જાપાન પ્રવાસ -2 : શિન્કાનસેન – વેલકમ ટુ બુલેટ..

BULLET TRAIN OF JAPAN

જાપાન પ્રવાસ – ભાગ 2

ઝડપને કારણે ટ્રેનનું નામ બુલેટ પડી ગયું, ભલે બુલેટ જેટલી તેની ઝડપ નથી હોતી. પરંતુ તેનું જાપાની નામ ‘શિન્કાનસેન’ છે. આ જાપાની શબ્દનો મતલબ ‘નવી મુખ્ય રેલવે લાઈન’ એવો થાય છે. જાપાનમાં શિન્કાનસેનનું નેટવર્ક પાવરફૂલ છે અને આખા દેશને એક સ્થળેથી બીજા સ્થળે પળવારમાં પહોંચાડવા સક્ષમ છે. જે કેટલાક ટાપુ પર બુલેટ નથી પહોંચી ત્યાં પહોંચાડવા માટે તડામાર કામગીરી ચાલે છે.

જાપાનનો આ મધ્યભાગ અમારે ફરવાનો હતો, ટોકિયોથી લઈને ક્યોટો સુધી. 

આખો દેશ ટ્રેનના નેટવર્ક પર ચાલે છે એમ કહીએ તો ખોટું નથી. નાના-નાના સેન્ટરોએ પણ એરપોર્ટ છે, પરંતુ લોકો ટ્રેનનો વિકલ્પ વધારે પસંદ કરે છે. ઝડપી છે, સલામત છે, સરળ છે. અમારો હજુ પહેલો દિવસ હતો, જાપાનમાં પહોંચ્યાના થોડી કલાકો જ થઈ હતી ત્યાં શિન્કાનસેન દેવી સાથે અમારો ભેટો થયો.

આ રહી બુલેટ.. 

જે સ્ટેશન પર ટ્રેન આવવાની હતી ત્યાં પહોંચ્યા, પાટા જોયા તો એમ લાગ્યું કે આ તો અમારા જૂનાગઢના સ્ટેશનમાં હોય એવા જ દેખાય છે! અલબત્ત, દેખાય એવા પણ તેની ટેકનોલોજી ઘણી ઊંચી છે. એ વાત આગળ વિગતવાર કરીશું. થોડી વારે એટલે કે નક્કી થયેલા સમયે (એક પણ સેકન્ડ વહેલી-મોડી થયા વગર) ટ્રેન આવી, ઉભી રહી, દરવાજા ખુલ્યાં.

જમીન પર દેખાતા લીલા-પીળા પટ્ટા બુલેટના મુસાફરો માટેની લાઈનની સરહદ છે. એમાં ઉભા રહેવાનું..

નિયમ પ્રમાણે અંદરના લોકો પહેલા ઉતર્યા અને પછી અમે લાઈનમાં રહીને અંદર ચડ્યા. આખા જાપાનમાં જ્યાં ક્યાંય પણ ઉભા રહેવાનું હોય ત્યાં લોકો વગર કહ્યે લાઈનમાં જ ખડા થઈ જાય છે. હમ જહાં ખડે હોતે હે વહીં સે લાઈન શરૃ હોતી હે..  એવો ફાંકો કોઈ રાખતું નથી. અહીં તો લાઈન માટે બે અલગ અલગ પટ્ટા પણ સ્ટેશનના તળિયે દોરેલા હતા.

આંતરીક રચના તો આપણી ટ્રેન જેવી જ લાગે છે. ગેમે તેટલી ઝડપ હોય પણ અંદર ખાસ અનુભવ થતો નથી.

દરેક સ્ટેશને ટ્રેન બે મિનિટ ઉભી રહે. ચાલતી થાય અને લાંબી ગાડી સ્ટેશનમાંથી બહાર નીકળે એ પહેલા જ સ્પીડ પકડી લેતી હોવાનો સ્પષ્ટ અનુભવ પણ થાય. અમે ગાડીમાં ગોઠવાયા અને ટ્રેન દોઢ કલાકની સફર માટે નીકળી પડી. ઈકુકોએ માહિતી આપી કે 2017ના વર્ષમાં આખા જાપાનની બુલેટ ટ્રેન સરેરાશ 20 સેકન્ડ મોડી પડી હતી. એટલી મોડી પડે કેમ કે મુસાફરો ઉતરે અને ચડે એ વખતે જરા વાર થઈ શકે. જ્યાં સુધી મુસાફરો દરવાજા વચ્ચે હોય ત્યાં સુધી દરવાજો બંધ ન થાય, બંધ ન થાય ત્યાં સુધી ગાડી ન ઉપડે.

બુલેટની ટિકિટ અને દરેક ડબ્બામાં બન્ને છેડે રહેલું એસઓએસ બટન એટલે આપણી ભાષામાં ખેંચવાની ચેઈન..

જાપાની ટ્રેન વિશે અગાઉ પણ લખ્યું છે. એટલે એટલી તો ખબર હતી કે 1964માં શિન્કાનસેન શરૃ થઈ ત્યારથી આજ સુધીમાં 10 અબજથી વધારે મુસાફરોની હેરાફેરી કરી ચૂકી છે અને અકસ્માતને કારણે એક પણ મોત થયું નથી. એ ટ્રેનમાં અમારી સવારી બિલકુલ સલામત હતી. માટે આંખો મિચાઈ ગઈ અને થોડી વાર પછી જાગ્યા ત્યાં નગાનો પહોંચવાની તૈયારીમાં હતા.

બુલેટની બારીમાંથી..

બહાર નીકળ્યાં ત્યાં જ સ્ટેશનને અડીને મેટ્રોપોલિટન હોટેલ હતી. હોટેલના રિસેપ્શનમાં જે દેશના પ્રવાસી હતા, તેના ધ્વજ ફરકતાં રખાયા હતા. જાપાની ઉપરાંત એક ધ્વજ ભારતીય હતો, જે અમારા માટે જ્યારે બીજો કેનેડિયન હતો. એ જોઈને આનંદ થયો, ગર્વ પણ થયો. હોટેલમાં સામાન મુકી, જરા ફ્રેશ વગેરે થઈને નીકળી પડ્યા ઝેન્કોજી મંદિર જોવા. આખા જાપાનમાં અનેક બોદ્ધ મંદિર છે. એમાં આ શીરમોર છે. કેમ કે અંદાજે 1500 વર્ષ પહેલા જાપાનમાં ભારતથી (વાયા કોરિયા થઈને) બોદ્ધ ધર્મ પહોંચ્યો હતો. એ વખતે તેનું પહેલું મથક આ મંદિર હતું. એટલે જાપાનના મધ્ય ભાગમાં આવેલુ આ મંદિર જાપાન આખામાં બોદ્ધ ધર્મના ફેલાવાનું કેન્દ્ર બની રહ્યું છે.

હોટેલમાં અમારા સ્વાગત માટે રાષ્ટ્રધ્વજ પણ ઉભો કરી દેવાયો હતો. 

ભારતથી જનારા પ્રવાસીઓને ત્યાં લઈ જવા એ સ્વાભાવિક છે. નગાનો શહેરની બસમાં સવાર થઈને અમે જરા દૂર આવેલા મંદિરે પહોંચ્યા. દરેક મંદિરની બહાર કદાવર અને ભવ્ય દરવાજા આખા જાપાનમાં જોવા મળે. બન્ને તરફ એક એક મૂર્તિ જે આપણા પ્રાગટ્ય અને અંતને સાંકેતિક રજૂ કરે છે.

અહીં પહેલા અમારે બુદ્ધિસ્ટ લંચ લેવાનું હતુ. હું વેજિટેરિયન છું અને મને તેનું ગૌરવ પણ છે. ઘણા ડોફેશ વેજિટેરિયન હોવું ગુનો હોય અને નોનવેજિટેરિયન આરોગવાથી જ ખરી મર્દાઈ આવે એવા ખયાલી પૂલાવમાં રાચતા હોય છે. જેસી જીસકી સોચ.

બુદ્ધિસ્ટ થાળી અને પાછળ દેખાતું ઐતિહાસિક ચિત્ર, જેમાં ભારતમાંથી જાપાન સુધી ધર્મ કઈ રીતે પહોંચ્યો તેનું વર્ણન છે.

બુદ્ધિસ્ટ ભોજન તો આમેય વેજિટેરિયન જ હોય. ભારતીય કલ્ચર સાથે જાપાની કલ્ચરને અઢળક સામ્ય છે. એ વિષય આખા લેખનો છે, એટલે વહેલા મોડો સમયાંતરમાં લખીશ. જાપાની પ્રજા આખો દિવસમાં 3 વારમાં મળીને કુલ 30 જાતની વાનગી આરોગે છે. અલબત્ત, હવેની પેઢી એ પરંપરાગત ભોજનમાં બહુ રસ નથી લેતી પરંતુ પરંપરા એવી છે. એટલું દિવસમાં ખવાય એટલે બધા પોષકતત્વો મળી રહે. પછી કશું કરવાનું રહેતું નથી.

ઝેન્કોજી મંદિરનું ભવ્ય પ્રવેશદ્વાર.

બુદ્ધિસ્ટ ભોજન આવ્યું. વિવિધ પાત્રોમાં વિવિધ વાનગી હતી. બધાનો ટેસ્ટ અલગ હતો. આપણે મસાલેદાર ખાવા ટેવાયેલા લોકોને જાપાની ભોજન ખાસ ભાવે નહીં. મસાલા ઓછા, મીઠું ઓછુ, મરચું પણ ઓછું. વાનગીના નામ પણ વિવિધ પ્રકારના હતા, જે ખાસ યાદ રહે નહીં. તો પણ ટોફુ, ટેમ્પુરા, નુડલ્સ, ભાત વગેરે ઓળખી શકાયા. વિવિધ વાનગી ટ્રાઈ કરી, ખવાય એટલું ખાઈને મંદિરમાં જવા આગળ વધ્યાં.

ત્યાં એક નવો અનુભવ અમારી રાહ જોઈ રહ્યો હતો..

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *