અરૃણાચલ પ્રદેશમાં આવેલું નામદાફા નેશનલ પાર્ક જગતનું એકમાત્ર જંગલ છે, જ્યાં ત્રણ પ્રકારના દીપડા અને ચોથા વાઘ એમ ચાર બિગ કેટનો વાસ છે.
ઉત્તર-પૂર્વમાં અરૃણાચલ પ્રદેશ મોટું રાજ્ય છે, ચીન સરહદને અડકીને આવેલું હોવાથી વારંવાર ચર્ચાતું પણ રહે છે. પ્રવાસીઓમાં આ રાજ્ય અનોખું આકર્ષણ ધરાવે છે કેમ કે ત્યાં જંગલો, અતિ ગાઢ જંગલો, નદી, નાળા, શિખર, ખીણ, ધોધ, દુર્ગમ પ્રદેશો… વગેરેનો પાર નથી. એમાં એક અનોખું જંગલ નામદાફા નેશનલ પાર્ક છે.
ચાર બિગ કેટનું જંગલ
નામદાફા નેશનલ પાર્ક લગભગ બે હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. જંગલમાં હોય એમ અનેક જાતના પ્રાણી, પક્ષી, છોડ-વેલા અને કુદરતનો વૈભવ તો અહીં છે જ. પણ વિશેષ આકર્ષણ અહીંના ફોર બિગ કેટ્સ એનિમલ છે. બિગ કેટ એ પ્રાણીઓનું કુળ-એનિમલ ફેમિલી છે. સિંહ, દીપડા, વાઘ, વગેરે બિગ કેટ કહેવાય.
અહીં બિગ કેટ ફેમિલીના ચાર મહત્વના અને ખાસ તો ભારતમાં કે દુનિયામાં ભાગ્યે જ બીજે જોવા મળતા ત્રણ પ્રકારના દીપડા (ક્લાઉડેડ લેપર્ડ, સ્નો લેપર્ટ અને લેપર્ડ) તથા વાઘ જોવા મળે છે. માટે પ્રવાસીઓ અહીં ચારમાંથી એકાદ પ્રાણી પણ દેખાઈ જાય તેની આશાએ આવતા હોય છે.
જંગલની અતિ દુર્લભ જીવસૃષ્ટિ
આ ચારમાંથી કોઈ પ્રાણી જોવા ન મળે તો પણ અહીં બીજા આકર્ષણોનો પાર નથી. કેમ કે બીજા લગભગ ૧૪૦૦ જાતના નાના-મોટા સજીવો અહીં વસે છે. તો હજાર જાતના ફૂલો જંગલને મહેકતું રાખે છે. પૂર્વોત્તરમાં મોટે પાયે ઉગતા વાંસનો પણ અહીં પાર નથી. એકલા દોઢસોથી વધુ પ્રકારના તો ઈમારતી લાકડા અહીં થાય છે. એટલે આજે પણ આ જંગલનો વનસ્પતિ અને પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ પુરો અભ્યાસ વિજ્ઞાનીઓ કરી શક્યા નથી.
બ્લૂ વંડા તરીકે ઓળખાતું ઓર્કિડનું અતિ દુર્લભ ફૂલ અહીં થાય છે. એનાકોન્ડા ફિલ્મમાં જેમ ઓર્કિડ ફૂલ શોધવા ટીમ લઈને સાહસિક સફરે જવું પડે એમ અહીં પણ આ ફૂલ શોધવા દિવસો સુધી પ્રવાસ કરવો પડે. બ્લૂ કલરના ફૂલો ભાગ્યે જ જોવા મળે છે, એમાંનું એક આ છે. એટલે તેને જંગલમાં ઉગેલું જોવું એ ભવ્યાતીભવ્ય અનુભવ કહી શકાય.
જગતના સૌથી દુર્ગંધ ફેલાવતા ફૂલમાં રફલેઝિયાનો સમાવેશ થાય છે. પરંતુ એ ફૂલ આસાનીથી જોવા મળતું નથી. કેમ કે એ માટે દૂર-દરાજ આવેલા જંગલમાં કિલોમીટરો સુધી ચાલીને જવું પડે અને દુર્ગંધ સહન કરવાની તૈયારી રાખવી પડે. એ પણ તેના ખિલવાની સિઝન દરમિયાન જવામાં આવે તો જ. માટે મોટા ભાગના પ્રવાસીઓને આ ફૂલ જોવા મળતું નથી.
ભારતમાં એપ એટલે કે વાનર (વાંદરા નહીં) કૂળનું એક જ પ્રાણી થાય છે, હૂલોક ગિબન. એ હૂલોક ગિબન માત્ર આ જંગલમાં જ જોવા મળે છે. એ સિવાય હાથી, રિંછ, બાયસન, હરણ, સફેદ માથાવાળો હંસ, જંગલી મોર.. એવા તો ઘણા સજીવો વિચરે છે.
ગાઢ વન વિસ્તાર
ભારતમાં આમ તો બહુ વર્ષા જંગલો નથી. પણ વેસ્ટર્ન ઘાટમાં થોડા ગાઢ જંગલો છે, થોડા પૂર્વોત્તરમાં છે. પૂર્વોત્તરમાં જે વર્ષા જંગલોનો પ્રદેશ છે એમાંનો કેટલોક ભાગ નામદાફામાં આવેલો છે. વિસ્તારની દૃષ્ટિએ નામદાફા ભારતનું ચોથા ક્રમનું મોટુ જંગલ છે. સરકારે ૧૯૭૨માં આ જંગલને વાઈલ્ડલાઈફ સેન્ચુરી જાહેર કરી અને ૧૯૮૩માં ટાઈગર નેશનલ પાર્ક જાહેર કર્યું. કેમ કે અહીં વાઘની નોંધપાત્ર વસ્તી હતી.
ભારતના છેડે આવેલું જંગલ
નામદાફા ભારતનું સૌથી રિમોટ નેશનલ પાર્ક (સૌથી દૂર-એકાંતમાં આવેલું જંગલ) ગણાય છે. અરૃણાચલ પ્રદેશની મોટા ભાગની સરહદ તો ચીનને સ્પર્શે છે. પણ નામદાફા ચીન નહીં મ્યાનમાર સરહદના કાંઠે ફેલાયેલું જંગલ છે.
અરૃણાચલ પ્રદેશના નકશામાં છેક દક્ષિણ છેડે આવેલા ચાંગલાંગ જિલ્લામાં આ જંગલ આવેલું છે. જંગલ ૭૦૦ ફૂટથી લઈને પંદર હજાર ફૂટના ઊંચા પહાડો સુધી ફેલાયેલું છે. માટે શારિરીક અને માનસિક મજબૂતી ધરાવતા પ્રવાસીઓને જ આ જંગલ માફક આવે એમ છે. જંગલનું મહત્વ સમજીને યુનેસ્કોએ તેને નેચરલ હેરિટેજ પણ જાહેર કર્યું છે.
બ્રહ્મપુત્રાની પેટા નદી નોઆ દીહાંગ આ જંગલમાંથી પસાર થાય છે. તેના કારણે ઠેર ઠેર જળાશયો ભરાયેલા જોવા મળે છે અને પ્રવાસીઓને મજા પડી જાય.
પાર્ક સુધી કઈ રીતે પહોંચવુ
ઉત્તર-પૂર્વના રાજ્યોના મોટા શહેરો સુધી પહોંચવામાં પણ મુશ્કેલી નડે કેમ કે વિમાન-ટ્રેન સગવડ મર્યાદિત છે. એટલે પૂર્વોત્તરના સાવ પૂર્વ છેડે આવેલા જંગલ સુધી પહોંચવુ વધારે મુશ્કેલ છે. સૌથી નજીકનું શહેર મિઆઓ છે.
મિઆઓથી આસામનું ગુહાવાટી ૬૦૦ કિલોમીટર, આસામનું દિબ્રુગઢ (મોહનબારી એરપોર્ટ) ૧૬૦ કિલોમીટર, તિનસુખિયા રેલવે સ્ટેશન ૧૧૫ કિલોમીટર દૂર આવેલા છે.
મિઆઓ શહેરથી નેશનલ પાર્ક ૨૫ કિલોમીટર દૂર છે.
પાર્કમાં ફરવા-રહેવાના વિકલ્પો
મિયાઓ શહેરમાં વિકલ્પો
મિયાઓ શહેરમાં ઈન્સ્પેક્શન બંગલો (૬ રૃમ), ઈકો ટુરિસ્ટ ગેસ્ટ હાઉસ (ચાર રૃમ), નામદાફા જંગલ કેમ્પ (ચાર રૃમ) તથા સરકિટ હાઉસ (ચાર ઓરડા) એમ સરકારી રહેણાંકો ઉપલબ્ધ છે. એ સિવાય ખાનગી હોટેલ-રિસોર્ટ તો છે જ.
સરકારી આવાસ માટે બૂકિંગ મેળવવા સંપર્ક – The Additional Deputy Commissioner, Miao – 792 122, Changlang District, Phone: +91-3807-222245
નામદાફા જંગલ પાસે રહેવાના વિકલ્પ
જંગલમાં રહેવા માટે દેબાન નામના સ્થળે જંગલ કેમ્પ આવેલો છે. તેમાં ૧૧ રૃમ છે. એમાં ભીડ રહેતી હોવાથી એડવાન્સ બૂકિંગ કરાવાનું રહે છે. નદી કાંઠે આવેલો અંગ્રેજ યુગનો બંગલો ભારે આકર્ષક છે. તેમાં બૂકિંગ માટે સંપર્ક – The Field Director, Project Tiger, Namdapha National Park, Miao – 792 122, Changlang District, Phone/Fax: +91-3807-222249.
આસપાસમાં જોવા જેવા સ્થળો
- મિયાઓમાં મ્યુઝિયમ છે, જેમાં વિવિધ સજીવો વિશેની રસપ્રદ માહિતી છે.
- દેબાન એ અહીં પોપ્યુલર કેમ્પિંગ સાઈટ છે. નદીં કાંઠે કેમ્પ બનાવીને રહી શકાય છે. આસપાસમાં ટ્રેકિંગ કરી શકાય છે. દેબાન ઉપરાંત ફર્મબેઝ નામના સ્થળે પણ નદી કાંઠે કેમ્પિંગ કરવાની સગવડ છે. અહીં જંગલખાતાની પરવાનગી જરૃરી છે અને ગાઈડ સહિતની સુવિધા વન વિભાગ દ્વારા પુરી પડાય છે.
- હોર્નબિલ (ચિલોત્રા) પક્ષી જોવા માટે હોર્નબિલ નામના સ્થળે જઈ શકાય. ત્યાં આ પક્ષીઓની મોટી વસતી છે.
- હલ્દીબારી નામનું સ્થળ દેબાનથી પાંચ કિલોમીટર દૂર છે. નદી કાંઠાનો આ વિસ્તાર હોડીમાં સફર કરી જઈ શકાય છે.
- કેમેરા પોઈન્ટ, થોડી ઊંચાઈ પરના આ સ્થળેથી નામદાફાનો અકલ્પનિય નજારો જોવા મળે છે.
- મોતિ ઝીલ, સરોવરનો વિસ્તાર પક્ષીઓનું મોટું નિવાસસ્થાન છે.
- ગાંધીગ્રામ એ ભારત-મ્યાનમાર સરહદ પરનું છેલ્લું ગામ છે. લિસુ અથવા યોબિન આદિવાસીઓ અહીં રહે છે. દેબાનથી આ ગામ સવાસો કિલોમીટર દૂર છે.
અન્ય ટિપ્સ
- પાર્કમાં પ્રવેશ માટે ફી
એક વ્યક્તિની ટિકિટ – ૧૦ રૃપિયા
વાહનની ટિકિટ – ૧૦૦ રૃપિયા
કેમેરા ફી – પ્રકાર મુજબ ૭૫થી ૪૦૦ રૃપિયા
વિડીયો કેમેરા – ૭૫૦ રૃપિયા
- તાપમાન વર્ષ દરમિયાન મહત્તમ ૩૭ ડિગ્રી અને લઘુતમ ૮ ડિગ્રી સુધી જોવા મળે છે. ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો સમય મુલાકાત માટે સર્વોત્તમ છે.
- વર્ષના અનેક મહિના વરસાદ પડતો રહે છે.
- પ્રવાસન વિશે માહિતી માટે સંપર્ક
- The Field Director, Namdapha Tiger Reserve, Miao – 792 122, Changlang district, Phone / Fax: +91-3807-222249.
- Assistant Director (Tourism), Directorate, Information and Public Relation, Naharlagun, Phone: +91-360-2244115.
- Government of India Tourist Office, Sector- C, Naharlagun – 791 110, Phone:+91-360-2244328.
Tamara lekho khoob mahiti sabhar ane tamari sathe pravas karta hoi avo anubhav Thai che
ધન્યવાદ