તેની ગૌરવગાથા રજૂ કરાઈ છે.
સ્મારકના છેડે ભારતના યુદ્ધોનો ઈતિહાસ આ રીતે નકશા સાથે આપવામાં આવ્યો છે.સ્મારકના છેડે ભારતના યુદ્ધોનો ઈતિહાસ આ રીતે નકશા સાથે આપવામાં આવ્યો છે.
ખરીદવા જેવી સામગ્રી, વિવિધ સૈન્ય મોડેલ્સ.. વગેરે માટે શોપ પણ છે.