
દેશના સૌથી જાણીતા શહેર મુંબઈની જાણી-અજાણી સફર…
નિતુલ મોડાસિયા

ભારતભરમાં ઘણા મોટા શહેરો આવેલા છે અને તે દરેક શહેર ની પોતાની વૈવિધ્યતા છે. મુંબઈ ભારત દેશનું સૌથી વિશાળ અને ભવ્ય શહેર છે. ભારતમાં બ્રિટીશ રાજ દરમિયાન વિકાસ પામેલો આ શહેર નો ઇતિહાસ જાણવા લાયક છે. આજે મુંબઈ ભારત દેશનું આર્થિકક્ષેત્રે પાટનગર છે. મુંબઈ અસલમાં સાત ટાપુઓનો સંગમ છે. તે સાત ટાપુઓ બોમ્બે, પરેલ, મજાગાંવ, વરલી, મહીમ, કોલાબા અને ઑલ્ડ વુમન્સ આઇલૅન્ડ ના નામથી ઓળખાતા.

Mumbaiનો ઈતિહાસ
રાજા ભીમદેવે ૧૩મી શતાબ્દી ના અંતમાં આ જગ્યા પર પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું અને તેની રાજધાની આજના મહિમ વિસ્તારને બનાવી હતી. શરૂઆતમાં ત્યાં આવીને વસવાટ કરનારા લોકો સૌરાષ્ટ્ર થી અને દક્ષિણ ગુજરાતથી આવનારા હતા. ત્યારબાદ ૧૩૪૮ થી ૧૪૦૭ સુધી ત્યાં મુસલમાનો રાજ રહ્યું હતું. ત્યારબાદ ૨૩ ડિસેમ્બર ૧૫૩૫ માં બહાદુરશાહ ઝફરે આ પ્રદેશ પોર્ટુગીઝ ને સોંપી દીધો. પોર્ટુગીઝ શાસન દરમિયાન બોમ્બે માં ઘણા બધા રોમન કેથલિક બાંધકામો થયા. ૧૧ મે ૧૬૬૧ માં આ વિસ્તાર બ્રિટિશરો ને હસ્તગત કરાયો. ત્યારબાદ ૧૬૮૭ માં ઈસ્ટ ઈન્ડિયા કંપની એ પોતાનું મુખ્ય મથક સુરત થી ફેરવી બોમ્બે કરી નાખ્યું. ૧૭૮૨ માં બ્રિટિશ રાજ ની દેખરેખ હેઠળ સાત ટાપુઓને એક સમતળ વિસ્તારમાં ફેરવવામાં આવ્યો.

૧૬ એપ્રિલ ૧૮૫૩ ના રોજ ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન બોમ્બે અને થાને વચ્ચે દોડતી હતી . અમેરિકન સિવિલ વોર દરમિયાન આ શહેરમાં ઘણા નવા ઉદ્યોગો વિકાસ પામ્યા. સુએઝ નહેર ના બન્યા બાદ અરબ સમુદ્રમાં બોમ્બે સૌથી મોટું બંદર બન્યું. આઝાદી બાદ પણ બોમ્બે વિકાસ પામતું રહ્યું. ૧૯૬૦ સુધી દક્ષિણ ગુજરાતનો ઘણો વિસ્તાર બોમ્બે પ્રેસિડેન્સી નો ભાગ હતો. ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અને બોમ્બે જુદા પડ્યા અને મહારાષ્ટ્ર સરકારે બોમ્બે ને પોતાની રાજધાની બનાવી. ત્યારબાદ ૧૯૯૫ મા બોમ્બે નું નામ મુંબઈ પાડવામાં આવ્યું.

મુંબઈ આજે પોતાના વિશાળ વિસ્તાર , ફિલ્મ ઉદ્યોગ અને ઈમારતો ને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મુંબઈને સપનાંનું શહેર કહે છે કારણ આ શહેરમાં દરેક માણસ પોતાના સપના લઈને આવે છે અને સફળતા પામવાની હરીફાઈમાં જોડાઈ જાય છે. મુંબઈ માં આખા ભારતમાંથી લોકો આવીને વસ્યા છે. આઝાદી પહેલાં મુંબઈમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનથી પણ લોકો આવીને વસ્યા છે. આજે ભારતની લગભગ બધી જ કંપનીઓ નું મુખ્ય મથક મુંબઈ છે. ફિલ્મ ઉદ્યોગ અને બોમ્બે હાઈ માંથી મળતા ખનીજો ને લીધે મુંબઈ ખુબ વિકાસ પામ્યું છે. આજે પણ ભારતમાં ઘણા બધા પ્રાંતથી મુંબઈ ફરવા આવું વિદેશ જવા જેવું લાગે છે. અંગ્રેજી બનાવટ ની ઇમારતો, ભવ્ય રસ્તાઓ, હોટલો અને વિશાળ સમુદ્ર તટ હોવાથી મુંબઈ ભારતના ઘણાં શહેરોથી અનોખું છે.૧.૮૩ કરોડ ની જનસંખ્યા ધરાવનાર આ શહેર 24 કલાક જાગતું રહે છે.

મુંબઈ આવનારા લોકો માટે હરવા-ફરવા ના ઘણા વિકલ્પો છે. સમુદ્ર, પર્વત અને શહેરી જીવનનું સૌથી સુંદર મિશ્રણ આ શહેર છે. ગેટવે ઓફ ઇન્ડિયા, વિક્ટોરિયા ટર્મિનસ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, તાજ હોટલ, જુહુ બીચ, એલિફન્ટા કેવ, સિદ્ધિવિનાયક મંદિર, કેનરી કેવ અને સંજય ગાંધી નેશનલ પાર્ક જેવી અનેરી જગ્યાઓ બોમ્બે જતો દરેક માણસ એક વાર અચૂક પણે જોવા જાય છે.
આ બધી જગ્યાઓ સિવાય પણ મુંબઈમાં જોવાલાયક છે. નાના બાળકથી લઈને મોટા સુધી દરેક માટે મુંબઈમા કંઈક ને કંઈક જોવાલાયક જગ્યા છે. બાળકો માટે એસલ વર્લ્ડ અને વોટર કિંગડમ ભવ્ય થીમ પાર્ક આવેલા છે. જ્યારે મોટા અને માણવા માટે એશિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવેલી છે. મુંબઈ નો ઇતિહાસ ખૂબ જુનો અને રસપ્રદ છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી જે ધારાવી નામે ઓળખાય છે તે પણ મુંબઈમાં આવેલી છે. નાની જગ્યામાં પોતાનું આખું જીવન કાઢવું અને એક રૂમમાં સંપૂર્ણ ઘર વસાવતા આપણને આ શહેર શીખવાડે છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઘર ની જગ્યા ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. પણ મુંબઇની ગીચતા ત્યાં રહીશોને તેની છૂટ નથી આપતી.

મુંબઈમાં ફરવા જતા ૯૦ ટકા લોકો ઉપર છલ્લુ મુંબઈ જોઈ પાછા ફરતા હોય છે. આઝાદીની લડત માં પણ આ શહેરનો મુખ્ય ફાળો રહેલો છે. બ્રિટિશ રાજ દરમિયાન બનેલી ઇમારતો, બોલીવુડ ની શરૂઆત ન દિવસોના સિનેમાઘરો, વીસમી સદીમાં ખૂબ મોડર્ન ગણાતા ઘરો, ભારતનો સૌથી વિશાળ ગણેશોત્સવ, ઇમ્પેરિઅલ અને જનરલ મોટર્સ બંધ પડેલા કારખાનાઓ , બંધ પડેલ જુનુ બંદરગાહ વગેરે જગ્યાઓ આપણને મુંબઈના ઇતિહાસની સફર કરાવે છે. હાજીઅલીની દરગાહ ૧૪૩૧ માં બનાવવામાં આવી હતી જે મુંબઈની તમામ ચડ-ઊતર ની સાક્ષી છે. ભારતમાં સૌથી વધારે આંતકવાદી હુમલા અને સુનામી થી સર્જાયેલી સૌથી મોટી તારાજી નું પણ આ શહેર સાક્ષી છે.

આજે મુંબઈ વિશ્વના તમામ દેશ સાથે હવાઈ માર્ગે જોડાયેલું છે. ભારતના કોઇપણ શહેર થી મુંબઈ પહોંચવું સૌથી સહેલું છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ ૨૪ કલાક યાત્રીઓ થી ધમધમતું રહે છે. મુંબઇમાં લોકલ ટ્રેન પણ માણસો જેટલું જ કામ કરે છે. એવું કહી શકાય કે મુંબઈની લોકલ ટ્રેન તેનું કરોડરજ્જુ છે. આ સિવાય એમ્બેસેડર ટેક્સી અને બે માળની બેસ્ટ બસ મુંબઈની આગવી ઓળખ છે. મુંબઈના મકાન નાના છે પણ ત્યાંના લોકો ના દિલ મોટા છે. મુંબઈમાં જાતિ ધર્મ નો ભેદ ખૂબ ઓછો જોવા મળે છે. મુંબઈના તમામ રહીશો દરેકે દરેક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે. તહેવારના દિવસોમાં મુંબઈની રોનક અનેરી હોય છે.

આજે સમગ્ર વિશ્વ લોકડાઉન ના લીધે શાંત પડ્યું છે ત્યારે હંમેશા ધમધમતું રહેતું મુંબઈ શહેર પણ માંની કાંખમાં સુતેલા બાળક સમાન શાંત અને સૌમ્ય લાગી રહ્યું છે .