રણોત્સવને કારણે અઢળક પ્રવાસીઓ કચ્છમાં ફરવા જાય છે. અઢળકમાંથી જોકે બહુ ઓછા ધોળાવીરા પાસે આવેલા ‘ફોસિલ પાર્ક(અવશેષારણ્ય)’ સુધી પહોંચે છે. પ્રવાસીઓના ધ્યાન બહાર છે, એમ આ સ્થળ સરકારના પણ ધ્યાને ખાસ ચડ્યું નથી. પણ ત્યાં પહોંચ્યા પછી નવી દુનિયામાં પહોંચ્યાનો અહેસાસ થશે એ નક્કી વાત છે.
કાચો રસ્તો, બન્ને તરફ ગાંડા બાવળનાં ઊગી નીકળેલાં ઝૂંડ, રસ્તાથી થોડે દૂર નાની-મોટી ટેકરીઓ અને ક્યાંક ક્યાંક મવેશી સાથે ડાંગ લઈને આમ-તેમ ફરતાં માલધારી… એવી નિરસ ભૂગોળ વચ્ચે અમારી ગાડી આગળ વધતી જતી હતી. ખાડા-ટેકરામાં ઊંચા-નીચા થતા હતા એ વખતે સૌનાં મનમાં સવાલ પણ ઊંચા-નીચો થતો હતો કે અહીં શું જોવાનું હશે?
સાતેક કિલોમીટર એમ જ ચાલ્યા પછી સીધો રસ્તો આગળ દેખાતી બોર્ડર સિક્યોરિટી ફોર્સની ચોકી સુધી જતો હતો. પરંતુ જમણી બાજુ એક જર્જરીત બોર્ડ જાણે પુરાત્ત્વકાળથી અમારા જેવાં રડ્યાં-ખડ્યાં પ્રવાસીઓની રાહ જોતું હોય એવી હાલતમાં ઊભું હતું. બોર્ડ પર વાંકા-ચૂંકા અક્ષરે લખ્યું હતું : ‘ફોસિલ પાર્ક!’ એ રસ્તા આગળ વધ્યા. બન્ને બાજુ ટેકરીનો કલર જરા રતાશ પડતો દેખાતો હતો. નાનાં-મોટાં થોર અને બાવળની લીલોતરીને કારણે કલરનું આકર્ષક કોમ્બિનેશન જામતું હતું. એ બધું તો ઠીક, પણ પાર્ક ક્યાં છે?
એક ટેકરીનો ઢાળ ચડીને ગાડી નીચે ઉતરવી શરૃ થઈ. એ વખતે જ અમને થતા બધા સવાલોના જવાબો જાણે એકસાથે અમારી સામે વિશાળ પડદાં પર પ્રગટ થયાં હોય એવું દૃશ્ય જોવા મળ્યું. દક્ષિણે આગળ જતાં દરિયો ખતમ થઈ જાય છે અને દુનિયાનો ઠામુકો અંત આવી જાય છે, એવો ડર મધ્યયુગીન યુરોપિયન ખલાસીઓમાં હતો. એ વાત તો જાણે સમય સાથે ખોટી સાબિત થઈ, પરંતુ દુનિયાનો છેડો આવે તો કેવો હોય? એ અમને સામે દેખાયું.
અમને થોડી વાર પહેલા મોટી લાગતી હતી એ ટેકરીઓ તો બહુ નાની હતી, ટેકરી પૂરી થાય પછી સફેદ સપાટ પ્રદેશ, એ પ્રદેશ એટલે સફેદ રણ, જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી સફેદીને કારણે એક ક્ષણે તો એમ લાગ્યું કે એન્ટાર્કટિકાની ‘રોસ છાજલી’ જેવી કોઈ જગ્યાએ તો નથી આવી ગયા ને..! સફેદ રણ પુરું થાય ત્યાં વળી પાણી શરૃ થતું હતું અને પાણી વચ્ચે ભાંજડો ડુંગર અણનમ ઉભો હતો. એ તો જરા દૂરની વાત થઈ, પરંતુ અમારી નજર નીચે પહોંચી ત્યારે ખબર પડી કે ત્યાં પણ અલગ પ્રકારની દુનિયા પથરાયેલી પડી હતી. એ દુનિયા એટલે ‘ફોસિલ પાર્ક’ અથવા તો ‘અવશેષોનું અભયારણ્ય’.
અનેક રહસ્ય દબાવીને બેઠેલું ધોળાવીરા થોડા-ઘણા પ્રવાસીઓને અને વધુ સંશોધકોને આકર્ષે છે. અહીં આવતા પ્રવાસીઓ જો કોઈ સ્થાનિકને પૂછે નહીં તો એમને ખબર ન પડે કે દસેક કિલોમીટર દૂર એક અવશેષારણ્ય આવેલું છે. બીજા પ્રવાસીઓને તો કદાચ રસ ન પડે પણ અમને તો પડ્યો હતો. અમે ત્યાં પહોંચ્યા. ટેકરી પૂરી થાય અને રણ શરૃ થાય તેના ઢોળાવ પર અહીં વિવિધ આકાર-પ્રકાર-કલરના આકર્ષક દેખાતાં પથ્થર વિખરાયેલા પડ્યાં છે. સામાન્ય રીતે આવા પથ્થર જોવા ન મળે.
એમાં વળી થોડો વિસ્તાર તારની વાડથી સુરક્ષિત કરેલો છે. અમે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીં કોઈ આવતું નથી, માટે માર્ગદર્શન માટે કશું નથી. આ વિસ્તાર વન-વિભાગ હેઠળ આવે છે, એટલે વન-વિભાગની ઓળખ જેવો લાલ-સફેદ-લીલા કલર કરેલો જાંપલી કહી શકાય એવા દરવાજાને લગાવેલો હતો. પાંચેક ફીટ ઊંચા દરવાજાની બાજુના પિલ્લર પર પાંચ-સાત વાક્યમાં આખો ઈતિહાસ લખેલો હતો. એ વાંચીને કોઈ-પણ જ્ઞાનપિપાસુની આંખો ચમકે. કેમ કે આ પાર્ક 18 કરોડ વર્ષ પહેલાના અવશેષો સાચવીને બેઠો છે. અને એ પાર્કને સાચવવા વળી ત્યાં કોઈ બેઠું ન હતું. કોઈ વ્યક્તિ તો ઠીક ત્યાં પ્રવાસી માટે છાપરું, માહિતીનું બોર્ડ, બીજું કોઈ માર્ગદર્શન એવું કંઈ ન હતું. ઠીક છે, એ તો સરકારી રીત-રસમ છે.
ભલે આ વિસ્તારના અવશેષો 18 કરોડ વર્ષ જૂના છે, પરંતુ દુનિયાને તેની જાણકારી હજુ 12 વર્ષ પહેલા એટલે કે 2006માં જ મળી હતી. વન-વિભાગની ટૂકડી એ વખતે પર્યાવરણ શિબિર માટે બાળકોને લઈને અહીં આવી હતી. ત્યારે જ આ આડો પડેલો વિશિષ્ટ પથ્થર તેમના ધ્યાને ચડ્યો. એ વખતના રાપરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અશોક ખમારને આ પથ્થર કંઈ વિશિષ્ટ લાગ્યો એટલે તેમણે તેનાં કેટલાક અવશેષો તપાસવા મોકલ્યા. એ પછી જવાબ આવ્યો તેણે ભારતના તો ઠીક દુનિયાભરના પુરાતત્વશાસ્ત્રીઓને આ એક ચોરસ કિલોમીટર જેટલા નાનકડાં વિસ્તારમાં રસ લેતાં કરી દીધા.
દેખાય આડો પડેલો પથ્થર પરંતુ હકીકતે એ વૃક્ષનું થડ હતું. અવશેષ તરીકે દેખાવ પથ્થર જેવો થઈ ગયો છે. અંદાજે 18 કરોડ વર્ષ પહેલાં થયેલી ઉથલપાથલ વખતે એ મૂળસોતું ઉખડી ગયું હશે. ગાંધીનગર પાસે આવેલા ઈન્દ્રોડા પાર્કમાં ડાયનાસોરના ઈંડા જોયા હશે તેમને ખબર હશે કે એ ઈંડા પથ્થરના ગોળા હોય એવા લાગે. કેમ? કેમ કે એ કરોડો વર્ષથી એક જ સ્થળે પડ્યાં રહ્યાં હોય એટલે દેખાવ પણ પથ્થર જેવો ધારણ કરે. એ વૃક્ષની લંબાઈ દસેક મીટરની છે અને ધ્યાનથી અવલોકીએ એટલે સમજાય કે વૃક્ષનું થડ જ છે.
હવે થોડા-ઘણા પ્રવાસી આવે છે, એટલે આ વિસ્તારને ફેન્સિંગથી સુરક્ષીત કરાયો છે. એક કાચની પેટીમાં એ સમયના બીજા અવશેષોના નમૂના રખાયા છે, પણ શેના છે, તેની કોઈ માહિતી નથી. સૌથી મહત્ત્વના અવશેષો વૃક્ષના છે, માટે તેના ફરતે વળી બીજી વાડ કરી દેવાઈ છે, જેમાં કોઈ અંદર ન જઈ શકે. કોઈ ઘડવૈયાએ માથે ઉભા રહીને વિવિધ આકારના પથ્થર બનાવ્યો હોય એવા અહીં નાના-મોટાં ખડગ મોર્ડન આર્ટની માફક વિખરાયેલા પડ્યાં છે.
તૂટી ગયેલા પથ્થર જોઈએ તો વળી એમા જાત-જાતના કલર દેખાય, જાણે મંગળની ધરતી પર ન આવી પહોંચ્યા હોઈએ. પથ્થરના આકાર પણ કોતરીને મૂક્યા હોય એમ વિવિધ પ્રકારના છે. વૃક્ષના અવશેષ જોયા પછી તો અમને દરેક પથ્થર અવશેષ જ હોવાની શંકા જતી હતી, પરંતુ એ તો કોઈ જાણકાર આર્કિયોલોજિસ્ટ જ ઓળખી શકે.
એક તરફ આ પથ્થર-અવશેષની રંગીન દુનિયા તો બીજી બાજુ સફેદ રણ. આમ તો ધોરડો પાસે આવેલું સફેદ રણ રણોત્સવને કારણે પ્રખ્યાત થયું છે. પરંતુ એ એક જ જગ્યાએ સફેદ રણ છે એવુ નથી, અનેક જગ્યાએ છે. એમાં કદાચ રણને માણવાની શ્રેષ્ઠ જગ્યા હોય તો એ અહીં છે. કેમ કે કોઈ પ્રવાસી હોતા નથી, કોઈ રોકનારું હોતું નથી. રણોત્સવના સફેદ રણનો એટલો બધો પ્રચાર થયો છે કે ઘણા ખરા એવું માનીને ચાલે છે કે ધરતી પર જો ક્યાંય સફેદી ઉતરી હોય તો એ ત્યાં જ છે. પણ એવુ નથી. સફેદી તો કચ્છના નાના રણમાંય જોવા મળે છે. એ માટે રણ ખૂંદવું પડે અને અજાણી ભોમ પર પગલાં માંડવા પડે.
પથ્થરોનું અવલોન કરી અમે સફેદ રણમાં દૂર સુધી આગળ ચાલ્યાં. સફેદી ધીમે ધીમે ખારાં પાણીનું સ્વરૃપ ધારણ કરે છે. એટલે કે રણ આગળ જતાં ખારા પાણીના સમુદ્રમાં ફેરવાઈ જાય છે. મૃત સમૃદ્રમાં જે રીતે ડૂબી શકાતુ નથી, એમ શક્ય છે કે આ પાણીમાં પણ ડૂબવાનું મુશ્કેલ હોય કેમ કે પાણી ધૂંધવી નાખે એટલું ખારું છે. વર્ષો પહેલા ધૂરંધર વિજ્ઞાન લેખક વિજયગુપ્ત મૌર્યએ ‘કચ્છનું રણ’ નામની પુસ્તિકામાં લખ્યું છે કે ‘આ રણ અનોખું છે, થર કે સિંધના રણ જેવું નથી. માટે અંગ્રેજીમાં તેને ‘ડેઝર્ટ’ને બદલે ‘રણ’ જ કહેવામાં આવે છે. મેસોડેનિયાથી દુનિયા જીતવા નીકળેલો સેનાપતિ એલેક્ઝાન્ડર પણ કચ્છના રણને પાર કરી શક્યો ન હતો.’ એ માહિતી અહીં સાચી પડતી જોવા મળી.
કેટલાક નાનાં-નાનાં પાણકા યાદગીરી માટે સાથે પણ લીધા કેમ કે તેનું કલર વૈવિધ્ય અદ્ભૂત હતું. રણ-પથ્થર-અવશેષોની મજા લઈને અમે વળતી વખતે નજીકમાં આવેલી ‘બીએસએફ’ની ચોકી પર પહોંચ્યા. ત્યાં રહેલા જવાને રણમાં અતી મહત્ત્વનું કહી શકાય એવુ પાણી આપીને અમારું સ્વાગત કર્યું. અહીંથી પાકિસ્તાન કેટલું દૂર એવો સહજ સવાલ કર્યો. જવાબ આપ્યો કે ઘણું દૂર છે. બીજો સવાલ કર્યો કે આ રણ રેઢું પડ્યું છે, તમારી ટૂકડી નાની છે, રખોપું કરવામાં મુશ્કેલી ન પડે!
એ જવાને આંગળી ચીંધીને કહ્યું કે પેલો ભાંજડોં ડુંગર દેખાય છે.. ત્યાં સુધી પણ અમે વર્ષમાં એક વખત માંડ જઈ શકીએ છીએ. કેમ કે રણનું આ ખારું પાણી છે, તેને ઓળંગી શકવાનું કામ લગભગ અશક્ય છે. ચાલવાનો તો સવાલ નથી, પરંતુ એવુ કોઈ વાહન પણ નથી જે આ જળ-સ્થળના મિશ્ર રણમાં તમને થોડી-ઘણી સફર કરાવે. એટલે કે કોઈ આ રણ પાર કરીને સરહદથી આ તરફ આવે કે કોઈ અહીંથી આગળ જાય એવો ડર રાખવાનું કોઈ કારણ નથી. સરહદનો આ વિસ્તાર વિષમતા નામની કુદરતની ફોજ વડે સુરક્ષીત છે, જેને કોઈ વળોટી શકે એમ નથી. સરહદની સુરક્ષા આ રીતે પણ થાય છે એ વાંચ્યુ હોય અહીં જાણીને વધુ આનંદ થયો. જવાનોએ જણાવ્યુ કે એમ તો ડુંગર ઉપર પણ મંદિર છે, ચેક પોસ્ટ છે. અમે જ્યારે સાવ પાણી ઓસરી જાય ત્યારે ત્યાં જઈએ બાકી તો અહીંથી આગળ જવાનું બનતું નથી.
કચ્છની ધરતી અનેક ભૌગોલિક ઉથલ-પાથલની સાક્ષી રહી છે. પરંતુ તેનો કોઈ બેસ્ટ નમૂનો હોય તો એ આ ફોસિલ પાર્ક અને રણનું મિશ્રણ ધરાવતો નિર્જન વિસ્તાર છે. ધોળાવીરાથી પાર્ક સુધી જતાં રસ્તામાં એકાદ વ્યક્તિ માંડ મળે, જે પશુપાલક જ હોય. અહીં કોઈ દુકાન કે બીજી સુવિધાનો સવાલ નથી. એમાં પ્રવાસીઓને રસ ન પડે તેની કોઈ નવાઈ નથી. પરંતુ જ્ઞાન-સફર પર નીકળ્યા હોય એમના માટે આ સ્થળ અચૂક જોવા જેવું છે. પ્રવાસી તો ઠીક પણ સરકારને પણ રસ પડ્યો નથી અને કદાચ સ્થળનું મહત્વ પણ સમજાયુ નથી. બાકી તો જ્યાં ડાયનાસોરના અવશેષો મળી આવે ત્યાં દુનિયાભરના વિજ્ઞાનીઓ ઉમટી પડતાં હોય તો પછી આ સ્થળમાં પણ સંશોધકોને રસ પડે જ.
સંશોધકોને રસ પડે ત્યારે ખરો, પરંતુ ગુજરાતના અજાણ્યા સ્થળો રખડવામાં કે જાણીતા સ્થળોની અજાણી વાતો લખવામાં મને રસ પડે એટલે મેં ફરીથી થોડા મહિનાના ટૂંકા ગાળમાં જ એ પાર્કની મુલાકાત લીધી હતી. હજુ પણ સમય-સંજોગો સર્જાશે ત્યારે ફરીથી રણમાં આવેલા અભયારણ્યની મુલાકાતે નીકળી પડીશું.