
જૂનાગઢના પાદરમાં ઉભેલા ગુજરાતના સૌથી ઊંચા પર્વત-શિખર Mount Girnarની કેટલીક તસવીરો…
તસવીરો : હિતેશ સોંડાગર
Mount Girnar ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. પણ કેટલો ઊંચો? ઊંચાઈ અંગે વર્ષો સુધી ૯૧૯.૫ મિટરનો આંકડો માન્ય રહ્યો હતો. એ પછી ૨૦૧૪માં નવી ગણતરી કરીને ઊંચાઈ જાહેર કરવામાં આવી. એ મુજબ ગિરનારના અંબાજી શિખરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી ૧૦૨૦.૫ મિટર છે.

ગિરનારમાં વનસ્પતિ વૈવિધ્યનો પાર નથી. વન વિભાગે કરેલી ગણતરી મુજબ તો ૬૫૦ પ્રજાતિની વનસ્તપીઓ જોવા મળે છે. સામાન્ય પ્રવાસી તો એમાંથી છ પ્રકાર પણ ન ઓળખતો હોય એમાં કશી નવાઈ નથી.

ગિરનારના શિખરો આસપાસ જંગલ ફેલાયેલું છે. નાનકડું લાગતું આ જંગલ ચો-તરફ ગણીએ તો ૧૮૦ ચોરસ કિલોમીટરનો વ્યાપ ધરાવે છે.


ગિરનારના પ્રખ્યાત મંદિરોમાં એક જૈન મંદિર સમુહનો સમાવેશ થાય છે. જૈન દેરાસર નામે ઓળખાતા આ મંદિરો અંબાજી જતાં રસ્તામાં આવે છે. ભક્તો અને જૈન શિલ્પોમાં રસ ધરાવતા પ્રવાસીઓ ત્યાંની મુલાકાત લેતા હોય છે.


ગિરનાર એ પ્રકૃતિ, પર્યાવરણ, ધર્મ, એડવેન્ચર બધાનો સંગમ છે


દર વર્ષે દીવાળી પછી ગિરનાર ફરતે લીલી પરિક્રમા થાય છે. ૩૬ કિલોમીટર લાંબી પરિક્રમા વખતે ગિરનાર ફરતેના આ જંગલમાંથી પસાર થવું પડે. એ અનુભવ અનોખો હોય છે.

પગથિયાં ચડતાં બન્ને બાજુ ખાણી-પીણીની નાની-મોટી દુકાનો આવતી રહેશે. તેમાંબધી ચીજો મળશે પણ જરા મોંઘા ભાવે.


ધર્મસ્થાનોમાં હોય એમ ભક્તોને પોતાના તરફ ખેંચી તેના ખિસ્સામાંથી ચોક્કસ રકમનું દાન-ધરમ કરાવવાની વૃત્તિ અહીંના કેટલાક મંદિરોમાં પણ જોવા મળે છે.

ગૌમુખી ગંગા નામના આ સ્થળે ગંગા નદીનું પાણી વહેતું હોવાની માન્યતા છે.

ટોચ પર દેખાતા દતાત્રેય મંદિરમાં ભગવાન દતાત્રેયના પગલાં છે. ત્યાં જવા માટે અંબાજીથી થોડા પગથિયાં ઉતરવાં પડે અને પછી આકરું ચઢાણ ચડવું પડે. બધા પ્રવાસીઓને એ સફર માફક આવતી નથી. દતાત્રેયના પગલાં પર પહોંચ્યા પછી ફૂંકાતા તેજ પવનમાં શરીરને ટકાવવાનો પડકાર પણ ખરો.

ગિરનારનું સૌથી પ્રખ્યાત સ્થળ અંબાજી છે. મોટા ભાગના પ્રવાસીઓ અંબાજીને ગિરનાર પ્રવાસ માની લે છે. અંબાજી પછી દેખાતું શિખર ગોરખનાથની ટૂંક છે. એ શિખર એટલે ગુજરાતનું સૌથી ઊંચુ શિખર.

હવે ગિરનારનો પ્રવાસ ધાર્મિક સાથે સાથેસાથે સાહસિક બની ચૂક્યો છે. સાહસશોખિનો આવતાં-જતાં રહે છે. પણ ધાર્મિક રીતે તો ગિરનાર ચડવાની અને એક પછી એક કઈ જગ્યાની મુલાકાત લેવી તેની પણ વિધિ છે.