જુલ્સ વર્ન નામ પડે એટલે ભવિષ્યનું દર્શન કરાવતી વિજ્ઞાનવાર્તાઓ યાદ આવે. જુલ્સદાદા એ માટે જ જગતભરમાં પંકાયેલા છે. એમણે લખેલી વિજ્ઞાન આગાહીઓ સમય જતાં સાચી પણ પડી છે. પરંતુ વિજ્ઞાન કથાઓ ઉપરાંત થોડું સાહિત્ય તેમણે સર્જ્યું છે. માર્ટિન પાઝ એવી જ 3 વાર્તાનો સંગ્રહ છે, જેમાં એક વાર્તાનું નામ માર્ટિન પાઝ છે, બીજી જુલ્સ વર્ને જ્યાં જિંદગીના પાછલા સાડા ત્રણ દાયકા સુધી રહ્યા એ એમિએન્સ નગરની ભવિષ્ય કલ્પના છે અને ત્રીજી વાર્તા એક ઉંદર પરિવારની પરિકથા છે. ત્રણેયમાં શું છે?
માર્ટિન પાઝ
ભાવાનુવાદ – સાધના નાયક દેસાઈ
પ્રકાશક – ફેલિક્સ પબ્લિકેશન સુરત, 9426777001
કિંમત -170
પાનાં – 160
પ્રથમ વાર્તા – માર્ટિન પાઝ
માર્ટિન પાઝ એ પેરુના પહાડોમાં રહેતો રેડ ઈન્ડિયન છે, જે પોતાનાથી ઉચ્ચકૂળની યુવતીના પ્રેમમાં પડ્યો. એ વખતે પેરુમાં સામાજિક ભેદભાવો ચરમસીમાએ હતા. રેડ ઈન્ડિયનો શહેરમાં આવે એ જ પોતાને ઊંચા માનતા શહેરીઓને પસંદ ન હતું. બીજી તરફ રેડ ઈન્ડિયનો જાણતા હતા કે પેરુ મૂળ તો આપણા વડવાઓની ભૂમિ છે, તેને આ પરદેશીઓના કબજામાંથી પરત મેળવવી જ રહી. એ વાર્તાની ઝલક
- બગ્ગીમાં બેઠેલી ઉમદા કુળની સ્ત્રીઓ ઘોડેસવાર સિપાહીઓ તરફ જોતી પણ ન હતી. ઊંચા કુળની સ્ત્રીઓ વિશે ઊંચા કુળના લોકો જ વિચારી શકતા.
- મીલફ્લોરેસ એક ખુશામતિયો હતો. તેનું એક જ કામ હતું, આન્દ્રેની દરેક વાતમાં હામી ભરવી!
- યહુદીની પુત્રી ઘણી જ સુંદર છે. એના નખ સુંદર રીતે સજાવીને રાખે છે. એનામાં યહુદી હોવાના કોઈ જ લક્ષણ નથી, એકમાત્ર નામ સિવાય!
- હકીકતમાં આન્દ્રે સેર્ટા જૂઠું બોલી રહ્યો હતો. તેણે શહેરના લગભગ બધા જ ઉમરાવોની યુવાન પુત્રીઓ સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ ઊંચા કૂળના પ્રત્યેક ઉમરાવે તેનો અસ્વીકાર કર્યો હતો.
- તપાડો તરીકે ઓળખાતી સુંદર નટખટ સ્ત્રીઓને જોવા થોડો સમય મળી રહેશે.
- સાંજના આકાશમાં લાલ રંગો તેમજ અંધારુ પણ એના ચહેરાની લાલી છુપાવવા સક્ષમ ન હતા, પરંતુ તેનો ચહેરો સ્કાર્ફથી ઢંકાયેલો હતો.
- યહુદી સેમ્યુઅલ બદમાશ હતો. તેને માટે વેપારથી મોટો કોઈ ધર્મ ન હતો. તે દરેક વસ્તુનો વેપાર કરતો.
- કોઈ એને જોઈ રહ્યું હોય તેવી લાગણીએ તેને ઘેરી લીધો હતો. કોઈ તેનો પીછો કરી રહ્યું હોય એવી લાગણી તેનો પીછો છોડતી ન હતી.
- તેનું આશ્ચર્ય મૂંઝવણ તેમજ બેચેનીમાં પરિવર્તિત થતું ગયું. એ યુવતી યહુદી કેવી રીતે હોઈ શકે? એને તે ઓળખી ગયો હતો.
- ઈન્ડિયનો ચોક્કસ સમયે અહીં ગુપ્ત સભા ભરતા તેની જાણ કરવા મકાનની છત પર લાંબો વાંસ મૂકી દેવાતો.
- આજે કોઈ જ પ્રવૃત્તિ તેમને વૃદ્ધ ઇન્ડિયનનું પ્રવચન સાંભળવાથી રોકી શકે તેમ ન હતી.
- બહાર ચારે તરફ આપણા મિત્રો ફેલાયેલા છે. તેઓ શેરીમાં ભટકતા તેમે જ ગીતો ગાઈ ભીખ માંગતા લોકોના વેષમાં ફરી રહ્યા છે.
- પરંતુ તેમને એક વાતની જાણ ન હતી. તેમની યોજના ગુપ્ત રહી ન હતી.
- સમુદ્રના પાણીમાં ભયાનક માનવભક્ષી માછલીઓ વસવાટ કરતી હતી. આ જોખમ તેના ધ્યાનબહાર ગયું હતું.
- ત્યાં લીંબુ તેમેજ સંતરાની મહેક, પહાડોમાંથી આવતી જંગલી વૃક્ષોની મહેક સાથે મળી જતી હતી.
- જોકે ત્યાં એટલો કોલાહલ હતો કે ઝઘડો કે આનંદના અવાજોને જુદા પાડવા અશક્ય જ હતા.
- શાબાશ માર્ટિન! પાછળથી બીજો એક અવાજ પણ સંભળાયો. તે અવાજ તેના આત્મામાં ઉતરી ગયો. તે સારાનો અવાજ હતો.
- તેઓ રાતના સમયે સૂતેલા મગરોને જાગૃત કરવા કે પોતાના તરફ આકર્ષિત કરવા માગતા ન હતા.
- તેઓ તે યુવતીની બલી ચઢાવવા માંગતા હતા.
બીજી વાર્તા – આદર્શ નગરી : એમીએન્સ
એમીએન્સ ફ્રાન્સમાં આવેલું શહેર છે, જ્યાં જુલ્સવર્ન 1871થી 1905માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી રહ્યાં હતા. આ શહેરમાં તેની યાદો ગલીએ ગલીએ પથરાયેલી છે. જોકે આ વાર્તામાં ભવિષ્યનું એટલે કે ઈસવીસન 2000ની સાલનું એમીએન્સ કેવું હશે તેની કલ્પના રજૂ થઈ છે.
- અરે ભાઈ! મેં શંકા વ્યક્ત કરી, એવું કેવી રીતે બની શકે? એક માણસ એકી વખતે, દૂરદૂરના સ્થળોમાં પોતાનું સંગીત જૂદાજૂદા શ્રોતાઓ સમક્ષ કેવી રીતે રજૂ કરી શકે?
- જો હું ગાંડો નથી થયો તો મહાશય, તમે તો જરૃર છો. મેં જવાબ વાળ્યો, હવે તમે જ નક્કી કરો, કોણ ગાંડુ થયું છે તે! મેં ઈમાનદારીથી એને પસંદગીની તક આપી.
- હા, હવે માણસો તંદુરસ્ત હોય ત્યાં સુધી જ ડોક્ટરની ફી ચૂકવવામાં આવે છે. જ્યારે તેઓ બીમાર હોય ત્યારે નાણાં ચૂકવવાનું બંધ!
- અરે એ તો સોન પ્રદેશનો એકમાત્ર કુંવારો માણસ છે!
- જ્યારથી કુંવારાઓ પર કર લાગુ થયો છે, ત્યારથી માણસ જેમ ઘરડો થાય તેમ વધારે કર ભરવાનો રહેશે, સિવાય કે લગ્ન કરીને સ્થાયી થઈ જાય. કારણ કે લગ્ન કરવાથી એ થોડા સમયમાં બરબાદ થઈ જ જાય!
- લોકોને જાડી સ્ત્રી ગમે છે, પરંતુ તેઓ પ્રભાવિત તો પાતળી સ્ત્રીઓથી જ થાય છે.
ત્રીજી વાર્તા – મૂષક પરિવાર
મૂષક પરિવારની વાર્તા પરિકથા છે. એમાં ખાસ તો નામો રસપ્રદ છે. જેમ કે નગરનું નામ રાટોપોલીસ. મૂષક પરિવારના સભ્યોના નામ, પિતા રાટોન, માતા રાટોની, પુત્રી રાટીન અને તેનો પિતરાઈ રાટ. તેમના ઘરે બે નોકર, રસોઈયો રાટા અને કામવાળી બાઈ રાટાન!
- પરીઓ તેમજ જાદુગરોનો એ સમય હતો. પ્રાણીઓને પણ વાતચીત કરવાનું વરદાન મળેલું હતું. જોકે તેઓ માનવીની જેમ તેમની વાણીના વરદાનનો દુરુપયોગ કરતાં ન હતાં.
- તને શું લાગે છે? ધન વગર ખુશી મળવી શક્ય છે? પરીએ સ્મિત સાથે તર્ક રજૂ કર્યો.
- તેના માટે પુત્રીની ખુશી કરતા સામાજિક પ્રતિષ્ઠાનું મહત્ત્વ વધારે છે.
- તે જાદુનો સૌથી સુખદ સમય હતો. તે સમયે દરેક પ્રાણીનો ચહેરો મનુષ્ય જેવો જ રહેતો.