જાપાની પ્રજાને ત્રણેય ટાઈમ ચા પીવા જોઈએ. પણ એક મિનિટ, આપણા જેવી ખાંડ-દૂધ મિશ્રિત નહીં. આપણે ઉકાળો કહીએ (ને શહેરી ભાષામાં હર્લબ ટી) એવી ચા. એટલે કે પત્તી અને ગરમ કરેલું પાણી. એવી ચા આખો દિવસ એ લોકો પીવે, આપણને પણ પાય. ચાનો સબંધ જાપાની સંસ્કૃતિ સાથે પરા-પૂર્વથી છે. અહીંના ઈતિહાસમાં ચા ઠેર ઠેર વણાયેલી છે. એટલે એક સમયે અહીં ‘ટી-સેરેમની’ યોજાતી હતી. એ આખી પરંપરા છે, જે હવે લુપ્ત થઈ ગઈ છે. તો પણ પ્રવાસીઓ જાણી-માણી શકે એટલા માટે હોટેલ્સ વગેરેમાં ટી-સેરેમની યોજાય છે.
અમારા પ્રવાસમાં પણ આવી ટી-સેરેમની શામેલ હતી. જૂના યુગમાં જ્યારે શોગનો (રાજા)નું શાસન હતું, ત્યારે ટી-સેરેમની ખાસ મહત્ત્વની રહેતી. બે પક્ષ વચ્ચે કંઈ બબાલ હોય તો સમાધાન માટે ટી-સેરેમની યોજાય. એ સેરમની સમય સંજોગો મુજબ અડધીથી દોઢ-બે કલાક સુધી ચાલે.
સેરેમની કંઈક આવી હોય છે. – કોઈ વ્યક્તિ સામેના પક્ષધરને પોતાને ત્યાં ચા માટે બોલાવે. દરેક ગામ-શહેરના આગેવાનો હોય એમના ઘરમાં એક ખૂણો ટી-સેરેમની માટે અનામત રખાયેલો જ હોય. જે રીતે આપણે ઘરમાં મંદિર માટે ખાંચો રાખીએ કે કોઠાર રૃમ રાખીએ એવી રીતે.
જ્યાં ટી-સેરેમની યોજવાની હોય એ જગ્યા-ઓરડાનો દરવાજો હંમેશા નીચો હોય. કોઈ પણ વ્યક્તિએ ઝુકીને તેમાંથી પસાર થવું પડે. એટલે એ વાતનો અર્થ એમ સમજવાનો કે તમારો અહમ્ બહાર મુકીને ચા-વિભાગમાં આવો. આવનાર વ્યક્તિએ પોતાના બધા હથિયાર પણ બહાર મુકી દેવાના. પાણી રાખ્યું હોય, તેનાથી હાથ-મોં ધોવાના. એ પછી અંદર પ્રવેશ કરવાનો.
ઘરનો મુખ્ય વ્યક્તિ ત્યાં યજમાન બની મહેમાનનું સ્વાગત કરે. પોતે જાતે જ ચા બનાવી પીરસે અને વાતો કરે. એ દરમિયાન જે કોઈ મુદ્દે વિવાદ કે વાંધો હોય એ ઉકેલવાનો પ્રયાસ કરે. ધારો કે વાંધો ઉકલે નહીં ને વણસે, એ સંજોગોમાં કોઈ મારા-મારી પર ઉતરી ન આવે એટલે હથિયાર બહાર મુકાવી દીધા હોય. એ સમગ્ર સેરેમની દરમિયાન બન્ને (કે એનાથી વધુ) વ્યક્તિ ગોઠણભેર બેસી રહે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ 2014માં જાપાનના પ્રવાસે ગયા ત્યારે જાપાની વડા પ્રધાન શિન્ઝો આબેએ તેમના માટે ખાસ આ ટી-સેરેમની યોજી હતી.
ગરબડ એવી થઈ કે અમારા માટે ટી-સેરેમનીના સંજોગો સર્જાયા નહીં. કોઈ વાંધો નહીં. તમે ટી-સેરેમની યોજી ન શક્યા તો શું થયું, હું તમારા માટે સેરમની યોજીશ એવુ મેં નક્કી કર્યું હતુ. નટરાજ રેસ્ટોરામાંથી નીકળીને અમારે હોટેલ પહોંચવાનું હતું. હવે બીજું કંઈ જોવાનું ખાસ હતું નહીં. એટલે જોવાનું તો ઘણુ હતુ, પણ અમારો પ્રવાસ પૂર્ણાહુતી તરફ જતો હતો. રસ્તામાં એક ઈલેક્ટ્રોનિક શોપિંગ મોલમાં થઈને અમે હોટેલ પહોંચ્યા.
જાપાની સાથીદારોને મેં કહી રાખ્યુ હતું કે જાપાની નહીં, પણ અમારી અસલ ઈન્ડિયન ટી કેવી હોય એ હું તમને ચખાડીશ. ફ્રેશ થઈને મારા ઓરડામાં આવી જજો. આપણે બહાર જઈએ ત્યારે સારી ચા ન મળે તો થોડી-ઘણી તકલીફ પડવાની પૂરી સંભાવના રહે. તેનો એક સરસ ઉપાય ‘વાઘબકરી’એ શોધી કાઢ્યો છે. ગુજરાતી હોવાના નાતે જ વાઘબકરીએ ગુજરાતીઓને માફક આવે એવી મસાલા ચાના પાઉચ તૈયાર કર્યા છે. ના, ડીપ ટીના પાઉચની વાત નથી. તેનાથી પણ વધુ સરળ આ પાઊચમાં દૂધના પાઉડર સહીતની ચાની સામગ્રી મિક્સ થયેલી હોય છે. એટલે ગરમ પાણીમાં નાખીને હલાવીને પી જવા સિવાય કશું કરવાનું રહેતું નથી. દુનિયાના કોઈ પણ ખૂણે ગરમ પાણી મળી જાય તો આ ચા બની જાય. હું પ્રવાસ વખતે એ પેકેટ હંમેશા સાથે રાખું, જાપાનમાં પણ હતું.
બધા મિત્રો મારા ઓરડામાં આવ્યા, એટલે ગરમ પાણી કરી તેમાં પાઉચનો મસાલો નાખી, એમના માટે ચા તૈયાર કરી. એ બધા માટે ટેસ્ટ નવો હતો. ગમી હોય કે ન ગમી હોય પણ બધાએ કહ્યું કે સરસ છે. મેં કહ્યું કે સરસ ન હોય તો પણ વાંધો નહીં, આ તો હું તમને અમારી રીત-ભાત સમજાવું છુ. જેમ તમારી ચા અમને અઘરી પડે એમ શક્ય છે કે વારંવાર પીવાની આવે તો આ ભારતીય ચા પણ તમને બહુ માફક ન આવે, પરંતુ આ તો ટેસ્ટ કરવા પૂરતી વાત છે.
ચા સેરેમની પૂરી થઈ. બધા વિખરાયા. કેટલાક જાપાની મિત્રો હવે મળવાના ન હતા. એમણે ભાવપૂર્ણ વિદાય લીધી.